ગાંધીજી વિશે માહિતી,નિબંધ, પ્રેરક પ્રસંગો  | Gandhiji vishe gujarati ma

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ભારતની આઝાદીનાં લડવૈયા તરીકે સૌથી મોખરે જેનું નામ લેવાય છે તે છે ભારતનાં લોકલાડીલા ગાંધી બાપુ. આમ તો નાના બાળકથી માંંડીને સૌ કોઇ ગાંધીજી વિશે માહિતી (Gandhiji vishe gujarati ma) ઘરાવે છે ૫રંતુ  થોડા દિવસો પછી જ્યારે એમની જન્મજયંતિ આવી રહી છે ત્યારે એમને શ્રદ્ધાંજલિરૂપે ગાંધીજી વિશે થોડું  જાણીએ.

વિશ્વ અહિંસા દિવસ (International Day of Non-Violence):-

ગાંધીજીનાં અહિંસાવાદી વલણને આખી દુનિયામાં આવકાર મળ્યો. એમની આ વિચારધારાથી પ્રેરિત થઈને જાન્યુઆરી 2004માં ઈરાનના નોબેલ પુરસ્કાર વિજેતા શ્રી શિરીન ઈબાદીએ વિદ્યાર્થીઓ અહિંસાનું મહત્ત્વ સમજે એ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અહિંસા દિવસ ઉજવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો. 

આ વાત કૉંગ્રેસના અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી સુધી પહોંચી. આખા દેશમાંથી આ માટેનું સમર્થન મળતાં ભારતના વિદેશમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર સામે આ પ્રસ્તાવ મૂક્યો. આથી સંયુક્ત રાષ્ટ્રમાં વોટિંગ કરવામાં આવ્યું અને 191માંથી 140 દેશોએ પોતાનું સમર્થન જાહેર કર્યું. આથી 15 જુલાઈ 2007નાં રોજ 2જી ઑક્ટોબરને અહિંસા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. ત્યારથી ગાંધીજીનો જન્મદિવસ ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ’ તરીકે ઉજવાય છે.

તેમનાં કાર્યોએ તેમને વિશ્વમાનવ બનાવ્યા. 6 જુલાઈ 1944નાં રોજ સિંગાપોરમાં રેડિયો પરથી પોતાનાં ભાષણમાં સૌ પ્રથમ વખત નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા તેમને ‘રાષ્ટ્રપિતા’ તરીકે સંબોધવામાં આવ્યા હતા. ઉપરાંત 28 એપ્રિલ 1947નાં રોજ સરોજિની નાયડુએ પણ તેમને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા. 

Must Read : સુભાષચંદ્ર બોઝનું જીવનચરિત્ર

તેમને ‘મહાત્મા’ની પદવી કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આપી હતી. આમાં એક મત એ પણ પ્રવર્તે છે કે સૌરાષ્ટ્રનાં જેતપુરમાં એક પત્રકાર દ્વારા તેમને સૌ પ્રથમ વખત ‘મહાત્મા’ કહેવામાં આવ્યા હતા. તો ચાલો, આ દિવસ જેનાં માનમાં ઉજવાય છે એવા આપણાં અહિંસાવાદી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશે માહિતી મેળવીએ.

ગાંધીજી વિશે માહિતી (Gandhiji vishe gujarati ma):-

પુરુ નામ :-મોહનદાસ કરમચંદ ગાંધી
જન્મ તારીખ :-2 ઓક્ટોબર 1869
જન્મ સ્થળ :-પોરબંદર 
પિતાનું નામ :-કરમચંદ ઉત્તમચંદ ગાંધી 
માતાનું નામ :-પુતળીબાઈ કરમચંદ ગાંધી
૫ત્ની નું નામ :-કસ્તુરબા 
સંતાનો :- હરિલાલ ગાંધી, મણીલાલ ગાંધી, રામદાસ ગાંધી, દેવદાસ ગાંધી 
વ્યવસાય :-વકીલાત, રાજકારણી, રાજકીય લેખક, પત્રકાર, તત્વજ્ઞાની, આત્મકથાલેખક, નિબંધકાર, દૈનિક સંપાદક, નાગરિક હક્કોના વકીલ, માનવતાવાદી, શાંતિ ચળવળકર્તા, ક્રાંતિકારી
મૃત્યુ:-30 જાન્યુઆરી 1948 ગાંધી સ્મૃતિ (ભારતીય અધિરાજ્ય) 
અંતિમ સ્થાન(સમાધિ):-રાજઘાટ સંકુલ

અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેનો ઉપયોગ તેમણે બ્રિટીશરોની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઈ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઈ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન અને સ્કોટલેન્ડ સુધી જ સીમિત થઈ ગયો. ગાંધીજીના સત્યાગ્રહના આદર્શે માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા.

ગાંધીજીનો જન્મ:- 

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ગુજરાતનાં પોરબંદર શહેરમાં એક હિંદુ વૈષ્ણવ વણિક પરિવારમાં થયો હતો. તેમનાં વડવાઓ વ્યવસાયે કરિયાણાનો ધંધો કરતા હતા. ગાંધીજી પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાંંધીનો વ્યવસાય કરેલો નહીં અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દીવાનપદે રહેલા. તેમના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દીવાન હતા. આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દીવાન રહ્યા હતા. વૈષ્ણવ પરંપરા મુજબ તેમનું કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે ગાંધીજીનાં લગ્ન ફક્ત 13 વર્ષની ઉંમરે કસ્તુરબા સાથે થયા હતા. કસ્તુરબા રાજકોટનાં હતાં. લગ્ન સમયે ગાંધીજી કસ્તુરબા કરતા એક વર્ષ નાના હતા, એટલે કે કસ્તુરબાની ઉંમર 14 વર્ષની હતી.

Must Read : લાલા લાજપતરાય નું જીવનચરિત્ર

મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા – સૌથી મોટો પુત્ર હરીલાલ(જન્મ ઈ. સ. 1888), ત્યાર બાદ મણીલાલ(જન્મ ઈ. સ.1892), ત્યારબાદ રામદાસ(જન્મ ઈ. સ.1897) અને સૌથી નાનો પુત્ર દેવદાસ(જન્મ ઈ. સ.1900).

બાળક મોહનને તેમનાં માતાએ અહિંસાના સંસ્કાર આપ્યા હતા. તેમનાં માતા ધાર્મિક પ્રકૃતિનાં હતાં. તેઓ પૂજા-અર્ચના માટે મંદિર જતાં હતાં અને ઉપવાસ પણ રાખતાં હતાં. માતાએ મોહનને હિંદુ પરંપરા અને મૂલ્યોનું પાક્કું જ્ઞાન આપ્યું હતું. તેમણે ગાંધીજીને હંમેશાં શાકાહારી બની રહેવાની સલાહ આપી હતી. બાળક મોહનને માતા પાસેથી ધાર્મિક સહિષ્ણુતા, સાધારણ જીવનશૈલી અને અહિંસાના સંસ્કાર પણ મળ્યા હતા. 

ગાંધીજીનું શિક્ષણ (અભ્યાસ):-

તરુણાવસ્થા સુધી ગાંધીજી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા. શરૂઆતનો અભ્યાસ તેમણે પોરબંદર અને પછી રાજકોટમાં કર્યો હતો. મેટ્રીકની પરીક્ષા માંડ માંડ પાસ કર્યા પછી ઈ. સ.1887માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઉચ્ચ અભ્યાસઅર્થે તેમણે પ્રવેશ લીધો. જો કે ત્યાં તેઓ ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેઓ બૅરીસ્ટર બને તેવી તેમના કુંટુંબીઓની ઈચ્છા હતી. આથી તેઓ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા. વળી, ભારતમાં અંગ્રેજોની હકૂમતનાં કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઈંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભૂમિ હતી તેમજ શિસ્તનું કેન્દ્ર પણ હતું. આથી તેમણે ઈંગ્લેન્ડ જવાની એ તક ઝડપી લીધી.

મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા કહેવામાં આવે છે. તેઓ એક ચતુર રાજનેતા હતા. તેઓ અંગ્રેજોના શાસનમાંથી ભારતને આઝાદ કરાવવાની લડાઈ લડ્યા હતા અને ગરીબ ભારતીયોના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો હતો. અહિંસક વિરોધના તેમણે શીખવેલા મંત્રને આજે સમગ્ર દુનિયામાં આદર સાથે યાદ કરવામાં આવે છે.

કિશોરાવસ્થાએ મોહનદાસ બળવાખોર સ્વભાવ ધરાવતા હતા. તે ઉંમરે મોહનદાસને પોતાનામાં સુધારા કરવાની ઈચ્છા હતી. પોતાની નજરમાં જે કામ પાપ હોય એ કર્યા બાદ મોહનદાસ પ્રાયશ્ચિત કરતા હતા. તેનું વિગતવાર વર્ણન તેમણે તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં કર્યું છે.

Must Read : બાબાસાહેબ આંબેડકરનું જીવનચરિત્ર

મોહનદાસ ગાંધીના પિતા મરણપથારીએ હતા ત્યારે તેઓ પિતાને છોડીને પોતાની પત્ની પાસે ચાલ્યા ગયા હતા અને તેમના પિતાનું અવસાન થયું હતું. એ ઘટના પછી મોહનદાસને પોતાના વ્યવહાર બાબતે બહુ પસ્તાવો થયો હતો. તેમનુ પહેલું બાળક જન્મના થોડા સમયમાં જ મૃત્યુ પામ્યું હતું, જેને ગાંધીજીએ પોતાના પાપ માટે ઈશ્વરે આપેલો દંડ ગણ્યું હતું, જેનો ઉલ્લેખ એમણે પોતાની આત્મકથામાં કર્યો છે.

લંડનમાં વકીલાતનો અભ્યાસ:-

મોહનદાસ મુંબઈની ભાવનગર કૉલેજમાં અભ્યાસ કરતા હતા, પણ તેઓ ત્યાં ખુશ ન હતા. એ સમયે તેમને લંડનના વિખ્યાત ઈનર ટૅમ્પલમાં કાયદાનો અભ્યાસ કરવાનું આમંત્રણ મળ્યું હતું. પરિવારના વડીલોએ તેમને સમજાવ્યા હતા કે વિદેશ જશો તો નાતબહાર મૂકી દેવામાં આવશે, પરંતુ બધી મુશ્કેલીઓને અવગણીને ગાંધી અભ્યાસ માટે લંડન ચાલ્યા ગયા હતા. ત્યાં તેમણે માતાને આપેલા વચનનું સંપૂર્ણ પાલન કર્યું અને માંસાહાર ન કર્યો.

લંડનમાં મોહનદાસ ગાંધી સંપૂર્ણપણે પશ્ચિમી રંગમાં રંગાઈ ગયા હતા, પણ એ સમયે લંડનમાં ચાલી રહેલા શાકાહારી આંદોલનમાં તેમને ભાઈચારો દેખાયો હતો અને તેઓ તેમાં જોડાઈ ગયા હતા.

એ ઉપરાંત લંડનની થિયોસૉફિકલ સોસાયટીમાંથી પણ તેમને હિંદુ પરંપરાના પાઠ ભણવા મળ્યા અને સ્વદેશ પરત આવવાની પ્રેરણા મળી, જેના સંસ્કાર મોહનદાસને તેમનાં માતાએ આપ્યા હતા.

Must Read : ભગતસિંહ નું જીવન ચરિત્ર

થિયોસૉફિકલ સોસાયટીની પ્રેરણાથી તેમણે વિશ્વબંધુત્વને પોતાનો સિદ્ધાંત બનાવ્યો હતો, જેમાં તમામ માનવો અને ધર્મોમાં શ્રદ્ધા ધરાવનારાઓને સમાન દરજ્જો આપવાનું હતું. 

ભારતમાં વકીલાત:-

કાયદાનો અભ્યાસ પૂરો કર્યા બાદ મોહનદાસ ગાંધી ભારત પરત આવ્યા હતા અને વકીલાત કરવા લાગ્યા હતા. તેમને ભારતમાં વકીલાતમાં નિષ્ફળતા મળી. તેઓ તેમનો પહેલો જ કેસ હારી ગયા હતા. એ દરમ્યાન તેમને એક અંગ્રેજ અધિકારીના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

આ ઘટનાથી અત્યંત અપમાનિત થયેલા મોહનદાસ ગાંધીને દક્ષિણ આફ્રિકામાં કામ કરવાનું આમંત્રણ મળ્યું હતું, જે તેમણે તરત જ સ્વીકારી લીધું હતું. એક ગુજરાતી વેપારીનો મુકદ્દમો લડવા માટે આફ્રિકા પહોંચ્યા.

દક્ષિણ આફ્રિકામાં અપમાન:-

દક્ષિણ આફ્રિકામાં મોહનદાસ ગાંધી ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેમને એક અંગ્રેજે સામાન સહિત ડબ્બામાંથી બહાર ફેંકાવી દીધા હતા. આ ઘટનાથી દુઃખી થઈને દક્ષિણ આફ્રિકામાં બિનનિવાસી ભારતીયો સાથે થતા વર્તન અને ભેદભાવના વિરોધમાં તેમણે દક્ષિણ આફ્રિકામાં ઈન્ડિયન કૉંગ્રેસની સ્થાપના કરી હતી.

ભારતીયોને બાકીના સમાજથી અલગ રાખવાના વિરોધમાં ગાંધીએ દક્ષિણ આફ્રિકાના નાતાલ પ્રાંતમાં આંદોલન શરૂ કર્યું હતું.

દક્ષિણ આફ્રિકામાં ભારતીયોના અધિકારો માટેના આ સંઘર્ષ દરમ્યાન જ ગાંધીએ સ્વ-શુદ્ધિકરણ અને સત્યાગ્રહ જેવા સિદ્ધાંતોના પ્રયોગ શરૂ કર્યા હતા. સ્વ-શુદ્ધિકરણ અને સત્યાગ્રહ ગાંધીના અહિંસાના વ્યાપક વિચારનો હિસ્સો હતા.

એ દરમિયાન ગાંધીજીએ બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું અને ભારતીય પરંપરામાં સાદગીનું વસ્ત્ર ગણાતી સફેદ ધોતી પહેરવાનું શરૂ કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીયો પર લાદવામાં આવેલા ત્રણ પાઉન્ડ ટૅક્સના વિરોધમાં તેમણે ઈ. સ. 1913માં આંદોલન શરૂ કર્યું હતું. સૌથી પહેલા તેમણે દક્ષિણ આફ્રિકામાં કામ કરતા ભારતીય મજૂરો, ખાણિયાઓ અને ખેતમજૂરોને એ આંદોલન દરમિયાન સંગઠીત કર્યા અને તેમના અગ્રણી બન્યા.

અનેક વર્ષોના પોતાના સંઘર્ષની મદદથી ગાંધીજીએ 2,221 લોકોની સાથે નાતાલથી ટ્રાન્સવાલ સુધીની વિરોધ પદયાત્રાનો નિર્ણય કર્યો હતો, જેને તેમણે ‘અંતિમ સવિનય અવજ્ઞા’ એવું નામ આપ્યું હતું.

એ પદયાત્રા દરમિયાન જ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. તેમને નવ મહિનાના કારાવાસની સજા કરવામાં આવી હતી, પરંતુ તેમણે શરૂ કરેલી હડતાલનો વધુ ફેલાવો થયો હતો. એ પછી દક્ષિણ આફ્રિકાની અંગ્રેજ સરકારે ભારતીયો પર લાદવામાં આવેલો ટૅક્સ પાછો ખેંચવો પડ્યો હતો અને ગાંધીજીને જેલમાંથી મુક્ત કરવા પડ્યા હતા. આ સફળતા પછી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાવા લાગ્યા હતા. આ ઘટનાની ચર્ચા ઈંગ્લેન્ડનાં વર્તમાનપત્રોમાં પણ થઈ હતી. 

દક્ષિણ આફ્રિકામાં પોતાના આંદોલનની સફળતા પછી તેઓ વિજેતા સ્વરૂપે સ્વદેશ પાછા ફર્યા હતા. ભારત આવ્યા પછી મોહનદાસ ગાંધી અને કસ્તૂરબાએ રેલવેમાં થર્ડ ક્લાસના ડબ્બામાં ભારતભ્રમણનો નિર્ણય કર્યો હતો. આ યાત્રા દરમિયાન તેમણે પોતાના દેશની ગરીબી અને લોકોને જોયા તો તેનો જોરદાર આઘાત લાગ્યો હતો. આ દરમિયાન જ અંગ્રેજ સરકારના કાળા કાયદા રોલેટ ઍક્ટના વિરોધની તેમણે જાહેરાત કરી હતી.

Must Read : સરદાર વલ્લભભાઇ ૫ટેલ નું જીવનચરિત્ર

આ કાયદા મુજબ સરકારને એવો અધિકાર મળ્યો હતો કે તે કોઈ પણ નાગરિકને ચરમપંથી હોવાની શંકાના આધારે પકડીને જેલમાં ગોંધી શકે. આથી જ ગાંધીજીના કહેવાથી આખા દેશમાંથી હજારો લોકો કાયદાનાં વિરોધમાં રસ્તા પર ઊતરી પડ્યા હતા. તમામ શહેરોમાં વિરોધ પ્રદર્શનો થયાં હતાં.

જલિયાંવાલા બાગકાંડ:-

એ દરમિયાન અનેક સ્થળે હિંસા ભડકી ઊઠી હતી. અમૃતસરમાં જનરલ ડાયરે 20 હજારથી વધુ લોકોની ભીડ પર ગોળીબાર કરાવ્યો હતો. તેમાં 400થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને 1,300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હત્યાકાંડ પછી ગાંધીજીએ  તે ભારતની આઝાદીનું આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું.

પોતાની વધતી લોકપ્રિયતાને કારણે ગાંધી હવે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના મોખરાના નેતા બની ગયા હતા. તેઓ બ્રિટનથી ભારતની આઝાદીના આંદોલનના અગ્રણી પણ બની ગયા હતા.

શ્રીમંત ભારતીયોનું એક જૂથ માત્ર ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને મહાત્મા ગાંધીએ સંઘર્ષ માટે લોકપ્રિય પક્ષ બનાવ્યો હતો. 

આઝાદીની ચળવળની શરૂઆત:-

ગાંધીએ ધાર્મિક સહિષ્ણુતા અને તમામ ધર્મોની આઝાદીના આધારે ભારત માટે સ્વાતંત્ર્ય માગ્યું હતું. ગાંધીની અહિંસક આંદોલનની અપીલને લીધે થતાં વિરોધ પ્રદર્શનોને ભારતીય સમાજના તમામ વર્ગો તથા ધર્મોનું સમર્થન મળવા લાગ્યું હતું. તેમણે બ્રિટિશ શાસન વિરુદ્ધ અસહકાર આંદોલનની શરૂઆત કરી. ગાંધીની અપીલ પર ભારતની જનતાએ બ્રિટિશ માલસામાનનો બહિષ્કાર શરૂ કર્યો હતો.

આથી બ્રિટિશ શાસકોએ ગાંધીજીની દેશદ્રોહનાં આરોપસર ધરપકડ કરી હતી. તેમને બે વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા. ગાંધીજીએ કહ્યું હતું કે, “હું ભારતનો દેશી પોશાક પહેરું છું, કારણ કે એ ભારતીય હોવાની સૌથી આસાન અને કુદરતી રીત છે.”

દાંડીકૂચ અને મીઠાનો સત્યાગ્રહ:-

બ્રિટિશ સરકારે ભારતના રાજકીય ભવિષ્ય વિશે વાત કરવા માટે લંડનમાં એક ગોળમેજી પરિષદનું આયોજન કર્યું હતું, પરંતુ તેમાં ચર્ચાથી અંગ્રેજોએ તમામ ભારતીયોને દૂર જ રાખ્યા હતા. તેથી ગાંધીજી બહુ નારાજ થયા હતા. તેમણે અંગ્રેજોના મીઠાનાં કાયદા સામે આંદોલન શરૂ કર્યું. એ સમયનાં બ્રિટિશ કાયદા અનુસાર ભારતીય નાગરિકો મીઠું એકઠું કરી શકતા ન હતા અને તેનું વેચાણ પણ કરી શકતા ન હતા. અંગ્રેજો જાણતા હતા કે મીઠું એ આવશ્યક વસ્તુ છે. ખોરાકમાં લગભગ બધાં માટે મીઠું અનિવાર્ય છે. આથી જ તેમણે મીઠું ઊંચા ભાવે વેચવા માંડ્યું હતું.

જેને કારણે ભારતીયોએ અંગ્રેજો પાસેથી ઊંચી કિંમતે મીઠું ખરીદવું પડતું હતું. ગાંધીજીએ હજારો લોકો સાથે 12 માર્ચ 1930નાં રોજ દાંડીકૂચ શરૂ કરી હતી અને 6 એપ્રિલ 1930નાં રોજ એને પૂર્ણ કરી બ્રિટિશ સરકારના પ્રતિકાત્મક વિરોધ સ્વરૂપે મીઠાનાં કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. તેથી અંગ્રેજોએ તેમની ધરપકડ કરી હતી.

મીઠાના સત્યાગ્રહ પછી એક મુઠ્ઠી મીઠું લઈ ગાંધીએ કહ્યું હતું કે ‘આ એક મુઠ્ઠી મીઠાથી હું બ્રિટિશ સામ્રાજ્યના પાયાને લૂણો લગાડી રહ્યો છું.’

આ ઘટના બાદ તો હજારો લોકોએ અંગ્રેજ સરકારને ટૅક્સ તથા મહેસૂલ ચૂકવવાનો ઈન્કાર કર્યો હતો. આખરે અંગ્રેજ સરકાર ઝૂકવું પડ્યું ત્યારે ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના થયા હતા.

ગોળમેજી પરિષદમાં ભાગ:-

ગાંધીજી લંડનમાં આયોજિત ગોળમેજી પરિષદમાં સામેલ થયેલા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ હતા.

લંડનની આ પરિષદમાં ભારતીય પરિધાનમાં પહોંચીને ગાંધીજીએ ભારતની એક શક્તિશાળી છબી પ્રસ્તુત કરી હતી, પરંતુ ગોળમેજી પરિષદ તેમને માટે નિષ્ફળ સાબિત થઈ હતી.

બ્રિટિશ સામ્રાજ્ય ભારતને આઝાદ કરવા તૈયાર ન હતું. એ ઉપરાંત મુસલમાન, શીખ અને બીજા ભારતીય પ્રતિનિધિઓ પણ ગાંધીજીની સાથે ન હતા, કારણ કે ગાંધીજી તમામ ભારતીયોના પ્રતિનિધિ છે એવું અંગ્રેજોનો લાગતું ન હતું.

ગાંધીજીને બ્રિટિશ બાદશાહ જ્યોર્જ પાંચમાને મળવાની તક મળી. એ ઉપરાંત તેઓ ત્યાંનાં મિલ મજૂરોને પણ મળ્યા હતા. આ મુલાકાતોથી ગાંધીજીને ખૂબ ખ્યાતિ મળી હતી. સાથે તેમણે ભારતની રાષ્ટ્રવાદી માંગ માટે બ્રિટિશરોની સહાનુભૂતિ પણ મેળવી હતી.

ગાંધીજીની બ્રિટન મુલાકાત બાબતે શક્તિશાળી બ્રિટિશ નેતા વિન્સ્ટન ચર્ચીલે કહ્યું હતું કે ‘શ્રી ગાંધી, જે એક દેશદ્રોહી અને સરેરાશ દરજ્જાના વકીલ છે તેઓ ખુદને એક ફકીરના સ્વરૂપમાં રજૂ કરી રહ્યા છે એ બહુ ડરામણું અને ઘૃણાસ્પદ છે.’

ગોળમેજી પરિષદમાં પોતાની નિષ્ફળતા બાદ ગાંધીએ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું અધ્યક્ષપદ છોડવાનો નિર્ણય કર્યો હતો. તેઓ પક્ષમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા.

Must Read : ચંદ્રશેખર આઝાદ નું જીવનચરિત્ર 

નાઝીઓ વિરુદ્ધની જંગમાં બ્રિટનને ટેકો આપવા ચર્ચીલે ભારતને કહ્યું ત્યારે ગાંધીજીએ વાતે જીદ પકડી હતી કે ભારતીયો પોતાના જ ઘરમાં અંગ્રેજોના ગુલામ છે ત્યાં સુધી ભારતે બ્રિટનને તેની નાઝીઓ સામેની જંગમાં ટેકો આપવો ન જોઈએ. જો અંગ્રેજો ભારતને આઝાદી આપવા તૈયાર થાય તો જ જર્મની વિરૂદ્ધ લડાઈમાં ભાગ લેવો નહીં તો નહીં એવું એમણે નક્કી કર્યું.

ભારત છોડો આંદોલન:-

ત્યારબાદ ગાંધીજીએ બ્રિટિશ શાસન વિરુદ્ધ ‘અંગ્રેજો ભારત છોડો’ આંદોલનની શરૂઆત કરી હતી. ગાંધીજી અને તેમનાં પત્ની કસ્તૂરબાને આંદોલનની શરૂઆતમાં જ જેલમાં મોકલી દેવામાં આવ્યાં હતાં. એ પછી ગાંધીજીને જેલમાંથી મુક્ત કરવાની માગણી સાથે દેશભરમાં હિંસક આંદોલન શરૂ થયું હતું, પરંતુ બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચીલ ઝુકવા તૈયાર ન હતા.

ગાંધીનાં પત્ની કસ્તૂરબાનું નજરકેદમાં જ મૃત્યુ થયું હતું. તેના ઘણા મહિના પછી ઈ. સ.1944માં ગાંધીજીને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

‘અંગ્રેજો ભારત છોડો’ આંદોલન પહેલાં ગાંધીજીએ કહ્યું હતું કે ‘આપણે ભારતને આઝાદ કરાવવું જોઈએ અથવા આ પ્રયાસમાં પોતાનું બલિદાન આપવું જોઈએ.’ ઉપરાંત એમણે એ પણ કહ્યું હતું કે ‘આઝાદી માટે અમે જીવનું બલિદાન આપીશું, પરંતુ અમે કોઈ પણ કિંમતે આજીવન ગુલામ તરીકે જીવવા રાજી નથી.’

ભારતીયોમાં આઝાદીની માગણી દિન-પ્રતિદિન પ્રબળ થતી જતી હતી. આખરે મજબૂર થઈને બ્રિટિશ સરકારે ભારતની આઝાદી માટે ચર્ચા શરૂ કરી હતી.

માઉન્ટબેટનની યોજના અનુસાર ભારતનું વિભાજન કરીને ભારત અને પાકિસ્તાન નામના બે સ્વતંત્ર દેશ બનાવવામાં આવ્યા હતા.

એ વિભાજન ધાર્મિકતાને આધારે થયું હતું. રાજધાની દિલ્હીમાં દેશની આઝાદીના ઉત્સવની ઊજવણી ચાલતી હતી, પણ એકજૂથ દેશનું ગાંધીજીનું સપનું ધરાશાયી થઈ ગયું હતું.

વિભાજનને કારણે વ્યાપક પ્રમાણમાં હત્યાઓ થઈ હતી. લગભગ એક કરોડ લોકોએ પોતાનાં ઘરબાર છોડવાં પડ્યાં હતાં.

ગાંધીજી દુઃખી થઈને દિલ્હી શહેર છોડીને કલકતા માટે રવાના થયા હતા, જેથી હિંસાને રોકીને ત્યાં શાંતિ સ્થાપી શકાય.

દેશના વિભાજનને કારણે જોરદાર હિંસા થઈ હતી. ગાંધી કલકત્તાથી દિલ્હી પાછા ફર્યા હતા, જેથી ત્યાં રહેતા એવા મુસલમાનોનું રક્ષણ કરી શકાય જેમણે પાકિસ્તાન જવાને બદલે ભારતમાં રહેવાનો નિર્ણય કર્યો હતો. ગાંધીજીએ આવા મુસલમાનોના હક માટે ઉપવાસ આદર્યા હતા.

ગાંધીજીનું મૃત્યુ:-

એ દરમિયાન એક દિવસ તેઓ દિલ્હીના બિરલા હાઉસમાં એક પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે એક નાથુરામ ગોડસે નામના વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો. ગાંધીની છાતીમાં ત્રણ ગોળી મારવામાં આવી હતી. ‘હે રામ!’ બોલીને ગાંધીજીએ પોતાનાં પ્રાણ ત્યજી દીધાં હતાં.

મોટા ભાગનાં ભારતીયો માટે મહાત્મા ગાંધીનું મૃત્યુ એક રાષ્ટ્રીય દુર્ઘટના હતું. દિલ્હીમાં મહાત્મા ગાંધીની અંતિમયાત્રા નીકળી ત્યારે તેમાં 10 લાખથી વધુ લોકો સામેલ થયા હતા.

તેમના અંતિમસંસ્કાર યમુનાના કિનારે કરવામાં આવ્યા હતા. અહિંસા અને શાંતિના આ પૂજારીના મોતનો શોક આખી દુનિયાના લોકોએ મનાવ્યો હતો. તેમના સમાધિસ્થળનું નામ ‘રાજઘાટ‘ આપવામાં આવ્યું છે.

જીવતા જીવ ગાંધીજી અખંડ ભારતનું પોતાનુ સપનું સાકાર થતું જોઈ શક્યા ન હતા. મૃત્યુ વિશે ખુદ મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ‘મૃત્યુ વચ્ચે જિંદગી પોતાનો સંઘર્ષ ચાલુ રાખે છે. અસત્યની વચ્ચે સત્ય પણ અટલ અડગ રહે છે. ચારે બાજુ અંધારાની વચ્ચે રોશની ચમકતી રહે છે.’

Must Read : સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ

સાબરમતી આશ્રમ:-

ગાંધીજીએ અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. આઝાદી પહેલાં રહેવા માટે તેમણે આ આશ્રમની સ્થાપના કરી હતી. આથી શરૂઆતમાં તો એ ગાંધીજીનું ઘર જ હતું. 17 જૂન 1917નાં રોજ ગાંધીજીએ આ આશ્રમ સ્થાપ્યો હતો, જે સાબરમતી નદીનાં કિનારે આવેલ છે. 

આ જ આશ્રમથી ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરી હતી. સાંજનાં સમયે તેઓ સાબરમતીના કિનારે બેસીને પ્રાર્થના કરતા હતા. આ આશ્રમ ‘હરિજન આશ્રમ’ કે ‘સત્યાગ્રહ આશ્રમ’ તરીકે પણ ઓળખાય છે. 

આ આશ્રમમાં જ ગાંધીજી એમનાં અનુયાયીઓ સાથે આઝાદીની લડતના પોતાનાં મુદ્દાઓની ચર્ચા કરતા હતા. તેમણે આશ્રમવાસીઓને ચરખો કાંતતાં શીખવ્યું હતું કે જેથી તેઓ સ્વનિર્ભર બની શકે.

આજે પણ આ આશ્રમની ગરિમા એટલી જ જળવાઈ રહી છે. ફર્ક પડ્યો છે તો માત્ર એટલો જ કે એ હવે ગાંધી સંગ્રહાલયમાં ફેરવાઈ ગયો છે. જોઈએ આ આશ્રમની કેટલીક વિશેષતાઓને.

  1. ‘મારું જીવન એ જ મારો સંદેશ’ ગેલેરી, જેમાં ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતી 8 ભવ્ય કદની પેઈન્ટિંગ્સ અને ૨૫૦ કરતાં પણ વધારે તસવીરો સામેલ છે.

  2. પ્રદર્શનમાં ગાંધીજીના અવતરણો, પત્રો અને અન્ય અવશેષો બતાવવામાં આવે છે.
  3. વાંચનખંડ સાથે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ગાંધીજીના જીવન, કામ, ઉપદેશો, ભારતીય સ્વતંત્રતા ચળવળ અને તેને સંબંધિત વિષયો પર આશરે 35હજાર જેટલા પુસ્તકો અને 80 જેટલા સામાયિકો ધરાવતું પુસ્તકાલય.

  4. સંગ્રહમાં ગાંધીજીએ લખેલા અને તેમને મળેલા આશરે 34117  પત્રો મૂળ અને ફોટોકોપી, હરિજન, હરિજનસેવક અને હરિજનબંધુમાં પ્રકાશિત થયેલા આશરે 8781જેટલા ગાધીજીએ લખેલા લેખોની હસ્તપ્રતો, અને આશરે 6 હજાર જેટલા ગાંધીજી અને તેમના સાથીઓના ફોટાઓ સામેલ છે.

  5. સાબરમતી આશ્રમમાં દર વર્ષે 7લાખ જેટલા મુલાકાતીઓ આવે છે. જેમની જરૂરતોનું ધ્યાન રાખવામાં આવે છે. આશ્રમ આખું વર્ષ મુલાકાતીઓ માટે સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે.

  6. ગાંધીજી દ્વારા ખાદી બનાવવામાં માટે વાપરવામાં આવેલો ચરખો અને તેમનું ટેબલ જેના પર તેઓ પત્રો લખતા હતા, તે અમૂલ્ય વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે.

દેશ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરનાર ગાંધીજીનાં ચરણોમાં શત શત નમન🙏

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

હું આશા રાખું છું કે તમને અમારો ગાંધીજી વિશે માહિતી (gandhiji vishe mahiti gujarati ma) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

3 thoughts on “ગાંધીજી વિશે માહિતી,નિબંધ, પ્રેરક પ્રસંગો  | Gandhiji vishe gujarati ma”

Leave a Comment