ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મદિવસને જન્માષ્ટમીનાં તહેવારનાં રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમની તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ તહેવારને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જન્માષ્ટમી હિંદુઓનો વાર્ષિક તહેવારના રૂપમાં ઉજવાય છે. આ તહેવાર રક્ષાબંધનથી આઠમા દિવસે આવે છે. આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરે છે. લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણના ગોકુળિયું સજાવે છે અને આખો દિવસ ઉપવાસ કરે છે અને જુદી – જુદી વાનગીઓનો ભોગ કે 56 ભોગ લગાવે છે. ભગવાન શ્રી કૃષ્ણનું રાજ્ય એવી દ્વારકા નગરી અને એમનું જન્મસ્થળ એવી મથુરાનગરીમાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. લોકો કૃષ્ણભક્તિમાં ડૂબી જાય છે.
આપણે જાણીએ જ છીએ કે જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. મંદિરોમાં અને ઘરોમાં પણ લોકો જન્માષ્ટમીને દિવસે રાત્રે શ્રીકૃષ્ણનો અભિષેક, પૂજન અને આરતી કરીને ઉજવણી કરે છે. આજનાં દિવસે મંદિરો અને હવેલીઓમાં ભક્તોની ભીડ ઉમટે છે પોતાનાં વ્હાલા બાલગોપાલને હિંડોળામાં ઝુલાવવા માટે. શ્રાવણ મહિનામાં શ્રી કૃષ્ણ ભગવાનનાં હિંડોળાનાં દર્શન કરવા મળે એ પણ એક લ્હાવો છે.
આ દિવસે શહેરના રસ્તાઓ પર મટકીફોડ પ્રતિયોગિતા પણ રાખવામાં આવે છે. કેટલાંક લોકો આ પ્રતિયોગિતા જન્માષ્ટમીનાં બીજા દિવસે એટલે કે છડી નોમનાં દિવસે રાખે છે. મટકીફોડ કાર્યક્રમ મુંબઈમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ખાસ કરીને મુંબઈનાં દાદર અને વિરાર વિસ્તારમાં. આખો દિવસ “ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજબાલા” ગીત ગુંજે છે. ભારે સંખ્યામાં લોકો આ મટકીફોડનો આનંદ ઉઠાવે છે. મટકી ફોડ પ્રતિયોગિતા માટે ઈનામો પણ રાખવામાં આવે છે. ક્યારેક તો ખૂબ ઊંચી મટકી બાંધી હોય તો ઈનામ પણ મોટું જ હોય છે. ક્યારેક સંતાનપ્રાપ્તિ માટે કે ક્યારેક સંતાનપ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરાવવામાં આવે છે. માન્યતા અનુસાર ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે.
શ્રીકૃષ્ણ માતા દેવકી અને વસુદેવનાં આઠમા પુત્ર છે. જેનો જન્મ મથુરામાં રાત્રે 12 વાગ્યે કારાગૃહમાં થયો હતો. ભવિષ્યવાણી અનુસાર શ્રી કૃષ્ણ એમના મામા કંસનો કાળ બનવાના હતા અને તેમનો વધ કરવાના હતા. આથી કૃષ્ણને કંસ મારી નાખવાનો હતો એ ડરથી એમના પિતા વસુદેવ શ્રીકૃષ્ણને યમુના નદી પાર કરીને એમનાં પરમ સખા બાબા નંદરાય અને તેમની પત્ની યશોદા પાસે મૂકી આવ્યા હતા.
જન્મથી જ સંઘર્ષ કરતા શ્રી કૃષ્ણ ભગવાનનાં મૃત્યુ સાથે પણ એક કથા જોડાયેલી છે. એક વાર દુર્વાસા ઋષિ તેમની દ્વારિકા નગરીમાં મહેમાન બનીને આવ્યા હતા. આ સમયે મહારાણી ઋકમણીએ એમને માટે ખીર બનાવી હતી. જ્યારે ઋષિ ખીર ખાવા આવ્યા ત્યારે દેવી ઋકમણી ત્યાં હાજર નહોતા. આથી ભગવાન કૃષ્ણ પોતે જ એમને ખીર આપે છે, પરંતુ આ ખીર ગરમ હતી એની પ્રભુને જાણ ન્હોતી. આથી જ ખીર ખાતાંની સાથે જ દુર્વાસા ઋષિ ગુસ્સે થઈ ગયા. શ્રી કૃષ્ણ પરિસ્થિતી પામી જઈને ઝડપથી દોડીને આખું તપેલું ખીર પોતાનાં જ શરીર પર રેડી દે છે. આથી દુર્વાસા ઋષિનો ક્રોધ શાંત થઈ જાય છે. દુર્વાસા ઋષિ શ્રી કૃષ્ણને આશિર્વાદ આપે છે કે આખા શરીરે જ્યાં જ્યાં ખીર લાગી છે તે તમામ ભાગો વજ્ર જેવા બની જશે. શ્રી કૃષ્ણએ જોયું તો પગનાં તળિયા સિવાયનાં તમામ અંગો પર ખીર લાગેલી હતી. આ જોઈને અચરજ પામેલા પ્રભુને દુર્વાસા ઋષિએ એમનાં મૃત્યુનું રહસ્ય જણાવતા કહ્યું હતું કે આ આખી ઘટના વિધી દ્વારા પૂર્વ આયોજિત હતી. તેમનું મૃત્યુ તળિયામાં તીર વાગવાથી થશે.
આપણે સૌ જાણીએ છીએ તેમ શ્રી કૃષ્ણનું મૃત્યુ આવી જ રીતે થાય છે, ભાલકાતીર્થ નામનાં સ્થળે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શ્રી કૃષ્ણને મારનાર જરા નામનો શિકારી એ બીજું કોઈ નહીં પણ સતયુગમાં ભગવાન શ્રી રામનાં હાથે મૃત્યુ પામેલ વાનરરાજ વાલી હતો. જે પોતાનાં મૃત્યુનો બદલો લેવા જન્મ્યો હતો.
શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવાથી ભગવાન પ્રસન્ન થાય છે:-
-
નાનપણથી જ શ્રી કૃષ્ણને મોરપીંછ પ્રત્યે અપાર લગાવ હતો. આથી જ મોરપીંછ ભગવાન કૃષ્ણનો શૃંગાર છે. જોકે ભગવાન કૃષ્ણને મોરપીંછ ખૂબ જ પ્રિય છે. એટલા માટે જન્માષ્ટમીના દિવસે તેમને મોરપીંછ જરૂર અર્પણ કરવું જોઈએ.
-
વાંસળી પણ શ્રી કૃષ્ણની પ્રિય છે. વાંસળી વિના શ્રી કૃષ્ણ અધૂરા છે. જન્માષ્ટમીના દિવસે ભગવાનને વાંસળી પૂજાના સમયે અર્પિત કરો.
-
-જન્માષ્ટમીના દિવસે ઘરમાં ગાય અથવા વાછરડાની નાની મૂર્તિ લાવી બાલગોપાલ સાથે મૂકવી. ગાય શ્રી કૃષ્ણની વ્હાલી છે. શંખમાં દૂધ લઈને ભગવાન કૃષ્ણને અભિષેક કરો. સાથે જ પૂજા કરતી વખતે પારિજાતના ફૂલ ચઢાવવા.
-
આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને 56 ભોગ પકવાન ચઢાવવાની પરંપરા છે. 56 ભોગથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને ભક્તની મનોકામના પૂરી કરે છે.
-
છપ્પન ભોગમાં ભગવાનને પ્રિય તમામ વાનગીઓ પીરસવામાં આવે છે. ત્યાં સુધી કે ઘણાં ભક્તો તો લોટમાંથી વાંસળી, ચોટલો, સોગઠાબાજી, સકકરપારા, વેલણ, થાળી અને આવી અનેક વસ્તુઓ બનાવી એને ઘીમાં તળે છે. ત્યારબાદ પ્રસાદરૂપે થાળીમાં ધરાવે છે. બાલગોપાલને ધરાવાતી વાનગીઓ મોટા ભાગે મીઠી હોય છે.
શાસ્ત્રો અનુસાર જન્માષ્ટમીના દિવસે નીચે મુજબનાં કાર્યો વર્જિત રાખવા:-
તુલસીના પાન ન તોડવા:
જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. ભગવાન વિષ્ણુને શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે તુલસીના પાન તોડવા અશુભ માનવામાં આવે છે.
ચોખા ન ખાવા:
જે લોકો જન્માષ્ટમીનું વ્રત રાખે છે એટલે કે એકટાણું કરે છે તેમણે આ દિવસે ભાત ન ખાવા જોઈએ. એકાદશી અને જન્માષ્ટમીના દિવસે ભાત અને જવથી બનેલા ભોજનને વર્જિત માનવામાં આવે છે.
લસણ-ડુંગળીનું સેવન ન કરવું:
આ દિવસે લસણ, ડુંગળી અને અન્ય તામસિક ભોજન ન કરવું જોઈએ.
ગરીબોનો અનાદર ન કરવો:
કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ કોઈનો અનાદર ન કરવો. ભગવાન કૃષ્ણ માટે અમીર તેમજ ગરીબ ભક્ત એકસમાન છે. કોઈ ગરીબનું અપમાન કરવાથી શ્રી કૃષ્ણ કોપાયમાન થઈ જાય છે.
વૃક્ષ કાપવા નહીં:
જન્માષ્ટમીના દિવસે વૃક્ષ કાપવાને અશુભ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણનો વાસ દરેક વસ્તુમાં હોય છે. બની શકે તો આ દિવસે વધારે વૃક્ષો વાવવા જોઈએ. તેનાથી ઘર અને પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.
ગાયોનું અપમાન ન કરવું:
આ દિવસે ભૂલથી પણ ગાયોનું અપમાન ન કરવું જોઈએ. ભગવાન કૃષ્ણને ગાયો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તેઓ નાના હતા ત્યારે ગાયો સાથે રમતા હતા. એવી માન્યતા છે કે, જે પણ ગાયની પૂજા કરે છે તેને શ્રી કૃષ્ણના આશીર્વાદ મળે છે.
આમ, શ્રી કૃષ્ણની લીલાઓ જેટલી મોહક છે એટલી જ એમની ભક્તિ મુશ્કેલ છે. ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. એ જેનાં પર રીઝે છે તે ભક્તનું કલ્યાણ થઈ જાય છે.
જય શ્રી કૃષ્ણ🙏 જન્માષ્ટમી ની શુભકામના 🙏 હેપી જન્માષ્ટમી
લેખક:- શ્રીમતી સ્નેહલ જાની, શિક્ષક, વી. એન. ગોધાણી ઈંગ્લીશ સ્કૂલ, કતારગામ, સુરત 4
આ ૫ણ વાંચો:-
- જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
- પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ
- વસંત પંચમી નિબંધ
- મિત્રતાની મીઠાશ નિબંધ
- રક્ષાબંધન વિશે
હું આશા રાખું છું કે તમને અમારો જન્માષ્ટમી વિશે (janmashtami nibandh in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. આ લેખમાં આ૫ણે જન્માષ્ટમીનો ઇતિહાસ, ધાર્મિક મહત્વ, જન્માષ્ટમી પૂજા વિધિ વિશે માહિતી મેળવી. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.