પશુ પ્રેમ નિબંધ | Pashu Prem Nibandh in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

માનવ અને ૫શુની મૈત્રીની અનેક કહાનીઓ તમે સાંભળી જ હશે. આજે આ૫ણે પશુ અને માનવ પ્રેમ ની વાર્તા દ્વારા પશુ પ્રેમ નિબંધ (pashu prem nibandh in gujarati) લેખન કરીશુ.

પશુ પ્રેમ નિબંધ (પશુ અને માનવ પ્રેમ ની વાર્તા)

સજ્જનપુર નામના એક નાનકડા ગામમાં રામુકાકા નામે એક ખેડૂત રહેતા હતાં. તેમના કુટુંબમાં તે પોતે, તેમની પત્ની વિમળાબેન અને એક પુત્ર સૂરજ, એમ ત્રણ જણ હતા. રામુકાકા ની ઉંમર આશરે ૪૫ આજુબાજુની હતી. રામુકાકાનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. તેમની પાસે પોતાની ૫ વિગા જમીન હતી, જેમાં ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તે ક્યારેક બીજાની જમીન પણ વાવતા હતા.

વિમળાબેન, એટલે કે રામુકાકાના પત્ની, તે ખૂબ જ માયાળુ હતા. તેમને પહેલે થી જ પશુ – પંખી પ્રત્યે ખૂબ પ્રેમ. તેમના ખેતરે આવતી ચકલીઓ અને બીજા પંખીઓ પાકને નુકશાન કરતા હોય તો પણ ક્યારેય વિમળાબેન કંઈ જ ન કહે. જો ભૂલથી રામુકાકા ક્યારેક તેમને ઉડાડવાનો પ્રયત્ન કરે તો પણ વિમળાબેન તરત જ ના પાડી દેતા. તેમનું માનવું એવું હતું કે, આ સૃષ્ટિ પર જેટલો હક મનુષ્યનો છે, તેટલો જ હક પશુ પક્ષીઓનો પણ છે. આમ રામુકાકા, વિમળાબેન અને તેમનો પુત્ર, ત્રણે જણ સુખેથી પોતાની જિંદગી પસાર કરતા હતા. ક્યારેય ઈશ્વર પાસે કોઈ ફરિયાદ નહીં. જે નથી મળ્યું તેનો કોઈ અફસોસ નહીં, અને જે મળ્યું છે તેનો કોઈ અહંકાર નહીં. આવું સદગીભર્યું જીવન હતું રામુકાકાના પરિવારનું.

Must Read : માનવ અને પશુની મૈત્રી નિબંધ

સતત બે વર્ષ સારો વરસાદ થવાના કારણે રામુકાકાના ખેતરમાં સારી એવી ઉપજ થઈ હતી. પોતાના ખેતરનો પાક અને બીજાની વાવવા રાખેલી જમીનમાંથી પણ જે ઉપજ થઈ તે બધું ભેગું મળીને રામુકાકાને સારી એવી કમાણી થઈ. વિમળાબેન અને રામુકાકા એક દિવસ બપોરના સમયે ઝાડ નીચે જમવા બેઠા હતા ત્યારે ત્યાં એક બળદ આવીને ઊભો રહ્યો. તેની હાલત જોતા એવું લાગતું હતું કે તે ખૂબ જ ચાલીને આવ્યો હતો, અને ભૂખ, તરસ તેમજ થાક તેના શરીર પર સાફ દેખાઈ આવતા હતા. રામુકાકા અને વિમળાબેને તેમનું જમવાનું તે બળદને આપ્યું. તેને પીવા પાણી પણ આપ્યું અને રહેવા માટે ખેતરમાં જગ્યા પણ આપી. આમ અનાયાસે જ એક નવા સભ્યનો ઉમેરો રામુકાકાના ઘરમાં થયો હતો.

બળદ હજુ જુવાન જ હતો, એટલે તેનામાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હતો. તેના ઉત્સાહને કારણે જ વિમળાબેને તેનું નામ “ગેલો” પાડ્યું હતું. રામુકાકા સવારથી જ ગેલા ને લઈને ખેતરે જતા રહેતા, જ્યાં આખો દિવસ બંને જણા મહેનત કરતા અને જમીનને ખેડીને વાવવા લાયક બનાવી દેતા. રામુકાકાની દેખરેખ હેઠળ ગેલો મોટો થયો હતો, જેના કારણે તે પણ રામુકાકા જેટલો જ મહેનતુ હતો. આખો દિવસ ખેતરમાં કામ કરવા છતાં પણ બંનેમાંથી કોઇ જ થાકતા નહીં.

ઉંમરના કારણે ક્યારેક રામુકાકા થાકી જતા, તો ગેલો એકલો જ બાકીનું ખેતર ખેડી કાઢતો હતો. આમ ગેલા ને પણ જાણે તે ખેતર પોતીકો લાગતું હોય તેમ, તેની માવજત કરતો હતો. ક્યારેક તો ખેતરની આજુ બાજુમાં ઉગી નીકળેલું વધારાનું ઘાસ તે પોતાના શીંગડાથી જ વખોડી કાઢતો હતો. રામુકાકા ક્યારેક પોતાના દીકરા સૂરજને ગેલાની પીઠ પર બેસાડી દેતા અને ગેલો સૂરજને પોતાની પીઠ પર લઈને આખું ખેતર ફેરવતો હતો. આમ સુરજ અને ગેલા વચ્ચે પણ ખૂબ સારી ભાઈબંધી થઈ ગઈ હતી.

Must Read : માતૃપ્રેમ નિબંધ

આમ ઘણા વર્ષો સુધી રામુકાકા અને ગેલો ખેતરમાં સાથે કામ કરતા રહ્યા. પરંતુ હવે ઉંમરના કારણે તે ગેલાની સાથોસાથ કામ કરી શકે તેમ ન હતાં, તેમછતાં પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે રામુકાકા સખત મહેનત કરતા હતા. એક દિવસ બન્યું એવું કે ઉનાળામાં ભર બપોરે ખેતર ખેડતા ખેડતા રામુકાકા ને ચક્કર આવ્યા, અને તે પડી ગયા. ગેલો દોટ મૂકીને દોડ્યો ઘર તરફ.

વિમળાબેનને સાડીનો છેડો પકડીને છેક ખેતર સુધી લઈ આવ્યો. વિમળાબેન અને સૂરજ, રામુકાકા ને દવાખાને લઈ ગયા. પરંતુ દવાખાના સુધી પહોંચતા મોડું થવાના કારણે રામુકાકાએ રસ્તામાં જ દેહત્યાગ કરી દીધો હતો. બધા જ ગામલોકો તેમના પાર્થિવ દેહને લઈ અને ખેતરે આવ્યા, જ્યાં તેમને સમાધિ આપવામાં આવી. તેમના દેહને જોઇને ગેલાની આંખમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી. તેને પણ જાણે પોતાના માથેથી બાપનું છત્ર જતું રહ્યું હોય તેટલું દુઃખ થયું. ખૂબ જ ભારે હૈયે ગામલોકોએ રામુકાકાને વિદાય આપી અને પોત પોતાના ઘરે પાછા ફર્યા. 

રામુકાકાની યાદમાં તેમનો પરિવાર દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો તે તો સ્વાભાવિક છે, પરંતુ ગેલો ? તે તો પશુ હતો. તેમ છતાં જાણે તેના શરીરમાંથી પણ પ્રાણ નીકળી ગયા હોય તેવો થઈ ગયો હતો. વિમળાબેન અને સૂરજે ખૂબ જ પ્રયત્નો કર્યા, પરંતુ ઘેલો કોઈ હિસાબે રામુ કાકા ની સમાધિ આગળથી ખસવા તૈયાર ન હતો. ઘણા દિવસો સુધી આમ ને આમ ચાલ્યું. સુરજ ને ખેતી વિશે એટલી બધી સમજ હતી નહીં, જેથી કરીને એક વર્ષમાં તો ઘરમાં પડેલું ધાન તેમજ પૈસા બધું જ વપરાઈ ગયું. સુરજ ખેતરમાં મહેનત તો કરતો, પરંતુ આવડતના અભાવે કોઈપણ પાક સફળ થતો નહીં.

એક દિવસ સવાર સવારમાં રોજની જેમ સૂરજ ખેતરમાં નિંદામણ કાઢતો હતો અને જમીન સરખી કરતો હતો, તેટલામાં ગેલો તેની જોડે આવ્યો અને તેને વ્હાલ કરવા લાગ્યો. આ જોઈ અને સૂરજ પણ ખૂબ ખુશ થઈ ગયો અને ગેલા ને ભેટી પડ્યો. પછી ગેલાએ ઇશારાથી સુરજ ને હળ બાંધવા કહ્યું. સુરજે જેવું ગેલાની સાથે હળ જોડ્યું કે તરત જ ગેલો ખેતર ખેડવા લાગ્યો. ત્રણ દિવસમાં તો ગેલાએ આખું ખેતર ખેડી કાઢ્યું. વરસાદ ની પહેલી છાંટ સાથે માટીની ભીની સુગંધ આવી જેણે સુરજ અને વિમળાબેન બંનેના ચહેરા પર એક અનેરૂ સ્મિત લઈ આવી. પછી સુરજે વાવણી શરૂ કરી અને જોતજોતામાં તો પાક તૈયાર થઇ ગયો.

સુરજે ગેલા નો ખૂબ જ આભાર માન્યો અને તેને ફરીથી પોતાના મિત્રની જેમ વ્હાલ કરી અને ગળે લગાવી દીધો. આજે સૂરજને રામુકાકાની વર્તાયેલી ખોટ પૂરી થઈ ગઈ હોય તેવું લાગ્યું. આમ જેમ રામુકાકાએ ગેલાને પોતાના દીકરાની જેમ સાચવ્યો હતો, તેમ આજે ગેલો સૂરજને પોતાના દીકરાની જેમ સાચવતો હતો. સૂરજના પરિવારમાં ફરીથી ખુશીઓ છવાઈ ગઈ અને બધા સુખેથી રહેવા લાગ્યા.

Must Read : વૃક્ષો આપણા મિત્રો નિબંધ

પશુ અને માનવ પ્રેમ ની આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે પ્રેમ ખાલી મનુષ્ય-મનુષ્ય વચ્ચે જ હોય તે જરૂરી નથી. અને લાગણી ખાલી મનુષ્યમાં જ હોય તે પણ જરૂરી નથી. આપણી રોજબરોજની જિંદગીમાં આવા અનેક ઉદાહરણો આપણી નજર સમક્ષ બનતા હોય છે, જેમાં એક મનુષ્ય કરતાં પણ વધારે સારી રીતે મનુષ્યને સમજનાર કોઈ પ્રાણી હોય છે. અને તે પ્રાણી મનુષ્ય કરતાં પણ વધુ લાગણીશીલ અને સહિષ્ણું હોય છે. આમ પશુઓમાં પણ પ્રેમ હોય છે, તેમને પણ દુઃખ થતું હોય છે, તેમની પણ લાગણી દુભાતી હોય છે. આપણે મનુષ્ય તો બોલીને પણ આપણી લાગણીઓને વ્યક્ત કરી શકીએ છીએ. પરંતુ આ અબોલ પશુઓનું શું ? તેથી જ કહેવાય છે કે,   

” बेजुबानों के साथ हमदर्दी तो रखकर देखिए जनाब,
 यकीन मानिए, ये बिना लब्जो के दुआएं देते है…..”

લેખક-  “નિષ્પક્ષ”  (પુષ્પક ગોસ્વામી) ઈન્સ્ટાગ્રામ : nishpaksh3109

Must Read : મારી શાળા નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો પશુ પ્રેમ નિબંધ (pashu prem nibandh in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment