Advertisements

ગુરુ નાનક જયંતિ 2023 | ગુરુ નાનક વિશે નિબંધ, માહિતી, જન્મ જયંતિ (Guru Nanak Jayanti in Gujarati)

Advertisements

શીખ ધર્મના સંસ્થાપક અને પ્રથમ ગુરુ એવા શ્રી ગુરુ નાનકની આ વર્ષે 552મી જન્મજયંતી આવે છે. એમની જન્મજયંતિ એટલે ‘ગુરુપરબ’. શીખ ધર્મનાં દરેક ધર્મગુરુઓનો જન્મદિન ગુરુપરબ તરીકે ઓળખાય છે. ગુરુ નાનકનો જન્મ કારતક મહિનાની પૂનમના દિવસે થયો હતો. ગુરુ નાનકનો જન્મદિન એટલે ‘પ્રકાશ પર્વ.’

ગુરુ નાનક એક મૌલિક આધ્યાત્મિક વિચારક હતા. તેમણે પોતાના વિચારોને ખાસ કવિતાની શૈલીમાં પ્રસ્તુત કર્યા. આ શૈલી શીખોના ધર્મગ્રંથ ગુરુગ્રંથ સાહેબની પણ છે. ગુરુ નાનકના જીવન વિશે ઘણા બધા લોકોને ખ્યાલ નથી. શીખ પરંપરાઓ અને જન્મ-સખીઓમાં તેમના વિશે ઘણી જાણકારી છે. ગુરુ નાનકના મહત્ત્વના ઉપદેશ પણ જન્મ-સખીઓ દ્વારા જ પહોંચ્યા છે.

નામઃગુરુ નાનક
પ્રસિધ્ધશસખ ધર્મના સ્થાપક તરીકે
જન્મ તારીખ15 એપ્રિલ 1469
જન્મ સ્થળતલવંડી ગામ, લાહોર, પાકિસ્તાન
ધર્મશીખ
પિતાનું નામકલ્યાણદાસ ખત્રી
માતાનું નામત્રિપ્તાદેવી
મૃત્યુ તારીખ 22 સપ્ટેમ્બર 1539
મૃત્યુ સ્થળકરતારપુર, પાકિસ્તાન

જન્મ:-

તેમનો જન્મ કારતક સુદ પૂનમ સંવત 1526, ઈ.સ.1469, 15 એપ્રિલના રોજ હાલ પાકિસ્તાનમાં છે તે તલવંડી ગામ, જે લાહોરથી 64કિમી દૂર છે, ત્યાં થયો હતો. આજે એ ગામ નનકાણા સાહેબ તરીકે ઓળખાય છે. તેમના પિતાનું નામ કલ્યાણદાસ ખત્રી હતું. તેઓ બેદી કુળના હતા. તેમની માતાનું નામ ત્રિપ્તાદેવી હતું. તેમની એક મોટી બહેન હતી નાનકી. નાનકનો જન્મ થતાં જ તેમનો જન્મ કરાવનાર દાયણ દૌલતાં આનંદવિભોર થઈ ગઈ. ગુરુ નાનકનાં પિતા મહેતા કલ્યાણદાસને વધાઈ આપતાં બોલી, “તમારે ત્યાં કોઈ અવતારી પુરુષનો જન્મ થયો છે. હું તો તેનાં દર્શનથી જ નિહાલ થઈ ગઈ”. ચારે તરફ આનંદ છવાઈ ગયો હતો.

Must Read : સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ

ગુરુ નાનક જયંતિનાં બે દિવસ અગાઉથી જ ગુરુદ્વારામાં ગુરુગ્રંથ સાહિબનો અખંડ પાઠ શરુ થઈ જાય છે. તેમનો જન્મ રાત્રીનાં સમયે થયો હોવાથી ગુરુનાનક જયંતિની રાત્રે શીખ લોકો જાગરણ કરે છે. ભજન, કીર્તન અને સત્સંગ કરે છે. તેમનાં જન્મ સમયે એટલે કે રાત્રે લગભગ એક વાગીને ચાલીસ મિનિટે શ્રદ્ધાળુઓ ફૂલોનો વરસાદ કરે છે, ફટાકડા ફોડે છે અને સૌ ભેગાં મળી પ્રાર્થના કરે છે. સવારે નાહીને ‘નિત નેમ’ તરીકે ઓળખાતી તેમની દૈનિક પ્રાર્થના કરે છે અને ગુરુદ્વારામાં જઈ વંદન કરે છે. આ દિવસે તેઓ શક્ય બને ત્યાં સુધી પોતાની કમાણીનો દસમો ભાગ દાન પુણ્ય કરવામાં વાપરે છે. ઉપરાંત પોતાનો મોભો બાજુ પર મૂકી ગમે એવી મોટી વ્યક્તિ હોય તો પણ લંગરમાં પોતાની સેવા આપે છે. 

મહેનતની કમાણી, ઈશ્વરની આરાધના અને ગરીબોને દાન – આ ત્રણ નિયમો ગુરુ. નાનકે પોતાનાં અનુયાયીઓને આપ્યાં છે. 

વિશિષ્ટ વ્યક્તિત્વ:-

બાળક નાનક નાનપણથી જ વિશિષ્ટ વ્યકિતત્વવાળા હતા. તેમની બાળલીલા અને મધુર વાણીવર્તનથી બહેન નાનકી ખૂબ પ્રભાવિત થતી. એકવાર બાળક નાનક પરિવારની ભેંસો ચારવા જંગલમાં ગયા. જયાં એક વૃક્ષ નીચે સુઈ ગયા. થોડા સમયમાં વૃક્ષની છાયાની દિશા ફરતાં નાનકના મુખ પર તડકો આવવા લાગ્યો. એટલામાં એક ફણીધર નાગ કયાંકથી આવ્યો અને તેમના મુખ પર છાંયો પડે તેમ બેસી ગયો. ગામનો ચૌધરી રાયબુલાર ઘોડા પર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. બાળકનાં દર્શન કરી ધન્ય થઈ ગયો. હંમેશ માટે તેમનો શ્રદ્ધાળુ બની ગયો.

જનોઈ પ્રસંગ:-

ગુરુ નાનક વિશે એક પ્રસિદ્ધ કહાણી છે કે તેઓ 11 વર્ષની ઉંમરમાં વિદ્રોહી થઈ ગયા હતા. આ ઉંમરમાં હિંદુ છોકરા પવિત્ર જનોઈ પહેરવાની શરૂ કરે છે પરંતુ ગુરુ નાનકે આને પહેરવાની ના પાડી દીધી હતી. ચાલો, આ પ્રસંગ જોઈએ.

બાળક નાનકને જનોઈ આપવાનો સમય થયો. પંડિત હરદયાળ જનોઈ લઈને આવ્યા. નાનક બોલ્યા, “આ જનોઇ તો મેલી થઇ જશે, તૂટી જશે”. ત્યારે પંડિતજી બોલ્યા, “તમારે કેવી જનોઈ જોઈએ છે?” નાનકે જવાબ આપ્યો, “દયા કપાહ, સંતોષ સૂત, જતગંઢી, સતવટ એટલે કે દયા રૂપી કપાસમાંથી સંતોષરૂપી સૂતર બનાવો. જેના પર સતના વળ ચઢાવી જત (સંયમ) ની ગાંઠો વાળો. પંડિતજી,  એવી જનોઈ હોય તો આપો જે ના તૂટે, ના મેલી થાય, ન બળે ન નષ્ટ થાય. જેને ધારણ કરવાથી આત્માનું કલ્યાણ થાય.” પંડિતજી તો આ સાંભળીને આશ્ચર્યથી જોઈ જ રહ્યા. તેમણે કહ્યું હતું કે, “લોકોએ જનોઈ પહેરવાની જગ્યાએ પોતાના વ્યક્તિગત ગુણોને વધારવા જોઈએ.”

નાનકે એક વિદ્રોહી આધ્યાત્મિક લાઈનને ખેંચવાની ચાલુ રાખી. તેમણે સ્થાનિક સાધુઓ અને મૌલવીઓ પર સવાલ કરવાનું શરૂ કર્યું. તેઓ સમાન રીતે હિંદુ અને મુસ્લિમ પર પ્રશ્નો ઊભા કરી રહ્યા હતા. ગુરુ નાનકને દેખાડો બિલકુલ પસંદ ન હતો. તેઓ બાહ્ય દેખાવ કરતાં અંતરાત્માની શુદ્ધિને વધુ મહત્ત્વ આપતા હતા.

અભ્યાસ:-

શાળામાં જતા ત્યારે પંડિતજી પાટી પર જે મૂળાક્ષર લખી આપે નાનક તે મૂળાક્ષરથી શરૂ થતી પ્રભુસ્તતિની કાવ્યપંક્તિ લખી નાખતા. આથી પંડિતજીએ તેમના પિતા કલ્યાણદાસને કહ્યું હતું કે જે જન્મથી જ જ્ઞાની છે તેને હું શું ભણાવું? કાજી પાસે મોકલ્યા તો તેમનો પણ એ જ અનુભવ રહ્યો. શાળાનાં ભણતરમાં એમને રસ ન્હોતો. એમને તો એવી વિદ્યા શીખવી હતી કે જે શીખનારને તો તારે જ પણ સાથે સાથે શીખવનારને પણ તારે. માતા અને બહેન નાનકથી ખૂબ ખુશ હતાં પણ પિતા કલ્યાણદાસ વેપારી હોવાથી તેમણે વિચાર્યું કે નાનક ભણતો નથી તો તેને વેપારમાં લગાવી દઉં. 

તેઓ પિતાની બધી આજ્ઞાાનું પાલન કરતા પણ એમનું હૃદય તો પ્રભુમાં રહેતું. કોઈ એમનું નામ પૂછે તો તરત જ ઉત્તર મળતો, ‘નાનક નિરંકાર’ – નિરાકાર પરમાત્માનો નાનક. તે નિષ્ઠાપૂર્વક નોકરી કરે છે, લગ્ન કરે છે, સંતાનો પણ થાય છે. અન્ય ગૃહસ્થોની જેમ પોતાનું કામકાજ કરતા અને ગૃહસ્થ કહેડાવતા, પરંતુ તેમાં તેઓ આસક્ત થયા નહીં. ‘ઉદાસીન ગૃહસ્થ’ તરીકે જીવન પસાર કરે છે. એમનું મન સંસારમાં ઓછું અને પ્રભુ ભક્તિમાં વધારે હતું. 

સરચા સૌદા

પિતાએ નાનકને વીસ રૂપિયા આપીને કોઈ લાભનો સોદો કરી આવવાનું કહ્યું. નાનક પોતાના મિત્ર બાલાને લઈને નીકળ્યા. કેટલાક ગાઉ ચાલ્યા તો સાધુઓની એક મંડળી મળી જે ત્રણ-ચાર દિવસથી ભૂખ્યા હતા. નાનકે વીસ રૂપિયાની ભોજન સામગ્રી લાવીને ભૂખ્યા સાધુઓને ભોજન કરાવી તેમનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગને સરચા સૌદા કહેવામાં આવે છે. આજે ત્યાં વિશાળ ગુરુદ્વારા છે. નાનક ઘરે ગયા તો પિતાએ હકીકત જાણી અને ક્રોધથી નાનકને તમાચો મારી દીધો. આ જોઈને એમની બહેન ખૂબ જ દુઃખી થઈ હતી. 

બહેનનાં લગ્ન:-

તેમની બહેન નાનકીનાં લગ્ન જયરામજી સાથે થયાં હતાં. તે નાનકને પોતાની સાથે સાસરીમાં લઈ ગઈ, જ્યાં જયરામજીએ સુલતાનપુરના નવાબ દોલતખાનના મોદીખાનામાં નાનકને નોકરી આપવી. ત્યાં પણ નાનક ગરીબોને મફત અનાજ આપી દેતા. ગણતરી વખતે તેરનો આંકડો આવે ત્યારે તેરા-તેરા સબ કુછ તેરા એટલે કે, “હે પ્રભુ બધું તારું જ છે” – એમ કહીને પ્રભુભક્તિમાં તલ્લીન થઈ જતા. કેટલાક ઈર્ષાળુ કર્મચારીઓએ નવાબને ફરિયાદ કરી કે નાનક તમારું અનાજ લૂંટાવી રહ્યા છે. હિસાબ તપાસતાં ખોટને બદલે નફો થયેલો હતો. નવાબે માફી માંગી છતાં નાનકે તે નોકરી છોડી દીધી. તેમનાં લગ્ન સુલક્ષણી નામની સન્નારી સાથે થયાં હતાં. તેમને ત્યાં બે પુત્રો જન્મ્યા હતા – શ્રીચંદ અને લક્ષ્મીચંદ.

ગુરુ નાનકે થોડો સમય માટે મુનશી તરીકે કામ પણ કર્યું હતું પરંતુ નાની ઉંમરથી જ તેમણે પોતાની જાતને આધ્યાત્મિક વિષયોના અધ્યયનમાં લગાવી દીધી હતી. નાનક આધ્યાત્મિક અનુભવથી ઘણા પ્રભાવિત હતા અને તે પ્રકૃતિમાં ઈશ્વરની શોધ કરતા હતા. નાનકનું કહેવું હતું કે તેઓ ચિંતન દ્વારા જ આધ્યાત્મના રસ્તે આગળ વધી શકે છે. તેમનું માનવું હતું કે પોતાની જીવનશૈલી દ્વારા દરેક માણસ પોતાની અંદરના ઈશ્વરને જોઈ શકે છે.

આધ્યાત્મિક પ્રવાસ:-

હવે ગુરુનાનકે ઈશ્વરીય સંદેશ જગતમાં ફેલાવવાના હેતુથી પગપાળા પ્રવાસ કરવાનું નક્કી કર્યું. તેમની સાથે તેમના બે સાથી હતા. એક હિન્દુ મિત્ર બાલા, બીજો મુસ્લિમ મિત્ર મરદાના. તેઓ શરૂઆતમાં પૂર્વમાં જગન્નાથપુરી,  બંગાળ, બર્મા, આસામ , નાગાલેન્ડ અને ચીનના કેટલાક પ્રદેશમાં ગયા. ત્યારબાદ તેઓ પશ્ચિમમાં  ગુજરાતનાં લખતર બંદરેથી અરબસ્તાનમાં  મક્કા,  મદીના,  કરબલા,  બગદાદ, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન થઈ પાછા ભારત આવ્યા.

મક્કામાં તેમને અનેક હાજીઓ મળ્યા. તેમણે નાનક સાથે વિચાર વિમર્શ કર્યા. રાત્રે નાનક સૂઈ ગયા ત્યારે તેમના પગ કાબા તરફ થઈ ગયા. આથી કાજી ગુસ્સે થઈ ગયા. તેમણે નાનકને કહ્યું, “એ કાફર, ખુદાના ઘર તરફ પગ કરીને કેમ સૂતો છે?” નાનકે જવાબ આપ્યો, “બિરાદર બહુ થાકી ગયો છું, જ્યાં ખુદાનું ઘર ન હોય તે તરફ મારા પગ કરી દે.” કાજીએ ગુસ્સાથી નાનકના પગ ફેરવી નાખ્યા પણ તેને ફરી નાનકના પગ તરફ જ કાબા દેખાવા માંડયું. તેણે ઘણી વખત પ્રયત્ન કર્યો પણ દરેક વખત નાનકના પગ તરફ જ કાબાનાં દર્શન થતાં. તેમના પગે પડયો. ત્યારે ગુરુનાનકે કહ્યું હતું કે, “અલ્લાહ કે ઈશ્વર સર્વવ્યાપી છે.”

એ જ રીતે હરિદ્વારમાં પિતૃ તર્પણ કરતા લોકોને પણ ઉપદેશ આપ્યો કે જીવતે જીવ માતા-પિતાની સેવા કરો. મૃત્યુ પછી પિતૃ તર્પણ કે શ્રાદ્ધ કરવા કરતાં એ વધુ જરૂરી છે. કૌડા રાક્ષસ જે માનવભક્ષી ભીલ જાતિનો નેતા હતો તેને ઉપદેશ આપી સાચો માનવ બનાવ્યો અને જાતિમાંથી નરબલિની પ્રથા બંધ કરાવી. બાવીસ વર્ષના ભ્રમણ પછી કરતારપુર પોતાને ગામ આવ્યા. ખેતી કામ કરવા લાગ્યા. ગરીબો માટે લંગર (મફત ભોજન) શરૂ કર્યા. આમ પોતાના આચરણ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો.

ગુરુ નાનકનો મુખ્ય ઉપદેશ:-

કિરત કરો એટલે કે પરિશ્રમ કરી કમાઓ. વહેંચીને ખાઓ અને જરૂરિયાત વાળાને દાન કરો. નામ જપો અને પ્રભુભકિત કરો. સત્કર્મ કરો. ઈશ્વર એક છે આપણે સૌ તેમનાં સંતાન છીએ. સમગ્ર જીવસૃષ્ટિ પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ રાખો. સાદું અને પવિત્ર જીવન જીવો. તેમના શિષ્યો જ સિકખ કે શીખ કહેવાયા.

ગુરુ નાનકના જીવનનો છેલ્લો સમય પંજાબના કરતારપુરમાં પસાર થયો. અહીં જ તેમણે પોતાના ઉપદેશથી મોટી સંખ્યામાં અનુયાયીઓને આકર્ષિત કર્યા. ગુરુ નાનકે સૌથી મોટો સંદેશ આપ્યો હતો કે ઈશ્વર એક છે અને દરેક માણસ ઈશ્વર સાથે સીધો પહોંચી શકે છે. આના માટે કોઈ રિવાજ અને પુજારી અથવા મૌલવીની જરૂરિયાત નથી.

ગુરુનાનકે સૌથી ક્રાંતિકારી સુધારો જાતિવ્યવસ્થાને પૂર્ણ કરી કર્યો. તેમણે એ વાતને મુખ્ય રીતે સ્થાપિત કરી કે દરેક માણસ એક છે, પછી તે કોઈ પણ જાતિનો હોય કે લિંગનો હોય.

 ‘ એક ૐ કાર સતનામું કરતા પુરખુ નિરભઉ નિરવૈરુ અકાલ મૂરતી અજૂની સૈભં ગુર પ્રસાદિ.’ અર્થાત્ તે એક છે, ૐ કાર સ્વરૂપ છે, સત્ય એનું નામ છે, તે જગતકર્તા – આદિપુરુષ, નિર્ભય, નિવૈર, અવિનાશી, અયોનિ અને સ્વયંભૂ છે – ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. ગુરુ એટલે મહાન પરમાત્માની કૃપા દ્વારા પરમાત્મા પ્રાપ્ત થાય છે. ગુરુ નાનકના ગુરુ સ્વયં પરમાત્મા હતા

ઉપરોક્ત વાણી શીખોનો મૂળમંત્ર છે. તેમાં શીખ ધર્મનું સમગ્ર તત્ત્વ આવી જાય છે. પ્રત્યેક શીખે અમૃતપાન કરતાં આ મંત્રનું પાંચ વખત રટણ કરવું પડે છે. આ મૂળમંત્ર, ‘ગુરુ ગ્રંથસાહેબ’ના પ્રત્યેક રાગના પ્રારંભે પ્રયોજાય છે. એનું સંક્ષિપ્તરૂપ ‘૧ ૐ કાર સતિગુર પ્રસાદી છે.’

શીખ ધર્મની સ્થાપનાના બીજ ગુરુ નાનકે વાવ્યાં અને શીખો માટે ધર્મનો આદર્શ નક્કી કરી આપ્યો. ‘સિક્ખ’ શબ્દ સંસ્કૃત ‘શિષ્ય’ ઉપરથી ઊતરી આવેલો છે, પણ કેટલાક શીખ વિદ્વાનો એને પાલિ ‘સિખ’ એટલે કે પસંદ કરેલા, ઉપરથી ઊતરી આવેલો માને છે. શીખ વિદ્વાનોને મતે- સિક્ખ એટલે ઈશ્વરે પસંદ કરેલો-ચૂંટેલો એટલે કે ભગવાનનો પોતાનો નિર્મળ. ગુરુ નાનકે એવા પ્રાણદાયી બીજ રોપ્યાં કે જેમાં મનુષ્યનું મનુષ્યત્વ પૂર્ણ થઈને સોળ કળાએ ખીલી ઊઠે. મનુષ્ય માત્ર પોતાનો જ મોક્ષ સાધીને અટકે નહીં, પણ બીજાઓના ઐહિક અને પારલૌકિક સુખ અને મોક્ષ માટે, નિર્ભયપણે, વેરરહિત થઈને નમ્રતાથી પ્રાણ સમર્પણ કરે. અન્યાય, કૂડ, કપટ અને અસત્ય સામે નિર્ભયપણે ઝૂઝે.

શીખ ધર્મમાં ગુરુનું મહત્ત્વ સર્વાધિક છે, તેથી તો એ ‘ગુરુતમ’ કહેવાય છે. શીખ ધર્મ શિષ્યોનો એક એવો સમૂહ છે કે જે આજીવન કંઈ ને કંઈ શીખ્યા કરે છે. ગુરુનો મહિમા વર્ણવતાં આદિ ગુરુ નાનક કહે છે, ‘મારા ગુરુ ઉપર હું તો દિવસમાં એકસો વાર બલિહારી જાઉં છું જે ગુરુએ મનુષ્યોમાંથી દેવતા બનાવ્યા.’

ગુરુ નાનકજી દ્વારા કહેવાયેલા ઉપદેશાત્મક સૂત્રો 

 • ગુરુ નાનક દેવજી માનતા હતા કે ભગવાન એક છે અને તે સર્વત્ર વ્યાપેલા છે.
 • ગુરુ નાનક દેવજી કહેતા હતા કે આપણે હંમેશાં લોભનો ત્યાગ કરવો જોઈએ અને મહેનત કરીને પૈસા કમાવવા જોઈએ.
 • આપણે હંમેશાં જરૂરતમંદોને મદદ કરવા તત્પર રહેવું જોઈએ.
 • પૈસાને ક્યારેય તમારા હૃદયમાં ન રાખવા જોઈએ, યાદ રાખો તેમનું સ્થાન હંમેશા માત્ર તમારા ખિસ્સામાં હોવું જોઈએ.
 • ગુરુ નાનક દેવજીએ સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ ફરક નહોતો કર્યો, તેમના કહેવા મુજબ આપણે ક્યારેય પણ મહિલાઓનો અનાદર ન કરવો જોઈએ.
 • આપણે આપણું કર્મ સતત કરતા રહેવું જોઈએ અને તાણ મુક્ત રહેવા માટે ખાસ પ્રયત્નો કરવા જોઈએ. તમારે હંમેશા ખુશ રહેવું જોઈએ.
 • સૌથી પહેલાં પોતાના અંદર રહેલી દુષ્ટતા અને ખોટી ટેવોને દૂર કરવાનો પ્રયાસ કરવો જ જોઇએ.
 • આપણે હંમેશાં જીવનમાં સારી રીતે અને નમ્રતા સભર સ્વભાવ અને સેવા કાર્યો સાથે જીવવું જોઈએ કારણ કે અહંકાર એ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે, તેથી ક્યારેય અહંકાર ન કરવો જોઈએ.

મૃત્યુ:-

22 સપ્ટેમ્બર 1539નાં રોજ પાકિસ્તાનનાં પંજાબમાં આવેલ કરતારપુરમાં 70 વર્ષની વયે તેમનુ મૃત્યુ થયું હતું.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

ગુરુ નાનક નો જન્મ ક્યાં થયો હતો?

ગુરુ નાનક નો જન્મ કારતક સુદ પૂનમ સંવત 1526, ઈ.સ.1469, 15 એપ્રિલનાં રોજ હાલ પાકિસ્તાનમાં લાહોર નજીક આવેલ તલવંડી ગામમાં થયો હતો.

ગુરુ નાનકનું મૃત્યુ ક્યાં થયું હતું

ગુરુ નાનકનું મૃત્યુ 22 સપ્ટેમ્બર 1539નાં રોજ પાકિસ્તાનનાં પંજાબમાં આવેલ કરતારપુરમાં 70 વર્ષની વયે થયું હતું.

ગુરૂ નાનકની રચનાઓનો સંગ્રહ કોણે કર્યો?

ભાઈ જોધ સિંહ દ્વારા સંકલિત “ગુરુ નાનક બાની” એ ગુરુ નાનક દેવની મૂળ બાનીમાંથી પસંદ કરેલ શ્લોકોનો સંગ્રહ છે. મનજીત સિંહ દ્વારા સંકલિત “નાનક બાની” માં શીખ ગુરુની પાંચ મુખ્ય રચનાઓ (પંચ બનિયન) છે.

આ ૫ણ વાંચો:- 

 1. કાળી ચૌદસની પૂજા
 2. ધનતેરસનું મહત્વ
 3. ભાઈ બીજ નું મહત્વ
 4. દેવ દિવાળીનું મહત્વ
 5. જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો ગુરુ નાનક જયંતિ  (ગુરુ નાનક વિશે નિબંધ)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

Leave a Comment