Advertisements

ગુરુ તેગ બહાદુરનું જીવનચરિત્ર | ગુરુ તેગ બહાદુર વિશે નિબંધ

વિશ્વના ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મુલ્યો, આદર્શો તેમજ સિધ્ધાંતોની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારાઓમાં ગુરુ તેગ બહાદુર સાહેબનું નામ અદ્વિતિય છે.

‘धरम हेत साका जिनि कीआ/सीस दीआ पर सिरड न दीआ।’

આ મહાકાવ્ય અનુસાર ગુરૂજીનુ બલિદાન ફક્ત ધર્મપાલન માટે જ નહી પરંતુ સમસ્ત માનવીય સાંસ્કૃતિક મુલ્યોના માટે આ બલિદાન હતું. ધર્મ તેમના માટે સાંસ્કૃતિક મુલ્યો અને જીવન વિધાનનું નામ હતું. એટલા માટે ધર્મના સત્ય શાશ્વત મુલ્યો માટે તેમનું બલિએ ચડવું એ સ્વાભાવિક રીતે સાંસ્કૃતિક મૂલ્યો અને ઈચ્છિત જીવન વિધાનના પક્ષમાં એક પરમ સાહસિક અભિયાન હતું.

જન્મ:-

ગુરુ તેગ બહાદુરસિંગનો જન્મ પંજાબના અમૃતસરમાં થયો હતો. હિંદુ કેલેન્ડર અનુસાર તેમનો જન્મ વૈશાખ મહિનાની વદ પાંચમ તિથિએ થયો હતો. તેઓ શીખોનાં નવમા ગુરુ હતા. તેમનુ સાચું નામ ત્યાગમલ હતું. તેમનું શિક્ષણ તેમના પિતા કે જેઓ ધર્મગુરુ હતા, તેમની છત્રછાયા હેઠળ થયું હતું. 

શિક્ષણ:-

ત્યાગમલ નાનપણથી જ સંત વિચારધારા ધરાવતા, ઉદાર સ્વભાવના, તેમજ સ્વભાવે બહાદુર અને નીડર હતા. નાનપણમાં તેમના ભાઈ ગુરૂદાસ પાસેથી સંસ્કૃત, હિંદી અને ગુરુમુખી શીખ્યા હતા. ઉપરાંત તેમના પિતાએ તેમને તલવારબાજી શીખવી હતી. બાબા બુદ્ધજી પાસે ઘોડેસવારી અને તીરંદાજી શીખ્યા. 

તેઓ જ્યારે માત્ર તેર વર્ષના હતા ત્યારે જ તેમનાં પિતા સાથે કરતારપુર પર હુમલો કરનાર મોગલો સામે તેઓ પણ લડ્યા હતા. પિતા પુત્રની જોડી સામે મુગલ સેના હારી ગઈ હતી. આ યુદ્ધમાં તેમની બહાદુરી જોઈને તેમના પિતાએ તેમને ત્યાગમલમાંથી ‘તેગ બહાદુર’ કહીને સંબોધ્યા હતા. આમ એમને એમનું નામ ‘તેગ બહાદુર’ તેમના પિતા તરફથી મળ્યું હતું. તેગ બહાદુરનો અર્થ થાય છે ‘બહાદુર તલવારબાજ’. ત્યારબાદ ક્યારેય તેઓ ક્યારેય ફરીથી ત્યાગમલ તરીકે ન ઓળખાયા.

લગ્ન અને ધાર્મિક જીવન:-

ઈ. સ. 1632માં તેમના લગ્ન માતા ગુજરી સાથે થયા. લગ્નનાં થોડા સમય પછી તેમનુ મન ધ્યાન અને યોગ તરફ વધારે ઝુકવા લાગ્યું. ઈ. સ. 1644માં તેમના પિતાએ તેમને તેમના પત્ની અને માતાને લઈને બકાલા નામનાં ગામમાં જતા રહેવાનું કહ્યું. ત્યાં બે વર્ષ તેમણે ભૂગર્ભમાં વિતાવ્યા. ત્યાં ધ્યાન અને અન્ય આધ્યાત્મિક બાબતોમાં મગ્ન રહેતાં તેઓ નવમા શીખ ગુરુ બની ગયા. ત્યાંથી જ તેમણે ઘણાં પ્રવાસો કર્યા. તેઓ આઠમા શીખ ગુરુ હરકૃષ્ણને મળવા દિલ્લી પણ ગયા હતા.

ઉપરાંત, આનંદપુરથી કિરાતપુર, રોપર, સૈફાબાદ થઈને ખિયાલા પહોંચ્યા હતા. અહીંથી તેઓ દમદમા સાહિબ થઈને કુરુક્ષેત્ર પહોંચ્યા. ત્યાં તેમણે ધર્મનાં સાચા માર્ગને અપનાવવાનો સંદેશ આપ્યો. ત્યારબાદ ત્યાંથી નીકળી કડામાનકપુર પહોંચ્યા. ત્યાં તેમણે તેમના સાધુભાઈ મલૂકદાસને બચાવ્યા.

ઔરંગઝેબ સાથે મુલાકાત:-

તેમના સમયમાં એટલે કે ઈ. સ. 1665નાં સમયમાં ઔરંગઝેબનું રાજ હતું. તે દરરોજ પોતાના દરબારમાં ‘ભગવદ્દગીતા’નાં શ્લોકો અને તેનો અર્થ સમજતો. ધીમે ધીમે તેને સમજાયું હતું કે દરેક ધર્મનું એક આગવું મહત્ત્વ છે. પરંતુ તે આખા દેશમાં પોતાના ઈસ્લામ ધર્મને જ સર્વોપરી બનાવવા માંગતો હતો. આથી તેણે ફરમાન બહાર પાડ્યું હતું કે દરેક લોકો ઈસ્લામ કબૂલ કરે નહીં તો તેમને મારી નાંખવામાં આવશે. 

ઔરંગઝેબના આ ત્રાસથી કંટાળીને કેટલાંક કાશ્મીરી પંડિતો ગુરુ તેગ બહાદુર પાસે ગયા. તેમણે બધી હકીકત જણાવી અને કહ્યું કે આપણાં ધર્મને બચાવવો પડશે. આ વાતચીત દરમિયાન તેમનો નવ વર્ષનો પુત્ર બાલા પ્રિતમ કે જે ગુરુ ગોવિંદસિંહ તરીકે ઓળખાય છે તે આવી પહોંચે છે અને સમસ્યા વિશે પૂછે છે. સમસ્યા જાણ્યા બાદ જ્યારે એ પુત્ર પોતાના પિતાને આ સમસ્યાનો ઉકેલ પૂછે છે ત્યારે એને ગુરુ તેગ બહાદુર તરફથી જવાબ મળે છે કે, “ધર્મને બચાવવા બલિદાન આપવું પડશે.” 

બાળક બાલા પ્રિતમે કહ્યું હતું કે, “જો મારા પિતાના બલિદાનથી લાખો બાળકો અનાથ થતાં અને લાખો સ્ત્રીઓ વિધવા થતી અટકતી હોય તો હું અનાથ બનવા અને મારી માતા વિધવા થવા તૈયાર છીએ.” ત્યાં હાજર રહેલા તમામ લોકો આ વાતથી ચોંકી ગયા હતા અને સાથે સાથે બાળકની બહાદુરીની પ્રશંસા પણ કરવા લાગ્યા હતા. 

ત્યારબાદ કાશ્મીરી પંડિતો ગુરુજી સાથે વાત કરીને ત્યાંથી જતા રહ્યા. પાછળથી ગુરુ તેગ બહાદુર પણ પોતે જ ઔરંગઝેબના દરબારમાં હાજર થયા. ઔરંગઝેબે તેમને ઈસ્લામ ધર્મ અપનાવવા માટે અનેક પ્રલોભનો આપ્યાં, પણ તેગ બહાદુર ન માન્યા. ઉપરથી તેમણે ઔરંગઝેબને એમ કહ્યું હતું કે જો એ બધાને ઈસ્લામ ધર્મ સ્વીકારવા મજબૂર કરી રહ્યો છે તો તે સાચો મુસલમાન નથી. ઈસ્લામ ધર્મમાં ક્યાંય કોઈને જબરદસ્તી ઈસ્લામ બનાવવા વિશે લખ્યું નથી. 

મૃત્યુદંડ:-

આથી ઔરંગઝેબ વધુ ગુસ્સે થયો. તેણે ગુરુજીના બે શિષ્યોને બંદી બનાવી મૃત્યુદંડ ફટકાર્યો, એમ વિચારીને કે ગુરુજી ડરી જશે અને ઈસ્લામ સ્વીકારી લેશે. પરંતુ તેમ ન થયું. ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરને દિલ્લીના ચાંદની ચોક ખાતે શિરચ્છેદ કરી મોતની સજા ફટકારી. 

આતતાયી શાસકની ધર્મ વિરોધી અને વૈચારિક સ્વતંત્રતાનું દમન કરનાર નીતિઓની વિરુધ્ધ ગુરૂ તેગ બહાદુરજીનું બલિદાન એક અભુતપૂર્વ ઐતિહાસિક ઘટના હતી. આ ગુરૂજીના નિર્ભય આચરણ, ધાર્મિક અડગતા અને નૈતિક ઉદારતાનું ઉચ્ચત્તમ ઉદાહરણ હતું. ગુરૂજી માનવીય ધર્મ તેમજ વૈચારિક સ્વતંત્રતા માટે પોતાની મહાન શહાદત આપનાર એક ક્રાંતિકારી પુરૂષ યુગ હતાં.

અહીંયાથી ગુરૂજી પ્રયાગ, બનારસ, પટના, અસમ વગેરે વિસ્તારોમાં ગયાં જ્યાં તેમણે લોકોના અધ્યાત્મિક, સામાજીક, આર્થિક, ઉન્નયન માટે ઘણાં બધાં રચનાત્મક કાર્યો કર્યા. આધ્યાત્મિક સ્તર પર ધર્મનું સાચુ જ્ઞાન વહેચ્યું. સામાજીક સ્તર પર ચાલી આવી રહેલ રૂઢિયો, અંધવિશ્વાસોની જોરદાર આલોચના કરીને નવા સહજ જનકલ્યાણકારી આદર્શ સ્થાપિત કર્યા. તેમણે પ્રાણી સેવા તેમજ પરોપકાર માટે કુવા બનાવડાવ્યાં, ધર્મશાળાઓ બનાવડાવી વગેરે લોક કલ્યાણના કાર્યો પણ કર્યાં. તે જ યાત્રાઓની વચ્ચે ઈ. સ. 1666માં ગુરૂજીને ત્યાં પટના સાહેબમાં પુત્રનો જન્મ થયો. તે દસમા ગુરૂ ગોવિંદસિહજી બન્યા.

પોતાનું સમસ્ત જીવન ગુરુ તેગ બહાદુર શીખોનાં પ્રથમ ગુરુ એવા શ્રી ગુરુ નાનકનાં દર્શાવેલ માર્ગે ચાલ્યા. તેમના દ્વારા રચિત 115 શ્લોકો ગુરુ ગ્રંથ સાહિબમાં છે. ધર્મ, માનવીય મૂલ્યો, સિદ્ધાંતો, અને આદર્શોનું રક્ષણ કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર ગુરુ તેગ બહાદુર સાહેબને ઈતિહાસ ક્યારેય ભૂલશે નહીં. તેમણે વિશ્વને સમજાવ્યું કે હિંસા કરતાં અહિંસામાં શક્તિ વધારે છે.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

આ ૫ણ વાંચો:-

  1. ભુપેન્દ્ર પટેલનું જીવનચરિત્ર
  2. લાલા લાજપતરાય નું જીવનચરિત્ર
  3. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ
  4. ભગતસિંહ નું જીવન ચરિત્ર
  5. સરદાર વલ્લભભાઇ ૫ટેલ નું જીવનચરિત્ર

હું આશા રાખું છું કે તમને અમારો ગુરુ તેગ બહાદુરનું જીવનચરિત્ર વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. આ લેખ વિદ્યાર્થી મિત્રોને ગુરુ તેગ બહાદુર વિશે નિબંધ (guru tegh bahadur essay in gujarati) લખવામાં ૫ણ મદદરૂપ થશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

1 thought on “ગુરુ તેગ બહાદુરનું જીવનચરિત્ર | ગુરુ તેગ બહાદુર વિશે નિબંધ”

Leave a Comment