પરશુરામ જયંતી, પરશુરામ વિશે માહિતી, ઇતિહાસ, જીવનચરિત્ર | Parshuram History in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः |
कृपः परशुरामश्च सप्तैते चिरञ्जीविनः ||

ભાગ્યેજ કોઈ હિંદુ એવો હશે કે જેને સાત ચિરંજીવીઓમાંના એક એવા પરશુરામ વિશે ખબર નહીં હોય. બ્રાહ્મણોનાં ભગવાન જેને કહેવાય છે એ પરશુરામ બ્રાહ્મણ હોવાં છતાં ક્ષત્રિય જેવા હતા. શા માટે, એની પાછળ એક ઘણી લાંબી કથા જોડાયેલી છે. તેમનાં જન્મને લઈને ત્રણથી ચાર અલગ અલગ વાતો જાણવા મળી છે, પરંતુ જે વાત ઘણી બધી જગ્યાએ એકસમાન જાણવા મળી છે તે હું અહીં રજુ કરું છું.

પરશુરામ વિશે માહિતી

નામપરશુરામ, જેનો અર્થ ‘કુહાડી સાથે રામ
ઉપનામરામ જમદગ્ન્ય, રામા ભાર્ગવ, વીરરામ
જન્મવૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનાં દિવસે
જન્મ સ્થળમધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લાના જનપાવ પર્વત પર
પિતા નું નામજમદગ્નિ
માતા નું નામરેણુકા
શસ્ત્ર શિવ દ્વારા આપવામાં આવેલ વિદ્યુદાભિ (પરશુ) નામની કુહાડી
ગુરુવિશ્વામિત્ર, રિચિકા, કશ્યપ, શિવ, વિષ્ણુ
જીવનસાથીધરણી (લક્ષ્મી
પરાક્રમોક્ષત્રિય યોદ્ધાઓનો 21 વખત નાશ કર્યો, સમુદ્રમાંથી જમીન પાછી મેળવી, ભીષ્મ, દ્રોણ, રુક્મી અને કર્ણને યુદ્ધ શીખવ્યું, શિવ પંચવર્ષણ સ્તોત્ર રચ્યું, કલ્કિના ગુરુ થશે
સ્ત્રોતો રામાયણ, મહાભારત, ભાગવત પુરાણ, કલ્કી પુરાણ, વગેરે

પરશુરામ નો ઇતિહાસ (Parshuram History in Gujarati)

ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર અને ઋષિ જમદગ્નિ તથા રેણુકાનાં પુત્ર શ્રી પરશુરામ વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનાં દિવસે જન્મ્યા હતા. તેઓ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાય છે. તેમને ભગવાન વિષ્ણુનો આવેશ અવતાર પણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર કોઈનો અત્યાચાર વધી જાય છે ત્યારે ત્યારે ભગવાન માનવદેહરૂપે પૃથ્વી પર અવતરે છે. પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર પાસે મનાય છે. આમ તો એમનું નામ રામ હતું પરંતુ ભગવાન શિવ પાસેથી વરદાનરૂપે પરશુ મળ્યું હતું, તેથી તેઓ પરશુરામ તરીકે ઓળખાયા. જમદગ્નિનાં પુત્ર હોવાથી જામદગ્નેય પણ કહેવાય છે. તેમનાં દાદા પ્રસિધ્ધ ઋષિ ભૃગુનાં પુત્ર એવા મહાન ઋષિ રુચિકા હતા. એ સમયે માત્ર બે જ વંશ અસ્તિત્વમાં હતાં, સૂર્યવંશ અને ચંદ્રવંશ. 

ચંદ્રવંશમાં એક ગધી નામે રાજા હતો, જેની સત્યવતી નામે પુત્રી હતી. અત્યંત સુંદર. ઋષિ રુચિકાને એ પસંદ આવી ગઈ. તેમણે રાજા પાસે એનો હાથ માંગ્યો. રાજાને આ વાત પસંદ ન પડી. પણ એક ઋષિને તેઓ નારાજ કરવા માંગતા ન હતા. આથી ના પાડવાને બદલે તેમણે એક મુશ્કેલ શરત  રુચિકા સામે મુકી. રાજાએ કહ્યું, “મને તમારી સાથે મારી પુત્રીના લગ્ન કરાવવામાં વાંધો નથી, પરંતુ મારી એક શરત પૂરી કરો. મને કન્યાવિદાય પહેલાં કાળા કાનવાળા એક હજાર ઘોડા ભેટમાં આપો.” ઋષિ આ સાંભળી નિરાશ થઈ ગયા, તો પણ શરત તો સ્વીકારી જ લીધી. 

તેઓ નગરની બહાર જઈ વરુણ દેવની કઠોર તપસ્યા કરવા લાગ્યા. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ તેને વરદાન માગવા કહ્યું. ઋષિએ કાળા કાનવાળા એક હજાર ઘોડા માંગ્યા. વરુણદેવે આપી દીધાં. રુચિકા આ ઘોડાઓ લઈને ગધી રાજાને આપી  દીધાં. હવે રાજા પાસે કોઈ વિકલ્પ બાકી ન રહેતાં પોતાની પુત્રી રુચિકા સાથે વિદાય કરી. સત્યવતી ઋષિ સાથે કુટિરમાં રહેવા લાગી. પરંતુ એનાં પિતાનું એ એકમાત્ર સંતાન હોવાથી એને પિતાની ચિંતા સતાવતી હતી. આ વાત તેણે એનાં પતિને કહી. આથી ઋષિ રુચિકાએ પોતાની ધ્યાનશક્તિથી બે ઔષધિઓ બનાવી. આ સત્યવતીને આપતાં કહ્યું કે, “એક ઔષધિ ખાવાથી વીર યોદ્ધાનો જન્મ થશે અને બીજીથી મહાન ઋષિનો જન્મ થશે. આથી યોદ્ધાવાળી ઔષધિ માતાને આપવી અને ઋષિવાળી તમે પોતે લઈ લેજો.”

સત્યવતીએ બંને ઔષધિઓ પોતાની માતાને આપી તેની વિશેષતાઓ જણાવી. પરંતુ તેની માતાને રુચિકા પર વિશ્વાસ ન હોવાથી તેમણે ઔષધિઓ બદલી નાખી. સત્યવતી આ વાતથી અજાણ હતી. સત્યવતીએ યોદ્ધાવાળી ઔષધિ પીધી અને એની માતાએ ઋષિવાળી. એની માતાને કૌશિકા નામે પુત્ર થયો, જે હિંદુ ધર્મમાં કૌશિકા ખૂબ જ જાણીતા ઋષિ છે, જે પોતાની કઠોર તપસ્યાનાં જોરે બ્રહ્મઋષિ વિશ્વામિત્ર બન્યા.

બીજી તરફ સત્યવતી ગર્ભવતી થઈ. પરંતુ ગર્ભની અંદરનું તેજ જોઈ ઋષિ રુચિકા આશ્ચર્યમાં મૂકાઈ ગયા. કારણ કે આ તેજ કોઈ ઋષિ નહીં પરંતુ એક યોદ્ધાનું હતું. તપાસ કરતાં ખબર પડી કે સત્યવતીની માતાને કારણે આ બધુ થયું. સત્યવતીએ પતિને આ ગર્ભ બદલવાની વિનંતી કરી. એને યોદ્ધા નહીં પરંતુ ઋષિ પુત્ર જોઈતો હતો. રુચિકાએ કહ્યું કે તે આવું તો ન કરી શકે પણ આ ગર્ભની તમામ શક્તિઓ એની આવનારી પેઢીને આપી શકે છે. એટલે કે રુચિકાનાં પૌત્રમાં યોદ્ધાનાં ગુણો આવશે. સત્યવતી તૈયાર થઈ ગઈ. 

રુચિકાએ પોતાની પત્નીને એક ફ્ળ ખાવા આપ્યું કે જેથી આ ગર્ભની શક્તિઓ નષ્ટ થઈ જાય અને આવનારી પેઢી સુધી પહોચી જાય. સમય જતાં તેમને એક પુત્ર થયો, જેનું નામ એમણે જમદગ્નિ રાખ્યું. એઓ એક મહાન ઋષિ હતાં. પરંતુ રુચિકાનાં કથન અનુસાર તેમનાં પુત્રમાં યોદ્ધાનાં ગુણો આવવાનાં હતાં. જમદગ્નિ અને તેમની પત્ની રેણુકાને પાંચ પુત્રો થયા — વાસુ, વિસ્વાસુ, બૃહધાનું, બૃતવાંકવા અને પાંચમાં અને સૌથી નાના પરશુરામ. 

પોતાનાં પિતા પાસે તાલીમ લઈ તેઓ એક શ્રેષ્ઠ યોદ્ધા બન્યા. ગંદમદન પર્વત પર જઈ શિવજીની કઠોર આરાધના કરી. શિવજીએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું ત્યારે તેમણે શસ્ત્રો માંગ્યા. પરંતુ શિવજીએ તેમને આ માટેની યોગ્યતા સાબિત કરવા કહ્યું. કેટલાય વર્ષોની કઠોર તપસ્યા પછી શિવજી ફરીથી પ્રગટ થયા અને દૈત્યો તેમજ દાનવોનો નાશ કરવા કહ્યું. પરશુરામે આ કરી બતાવ્યું. આથી શિવજીના વરદાનનાં એ અધિકારી બન્યાં. તેમણે એમની પાસેથી તમામ અસ્રો મેળવી લીધાં. 

એક વાર તેમની માતા રેણુકા રાજા ચિત્રરથ પર મોહિત થઈ,જેની જાણ ઋષિ જમદગ્નિને પોતાની દિવ્યશક્તિથી થઈ. આથી ક્રોધમાં આવી તેમણે પોતાનાં ચારેય મોટા પુત્રોને વારાફરતી બોલાવી તેમની માતાનો વધ કરવા કહ્યું, પરંતુ કોઈ તૈયાર ન થયો. આથી તેમણે શાપ આપી ચારેયને જડબુદ્ધ કરી નાંખ્યાં. પરશુરામે તરત જ પિતાની આજ્ઞાનું પાલન કર્યું. આથી ખુશ થઈ જમદગ્નિએ વરદાન માંગવા કહ્યું. પરશુરામે પોતાની માતાને ફરીથી જીવિત કરવાનું અને ચારેય ભાઈઓને માફ કરી દેવાનું કહ્યું. આથી તેનાં પિતાએ ખુશ થઈ એવું કર્યું અને પરશુરામને અમર થવાનું વરદાન આપ્યું. 

હૈહવકુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે રાજા હતો તેણે ગુરુ દત્તાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજાર બાહુઓ અને કોઈનાથી નાશ ન થઈ શકનાર તેવી આઠ સિદ્ધિઓ મેળવી. એક વખત ઘોર જંગલમાં શિકાર માટે નીકળેલા ત્યારે તે જમદગ્નિના આશ્રમ જઈ ચડયા. તેણે ઋષિની કામધેનુ ગાયને હરી લેવા સૈનિકોને આજ્ઞા કરી, એટલે બરાડા પાડતી કામધેનુ તેના વાછરડા સાથે બળજબરીથી માહિષ્મતી નગરી તરફ લઈ ચાલ્યો. એટલામાં પરશુરામ આશ્રમમાં આવ્યા ને સહસ્ત્રાર્જુનની દુષ્ટતા સાંભળી તરત જ ભયંકર ફરશી, ભાલો, ઢાલ તથા ધનુષ્ય લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડયા. પરશુરામે તેમની કઠોર ધારવાળી ફરશીથી સહસ્ત્રાર્જુનની ભુજાઓ કાપી નાખી અને કપાયેલા બાહુઓવાળા તેના મસ્તકને પણ ઉડાડી દીધું.

સહસ્ત્રાર્જુન મરાયો તેથી તેના દસ હજાર પુત્રો ભયથી નાસી ગયા. પછી પરશુરામે દુ:ખી થયેલી કામધેનુને આશ્રમમાં લાવી પિતાને સોંપી. જો કે ઋષિ જમદગ્નિ આ સંહારથી દુ:ખી થયા અને કહ્યું કે પરશુરામ જેના પર રાજયાભિષેક થયો હોય તેનો વધ બ્રહ્મહત્યા કરતાં પણ વધારે છે. પરશુરામને તેઓએ ભગવાનમાં મન લગાવી તીર્થસેવન કરવાની શિખામણ આપી. પછી એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે પાછા ફર્યા. સહસ્ત્રાર્જુનના પુત્રો વેર વાળવા જમદગ્નિના આશ્રમે આવ્યા અને તેમનું મસ્તક કાપીને લઈ ગયા.

માતાને કલ્પાંત કરતાં જોઈ પરશુરામે ફરીથી ફરશી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના દસ હજાર પુત્રોના મસ્તકોને કાપી નાખ્યાં. પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બન્યા છે તેથી પિતાના વધને નિમિત્ત બનાવી તેમણે એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયરહિત કરી. માતા રેણુકાએ પતિના મરણ સમયે દુ:ખમાં એકવીસ વાર છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી હતી.

આસામ રાજ્યની ઉત્તર પૂર્વીય સરહદ જયાં બ્રહ્મપુત્ર નદી ભારતમાં પ્રવેશે છે, ત્યાં પરશુરામ કુંડ આવેલો છે. અહીં તેમણે ધ્યાન દ્વારા ભગવાન શિવ પાસેથી પરશુ વરદાન સ્વરૂપે મેળવ્યું હતું. અહીં પાંચ કુંડો બનેલા છે. ભગવાન પરશુરામે ક્ષત્રિયોનાં સંહાર પછી આ કુંડ બનાવ્યાં હતાં. અહીં જ તેમણે તેમનાં પિતૃઓ પાસેથી ક્ષત્રિય વધનાં દોષથી મુકત થવાનું વરદાન મેળવ્યું હતું. પરશુરામે પોતાનાં જીવનકાળ દરમિયાન અનેક યજ્ઞો કર્યા હતાં, જે માટે તેમણે 32 હાથ ઉંચી સોનાની યજ્ઞવેદી બનાવી હતી.

ભગવાન પરશુરામ સાથે જોડાયેલી કેટલીક કથાઓ:-

બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર પરશુરામ શિવજીને મળવા કૈલાશ પર જાય છે ત્યારે ગણેશજી ત્યાં ચોકી ભરતા હોય છે. મા પાર્વતીએ તેમને સુચના આપી હોય છે કે કોઈનેય અંદર આવવા દેવું નહીં. આથી માતાની આજ્ઞા અનુસાર ગણેશજી પરશુરામને અંદર જતા અટકાવે છે. તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. પરશુરામનાં પરશુનાં પ્રહારથી ગણેશજીનો એક દાંત તૂટી જાય છે. ત્યારથી ગણેશજી એકદંત તરીકે ઓળખાય છે. 

મહાભારત અનુસાર કર્ણ પરશુરામનો શિષ્ય હતો. એકવાર પરશુરામ કર્ણનાં ખોળામાં માથું મૂકીને સુઈ ગયા. આ સમયે એક ઝેરી જંતુ કર્ણને કરડે છે. ગુરુની નિંદ્રામાં ખલેલ ન પહોંચે તે માટે કર્ણએ આ પીડા સહન કરી લીધી. પરશુરામ ઉઠ્યા અને આ જોયું ત્યારે તેઓ સમજી ગયા કે આ કોઈ સુતપુત્ર નહીં પરંતુ ક્ષત્રિય છે. આથી તેમણે ગુસ્સે થઈને કર્ણને કામનાં સમયે પોતાની તમામ વિદ્યાઓ ભૂલી જવાનો શાપ આપ્યો, જે કર્ણના મૃત્યુનું કારણ બન્યો.

તેઓ ભીષ્મ, દ્રોણ અને કર્ણના ગુરુ હતા.

પોતાની વીરતાથી જેમણે પોતાની માતાનો સંતાપ દૂર કરવા પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિયવિહોણી કરી અને પાપનું પ્રાયશ્ચિત કરી ફરીથી તપસ્યામાં લીન થઈ ગયા એવા ભગવાન પરશુરામને કોટિ કોટિ વંદન🙏 જય પરશુરામ

લેખક:- શ્રીમતી સ્નેહલ જાની

આ ૫ણ વાંચો:-

  1. કબીર સાહેબનું જીવન ચરિત્ર
  2. સંત તુકારામનું જીવનચરિત્ર
  3. દુર્વાસા ઋષિ નું જીવનચરિત્ર
  4. વાલ્મિકી ઋષિ
  5. આદિ શંકરાચાર્ય

હું આશા રાખું છું કે તમને અમારો પરશુરામ વિશે માહિતી, ઇતિહાસ (Parshuram History in Gujarati) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment