નડાબેટ સીમા દર્શન:-ભારત દેશ એ વિવિધ સંસ્કૃતિ અને વિવિધ ઈતિહાસ ધરાવતો દેશ છે. ભારતમાં અનેક સ્થળો એવા છે કે જે ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે, પરંતુ એનાં વિશે ઘણાં ઓછાં લોકોને માહિતી હોય છે. આજે હું પણ તમને બધાંને એવાં જ એક સ્થળની મુલાકાત કરવા લઈ જવાની છું.
આ ગામ ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલું ગામ છે. તેમજ અહીં ભારતીય સીમા સુરક્ષા દળનું મથક આવેલું છે. અહીં નડેશ્વરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. હા, તમે બરાબર સમજ્યા. હું બનાસકાંઠાનાં સુઈ ગામમાં આવેલ નડાબેટની વાત કરું છું.
સીમા દર્શન પ્રોજેક્ટ:-
નડાબેટ બોર્ડર પર દેશવાસીઓ સીમા દર્શન કરી શકે તથા આ વિસ્તારનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. આ અંગે બીએસએફના ડીઆઇજીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનને લોકાર્પણ કરવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવશે. નોંધનીય છેકે 100 કરોડથી વધુના ખર્ચે સીમા દર્શન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રવાસન વિભાગ અને બીએસએફએ સીમા દર્શન પ્રોજેક્ટનો વિકાસ કર્યો છે.

નડાબેટ બોર્ડરનો પ્રવાસન ધામ તરીકે બહુવિધ વિકાસ થઇ રહ્યો છે. જેમાં પ્રવાસીઓના આગમન માટેનો આગમન પ્લાઝા, પાર્કિંગની વ્યવસ્થા, ઓડિટોરિયમ રિટેઇનીંગ વોલ અને પીવાના પાણીની સુવિધા તેમજ ટોયલેટ બ્લોકસના કામો પૂર્ણ થઇ ગયા છે.
ઉ૫ર તમે જે ફોટો જોઇ રહયા છો તે નડાબેટ પાકિસ્તાન બોર્ડરનો જ છે. અહીં સામેના કાંઠે છે જે જમીન દેખાય છે તે પાકિસ્તાનની જમીન છે. છેક બોર્ડરની ઝીરો લાઇનને અડીને આવેલ આ સ્થળ લોકો માટે એક લ્હાવો બની ગયુ છે. છેલ્લા બે વર્ષમાં અહી લાખો પ્રવાસીઓ મુલાકાત લઇ ચુકયા છે.
નડાબેટ પ્રવાસન સ્થળને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવા 14 જેટલા સોલાર ટ્રી લગાવવાની કામગીરી સીમાદર્શન-બોર્ડર ટૂરિઝમ પ્રોજેકટમાં હાથ ધરાઈ હતી. સીમાદર્શન માટે આવનારા સૌ પ્રવાસીઓ સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી સારી રીતે પરિચિત થાય તે માટે ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધીના માર્ગ પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, 55 ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક અને મિગ-27 એરફ્રાફટ ડિસ્પ્લે કરવામાં આવી છે.
આપણા દેશના જવાનો આપણી સુરક્ષા માટે દિવસ રાત જાગે છે જેથી આપણે શાંતિથી સુઈ શકીએ. દેશના આ સપૂતો દેશ માટે પોતાના પ્રાણ પણ કુરબાન કરી દે છે. આવા શુરવીરોની વાત કરતા આપણી છાતી ગજ ગજ ફૂલી જાય તો તેમના કાર્ય સ્થળને જોવાની અને તેમની પરેડ માણવાની કેવી મજા આવે?
ગુજરાતની વાઘા બૉર્ડર:-
આ જગ્યાને ગુજરાતમાં આવેલી વાઘા બોર્ડર પણ કહી શકાય. બનાસકાંઠાના નડાબેટ ગામના સીમા દર્શનમાં તમને વાઘા બોર્ડર જેવો જ માહોલ જોવા મળશે.
નડા બેટ – સીમા દર્શન:-
24 ડિસેમ્બર 2016થી વાઘા બોર્ડરની જેમ નડા બેટ ખાતે સીમા દર્શન કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સે BSFની સયુંકત રિટ્રીટ પરેડની શરૂઆત કરવામાં આવી. આ સીમા દર્શનમાં તમને BSF જવાનોની બહાદુરી અને દેશદાઝ જોવા મળશે જે તમારા રુંવાટા ઉભા કરી દેશે. સૂર્યાસ્તના સમયે ડૂબતા સૂર્યની સામે ક્યારેય પણ ના ડૂબતી આપણા બહાદુર જવાનોની હિંમત જોવાનો આ લ્હાવો ગુજરાતમાં આ એક જ જગ્યા એ મળે છે.

ફ્યુઝન બેન્ડ અને ઊંટસવારીના ખેલ અહીંનું આકર્ષણ
BSFની આ રિટ્રીટ સેરિમની અહીંનું મુખ્ય આકર્ષણ છે જેને જોવા માટે દેશના ખૂણે ખૂણેથી લોકો નડા બેટ ખાતે ઉમટી પડે છે. આ સાથે ફ્યુઝન બેન્ડ અને ઊંટસવારીના જે ખેલ યોજવામાં આવે છે એના જોરશોરમાં વખાણ થાય છે. આ ઉપરાંત તમને BSFના કેમ્પ પર હથિયારનું પ્રદર્શન, ફોટો ગેલેરી અને BSFના જવાનોની શૂરવીરતાના સુર તણી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ જોવા મળશે. અહીં તમે આ વિસ્તારના વિર યોદ્ઘા કે જેમણે ભારતને બે વખત યુઘ્ઘમાં મદદ કરી જીત હાંસલ કરી એવા રણછોડ ૫ગીની ચોકી ૫ણ જોઇ શકો છો. હાલમાં જ તેમના જીવન આઘારીત ભુજ ફિલ્મ બની જે કદાચ તમે જોઇ ૫ણ હશે.(જાણો રણછોડ ૫ગીનું જીવનચરિત્ર)
શનિવાર અને રવિવારે સાંજે 5 થી 6 વચ્ચે અહીં સીમા દર્શન કાર્યક્રમ યોજાય છે
દર શનિવાર અને રવિવારે સાંજે 5 થી 6 વચ્ચે આ સીમા દર્શન કાર્યક્રમનું આયોજન થાય છે પણ આપણે 5 વાગે પહોંચી જવું હિતાવહ છે જેથી જવાનોની પરેડને નજીકથી જોઈ શકાય. હવે આટલે દૂર ગયા હોય તો ફોટા પાડીને ફેસબૂક ને ઇન્સ્ટગ્રામમાં નાખવાના જ હોય! તો એની પણ સગવડતા છે અહીં. રણમાં સેલ્ફી લેવા માટે 3 ટાવર ઉભા કરવામાં આવ્યા છે જ્યાં તમે મસ્ત સેલ્ફી લઈ શકશો.
ઉ૫ર તમે જે રણ જેવો ફોટો જોઇ રહયા છો તે બોર્ડર જવા માટેના રસ્તામાં બનાવેલ સેલ્ફી પોઇન્ટ ૫રથી લીઘેલ છે. અહી તમને ચારે બાજુ ખારોપાટ (રણ) જોવા મળે છે. જે એક દલદલ છે. ૫રંતુ તે જોવાનો નજારો ખૂબ જ રમણીય છે દુર દરુ સુઘી તમને કશુ જ દેખાતુ નથી. જાણે આભ ઘરતીને અડી રહયુ હોય તેવો અદભુત નજારો રહી જોવા મળે છે.
રક્ષાબંધન:-
દર વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે આખાય ગુજરાતમાંથી છોકરીઓ અને સ્ત્રીઓ જવાનોની રક્ષા કાજે રાખડી મોકલે છે. ઉપરાંત, ત્યાં રૂબરૂ જઈને પણ રાખડી બાંધે છે. તેનાં બદલામાં જવાનો તેમને રક્ષા કરવાનું વચન આપે છે. (ખાસ વાંચો:- રક્ષાબંધનનું મહત્વ)
નડેશ્વરી માતાનું પ્રાચીન મંદિર:-
ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બનાસકાંઠા જિલ્લાના અફાટ રણમાં આવેલા નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે. વાવ તાલુકાના સુઇગામથી 20 કી.મી. દુર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ નડાબેટ લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. BSFનાં કેમ્પની બાજુમાં જ નડેશ્વરી માતાનું પ્રાચીન મંદિર છે, એના પણ દર્શન કરી જ લેજો. નડેશ્વરી માતા ફક્ત ગુજરાતમાં જ નહીં આખા દેશમાં સુરક્ષાના માતાજી તરીકે પૂજાય છે.
મંદિરનો ઈતિહાસ:-
દેશની સરહદે આવેલા રક્ષક દેવીનો ઇતિહાસ અનોખો છે. એક દંતકથા મુજબ જુનાગઢના રાજા નવધણે પોતાના વિશાળ લશ્કરી કાફલા સાથે પોતાની બહેન જાસલને સિંધના મુસલમાન રાજાની કેદમાંથી છોડાવવા આક્રમણ કરેલ ત્યારે અહીંથી પસાર થતાં નડાબેટ મુકામે મુકામ કરેલ તે વખતે ચારણ કન્યાએ લશ્કરી કાફલાને જમાડી રણનો સલામત રસ્તો બતાવી વિજયના આશીર્વાદ આપેલા હતા. આ ચારણ કન્યા શ્રી નડેશ્વરી માતાજી તરીકે પુજાય છે. કચ્છના રણમાં અનેક બેટ દ્વીપ આવેલા છે જેમાં નડાબેટ એક ઐતિહાસિક પ્રાચીન બેટ છે.
આ ઉપરાંત ઈ. સ. 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ભારતના આર્મી અધિકારીઓએ નડેશ્વરી માતાના દર્શન કર્યા હતા અને માતાજીના પરચાથી દુશ્મનોએ અહીં ફેંકેલા ટોપગોળા ફૂટ્યા જ નહીં. આ કદાચ ભારતનું એકમાત્ર એવું મંદિર હશે જ્યાં માતાજીની સેવા, આરતી, અર્ચના અને પૂજા કોઈ પૂજારી નહીં પણ BSFના જવાનો પોતે જ કરે છે.
માતાજીના પરચા અને વૈભવનો અનોખો ઇતિહાસ છે. રણનો વિશાળ પટ માભોમને રક્ષતા સૈનિકો અને શ્રદ્ધાળુઓથી ઉભરાતો આ રણદ્વીપ ભકિત અને શકિતનો સુભગ સમન્વય છે. દર વર્ષે નડાબેટ ખાતે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં દૂર દૂર થી આવે છે. દર વર્ષે ચૈત્ર સુદ નોમના દિવસે ભરાતા આ મેળામાં હજારો યાત્રિકો નડેશ્વરી માતાના દર્શને ઉમટી પડે છે.
નડાબેટ ખાતેના મુખ્ય આકર્ષણો:-
- સ્મારક દર્શન
- ટૂંકી ફિલ્મ સરહદ ગાથા
- મ્યુઝિયમ આર્ટ ગેલેરી
- કિડ્સ પ્લે એરિયા
- ટોય ટ્રેન
- સોવેનિયરની દુકાન
- AV અનુભવ ઝોન
- નડાબેટ ખાતે સાહસિક પ્રવૃત્તિઓ:-
- પેંટબૉલ રોકેટ ઇજેક્ટર
- દોરડું સાહસ
- ઝિપલાઇન
- મુક્ત પતન
- પર્વતારોહણ
- રેપેલિંગ
- વિશાળ સ્વિંગ
- મેલ્ટડાઉન
- બંજી બાસ્કેટ
- રણ સફારી
નડાબેટ વિશે નવીનતમ:-
નડાબેટની નવીનતમ માર્ગદર્શિકા મુજબ આ સ્થળ સોમવારે બંધ રહે છે અને પરેડ કરવામાં આવતી નથી. ત્યાં કોઈ એન્ટ્રી ફી અથવા પરમિટ ચાર્જ નથી. ટી પોઈન્ટને 0 પોઈન્ટ પર લઈ જવા માટે બીએસએફની બસ ઉપલબ્ધ નથી. જેથી મુલાકાતીઓએ પોતાના વાહન સાથે ટી પોઈન્ટથી ઝીરો પોઈન્ટ સુધી પહોંચવું પડશે.
મુલાકાતીઓ કાર/વાહન ચલાવીને ટી જંક્શન અથવા નડાબેટ દ્વાર અથવા પ્રખ્યાત નડેશ્વરી મંદિર જઈ શકે છે. અહીં પ્રવાસીઓ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ અને વસ્તુઓ વિકસાવવામાં આવી છે. BSF બસ ટી જંકશનથી ઝીરો પોઈન્ટ સુધી માન્ય ઓળખ પુરાવા ધારક સાથે લઈ જશે.
મુલાકાતીઓ ઝીરો પોઈન્ટથી 150 મીટર દૂરથી પાકિસ્તાનને જોઈ શકે છે અને BSFની સિદ્ધિઓ અને તેમની કાર્યશૈલી જાણીને હર્ષ અને ગર્વની લાગણી મેળવી શકે છે.
રોકાણ:-
આ બધું જોયા પછી રાત્રિ રોકાણ માટે ત્યાં ધર્મશાળા છે, જ્યાં નજીવા ખર્ચે રોકાઈ શકાય છે અને હોટેલમાં રોકાવું હોય તો 85 કિમી દૂર થરાદ અથવા 50 કિમી દૂર ભાભર જવું પડશે.
ખાસ વાત એ છે કે અહીં એક દિવસમાં ફક્ત 600 લોકોને જ વિઝીટ કરવાની પરવાનગી છે એટલે વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ કરાવીને પોતાનો પાસ કઢાવી લેવાનો.
ફરવાનો ખર્ચો:-
એક ફેમિલીનો આવવા એટલે 4 લોકો હોય, એમનું જવા માટેનું કારનું ભાડું અમદાવાદથી 530 કિમીના રૂપિયા 6,000 થી 9,000 થશે, એક દિવસનાં રોકાણના આશરે રૂપિયા 2,500 થી 5,000 થશે સાથે 1 દિવસના જમવાનો ખર્ચ રૂપિયા2000 થી 3000 થઈ શકે અને શોપિંગ નો ખર્ચો રૂપિયા1,500 થી 2,000 પકડી લો એટલે નડાબેટ પર ફેમિલી સાથે જાવ તો તમને ટોટલ ટ્રીપ રૂપિયા 12,000 થી 16,000 રૂપિયામાં પડશે.
હાલ ભલે આ અફાટ રણ હોય પણ આઝાદી પહેલાં નડાબેટની ખુબજ જાહોજલાલી હતી. પુષ્કળ ખડીધાસ થતું. જાગીરદારો તથા માલધારીઓ અહીં રહેતા હતા. કુદરતી ઝરણાં વહ્યા કરતા હતા. દુષ્કાળના વખતમાં લોકો સિંધ પ્રદેશ તરફ મજુરી માટે જતા ત્યારે નડેશ્વરી માતાને વંદન કરીને પ્રસાદી ચડાવીને જતાં હતાં. હાલમાં નડેશ્વરી માતાજીના મંદિરની બાજુએ ગૌશાળા પણ આવેલી છે. જ્યારે બી.એસ.એફ.નો કેમ્પ ઉપરાંત બોર્ડર આઉટ પોસ્ટ ચોકી પણ છે. જ્યાં તાજેતરમાં જ સરકાર દ્વારા સીમા દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરેલી છે.
નડાબેટની રણભૂમિ દેશની રક્ષકદેવી ઉપરાંત આ ભુમિ ઉપર ધણા સંતોએ તપ કરેલી છે. માટે પવિત્ર તપોભુમિ કહેવામાં આવે છે. ત્યારે હાલમાં કોરોના વાયરસની મહામારીના કારણે અહીં પર્યટકોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અન્ય પર્યટક સ્થળ તરીકે ગુજરાતમાં મોટા મોટા સ્થળો આવેલાં છે. જ્યાં દર વર્ષે ગુજરાત અને ગુજરાત બહારની અનેક પર્યટકો અહીં આણંદ માણવા માટે આવતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા નડેશ્વરી મંદિરને પણ પર્યટક સ્થળ તરીકે લઈ અને તેનું ડેવલોપમેન્ટ કરવામાં આવે તો આગામી સમયમાં પર્યટક લોકો માટે મોટો ફરવાનું સ્થળ બની શકે તેમ છે.
બી એસ એફ જવાન અને પૂજારી, અંજન પાંડે આ મંદિર અંગે કહે છે કે, ‘રણ વિસ્તારમાં કોઈ જ પૂજા માટે આવતું ન હતું. જેથી વર્ષોથી આ મંદિરમાં દેશની સુરક્ષા કરતા જવાન જ પૂજા કરે છે.’
મંદિરના ટ્રસ્ટી, હરજી રાજપૂતના કહેવા મુજબ આ જૂનું પૌરાણિક મંદિર છે, પહેલા નાનું ડેરું હતું. તેમના પિતા સરપંચ હતા. તેઓએ અહીંનો વિકાસ કર્યો. અહીં અન્નક્ષેત્ર અને ધર્મશાળા ખોલી છે. અહીં સુરત, અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાંથી પણ લોકો દર્શન કરવા આવે છે.
ટ્રસ્ટી, બાવાભાઈ ચૌધરી આ મંદિર અંગે જણાવે છે કે, ‘ભારત પાકિસ્તાનનાં યુદ્ધ વખતે આપણા સૈન્યને માતાજીએ આશીર્વાદ આપતા વિજય થયો હતો. દુષ્કાળના સમયમાં સ્વામી સચ્ચિદાનંદજીએ મુલાકાત લીધી અને ત્યાર બાદ અહીંનો વિકાસ થતો રહ્યો છે.
કેવી રીતે પહોંચવું :
વિમાન દ્વારા
અમદાવાદ એરપોર્ટ નડાબેટથી 203 કિ.મી. છે.
ટ્રેન દ્વારા
પાલનપુર જેએન રેલવે સ્ટેશન નડાબેટથી 112 કિ.મી. છે. જો કે અબુ રોડ રેલવે સ્ટેશન પણ 153 કિ.મી. નૅદબેટ નજીક છે.
માર્ગ દ્વારા
તે જિલ્લા વડા મથક પાલનપુરથી પશ્ચિમ તરફ 144 કી.મી. આવેલ છે. રાજ્યની રાજધાની ગાંધીનગરથી 222 કિ.મી. નડાબેટ, ભાભર તાલુકાથી દક્ષિણ તરફ, પૂર્વ દિશામાં થરદ તાલુકા, પૂર્વ તરફ દેવર તાલુકા, પૂર્વ તરફ કંકેરેજ તાલુકા થી ઘેરાયેલ છે.
Must Read:સોમનાથ મંદિર નો ઇતિહાસ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની