ભારતીય સ્વતંત્રતા ચળવળને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર લાલ-બાલ-પાલની ત્રિપુટીમાં બિપિન ચંદ્ર પાલ ૫ણ એક હતા. તેઓ રાષ્ટ્રવાદી નેતા તેમજ શિક્ષક, પત્રકાર, લેખક અને શ્રેષ્ઠ વક્તા ૫ણ હતા. તદઉ૫રાંત તેમને ક્રાંતિકારી વિચારોના પિતા પણ માનવામાં આવતા હતા. તો ચાલો આવા મહાન ક્રાંતિકારી બિપિન ચંદ્ર પાલ વિશે વિગતે માહિતી મેળવીએ.
બિપિન ચંદ્ર પાલનો જીવન૫રિચય
પુરુ નામ :- | બિપિન ચંદ્ર પાલ |
જન્મ તારીખ :- | ૭ નવેમ્બર ૧૯૫૮ |
જન્મ સ્થળ :- | હબીબગંજ જિલ્લો (હાલ બાંગલાદેશ) |
પિતાનું નામ :- | રામચંન્દ્ર |
માતાનું નામ :- | નારાયણી દેવી |
વ્યવસાય :- | સ્વતંત્રતા સેનાની, શિક્ષક, પત્રકાર, લેખક |
મૃત્યુ | ૨૦ મે ૧૯૩૨ |
લાલ, બાલ અને પાલની ત્રિપુટી ભારત દેશ માટે એક ખાસ ત્રિપુટી છે. આ ત્રિપુટીમાંના પાલ એટલે કે બિપીનચંદ્ર પાલ વિશે આજે જોઈએ.
જન્મ:-
બિપિન ચંદ્ર પાલનો જન્મ બ્રિટિશ ઈન્ડિયાના બંગાળ પ્રેસિડેન્સીના સિલ્હેટ જિલ્લાના હબીગંજના પોઈલ ગામમાં 7 નવેમ્બર 1858નાં રોજ એક હિન્દુ બંગાળી કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા રામચંદ્ર પાલ, પર્શિયન વિદ્વાન અને નાના જમીનદાર હતા. તેમણે કલકત્તા યુનિવર્સિટીની સંલગ્ન કૉલેજ ચર્ચ મિશન સોસાયટી કૉલેજ (જે હવે સેન્ટ પોલ કૅથેડ્રલ મિશન કૉલેજ તરીકે ઓળખાય છે)માં અભ્યાસ કર્યો.
પરિવાર:-
તેમના પુત્ર નિરંજન પાલ હતા, જે બોમ્બે ટોકીઝના સ્થાપકોમાંના એક હતા. એક જમાઈ આઈસીએસ અધિકારી એસ.કે. ડે હતા, જેઓ પાછળથી કેન્દ્રીય મંત્રી બન્યા. તેમના અન્ય જમાઈ સ્વાતંત્ર્ય સેનાની ઉલ્લાસ્કર દત્તા હતા, જેમણે તેમની પાછલી ઉંમરે ઘણા સંજોગો પછી તેમના બાળપણના પ્રેમ એવાં શ્રી લીલા દત્તા સાથે લગ્ન કર્યા હતા.
Must Read: લાલા લાજપતરાય નું જીવનચરિત્ર
બિપિન ચંદ્ર પાલ પુત્રનો પરિવાર –
નિરંજન પાલ (બોમ્બે ટેકીઝના સ્થાપક)
પૌત્ર- કોલિન પાલ (શૂટિંગ સ્ટારના લેખક) ફિલ્મ ડિરેક્ટર પ્રપૌત્ર – દીપ પાલ (સ્ટેડીકેમ કેમેરાવર્ક).
રાજકારણમાં બિપીનચંદ્ર પાલ જેટલા ક્રાંતિકારી હતા તેટલા જ તેમના અંગત જીવનમાં પણ હતા. તેમની પ્રથમ પત્નીનાં અવસાન પછી, તેમણે એક વિધવા સાથે લગ્ન કર્યા અને બ્રહ્મ સમાજમાં જોડાયા.
અભ્યાસ:-
તેમણે સિલ્હટમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. ઉચ્ચ અભ્યાસ માટે કલકત્તા ગયા. ત્યાં બ્રહ્મસમાજનાં અગ્રણી એવા પ્રવાહી, રસાળ અને મંત્રમુગ્ધ કરી દેતી વાણી ધરાવતા કેશવચંદ્ર સેનનો એમનાં પર એવો પ્રભાવ પડ્યો કે તેઓ પણ બ્રહ્મસમાજ સાથે જોડાઈ ગયા. તેમના પિતાને આ બાબત પસંદ નહીં પડતાં બિપીનચંદ્રનું આજીવન મોં ન જોવાની કસમ ખાધી હતી. પરંતુ ઘણાં વર્ષો પછી તેઓની વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
એક પ્રખ્યાત પ્રસંગ:-
બ્રહ્મસમાજનાં સિદ્ધાંતો તેમના જીવનમાં એવી રીતે ઉતરી ગયેલાં કે જે કોઈ આ સમાજની વિરૂદ્ધમાં જાય તેમને તેઓ શાસ્ત્રાર્થ કરવાનો પડકાર ફેંકતા. આવા જ એક હતા કાલીચરણ બેનર્જી. કાલીચરણ બ્રહ્મસમાજની વિરુદ્ધમાં હંમેશા ઉગ્ર ભાષણો આપતા. તેમને પણ બિપીનચંદ્રએ પડકાર આપેલો, પણ સ્વીકારવામાં આવ્યો ન્હોતો. આથી બિપીનચંદ્રએ એક પછી એક સતત સાત ભાષણો આપીને કાલીચરણનાં વિચારોનું ખંડન કર્યું હતું.
બ્રહ્મસમાજનું ચુસ્ત અનુસરણ:-
બ્રહ્મસમાજ એ સુધારાવાદી સમાજ હતો અને સમાજની ખોટી પ્રથાઓ અને રિવાજોનો વિરોધી હતો. બિપીનચંદ્ર માત્ર ભાષણો આપીને ચૂપ રહેતા નહોતા, પરંતુ સમાજનાં નિયમોનું અનુસરણ પણ કરતા હતા. આ જ કારણથી જ્યારે તેમના પ્રથમ પત્નીનું મૃત્યુ થયું ત્યારે તેમણે સુપ્રસિદ્ધ નેતા સુરેન્દ્રનાથ બેનર્જીની વિધવા ભત્રીજી સાથે પુનઃલગ્ન કર્યા હતા. આ લગ્નએ તે સમયે ભારે ઉહાપોહ મચાવ્યો હતો, કારણ કે ત્યારે વિધવા વિવાહ પર પ્રતિબંધ હતો.
Must Read: બાળ ગંગાઘર લોકમાન્ય ટિળક નું જીવચરિત્ર
કાર્ય:-
બિપિન ચંદ્ર પાલને ભારતમાં ક્રાંતિકારી વિચારોના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મુખ્ય નેતા બન્યા. ઈ. સ. 1887માં યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મદ્રાસ અધિવેશનમાં, બિપિન ચંદ્ર પાલે આર્મ્સ એક્ટને રદ્દ કરવા માટે મજબૂત અરજ કરી જે ભેદભાવપૂર્ણ હતો. લાલા લજપત રાય અને બાલ ગંગાધર તિલક સાથે તેઓ લાલ-બાલ-પાલ ત્રિપુટીના હતા જે ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. શ્રી અરવિંદ ઘોષ અને પાલને પૂર્ણ સ્વરાજ, સ્વદેશી વસ્તુઓનો આગ્રહ, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણના આદર્શોની આસપાસ ફરતી નવી રાષ્ટ્રીય ચળવળના મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખવામાં આવ્યા હતા.
તેમના કાર્યક્રમમાં સ્વદેશી, બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો. તેમણે ગરીબી અને બેરોજગારી નાબૂદ કરવા માટે સ્વદેશીના ઉપયોગ અને વિદેશી વસ્તુઓના બહિષ્કારનો ઉપદેશ આપ્યો અને પ્રોત્સાહિત કર્યા. તેઓ સામાજિક દુષણોને સમાજમાંથી દૂર કરવા અને રાષ્ટ્રીય ટીકા દ્વારા રાષ્ટ્રવાદની લાગણી જગાડવા માંગતા હતા. તેમને બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર સાથે અસહકારના સ્વરૂપમાં હળવા વિરોધમાં કોઈ વિશ્વાસ નહોતો. તે એક મુદ્દા પર અડગ રહેતા હતા. આ રાષ્ટ્રવાદી નેતાને મહાત્મા ગાંધી સાથે કંઈ સામ્ય નહોતું.
તેમના જીવનના છેલ્લા છ વર્ષો દરમિયાન, તેમણે કોંગ્રેસ સાથેનો સાથ છોડી દીધો અને એકાંત જીવન જીવ્યું. શ્રી અરબિંદોએ તેમને રાષ્ટ્રવાદના સૌથી શક્તિશાળી પ્રબોધકોમાંના એક તરીકે ઓળખાવ્યા. બિપિનચંદ્ર પાલે સામાજિક અને આર્થિક બિમારીઓ દૂર કરવાના પ્રયાસો કર્યા. તેમણે જાતિ પ્રથાનો વિરોધ કર્યો અને વિધવા પુનર્લગ્નની હિમાયત કરી. તેમણે અઠવાડિયાના 48 કલાક કામ કરવાની હિમાયત કરી અને કામદારોના વેતનમાં વધારો કરવાની માંગ કરી. તેમણે ગાંધીજીના માર્ગો પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો, જેનું મૂળ “તર્ક” ને બદલે “જાદુ”માં સમાયેલું હોવા બદલ ટીકા કરી હતી.
ક્રાંતિકારી પ્રવૃત્તિઓ:-
બિપીનચંદ્રએ આપેલા ભાષણોએ તેમને ખૂબ જ નામના અપાવી હતી. ઈ. સ. 1900માં તેઓ ઈંગ્લેન્ડ ગયા હતા. ત્યાં પણ તેમણે ઘણાં ભાષણો આપ્યાં અને ત્યાંના વર્તમાનપત્રોમાં લેખો લખતા રહ્યા હતા. આનાં થકી તેમની આજીવિકા ચાલુ રહેતી.
ઈંગ્લેન્ડમાં તેમણે ‘સ્વરાજ્ય’ નામે પત્રિકા છાપી હતી. ત્યાંથી ભારત પાછા આવ્યા બાદ તેમણે ‘ન્યુ ઈન્ડિયા’ નામનું અંગ્રેજી સાપ્તાહિક શરુ કર્યું હતું. પાછળથી તેમણે શ્રી અરવિંદનાં વર્તમાનપત્ર ‘વંદે માતરમ’માં પણ સેવા આપવાનું શરૂ કર્યું હતું.
Must Read: ભગતસિંહ નું જીવન ચરિત્ર
એક પત્રકાર તરીકે તેમણે બંગાળ પબ્લિક ઓપિનિયન, ધ ટ્રિબ્યુન અને ન્યૂ ઈન્ડિયા માટે કામ કર્યું, જ્યાં તેમણે તેમના રાષ્ટ્રવાદની બ્રાન્ડનો પ્રચાર કર્યો. તેમણે ચીન અને અન્ય ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓમાં થઈ રહેલા ફેરફારો અંગે ભારતને ચેતવણી આપતા અનેક લેખો લખ્યા હતા. તેમના એક લખાણમાં, ભારત માટે ભાવિ ખતરો ક્યાંથી આવશે તેનું વર્ણન કરતા, તેમણે “અવર રીઅલ ડેન્જર” શીર્ષક હેઠળ લખ્યું હતું.
બંગ ભંગ આંદોલન:-
આ આંદોલન સમયે તેઓ પૂરા જોશથી કામ કરી રહ્યા હતા. તે સમયે એક ભાષણમાં એમણે કહ્યું હતું કે, “જે વસ્તુ આપણે જાત મહેનતથી કમાઈ શકતાં નથી એ મેળવવાનો આપણને કોઈ જ હક નથી, પરંતુ જે આપણો હક છે એ મેળવવા માટેની તાકાત તો આપણે જ રાખવી પડશે. સ્વદેશી વસ્તુઓ અપનાવી આપણે દેશને આર્થિક રીતે સમૃદ્ધ બનાવી શકીએ છીએ.”
આ આંદોલન દરમિયાન બ્રિટિશ સરકારે શ્રી અરવિંદ ઘોષની ધરપકડ કરી હતી અને બિપીનચંદ્ર પાલને તેમની વિરુદ્ધમાં સાક્ષી બનવા કહ્યું હતું. પરંતુ તેઓ માન્યા ન હતા. આથી તેમના પર કોર્ટના માનભંગનો કેસ ચલાવવામાં આવ્યો હતો. તેમણે સરકારને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “કોઈ પણ દેશભક્તની વિરુદ્ધમાં હું જઈશ નહીં. ભલે મારે ફાંસીએ ચડવું પડે.”
ત્યારબાદ તેમને છ મહિના માટે જેલમાં પૂરવામાં આવ્યા હતા. સજાના દિવસે કોર્ટની બહાર હજારો વિદ્યાર્થીઓએ એમનાં સમર્થનમાં દેખાવો કરેલાં. આમાં સુશીલ સેન નામના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી. જેનો કેસ શ્રી કિંગ્સફોર્ડની કોર્ટમાં ચાલ્યો હતો, જેઓ કડક સજા ફરમાવવામાં માહેર હતા અને એ માટે ક્રાંતિકારીઓમાં બદનામ પણ હતા. ફોર્ડ દ્વારા ફરમવાએલ સજાએ પ્રજામાં નવો જુસ્સો ભર્યો અને લોકોને આઝાદીની લડત માટે વધુ ઉશ્કેર્યાં.
આ સજા બાદ સુરેન્દ્રનાથ બેનર્જીની અધ્યક્ષતામાં મળેલી સભામાં સૌએ બિપીનચંદ્રને અભિનંદન આપ્યા. છ માસની સજા ભોગવીને બહાર આવ્યા બાદ તેઓ બમણા જોશથી કામ કરવા લાગ્યા. દેશનાં ખૂણે ખૂણે તેમણે જોશભર્યાં ભાષણો કર્યાં. ઈ.સ. 1919માં તેઓ કૉંગ્રેસ પ્રતિનિધિ મંડળ સાથે વિદેશ ગયેલા. ત્યાં પણ તેમણે દેશની આઝાદી માટે જ ચળવળ ચલાવી હતી. પરંતુ ત્યારબાદ દેશની નવી રાજનીતિ સાથે તાલમેલ ન જાળવી શકતા તેઓ એક હાંસિયામાં ધકેલાઈ ગયા.
આમ છતાં પણ તેમનો દેશજાગૃતિ માટેનો ફાળો કોઈ ક્યારેય ભૂલી શકશે નહીં. તેઓ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના અભ્યાસી હતા. આનો ઉલ્લેખ એમણે પોતે લખેલ પુસ્તકોમાં પણ કર્યો છે
મૃત્યુ:-
10મી મે 1932નાં રોજ તેમનું મૃત્યુ થયું. આજેય ભારત દેશની આઝાદીની ગાથામાં તેમનું નામ ખૂબ જ સન્માનપૂર્વક લેવાય છે.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
આ ૫ણ વાંચો:-
હું આશા રાખું છું કે તમને અમારો બિપિન ચંદ્ર પાલનું જીવનચરિત્ર (bipin chandra pal biography in gujarati) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.