Advertisements

જય જય ગરવી ગુજરાત નિબંધ

Advertisements

જય જય ગરવી ગુજરાત! દીપે અરુણું પ્રભાત આ પંકતિ યાદ કરતાંની સાથે જ આ૫ણને ગુજરાતના પ્રખર સુધારાવાદી અને નીડર કવિ નર્મદની યાદ આવી જાય છે. પહેલી મે એટલે ગુજરાતનો સ્થા૫ના દિન. જેને  ‘ગુજરાત ગૌરવ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ૫ણે કોરોના મહામારના કારણે આ દિવસે ભવ્ય રીતે ન ઉજવી શકયા. ૫રંતુ આ૫ણે સૌ આવા ક૫રા સમયે પોતાના જીવ અને કુટુંબની ચિંતા કર્યા સિવાય લોકોની સેવા કરતા કોરોના વોરિયર્સ જેવા કે ડોક્ટર, નર્સ, પોલીસ, સફાઈ કર્મચારી, રેવન્યુ કર્મચારી વિગેરેનું સન્માન કરીએ તેમજ જે કોરોના વોરિયર્સ આ૫ણી રક્ષા કાજે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને સત સત નમન કરીએ. અને તેમના ૫રિવાર માટે મંગલ કામના કરીએ. ચાલો આજે આ૫ણે જય જય ગરવી ગુજરાત વિષય ૫ર નિબંધ લેખન કરીએ. 

જય જય ગરવી ગુજરાત નિબંધ

  ” છે વાણી મારી ગુજરાતી ને ભૂમિ માં ગુજરાત….

           ને વેશભૂષા વિદેશી પણ ગૌરવ આ ગુજરાત..” 

                                                 ( દેવિકા ધ્રુવ) 

 ‘ગુજરાત’ શબ્દ સાંભળતાની સાથે જ એક ગુજરાતીના મનમાં હર્ષ, આનંદ અને ગૌરવની લાગણી આવે છે. ગુજરાતની ધરા ધન્ય છે. ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની રહેણીકરણી, ગુજરાતની ભાષા, ગુજરાતની વેશભૂષા, ગુજરાતના પ્રદેશો, ગુજરાતનું લોકનૃત્ય ગરબા, અને ખાસ કરીને ગુજરાતીઓનો ખોરાક દેશ વિદેશમાં જાણીતા છે. આ તો વાત થઈ માત્ર ગુજરાતની વિશેષતાઓ વિશે પણ ગુજરાતના લોકો એટલે લાગણીનો દરિયો!  એટલે જ તો ‘ના પૂછશો કોઈને કેવડું મોટું ગુજરાત, જ્યાં જ્યાં વસે ગુજરાતી એટલું મોટું ગુજરાત…’ એટલે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત! 

આમ જોઈએ તો ભારતની પશ્ચિમ બાજુએ આવેલું આ રાજ્ય ગુજરાત એક માત્ર ગુજરાત નથી, આખા વિશ્વમાં અનેક નાના નાના ગુજરાત વસેલા છે. કેમ કે દુનિયાના પ્રત્યેક ખૂણામાં વસેલા ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિ ક્યારેય છોડતા નથી. કદાચ પ્રદેશના કારણે પોષક અને રહેણીકરણીમાં પરિવર્તન આવે પણ એક ગુજરાતી ક્યારેય ખાણીપીણીમાં પરિવર્તન લાવતો નથી! કારણ કે ગુજરાતની મુખ્ય વિશેષતાઓ પૈકી ગુજરાતનો ખોરાક એક વિશેષતા છે.

ગુજરાત રાજ્યની સ્થાપના  ૧,મે ૧૯૬૦  ના રોજ થઈ હતી. ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ છે અને અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન મહાનગર છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે.ગુજરાતના ઇતિહાસ વિશે જોઈએ તો વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. જેનો ઉલ્લેખ સોમનાથ મંદિર અને ગીરનાર પર્વત ની વાર્તાઓમાં જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે એવું અનુમાન લગાવવા માં આવે છે. 

સોમનાથ મંદિર

મહાભારત કાળ દરમિયાન ગુજરાતના પશ્ચિમ કિનારે શ્રી કૃષ્ણએ દ્વારિકા નગરી વસાવી હતી. પુરાતન કાળથી જ ગુજરાત તેને મળેલા દરિયા કિનારા માટે જાણીતું છે. ગુજરાતને ૧૬૦૦ કિમી લાંબો દરિયકિનારો મળેલો છે. એટલે ગુજરાતની ત્રણ બાજુએ દરિયા કિનારો આવેલો છે. ગુજરાત રાજ્ય સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રમુખ અવશેષો ધરાવે છે. જેના શ્રેષ્ઠ ઉદાહરણ લોથલ અને ધોળાવીરા ના મળી આવેલા અવશેષો છે. લોથલ દુનિયાનું સૌથી પહેલું બંદર હતું એવું માનવામાં આવે છે. 

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બેં મોટા નેતાઓની ભેટ આપી છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતમાં વસતા લોકો ગુજરાતી સંસ્કૃતિ માટે વિશ્વભરમાં જાણીતા બન્યા છે. અહીં મહદંશે મરાઠી અને મારવાડી વસ્તી પણ વસવાટ કરે છે. ગુજરાતમાં રહેતા લોકો મોટા ભાગે હિંદુ ધર્મ પાળે છે તદુપરાંત ઇસ્લામ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મ પાળતા લોકો પણ જોવા મળે છે. પણ અન્ય ધર્મના પ્રમાણમાં સૌથી વધારે હિંદુ ધર્મમાં શ્રદ્ધા ધરાવનારા લોકો અહીં વધુ જોવા મળે છે. ગુજરાતમાં અન્ય રાજ્યના લોકો પણ વસવાટ કરતાં જોવા મળે છે. 

સમગ્ર ભારતનાં ઇતિહાસ માં ગુજરાતે ભારતનાં આર્થિક વિકાસમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતનાં વિકસિત રાજ્યોમાંનું એક છે. અને તેની ઔધોગિક વિકાસ દર ભારતનાં રાજ્યોમાં સૌથી વધારે છે. ગુજરાતનો વિકાસ દર સમગ્ર ભારતનાં વિકાસ દર કરતાં પણ વધારે છે. અહીંનો વિકાસદર અને અર્થીકદર જોઈને અન્ય રાજ્યોના લોકો અહીં કામ કરીને પૈસા કમાવવા માટે આવે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, દક્ષિણ ભારત તેમજ અન્ય ઘણા પ્રદેશોમાંથી લોકો અહીં આવીને વસ્યા છે. એટલે એ લોકો પાસે ગુજરાતની સંસ્કૃતિ અને  જે તે પ્રદેશમાંથી તે લોકો આવ્યા છે ત્યાંની સંસ્કૃતિનો સમન્વય અહીં જોવા મળે છે.

ગુજરાતની સંસ્કૃતિ જ ગુજરાતનું મહત્વ વધારે છે. અહીંના લોકો ખૂબ જ માયાળું અને લાગણીશીલ હોય છે. આધુનિક સમય પ્રમાણે અહીંના લોકોનો પહેરવેશ બદલાયો છે પણ પહેલાંના સમયમાં  પુરુષો ધોતિયું, ઝભ્ભો, અને માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે. જ્યારે સ્ત્રીઓ સાડી, ચણીયો અને કબ્જો પહેરે છે. અમુક પ્રદેશોમાં સ્ત્રીઓ ચોલી પણ પહેરે છે. આ સીવાય ભારતીય ઘરેણાં જેવા કે મંગળસૂત્ર, હાર, નથ, કાનનાં ઝુમ્મર, બંગડીઓ તથા વીંટી , વિંટલા, કંદોરો જેવા અનેક ઘરેણાં સ્ત્રીઓ પહેરે છે. અહીંના લોકો મુખ્યત્વે ૨૨ કેરેટ સોનાના બનેલા ઘરેણાં પહેરે છે. અહીં જ્યારે લગ્ન હોય ત્યારે સ્ત્રીઓને ખૂબ ઘરેણાં પહેરાવવામાં આવે છે. અહીંના પુરુષો માત્ર ચેન અને વીંટી પહેરે છે. પહેલાંના સમયમાં સ્ત્રીઓ માથે કંકુનો ચાંદલો કરતી અને કંકુથી સેથો પૂરતી હતી પણ આધુનિક સમયમાં ઘણી બધી બાબતોમાં સુધાર આવ્યો છે. જેમ કે આધુનિક સમયમાં પુરુષો જિન્સ અને ટી-શર્ટ તેમજ શર્ટ અને પેન્ટ પહેરતા જોવા મળે છે. સ્ત્રીઓ સાડી, સ્કર્ટ, ટી-શર્ટ, સલવાર તેમજ કુર્તા પહેરે છે. 

ગુજરાતનાં લોકો મુખ્યત્વે શાકાહારી છે પણ દરિયાકિનારે વસ્તા લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે. ગુજરાતીઓ પારંપરિક ભારતીય ભોજનને અનુસરે છે. જેમાં શાક, રોટલી, દાળ, ભાત, છાશ, પાપડ, અને મીઠાઈનો સમાવેશ થાય છે. ગુજરાતી ભોજનમાં ફરસાણ ખુબ મહત્વનું છે. જેમાં ખમણ,ઢોકળા,પાણીપુરી,દાળઢોકળી, ફાફડા, સમોસા, ચેવડો, બુંદી, મૂઠિયાં, ખાખરા, બટાકા વડા, ગાંઠિયા, ભજીયા , ભૂસું, પાતરા વગેરે અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. અહીં પ્રસંગો અને તહેવારોમાં ઉંધીયુ અને પૂરી તેમજ કઢી અને વઘારેલી ખીચડી મોટાભાગે ખાવામાં આવે છે. અહીં શુભ પ્રસંગે ઘઉં ની લાપસી કરવામાં આવે છે. કાઠીયાવાડ માં તો કોઈ મહેમાન ઘરે આવે ત્યારે અચૂકપણે લાપસી કરવામાં આવે છે. 

જય જય ગરવી ગુજરાત નિબંધ

 ગુજરાતનાં લોકોના રહેઠાણ જોઈએ તો  શહેરમાં વસ્તા લોકો ઈંટ અને સિમેન્ટમાં બનેલા મકાનોમાં વસવાટ કરે છે. જ્યારે ગામડાંના લોકો ઈંટ અને માટીથી બનેલા તેમજ નલિયા અને ગાર વાળા કાંચા મકાનોમાં રહે છે. ગુજરાત રાજ્ય એ  કળાના ક્ષેત્રમાં પણ ખૂબ સફળતા અને નામના મેળવી છે. ગુજરાત રાજ્ય  શિલ્પકળા, ચિત્રકળા, વણાટ, છાપકામ, ભરતકામ, કોતરણી,  કાચકામ વગેરેમાં ખૂબ જ નામના મેળવેલી છે.  ગુજરાતનું ભરતકામ દેશવિદેશમાં ખુબ જાણીતું છે. ગુજરાતમાં લોકપ્રિય એવા ચણિયાચોળી માં કરેલું ભરતકામ અને કાચકામ નવરાત્રિના સમયે ગુજરાત બહારના લોકો પણ પહેરે છે. 

ગુજરાતમાં આવેલા જોવાલાયક સ્થળોની યાદી બહુ મોટી છે. ગુજરાતમાં આવેલું સોમનાથ મંદિર ખૂબ વિખ્યાત છે. ભારતમાં આવેલા બાર જ્યોતિર્લિંગ પૈકી તે એક છે. પાલીતાણા આખા શહેરમાં જૈન લોકોનું તીર્થધામ છે. આ ઉપરાંત શામળાજી, દ્વારિકા, ડાકોર, પાવાગઢ, અંબાજી, વડતાલ, નારેશ્વર,પરબધામ, ચોટીલા, ગિરનાર, તરણેતર,સપ્તેશ્વર, બગદાણા, કબીરવડ જેવા અનેક સ્થળો ખુબ રમ્ય છે.  ગુજરાતમાં ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને ૧૬ અભ્યારણો છે.  ગુજરાત રાજ્યમાં વસનાર દરેક વ્યક્તિને ગુજરાત રાજ્ય પ્રત્યે ખૂબ લાગણી છે.  કવિ ઉમાશંકર જોષી દ્વારા લખાયું છે કે 

” ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી,

કૃષ્ણ-ચરણરજ-પુનીત ધારા આ ગાંધીગિરા  ગુજરાતી.” 

ગુજરાત રાજ્ય એ બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે. ભારતને ગાંધીજી અને પાકિસ્તાનને મહમદ અલી ઝીણા. ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન આપ્યાં છે. જેને ૬૦૦ જેટલા રજવાડાઓને અખંડ ભારતમાં જોડ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતના હતા. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના છે.  દરેક ગુજરાતીને ગુજરાતી હોવા પર ગર્વની લાગણી છે. એટલે જ તો કહેવાયું છે, ધન્ય ધરા આ ગુજરાતની! 

ચાલો આ નિંબંઘ અહી પુર્ણ કરીએ અને કવિશ્રી નર્મદના જોશીલા કાવ્ય જય જય ગરવી ગુજરાતની કેટલીક પંકિતઓ મમળાવિએ.

જય જય ગરવી ગુજરાત!
દીપે અરુણું પ્રભાત
જય જય ગરવી ગુજરાત!
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત,
તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત. –
ઊંચી તુજ સુંદર જાત
જય જય ગરવી ગુજરાત!

આ ૫ણ વાંચો:-

  1. ગુજરાતના કોરોના વોરિયર્સ નિબંધ
  2. ભૂકંપ વિશે નિબંધ | ધરતીકંપ એક કુદરતી આફત 
  3. માતૃભાષા નું મહત્વ નિબંધ
  4. ઉનાળાની બપોર નિબંધ
  5. માતૃપ્રેમ નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો જય જય ગરવી ગુજરાત નિબંધ આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

Leave a Comment

%d bloggers like this: