ગીરા ધોધ (Gira Waterfall) ડાંગ – વઘઈ

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ગીરા ધોધ:- ચોમાસાની ઋતુ હોય અને કુદરતી ઝરણાંની મજા ન માણીએ એ તો કેમ ચાલે? બરાબર ને? અને ઝરણાંને બદલે ધોધ જોવા મળી જાય તો? પૂછવું જ શું! આનંદની અનુભૂતિ થયાં વિના ન રહે! આખાય ભારતમાં અનેક ધોધ આવેલાં છે. આમાં જો માત્ર ચોમાસામાં જ સક્રિય થતાં હોય અને એનું સૌંદર્ય સોળે કળાએ ખીલતું હોય તો તમારે ડાંગ જિલ્લામાં આવેલાં ધોધ જોવા જવું જોઈએ. એમાંનો એક ધોધ ખૂબ જ  જાણીતો છે – ગીરા ધોધ (Gira Waterfall). ડાંગ જિલ્લાના વઘઈ ગામ પાસે ખાપરી નદી ધોધરૂપે અંબિકા નદીમાં ખાબકે છે જ્યાં ગિરા ધોધ આવેલો છે અંબિકા નદી ત્યાર પછી આગળ વહીને બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. આ ધોધની ઉંચાઈ 25 મીટર જેટલી છે.

બીજી રીતે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નર્મદા અને વલસાડ જિલ્લામાં ઘણા નાનાં-મોટાં ધોધ આવેલો છે. જેમાંથી ઍક છે વઘઇના આંબાપાડા ખાતે આવેલો ગીરા ધોધ. ગુજરાતના સૌથી મોટા અને સુંદર ધોધ તરીકે ગિરા ધોધનું નામ મોખરે છે. ગીરા ધોધ ડાંગ જિલ્લાની ઓળખ છે. આજે જાણીએ ગિરા ધોધ વિશે થોડી માહિતી. 

ગીરા ધોધ એટલે ગુજરાતનો એક ખૂબ જ જાણીતો ધોધ. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વઘઈ ગામની નજીક આ ધોધ આવેલો છે. અહીં અંબિકા નદી પોતે જ ધોધરૂપે પડે છે. અને આગળ વહી, બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ધોધ લગભગ ત્રીસ મીટર ઉંચાઈએથી પડે છે.

Must Read : મહાલ કેમ્પસાઈટ

આશરે 300 મીટર પહોળી નદી આટલે ઊંચેથી પડતી હોય એની કલ્પના માત્ર જ એકદમ આહલાદક હોય છે તો વિચારો કે એ જ ઘટના ખરેખર આંખ સામે બનતી હોય તો કેવી લાગે! ગીરા ધોધ નદી અને વરસાદ ઉપર આધારિત હોવાથી કોઈ વખત સળંગ દેખાય છે અને પાણીની અછત હોય ત્યારે નાના ધોધમાં વહેંચાઈ જાય છે પણ બંને રૂપમાં સુંદર લાગે છે. ચોમાસામાં ખાપરી નદી જ્યારે આખી ભરેલી હોય ત્યારે ધોધનું સ્વરૂપ ખૂબ જ સુંદર લાગે છે. ગિરા ધોધમાં ચોમાસા દરમિયાન પાણી બધે ફરતું ફરતું આવતું હોવાથી પાણી ડોહળું દેખાય છે. ધોધ પડવાની ગર્જના તેના જેવી જ મોટી છે જે દૂરથી પણ તમને સાંભળાઈ જશે.  

ગીરા ધોધ વઘઈથી માત્ર 4 કિ.મી. જ દૂર છે. વઘઈથી સાપુતારા જવાને રસ્તે 2 કિ.મી. જેટલું ગયા પછી, સાઈડમાં ધોધ તરફ જવાનો રસ્તો પડે છે. આ સાઈડના રસ્તે બીજા 2 કિ.મી. જઈએ એટલે અંબિકા નદીના કિનારે પહોંચી જવાય. કિનારેથી જ ધોધનાં દર્શન થાય છે. ધોધ પડ્યા પછી નદી વળાંક લે છે. કિનારેથી નદીની રેતીમાં ઉતરીને, ખડકાળ પથ્થરોમાં પાંચેક મિનીટ જેટલું ચાલીને ધોધની બિલકુલ સામે પહોંચાય છે. અહીં ખડકો પર જ ઊભા રહીને ધોધ જોવાનો અને ધોધનો કર્ણપ્રિય અવાજ સાંભળવાની ખૂબ મજા આવે છે. ધોધના ફોટા પાડવા માટે આ સરસ જગ્યા છે. પાણીમાં ઉતરવાનું જોખમ નહીં લેવાય. જો ઉતરો તો ડૂબી જવાય કે નદીમાં ખેંચાઈ જવાય. આવી સ્થિતિમાં ધોધનું પાણી જે જગ્યાએ પડે છે, તે જગ્યાએ જવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ ધોધમાં જઈને નાહવાનો કાર્યક્રમ બનાવવો શક્ય નથી, જીવને જોખમ ઊભું થઈ શકે છે.

ચોમાસામાં જયારે અંબિકા નદીમાં પુષ્કળ પાણી હોય છે ત્યારે આ ગિરા ધોધ ઘણો જ જાજરમાન અને રૌદ્ર લાગે છે. દૂરથી જ ધોધની ગર્જના સંભળાય છે. ધોધ પડતો હોય એ જગાએ તો પાણીમાં ઉતરાય જ નહીં, ડૂબી જવાય અને ખેંચાઈ જવાય. અરે ! થોડે દૂર પણ પાણીમાં ઉતરવા જેવું નથી.

Must Read : ડોન હિલ સ્ટેશન

ધોધ પડ્યા પછી, નદી વળાંક લે છે, એટલે નદી કિનારે ધોધની બરાબર સામે ખડકાળ પથ્થરો પર ઉભા રહી ધોધનાં દર્શન કરી શકાય છે. ધોધ બહુ જ સુંદર લાગે છે.

એમ થાય કે બસ અહીં ઉભા રહી ધોધને જોયા જ કરીએ અને એનો કર્ણપ્રિય ધ્વનિ સાંભળ્યા કરીએ ! અહીંથી ધોધના ફોટા સરસ રીતે પાડી શકાય છે. ધોધને જોઇ મનમાં એક જાતનો રોમાંચ અને આનંદ થાય છે.

ગીરા ધોધ નામનો ઈતિહાસ:-

વઘઈના આંબાપાડા નજીક આવેલા આ વિશાળકાય ધોધના નામ પાછળ એક ચોક્કસ કારણ છે. નામ એક નદી ઉપરથી પડ્યું છે. મહારાષ્ટ્રના જંગલો અને પર્વતોને ચીરતી ગિરા નદી ડાંગ સુધી પહોંચે છે. અહીં આબાંપાડા નજીક એક ઊંચા ખડક પરથી આ નદી સીધી નીચે અંબિકા નદીમાં ખાબકે છે. ગિરા નદીના નામ પરથી જ આ વોટરફોલને ગીરા ધોધ નામે ઓળખવામાં આવે છે. ધોધ સ્વરૂપે નીચે પડતા પહેલા તેના પાણીને રોકવા ચેક ડેમ પણ બનાવવામાં આવ્યો છે. ચોમાસામાં નદીમાં પાણીનો જથ્થો વધતાં ચેક ડેમ ઓવરફલો થઈ ધોધ સ્વરૂપે ગિરા નદી નીચે પડી અંબિકામાં સમાઈ જાય છે. અહીંથી અંબિકા નદી અનેક નાની મોટી નદીઓને પોતાનામાં સમાવતી બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે.

Must Read : કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ

કેવી રીતે પહોંચવું?

ડાંગ જિલ્લાના વઘઈથી સાપુતારા જવાના રસ્તે ૨ કી.મી. જેટલું ગયા પછી, સાઇડમાં એક રસ્તો પડે છે. આ રસ્તે ૨ કી.મી. જેટલું જાવ એટલે ગીરા ધોધ પહોંચી જવાય. ટૂંકમાં, વઘઈથી ગીરા ધોધ ૪ કી.મી. દૂર છે. 

ગિરિમથક સાપુતારા અહીંથી ૫૦ કી.મી. દૂર છે. એ એક જોવા જેવું સ્થળ છે. 

વઘઈ, સૂરતથી ૧૫૦ કી.મી., અમદાવાદથી ૪૦૦ કી.મી. અને મુંબઈથી ૨૫૦ કી.મી. દૂર છે. વઘઈ રેલ્વે સ્ટેશન, બીલીમોરા-વઘઈ રેલ્વે લાઈન પર આવેલું છે. રહેવા માટે વઘઈ અને સાપુતારામાં હોટલો છે.

મુલાકાત માટેનો શ્રેષ્ઠ સમય:-

ચોમાસા પછી ડિસેમ્બર સુધી આ ધોધ જોવા માટે ઉત્તમ સમય છે. ધોધની નજીક છેક નદીના કિનારા સુધી વાહનો જઈ શકે છે. અહીં ચા, નાસ્તો, મકાઈ, રમકડાં વગેરેની દુકાનો છે. નજીકમાં અંબાપાડા ગામ છે, વાંસનાં ગાઢ જંગલો છે. ગીરા ધોધ વિકસાવાય, ધોધ આગળ રહેવા, જમવા અને બાગબગીચા વગેરે સગવડો ઉભી થાય તો પ્રવાસીઓની સંખ્યા ઘણી વધે અને આવક પણ ઉભી થાય, તથા ધોધ દુનિયામાં જાણીતો થાય. ગિરા ધોધ ખરેખર એક વાર જોવા જેવો છે.

વાંસની વિવિધ બનાવટો:-

ડાંગનો આખો પ્રદેશ વાંસનાં જંગલથી ઘેરાયેલો છે. ગીરા ધોધની આસપાસ પણ નદીની બન્ને બાજુ વાંસ જંગલમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ ઉગે છે. અહીંના સ્થાનિકો માટે વાંસ રોજગારી ઊભી કરી આપે છે. આદિવાસીઓ વર્ષોથી વાંસની વિવિધ વસ્તુઅો બનાવતા આવ્યા છે. ગિરા ધોધ ખાતે તમને આવી વાંસની સુંદર બનાવટોનું વેચાણ કરતા થોડા સ્ટોલ જાવા મળશે. વાંસમાંથી બનાવેલી ફૂલદાની, કપ, નાના મોટા બાસ્કેટ સહિત ગૃહ શોભનની અનેક ચીજ વસ્તુ અહીં મળી રહેશે. ગિરા ધોધની મુલાકાત બાદ આ વાંસની બનાવટોને જોઈને સહેલાણીઅો આનંદિત થાય છે અને હોંશે હોંશે ખરીદે પણ છે. તે સિવાય મુલાકાતીઓને અહીં નાગલીના પાપડ અને વાંસના અથાણાંની પણ ખરીદી કરવાની તક મળે છે.

Must Read : આંબાપાણી ઈકો ટુરીઝમ

આસપાસ આવેલા અન્ય જોવાલાયક સ્થળો:-

ગિરા ધોધની મુલાકાત દરમ્યાન જો સમય બચે તો તમે આસપાસના અન્ય સ્થળોની પણ મુલાકાત લઇ શકો છો. આવા કેટલાક સ્થળો અને તેનું ગિરા ધોધથી અંતર કંઇક આ પ્રમાણે છે.

  • 1.  વઘઇ બોટેનિકલ ગાર્ડન : 2 કિલોમીટર
  • 2. વાંસદા નેશનલ પાર્ક : 6 કિલોમીટર
  • 3. જાનકી વન : 24 કિલોમીટર
  • 4. ઉનાઇ : 30 કિલોમીટર
  • 5. માયાદેવી : 33 કિલોમીટર
  • 6. સાપુતારા : 50 કિલોમીટર

તો રાહ કોની જુઓ છો? થઈ જાઓ તૈયાર ગીરા ધોધની મુલાકાત માટે અને સાથે સાથે એની આસપાસનાં રમણીય સ્થળો જોવાનું પણ ચૂકતા નહીં!

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment