કુદરતી આપત્તિ નિબંધ ગુજરાતી | Kudrati Apati in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

કુદરતી આપત્તિ નિબંધ ગુજરાતી- આજના સમયમાં આ પૃથ્વી પર સૌથી વિકસિત જીવ કે પ્રાણી હોય તો તે મનુષ્ય છે કારણ કે આ પૃથ્વી પર રહેલી જીવસૃષ્ટિમાં મનુષ્ય જેવી શારીરિક કે માનસિક રચના બીજા કોઈ પ્રાણીમાં જોવા મળતી નથી. આ કુદરતે મનુષ્યને ઘણી બધી વસ્તુઓ કે સંપત્તિ આપી છે. જેનાથી એનું અસ્તિત્વ આ પૃથ્વી પર ટકી રહ્યું છે. જેને આપણે કુદરતી સંપત્તિ કહીએ છીએ. આ સંપત્તિ આપણા માટે કુદરત તરફથી મળેલી મોટામાં મોટી બક્ષિસ છે. કારણ કે કુદરતી સંપતિના સાનિધ્યમાં રહીને સમગ્ર જીવસૃષ્ટિ આવિષ્કાર પામી છે. અને એના રસાસ્વાદ આ જીવસૃષ્ટિ પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરે છે.

સજીવ માત્રનો આધાર પર્યાવરણ છે. પર્યાવરણ એ કુદરતની સંતુલિત અવસ્થા છે. ૫ર્યાવરણ એટલે હવા, પાણી, જમીન, જંગલ, જીવસૃષ્ટિ અને બીજા બધા વાયુતત્વો. પર્યાવરણના આ તત્વોમાં જળ, જંગલ, જમીન અને હવા છે માટે જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે. અને આ જીવસૃષ્ટિનું અસ્તિત્વ સદાકાળ ટકી રહે તે માટે ૫ર્યાવરણના વિવિધ પરિબળો વચ્ચે સંતુલન રહેવું ખૂબ જરૂરી છે. આ ૫ર્યાવરણમાં સમગ્ર સૃષ્ટિમાં રહેલ માનવ, જીવજંતુઓ, પ્રાણીઓ-પક્ષીઓ, વનસ્પતિઓ હરે-ફરે-ચરે આનંદ માણે અને સૌ કોઈ પોત-પોતાની રીતે પોતાનું જીવન સરળતાથી ચલાવી વિતાવી શકે તેવી કુદરતી વ્યવસ્થા છે.

કુદરતી આપત્તિ નિબંધ (Kudrati Apati in Gujarati)

પર્યાવરણમાં રહેલી સજીવ અને નિર્જીવ સૃષ્ટિમાં અપાર વૈવિધ્ય રહેલું છે. જેમાં આપણને પૃકૃતિના રોદ્ર સ્વરૂપ અને રમ્ય સ્વરૂપ જોવા મળે છે. કુદરતના રમણીય સ્વરૂપ, સુંદરતાનો આપણે આનંદ ઉઠાવી શકીએ છીએ. જેને માણીને આપણે આપણી યંત્રવત બની ગયેલી દોડધામભરી ત્રસ્ત જિંદગીમાં થોડી હળવાશ અનુભવીએ છીએ. આપણે પ્રફુલ્લિત બની જઈએ છીએ અને એક નવી ચેતનાનો આપણે અનુભવ કરીએ છીએ. તો કુદરતનું આ રમ્ય સ્વરૂપ જેટલું મનમોહક છે એટલું જ તેનું રૌદ્ર સ્વરૂપ ભયાનક છે.

કુદરતે એક બાજુ હાસ્ય વેર્યું છે તો બીજી બાજુ એનું આપણને ડરાવી દે, વિચલિત કરી દે એવું ડરામણું અને ભયંકર રૂપ પણ જોવા મળે છે. કુદરતનું આ ડરામણુ અને રોદ્ર સ્વરૂપ આપણને વિવિધ કુદરતી આપત્તિઓમાં જોવા મળે છે. જે ખરેખર આપણે વિચલિત કરી દે છે.

કુદરતી આપત્તિ એટલે શું (natural disasters )

આ કુદરતી આપત્તિઓ શું છે અને કેવી રીતે આવે છે ? તો તેનો એક જ જવાબ છે. કુદરતી સંપત્તિને નુકસાન, પ્રકૃતિના વિકાસમાં ખલેલ પહોંચાડવી કે અવરોધ ઉત્પન્ન કરવા. જ્યારે પર્યાવરણના પરિબળોનું સંતુલન ખોરવાઈ જાય છે ત્યારે કુદરતી આપત્તિઓ આવે છે. વર્ષો, સદીઓ બાદ આજે આ ૫ર્યાવરણની પરિસ્થિતિ સારી રહી નથી. પર્યાવરણની પરિસ્થિતિ ખોરવવામાં કે તેનું સંતુલન ખોરવાતાં સૌથી મોટો ફાળો માનવી છે.

બુદ્ધિશાળી ગણાતા માનવ નામના આ સામાજીક પ્રાણીએ લોભ-લાલચમાં પૃથ્વી પર રહેલી કુદરતી સંપત્તિને પોતાની માની લીધી છે. પ્રકૃતિ પ્રત્યે ઉ૫ભોકતાવાદી વલણ ધરાવનાર માનવીએ પ્રકૃતિ પાસેથી ઘણું મેળવ્યું છે. તેના માટે જે જરૂરી છે તે બધું તેણે પ્રાપ્ત કર્યુ છે.

વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘણું બધું પોતાના જીવન માટે મેળવ્યું અને હજુ ઘણું પ્રાપ્ત કરવાના પ્રયત્નો કર્યે જ જાય છે. છતાં પણ માનવીના મનને સંતોષ નથી. અને એટલા માટે આજે પણ માનવ આ કુદરતી સંપતિને જાણે-અજાણે ખૂબ મોટું નુકસાન કરીને વિકાસના પંથે આગળ વધી રહ્યો છે.

માનવી જાણે છે કે તે પોતે પ્રકૃતિને કેટલા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યો છે, છતાં પણ તેનો લોભ-લાલચ એટલો તીવ્ર છે કે તે પોતાની જાતને રોકી શકતો નથી. અને સાથે સાથે પોતાની અપ્રાકૃતિક પ્રવૃત્તિઓ દ્વારા કુદરતી પર્યાવરણને વિનાશની સમીપે પહોંચાડી રહ્યો છે. જેનો ખુબ જ માઠાં પરિણામો આજે આપણે બધા ભોગવી રહ્યા છે. ‘હાથના કર્યા હૈયે વાગ્યા’ એ ન્યાયે વિકાસની આંધળી દોડમાં કરેલા દુષ્કૃત્યોનું પરિણામ આપણે સૌ ભોગવી રહ્યા છે.

આ પૃથ્વી પર વસેલી જીવસૃષ્ટિને ટકવા માટે કુદરતી સંપતિ જરૂરી છે. ખાસ કરીને વૃક્ષો અને પાણી. કારણ કે વૃક્ષો હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે અને હવાને શુદ્ધ કરે છે. આ રીતે જીવ સૃષ્ટિને ઉપયોગી ઓકિસજનની કમી વૃક્ષો પૂરી કરે છે. તે જ રીતે પાણી પણ એટલું જ જરૂરી છે. પરંતુ વિકાસના નામે આજે માનવીએ જંગલોનો સફાયો કરી નાખ્યો છે.

રસ્તા પહોળા બનાવવા રસ્તાની બંને બાજુએ ઉગેલા લાખો વૃક્ષોનો નાશ કર્યો છે. ધીમે ધીમે શહેરીકરણ વિકસી રહ્યું છે જેના લીધે પણ વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. તે સિવાય ઔધોગિક એકમો વિકસાવવા માટે પણ ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષોનો નાશ કરવામાં આવ્યો છે. જેના લીધે પર્યાવરણમાં રહેલા વિવિધ વાયુઓનું સંતુલન ખોરવાઈ ગયુ છે. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ઋતુચક્ર ખોરવાઈ ગયુ છે.

મોટી મોટી ફેક્ટરીઓ શરૂ કરીને મોટા પ્રમાણમાં હવામાં ઝેરી રસાયણો ભેળવ્યાં છે. સાથે સાથે આ ફેક્ટરીઓમાંથી નીકળતું પ્રદૂષિત પાણી નદી-નાળામાં કે દરિયામાં છોડવામાં આવે છે. જેનાથી અસંખ્ય જીવોને નુકશાન થયું છે. અને પાણીનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે આ પાણી જમીનમાં ઉતરવાથી ભૂગર્ભજળ પણ પ્રદૂષિત થયાં છે. આમ માનવી પાણીનું પ્રદૂષણ પણ વધારી રહ્યો છે. પાણી પીવાલાયક કે વાપરવા લાયક પણ રહ્યુ નથી.

એ જ પ્રમાણે જમીનમાં રહેલા ખનિજ તત્ત્વો મેળવવા માટે પણ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. સાથે સાથે જમીન પર ખોદવામાં આવી રહી છે. વૈજ્ઞાનિક પ્રગતિના બહાને ધરતીને ખોદી તેમાંથી ખનીજ સંપત્તિ અને જળસંપતિ બહાર કાઢવા લાગ્યો અને એનો બેફામ ઉપયોગ કરવા લાગ્યો. પરિણામે ખનીજ સંપત્તિ અને જળસંપતિ ખૂટવા માંડી છે. આકાશમાર્ગે યાત્રા શરૂ કરીને હવામાનને બગાડી મૂક્યુ છે.

જયારથી વિશ્વમાં ઔભોગિક ક્રાંતિ આવી છે ત્યારથી પૃથ્વી પર કારખાના અને ઉદ્યોગોનો રાફડો ફાટયો છે. તેમાં થતા ઉત્પાદનનાં કાર્યથી ગંદુ પાણી, ધુમાડાના ગોટા અને કચરાના ઢગલા વધતા ગયા. વાહનોનો વપરાશ વધ્યો. તેના બળતણના કારણે હવામાં કાર્બન ડાયોક્સાઇડ વધવા લાગ્યો. અને વૃક્ષો, જંગલો ઓછા થવાથી હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થવા લાગ્યું છે. જેના લીધે આજે માનવીને જીવવા માટે ઓક્સિજનના બાટલા લગાવવાની જરૂર પડે છે. આજે માણસ સમસ્ત વિશ્વનું વાતાવરણ પ્રદૂષિત કરીને બેઠો છે. આપણી ચારેબાજુનું વાતાવરણ દૂષિત થઈ ગયું છે. નથી પાણી શુઘ્ઘ રહયુ કે નથી હવા ચોખ્ખી મળતી.

કુદરતી આપત્તિ નિબંધ ગુજરાતી

મનુષ્યે પોતાની સ્વાર્થી પ્રવૃત્તિઓને કારણે જાણે-અજાણે કુદરતી સંપતિને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડયું છે. પરિણામે વાતાવરણનું સંતુલન ખોરવાઈ ગયું છે. ગરમીનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ગ્લેશિયરો પીગળવા માંડયા છે જેના લીધે આજે સમુદ્રની સપાટીમાં ઝડપથી વધારો થવા લાગ્યો છે. પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધી રહ્યો છે.

બીજા શબ્દોમાં કહીએ તો પ્રદૂષણ એટલે પ્રકૃતિના સંદર્ભમાં કરવામાં આવેલી અપ્રાકૃતિક પ્રવૃતિઓ. આ પ્રદૂષણે પ્રકૃતિના વિકાસને વેગવંતુ રાખનાર સંતુલનને અસંતુલિત બનાવી દીધું છે. પરિણામે આપણે વિવિધ કુદરતી આપત્તિઓ જેવી કે પૂર, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દાવાનળ, ભૂસ્ખલન, ધરતીકંપ, જવાળામુખી વિસ્ફોટ, સુનામી, દુકાળ અને બીજી ઘણી બીજઘી આપતિઓ જેનો આજે આપણે સામનો કરી રહ્યા છે. આમ તો આ ઘટનાઓ કુદરતી રીતે જ બને છે પરંતુ ઘણે અંશે આ ઘટનાઓ બનવા માટે માનવ સર્જિત પ્રવૃત્તિઓ જવાબદાર છે.

આજે સમગ્ર વિશ્વમાં આપણે જોઈએ તો જુદા જુદા દેશોમાં જુદી જુદી કુદરતી આપત્તિઓ જોવા મળે છે. કોઈક જગ્યાએ ભૂકંપ તો કોઈક જગ્યાએ વિનાશક પૂરની ઘટના બને છે. ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક પ્રચંડ ગરમીની ભયાનકતા જોવા મળે છે. તો ક્યાંક વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે છે ઘણી જગ્યાએ આભ ફાટવાની ઘટનાઓ જોવા મળે છે. ભૂતકાળમાં પણ આપણે ઘણીવાર વાવાઝોડા, સુનામી, ધરતીકંપ, પૂર અને બીજી કુદરતી આપત્તિઓનો સામનો કરી ચૂક્યા છે. જેના લીધે ઘણું મોટુ જાન-માલનું નુકસાન પણ આપણને થયું છે.

થોડાક સમય પહેલાં જ મે-૨૦૨૧ મહિનામાં આપણે ‘તોકતે’ અને ‘યાસ’ નામના વાવાઝોડાનો સામનો કર્યો.  ‘તોકતે’ નામનું વાવાઝોડું તો આપણા ગુજરાત રાજ્યમાંથી પસાર થયુ. જેની વિનાશક અસર આખા રાજ્યમાં જોવા મળી. કેટલાય સ્થળોએ જોરદાર પવન સાથે વરસાદ થયો. એના લીધે કેટલાય સ્થળોએ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી. ભયાનક વાવાઝોડાને લીધે કેટલાય દિવસો સુધી અંધારપટ છવાયેલો રહ્યો. કેટલાય લોકોના ઘરોના પતરા ઉડી ગયા હતા. કેટલાય વૃક્ષો ધરાશાયી થઈ ગયા. અને ઘણા ખેડૂતોને ખેતીમાં ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. સાથે સાથે કેરીની ઋતુ હોવાથી આંબા પરથી કેટલીય કેરીઓ ખરી પડી અને કેટલાય ખેડૂતોને આખે-આખી આંબાની વાડીઓ નાશ પામી. જેનું ખૂબ જ મોટું નુકસાન ખેડૂતોને થયું.

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે કચ્છમાં આવેલો ભયંકર ધરતીકંપ કોઈપણ ગુજરાતી ભૂલી શકે તેમ નથી. કચ્છમાં ચારેકોર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રભાતફેરી ફરવા નીકળેલા કેટલાય નાના ભૂલકાઓએ આ ધરતીકંપમાં જીવ ગુમાવ્યો. કેટલાય લોકો દટાઈ ગયા. લાખો લોકો ઘરવિહોણા થઈ ગયા અને કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.

કુદરતી આપત્તિ નિબંધ ગુજરાતી
કુદરતી આપત્તિ નિબંધ ગુજરાતી

મેં 2021માં ઉત્તરાખંડમાં આભ ફાટવાની ઘટના બની જેના લીધે ત્યાં ઘણું નુકસાન થયું હતુ. લોકો ઘરોમાં કાદવ-કીચડ ભરાઇ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાઇ જવાથી ખેતીમાં નુકસાન થયું હતું. તેવી જ રીતે ફેબ્રુઆરી અને એપ્રિલ એપ્રિલ મહિનામાં ગ્લેશિયર તુટવાની ઘટના બની હતી. જેના લીધે ઘણું જાનમાલનું નુકસાન થયું હતું અને ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા.

જૂન-જુલાઈ-૨૦૨૧માં અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં લોકોએ હિટવેવનો સામનો કર્યો અને એટલી ભીષણ ગરમી પડી હતી કે ઘણા લોકો તેમાં મૃત્યુ ૫ણ પામ્યા હતા. કેટલાક એક્સપર્ટ લોકો તેની પાછળના કારણો તરીકે જળ અને વાયુ પરિવર્તનને કારણે તાપમાન વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું. આવી તો  નાની-મોટી કેટલીય ઘટનાઓ વર્ષોવર્ષ બનતી હોય છે.

ધોરણ ૭ હિન્દીમાં એક કાવ્ય છે ‘ધરતી કી શાન’  આ કાવ્યમાં કવિએ મનુષ્ય કેટલો મહાન છે અને મનુષ્ય પાસે કેટલી શક્તિ છે તેની વાત કરી છે પરંતુ આપણી આસપાસ બનતી આવી ઘટનાઓ જોઈએ છીએ ત્યારે આપણને સમજાય છે કે કુદરત આગળ મનુષ્ય કેટલો પામર છે, લાચાર છે. ત્યારે એની કોઇ શકિત કે કોઈ ટેકનોલોજી કામ નથી લાગતી. આપણી આસપાસ બનતી આવી કુદરતી ઘટનાઓ આપણે નજરોનજર જોઈએ છીએ ત્યારે કુદરતના રોદ્ર સ્વરૂપની પરાકાષ્ટા આપણને જોવા મળે છે. એની સંવરલીલાની ભયાનકતા જોઈએ છીએ. ત્યારે આપણી શક્તિનો અહંકાર ભાંગીને ભૂકો થઇ જાય છે.

આમ, વૈજ્ઞાનિક શોધો અને તેનો ઉપયોગ, ભૂગર્ભજળનું શોષણ, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજ તત્વોનું ખનન, જંગલોનો સફાયો, ઔઘોગિક એકમોનો ફેલાવો, પ્રદૂષણ આવી બધી અનેક અસંખ્ય પ્રવૃત્તિઓને કારણે પ્રકૃતિનું સંતુલન અસંતુલિત થઇ રહ્યુ છે. જેના કારણે પ્રકૃતિએ ખૂબ જ વિકરાળ તાંડવરૂપ ધારણ કર્યું છે. પ્રકૃતિનું અસંતુલન આ પૃથ્વી પર શ્વાસ લઇ રહેલા દરેક સજીવના જીવનને દુષ્કર બનાવી રહ્યું છે.

છેલ્લા બે વર્ષથી આખી દુનિયા કોરોના જેવી મહામારીનો સામનો કરી રહી છે. પ્રકૃતિ શું છે?, કુદરતી સંપત્તિ શું છે? એનું સત્ય સમજવાનો એક મોકો આ કોરોનાએ માનવસમાજને આપ્યુો છે. પ્રકૃતિની સમતુલા જળવાઈ રહે તે માટે વિવિધ વાયુઓનું યોગ્ય પ્રમાણમાં સંતુલન રહેવું ખૂબ જરૂરી છે. એના માટે કુદરતે આપણને કુદરતી સંપત્તિઓ જેવી ખૂબ જ સુંદર ભેટ આપી છે. જેને સાચવવાની, એનો નાશ થતો અટકાવવાની આપણી સૌની જવાબદારી છે, આપણી ફરજ છે. મનુષ્ય એ સમજવું પડશે કે આ પૃથ્વી પર જીવસૃષ્ટિના વિકાસ માટે કુદરતી સંપતિ કેટલી આવશ્યક છે.

લેખક-પ્રિમલબેન મગનભાઈ ચૌધરી, પ્રાથમિક શાળા ઝાખરી,તા.વ્યારા જિ.તાપી

કુદરતી આપત્તિઓ ના નામ (Kudrati Aafat in Gujarati)

 1. ભુકંપ (Earthquake)
 2. વાવા ઝોડુ (હરિકેન) (Hurricane)
 3. જ્વાળામુખી (Volcano)
 4. પૂર (Flood)
 5. વરસાદ અને હિમવર્ષા (Rain and Snowfall)
 6. ભૂસ્ખલન (Landslide)
 7. દુકાળ (Drought)
 8. સુનામી (Tsunami)
 9. ચક્રવાત (Cyclone)
 10. દાવાનળ (conflagration,  forest fire)

આ ૫ણ વાંચો:-

 1. વિનાશક વાવાઝોડું નિબંધ
 2. ધરતીકંપ એક કુદરતી આફત
 3. અનાવૃષ્ટિ નિબંધ
 4. અતિવૃષ્ટિ નિબંધ
 5. સમયનું મહત્વ નિબંધ 

હુ આશા રાખુ છું કે તમને અમારો કુદરતી આપત્તિ નિબંધ ( kudrati aapti essay in gujarati)  લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment