ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ | Online thai Rahelu vishv Gujarati Nibandh

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ:- નાનપણમાં એક બાળગીત સાંભળ્યું હતું… ”આંગળાનો જાદુ મારા આંગળા નો જાદુ” અને સાચે જ હવે તો મારા નહીં આપણા સૌના આંગળા જાદુ કરવા લાગ્યા છે. વિશ્વની ઝીણામાં ઝીણી માહિતી આંગળીના ટેરવે છે. એક ક્લિકમાં તો વિશ્વનો કોઈપણ વિષય, ઘર ના સમાચાર કંઈ પણ જે તમે ચાહો તે બધું પ્રત્યક્ષ હાજર નાના ટાબરિયાઓ થી લઈને વયોવૃદ્ધ સુધીના બધા જ હવે એક ”તંતુજાળ” ના તાંતણે ગૂંથાઇ ગયા છે.

ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ (Online thai Rahelu vishv Gujarati Nibandh)

આજકાલ તો સવાર પડે ને દિવસની શરૂઆત થાય ‘ગુડ મોર્નિંગ’ના ફોર્વર્ડેડ મેસેજ ની સાથે જ, અને પછીનો આખો દિવસ વીતે ઓનલાઈન ક્લાસ, શોપિંગ, વર્કશોપ, મની ટ્રાન્સફર, ટિકિટ બુકિંગ, ઓર્ડર, ઇન્ફોર્મેશન વગેરે જેવા અનેક કાર્યોમાં; અને હજુ બાકી હોય તેમ રાત્રે સૂતા પહેલાં પણ મેઈલ ચેકિંગ, ફોટો અપલોડ, સ્ટેટ્સ સેટિંગ, કોમેન્ટ્સ, બ્લોગ રાઇટીંગ, ડેટા શેરિંગ, ટ્રોલિંગ, ફોલોઅર્સ, ફ્રેન્ડ લિસ્ટ જેવા ૯ કોઠા (અભિમન્યુ એ વીંધ્યા હતા એથી પણ વિશેષ) પાર પાડ્યા પછી મીઠી સ્માઈલ ની સાથે Gn, S.D, JSK (ગુડ નાઈટ, સ્વીટ ડ્રીમ, જયશ્રીકૃષ્ણ) પછી સુવાનું આ એક ‘ટ્રેન્ડ’ છે. ઓહો ! કેવી અદભૂત છે આ ઓનલાઇનની દુનિયા !

ઓનલાઇન માટે પાયાનું પરિબળ એટલે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એટલે  Interconnected Network.

Internet is a global network, connecting millions of electronic gadgets at any corner of the world. અર્થાત્ એક સમાન લાક્ષણિકતાઓ ધરાવતા અને વિશ્વના કોઈપણ ખૂણે રહેલા ઈલેક્ટ્રોનિક સાધનોનું જોડાણ. જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં ‘તંતુજાળ’ કહીએ છે.

Must Read : ઇન્ટરનેટ એટલે શું

સૌપ્રથમ ઇન્ટરનેટની શરૂઆત વર્ષ ૧૯૬૦માં અમેરિકામાં ARPANET ના નામે થઇ હતી. અને આજે હવે એ સંચાર માટેનું સૌથી અગત્યનું માધ્યમ બની ગયો છે. ઇન્ટરનેટ થકી તો આપણે વિશ્વની કોઈ પણ માહિતીને આંખના પલકારામાં પામી શકીએ છે. ‘ઇન્ટરનેટ’ એ અકલ્પ માહિતીનો એવો તો અગાધ દરિયો છે કે જેમાં ડૂબકી લગાવતાં જ શિક્ષણ, વ્યવસાય, ઉઘોગ, બેન્કિંગ, વાહન વ્યવહાર, ટેલિકોમ્યુનિકેશન, વ્યવસ્થા૫ન, સંરક્ષણ, બુકિંગ, કૂકિંગ, ડાન્સિંગ, સિંગીંગ, શોપિંગ……થી લઈને સરકારી યોજનાઓ સુધીની તમામ માહિતી પ્રાપ્ય છે. ગૂગલ જેવા સર્ચ એન્જિનની મદદથી આખું એન્સાઇક્લોપીડિયા કે વિકિપીડિયા હાજર થઈ જાય છે; અને આપણી સમક્ષ એક જ વસ્તુ માટે અનેકવિધ ઓપ્શન હાજર થઈ જાય છે, ત્યારે પેલા સ્લોગનની જેમ,

”કર લો દુનિયા મુઠી મેં ” ની સાથે સાથે ”ઘૂમ લો દુનિયા ઉંગલી પે” જેવો અહેસાસ થાય છે.

ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ

૨૦૧૯-૨૦ થી તો કોવિડ-૧૯ની મહામારીને કારણે ઓનલાઈનનું મહત્વ વધી ગયું છે. ફેસબુક, ટ્વિટર, વોટસએપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ જેવી સોશીયલ મેસેન્જર સર્વિસ પ્રોવાઇડર એ૫ દ્વારા સમગ્ર વિશ્વના લોકો ‘ઓનલાઈન’ નજીક આવી ગયા છે. વીડિયોકોલની સુવિધાને કારણે માઈલો દૂર રહેતાં પરિવારજનોને માત્ર સાંભળી જ નહીં પણ જોઈ શકાય છે ત્યારે હૃદયની સાથે આંખો પણ ઠરે છે. એ સમયે આપણી પ્રાચીન પરંપરાથી સનાતન સૂકિત ‘વસુદ્યૈવ કુટુંબકમ’ ટેકનોલોજીના આ યુગમાં એટલી જ પ્રસ્તુત લાગે છે.

Must Read : મોબાઇલ ફોન વિશે માહિતી

સિક્કાની બે બાજુ ની જેમ ઓનલાઇન વિશ્વના ફાયદાની સાથે ગેરફાયદા પણ એટલા જ છે. જેમ કે, ઓનલાઈન એજ્યુકેશનમાં બાળક ઘરે બેઠા બેઠા જ અભ્યાસ કરી શકે છે. ઝૂમ એપ, ગૂગલ મીટ, ગૂગલ કલાસરૂમ, સ્ટડીઅડા જેવા સ્માર્ટ ક્લાસે વર્ગખંડનું સ્થાન લીધું છે. વિવિધ વિષયો, વિવિધ એક્સપર્ટ શિક્ષકો, ઓડિયો-વીડિયો સ્વરૂપે પીરસાતુ શિક્ષણ પ્રભાવિત કરે છે. ભારતમાં રહેતો વિદ્યાર્થી ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરનાં અને વ્યાખ્યાન દ્વારા પોતાના પ્રશ્નોનોનાં ઉકેલ મેળવી શકે છે ત્યારે પ્રત્યક્ષ શિક્ષણની મજા, ગુરુજીના ઠપકા કે વિદ્યાર્થી અવસ્થાના મસ્તી-તોફાન વિસરાતાં જાય છે.

લોકો હવે એમેઝોન કે ફ્લિપકાર્ડ જેવી સાઈટ પરથી ‘શોપિંગ’ કરે છે. જ્યાં ટાંકણીથી લઈને ટ્રેક્ટર સુધીની તમામ વસ્તુઓ રંગ, કદ, કંપની, કિંમતની વિવિધતાથી લઈ ‘how to use it’ સુધીની તમામ માહિતી સાથે ઉપલબ્ધ છે. ઘરે બેઠાં જ આંગળીના ટેરવે ખરીદી કરવાનું સૌને ગમે છે પરંતુ ઓનલાઇન ખરીદીને કારણે આપણી આસપાસના નાના વેપારીઓનો ધંધો-રોજગાર પડી ભાંગ્યા છે. કેટલાક તો આત્મહત્યા કરવા સુધીની હદે આવી ગયા છે.

ઓનલાઇન મની ટ્રાન્સફરનું પણ એવું જ છે. આપણે મોબાઈલ રિચાર્જ, લાઇટબિલ, ગેસ બિલ, ટેક્સ રિટર્ન, બેન્કિંગ, બૂકિંગ, શોપિંગ–જેવા કર્યોમાં ઓનલાઇન પેમેન્ટ કરીએ છીએ ત્યારે સમય વેડફાતો બચી ગયાનો સંતોષ હોય છે. બિલ ભરવાની લાઈનમાંથી છૂટ્યા, કેશની લેવડ-દેવડ કે છુટા પૈસાની ઝંઝટમાંથી બચવાનું સારું લાગે છે ૫રંતુ ક્યારેક ઓનલાઇન સ્કીમ, ઓફર્સ કે લોભામણી જાહેરાતોને કારણે છેતરપિંડીનો ભોગ પણ બની જવાય છે.

આપણે હવે ઈ-મેઇલ થકી જરૂરી ફાઇલ, ફોટો, ડોક્યુમેન્ટને ક્ષણવારમાં જ વિશ્વના કોઈપણ ખૂણે પહોંચાડી શકીએ છે. જે કામમાં પૂર્વે દિવસો લાગી જતાં હતાં તે કામને મિનિટોમાં પૂર્ણ કરી શકીએ છે. કાગળ, રૂપિયા અને સૌથી કિંમતી સમયનો વ્યય થતો બચી જાય છે. કોઈ પણ ક્ષેત્રે આપણે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી શકીએ છે. ત્યારે એની જ સામે આપણું ટપાલખાતું બસ નામ માત્રનું રહી જવા પામ્યું છે. પૂર્વેેની જેમ ટપાલીકાકાની રાહ જોવી, પરિવારના બધા સભ્યોનું સાથે બેસીને કાગળના સમાચાર વાંચવું-સાંભળવું, કાગળમાંથી છલકાતી લાગણીને અનુભવવું– આ બધું જ હવે ભૂતકાળ બની ચૂક્યું છે.

Must Read : ઇમેઇલ એટલે શું જાણો તેનો ઇતિહાસ

સમયની સાથે સાથે હવે બધું જ બનતું જાય છે. પરંપરાગત બનતી વાનગીઓ પણ હવે તો youtube નાં ભરોસે બને છે. youtube એટલે માહિતીનું દ્રશ્ય-શ્રાવ્ય ખજાનો ! જેમાં ફિલ્મો, ગીતો, કિસ્સા, વાર્તા, કથા, રેસીપી, સમાચાર, વિવિધ કલાઓ, વિવિધ વિષયો…. કેટકેટલાં ઓપ્શન સાથે ઉપલબ્ધ હોય છે. તમને જે ગમે તેની મજા માણો, જુઓ-સાંભળો, હસો-હસાવો અને તમારી સ્કિલને સરળતાથી પ્રદર્શિત કરો. ‘યુટયુબર’ બનવુ એ હવે નવો ક્રેઝ છે. અહીં માહિતસભર વિડીયો અપલોડ કરીને તમે ઘરે બેઠા હજારો-લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. કોવિડ મહામારીમાં તો અસંખ્ય લોકોએ આ જ રીતે કમાણી કરી છે. ‘વર્ક ફ્રોમ હોમ’  હવે તો સામાન્ય બની ગયુ છે. ત્યારે ઓનલાઇન થઇ રહેલું વિશ્વ સાચે જ એક ઉત્તમ ૫ર્યાય લાગે છે.

ઓનલાઇન થઇ રહેલું વિશ્વનાં આવા તો અઢળક ફાયદા છે. જો એનો સકારાત્મક રીતે ઉપયોગ કરવામાં આવે તો આ એક જાદુઈ ચિરાગ જેવું છે. જેમ અલ્લાદીન ચિરાગ ઘસેને જિન પ્રગટે અને સૂચના મુજબનું બધું કામ કરી દે ! તેમ આપણાં સૌ પાસે આવો ચિરાગ (સ્માર્ટફોન રૂપી) છે. જેમાં ક્લિક કરીએ અને બધું હાજર થઈ જાય. એક જગ્યાએ બેસી રહીને પણ તમે વર્ચ્યુઅલી વેબિનારમાં ભાગ લઇ શકો છો, પોતાનું મંતવ્ય આપી શકો છો, ચર્ચા દ્વારા પ્રશ્નોનોનાં ઉકેલ લાવી શકો છો.

ઘરે બેઠાં જ ડોક્ટરની સલાહ લઇ શકો છો૫ ઓનલાઇન દવા મંગાવી શકો છો૫ દવાની અસર-આડઅસર વિશે વાંચી શકો છો, કયારેક કશે ફરવા જવું હોય તો હોટલ બુક કરાવી શકો છો, એ સ્થળ વિશેની માહિતી મેળવી શકો છો, ઓનલાઇન સર્ચ કરીને ઉત્તમ સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, જોવાલાયક જગ્યાઓ – બધું જ અગાઉથી જાણી શકો છો, તમારી મનપસંદ ફિલ્મ જોઈ શકો છો, તમને ગમતી કોઈ વ્યક્તિને આદર્શ ગણી તેને ફોલો કરી શકો છો, ઉદાસીના સમયે કોઈ રમૂજી કિસ્સો કે વિડીયો જોઈને ખડખડાટ હસી શકો છો…. કેટકેટલું કરી શકાય છે ‘ઓનલાઈન’ ની મદદ વડે ! આ બધું જ થોડી ક્ષણો માટે સારું લાગે છે.

ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ

પહેલા લોકો એકબીજાને મળતા સુખ દુઃખની વાતો કરતા, પોતાનું મન હળવું કરી લેતાં અને હવે, ઓનલાઈન ફોર્માલીટી કરવી પડે એટલે વાત કરવી પડતી હોય છે ! ૫હેલાં બાળકો અનેક પ્રકારની શેરી રમતો રમતાં અને સ્વસ્થ રહેતા હતા જયારે હવે તો ઓનલાઇન ગેમ રમી-રમીને બેઠાળું જીવન જીવીને રોગના ભોગ બનવા લાગ્યાં છે. એટલું જ નહીં પણ ઓનલાઇન દર્શાવાતી અશ્લીલતા, પોર્નોગ્રાફી, અ૫શબ્દોની ભરમારને કારણે આપણા જીવનમૂલ્યો તૂટતાં જાય છે. 

બાળકમાં રહેલી માસુમિયતનું સ્થાન સ્માર્ટનેસનાં બોજા હેઠળ રગદોળાઇ રહ્યું છે. મનોરંજનનાં નામે રમાતી પબજી, બ્લ્યુ વ્હેલ કે પોકેાોન ગો જેવી રમતો પાછળ આપણું યુવાધન વેડફાઇ રહ્યું છે. પૂર્વેનાં સંયુક્ત પરિવાર હવે વિભક્ત થવા લાગ્યા છે. એટલું જ નહીં પણ ક્યારેક તો પતિ-પત્નીનાં છૂટાછેડાનું કારણ ‘ઓનલાઈન સેટિંગ, ચેટિંગ કે ડેટિંગ’ બની રહ્યુ છે. ત્યારે પેલી વાત સાચી લાગે છે કે —

“જેનું કોઈ નથી હોતું, તેનો મોબાઇલ છે. 
અને જેની પાસે મોબાઇલ છે એ કોઈના નથી હોતા.”

રમુજી શૈલીમાં કહેવાયલી આ વાત ખૂબ ઊંડો મર્મ દર્શાવે છે. ટેકનોલોજીના આ યુગમાં લોકો અપડેટ થવા લાગ્યા છે, પહેલાં કરતાં વધુ સ્માર્ટ બન્યા છે અને સારું પણ છે ! કારણ કે ‘પરિવર્તન સંસારનો નિયમ છે’ સમયની સાથે બદલાવું જરૂરી છે. પરંતુ સજાગતાથી, સતર્કતાથી, સાવધાન બનીને ‘ઇન્ટરનેટ’નો ઉપયોગ કરવો જોઈએ. જેમ દિવાસળીના ઉપયોગથી દીવડો પ્રગટાવી અને અંધારું દૂર થાય તેમ દિવાસળીનાં ખોટા ઉપયોગથી આગ લાગવાની શક્યતા પણ હોય છે જ ! એવી રીતે ‘ઇન્ટરનેટ’નો સમજદારી પૂર્વક કરેલો ઉપયોગ આપણા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે અને જો બેઘ્યાન બન્યા તો જીવનને છિન્ન ભિન્ન કરી દેવાની તાકાત ધરાવે છે. માટે જ તો ‘ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ કરીને ઓનલાઇન થઇ રહેલું વિશ્વનો એક હિસ્સો બનીએ; ના કે છેતરપિંડીનો કોઇ કિસ્સો બનીએ.

“Social media is changing the world and we are witnessing it”

એકવીસમી સદી જ્ઞાનની સદી, ટેકનોલોજીનો યુગ, કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો સમય–અને આપણે સૌ આ બદલાઇ રહેલાં વિશ્વનાં સાક્ષીઓ છે. ”રોટી, કપડા ઓર મકાનની સાથે-સાથે મોબાઈલ, ચાર્જર ઓર ઇન્ટરનેટ ડેટા” પણ હોય પ્રાથમિક જરૂરિયાતમાં જ આવે છે એવા આધુનિક યુગની મજા માણીએ; ઓનલાઇન થઈ રહેલા વિશ્વનો એક નાનકડો હિસ્સો બનીએ અને ખુશીથી ગાઈએ…

” તુ ઓનલાઈન હૈ,
મેં ભી ઓનલાઇન હું….”

લેખક:- ૫ંડયા અમિષા રાજેશકુમાર, પ્રા.શા. નવીવસાહત, વ્યારા તા.વ્યારા જિ.તાપી.

આ ૫ણ વાંચો:-

  1. જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ
  2. માતૃભાષા નું મહત્વ નિબંધ 
  3. પર્યાવરણ નું મહત્વ નિબંધ
  4. શ્રમનું મહત્વ નિબંધ
  5. સમયનું મહત્વ નિબંધ 

હુ આશા રાખુ છું કે તમને અમારો ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ (Online thai rahelu vishwa nibandh in Gujarati )  લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ | Online thai Rahelu vishv Gujarati Nibandh”

Leave a Comment