મહત્વની માહિતી
મને શું થવું ગમે નિબંધ
મને શું થવું ગમે ? મને શું થવુ ગમે ? પ્રશ્ન નાનકડો છે પરંતુ મન ટંટોળીને ઉત્તર આપવાનો થાય તો ઉત્તર આભ જેવો વિરાટ છે. ક્યારેક તો થાય IAS બની દેશની સેવા કરૂ ને વિચાર આવે આટલી મોટી સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કર્યા બાદ રાજકારણની રમતમાં નેતાઓના હાથની કઠપૂતળી બનીને કઈ રીતે સેવા કરી શકીશ !
ક્યારેક થાય ડોક્ટર બનું ……!
તો ક્યારેક થાય વિજ્ઞાનિક બનું…..!
ક્યારેક થાય એન્જીનિયર બનું….!
તો ક્યારેક થાય પોલીસ બનું….!
કલ્પનાના ઘોડે ચડી દેશરક્ષા હેતુ સૈનિક બનું….!
તો ભારતનું ભાવિ ઘડવા શિક્ષક પણ બનું….!
શું બનું ? હું શું બનું ? પછી અંતરાત્માને પોકારૂ, ઉઘાડું અંતરની આંખો ને સ્મરણ થાય ‘હું આ પૃથ્વી પર મનુષ્ય ના રૂપે જન્મ્યો છું તો પહેલા હું માનવ જ બનું.
હા મિત્રો ડોક્ટર, એન્જીનીયર, સૈનિક, ક્લાર્ક, પટાવાળા, વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ આખરે છે તો મનુષ્ય જ ને. કુદરતે મનુષ્યના રૂપમાં જન્મ આપ્યો છે તો પહેલા હું માનવ જ બનું.
”હું માનવી માનવ થાઉં તો ઘણું ” —ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર( સુંદરમ)
માનવી ની ભૂમિકા
પૃથ્વી પરના બધા જ જીવોમાં મનુષ્ય એ સૌથી શ્રેષ્ઠ પ્રાણી છે. કારણ કે ઈશ્વરે તેને વાણી અને વિચાર અન્ય જીવોથી શ્રેષ્ઠ આપ્યા છે. મનુષ્ય પોતાની વાણી વાચાથી પોતાના વિચારો અભિવ્યક્ત કરી શકે છે. વિચારોનું સરળતાથી આદાન પ્રદાન કરી શકે છે. આ પૃથ્વી પર માનવી ની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેણે પોતાની સાથે સાથે સમગ્ર જીવસુષ્ટિનું સંતુલન રાખી તેની રક્ષા પણ કરવાની છે. પૃથ્વીએ સમગ્ર બ્રહ્માંડમાં એક માત્ર જીવસૃષ્ટિ ધરાવતો ગ્રહ છે. આથી સમસ્ત પૃથ્વી ગ્રહની રક્ષા કરવી એ માનવીનો પ્રથમ ધર્મ અને કર્તવ્ય છે.
માનવીએ તેનો ધર્મ અને તેનું કર્તવ્ય પાલન કેવી રીતે કરવું તે ઉત્તમ ઉદાહરણ ‘મનુસ્મૃતિ’ ગ્રંથમાં જોવા મળે છે. જ્યારે પૃથ્વી ઉપર જળપ્રલયનું સંકટ તોળાતું હતું ત્યારે એક મત્સ્ય દ્વારા મનુને જાણ થઈ હતી. તેની તૈયારીના ભાગરૂપે મનુએ મોટી નૌકાનું નિર્માણ કર્યું અને તમામ અનાજ, વૃક્ષ-છોડનાં બીજ સાથે લઈ લીધા લગભગ તમામ પ્રાણી-પક્ષીઓની નર-માદાની જોડી પણ નૌકામા સાથે લીધી.
તો અહી મનુની જીવદયા અને સમગ્ર પૃથ્વીને બચાવવાની ભાવના પ્રગટ થાય છે. ઉલ્લેખનીય છે કે જો તેણે તેના વિચારમાં સ્વાર્થ રાખ્યો હોત તો માત્ર પોતાનો જીવ બચાવત, ૫રુંતુ તેમણે સમગ્ર પૃથ્વીને જીવંત રાખવાની ખેવના બતાવી. આ શ્રેષ્ઠ વિચારને આપણે ‘વસુઘૈવ કુટુંમ્બકમ’ કહી શકીએ. એક મનુષ્ય તરીકે આ આપણી મૂળભૂત ફરજ છે.
મહામાનવ
મહાત્મા ગાંધીજી :-
એક સંપન્ન કુટુંબમાં જન્મેલા મોહનદાસે પોતાનું સુખી જીવન ત્યજીને મોઘા કોટ ત્યાગીને ધોતી પહેરી લીધી, શા માટે? કેમ કે તેમનાથી બીજા લોકોની તકલીફો ભરી જિંદગી ન જ હોય તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમને લાગ્યું કે જ્યાં લોકોને ટંકભર ભોજનના ફાંફા છે ત્યાં હું સ્વાર્થ સાઘી એકલો શી રીતે સુખ ભોગવી શકું ? આને જ કહેવાય મહાપુરુષના આગવા લક્ષણો.
”વૈષ્ણવ જન તો તેને રે કહીએ
જે પીડ પરાઈ જાણે રે,
પરદુઃખે ઉપકાર કરે તોયે
મન અભિમાન ન આણે રે”
– આદિ કવિ નરસિંહ મહેતા
નેપોલિયન બોનાપાર્ટ :-
નેપોલિયન બાળપણથી જ બીજાની ભલાઈ માટે જીવનાર વ્યક્તિ હતા. તેમના બાળપણનો પ્રસંગ કે જેમાં રમત રમતા ફળ વેચનાર એક છોકરી સાથે અથડાઈ જાય છે અને છોકરીના બધા જ ફળ કાદવને કારણે ખરાબ થઈ જાય છે. નેપોલિયન ઘરે જઈ માતા પાસેથી પોતાના ખિસ્સા ખર્ચમાંથી છોકરીનું નુકસાન ભરે છે. અર્થાત સાચો મનુષ્ય એ છે કે જે હંમેશાં બીજાની ભલાઈ માટે જીવે છે.
મધર ટેરેસા
મધર ટેરેસા નું મૂળ નામ એગ્નિ ગોન્ઝા બોઝાહિયુ હતું. એમને પણ જીવનની વાસ્તવિકતાનો પરિચય થયો અને એમણે સંકલ્પ કર્યો કે મારું જીવન હું ગરીબ, લાચાર,અનાથ અને બીમાર લોકોને સમર્પિત કરીશ અને તેઓ ભારત આવ્યા અને કલકત્તાને કર્મભૂમિ બનાવી. તેમણે કોઠથી પીડાતા રોગીઓની માતાની જેમ સેવા કરી માટે તેઓ ‘મધર ટેરેસા‘ નામથી પ્રચલિત છે. તેમની આ નિસ્વાર્થ સેવા માટે ઇ.સ. 1979માં વિશ્વ પ્રસિદ્ધ નોબલ પુરસ્કાર (શાંતિ માટે) એનાયત થયો. તદુપરાંત ભારત રત્ન પુરસ્કારથી પણ તેમને નવાજવામાં આવ્યા. આવા હતા નિસ્વાર્થ સેવાભાવી વિશાળ હૃદય મધર ટેરેસા.
આવા ઘણાય નામ છે, નેલ્સન મંડેલા, વીર શહીદ ભગતસિંહ, સરદાર વલ્લભભાઇ પટેલ, બાબાસાહેબ આંબેડકર, બિરસા મુંડા ………વિગેરે. જેઓ માનવતા માટે અને બીજાની ભલાઈ માટે જીવ્યા કોટી કોટી વંદન છે આ મહામાનવીઓને.
महान बनने से पूर्व पहले व्यक्ति को एक अच्छा इन्सान बनना पडता है ।
हमारा धर्म प्रेम होना चाहिये और जाति केवल मानवता होनि चाहिये॥
કળિયુગનો માનવી :
આ હળહળતા કળિયુગને જોઈને જ મને વિચાર આવ્યો કે ૫દ, પ્રતિષ્ઠા, પગાર માટે તો મારી મહેનત અને ખંતથી કંઈ પણ બની શકીશ પરંતુ પ્રથમ તો હું એક ‘સાચો માનવ બનીશ’ આજના માનવને જોઈને હેમંત ચૌહાણના શબ્દોનું સ્મરણ થાય. ”જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં”
સ્વાર્થને સારથી બનાવી અહંકારનું આયુઘ લઇ રશ્કના રથમાં સવાર માનવી માનવતા ભૂલાવી લાલચી, નિર્દયી અને આતતાયી થઇ ગયો છે, અને ૫તનના ૫થ ૫ર જઇ રહયો છે. ગીતા, બાઈબલ, કુરાન જેવા ગ્રંથોને ભુલાવી મનુષ્યની વ્યાખ્યા વિસરી ગયો છે. નિજ સ્વાર્થ સાઘવા તે મનુષ્યત્વની સીમા અને મર્યાદાઓ તોડી રક્ષરૂ૫ ધારણ કરી બેઠો છે. દરરોજ તે તેનું સ્વરૂપ ઘાતકી અને વિકરાળ બનાવી રહયો છે. નિત્યરોજ ચોરી, લૂંટફાટ, હત્યા, બળાત્કાર જેવા સમાચારો વાંચીને સાંભળીને મન ઉદાસ થઈ જાય છે અને હૈયું રુદન કરે છે.
કળિયુગના માંનવે ખરેખર પોતાની માનવતા ભૂલાવી દીધી. જો માત્ર ગુજરાતની જ વાત કરીએ તો જ્યારે કુદરતે માનવીની આકરી કસોટી રૂપી આફતો સર્જી ત્યારે માનવીએ તેમનું સાચું અને સ્વરૂપ બતાવ્યું !
26 જાન્યુઆરી 2001માં કચ્છ વિસ્તાર ભૂકંપગ્રસ્ત થયો ત્યારે માનવીએ માનવીના વહારે આવવાને બદલે બીજાની કફોડી અને દયનીય ૫રિસ્થિતિનો લાભ ઉઠાવ્યો. ઉઘાડી લૂંટ કરી, ખોરાક પાણી માટે તરફડતા લોકોને મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો. શું આ મનુષ્યના લક્ષણ કહી શકાય ? મોરબીના મચ્છુ ડેમ તૂટવાની ઘટના બની ત્યારે પણ અમુક અંશે આવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ઈ.સ. ૨૦૦૬માં સુરત શહેરની પૂરની સ્થિતિ પણ આવી જ હતી.
તાજેતરમાં જ આપણે મનુષ્યનું ભયંકર સ્વરૂપ જોયું. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કે જે વિશ્વમાં કેટલાય લોકોના જીવ ભરખી ગયો. આવા કપરા સમયે મનુષ્યને ઇન્જેક્શન અને દવાની તાતી જરૂર હતી. અને આવા સમયે દવા અને ઇન્જેક્શન જે માનવપ્રાણ બચાવી શકે તેવી વસ્તુઓની કાળા બજારી કરવી એ અક્ષમ્ય અ૫રાઘ છે. જે મનુષ્યએ માત્ર અને માત્ર ધન કમાવાનું ઓજાર બનાવ્યુ. નકલી દવાઓ,નકલી ઈન્જેકશન વેચીને માનવવઘ જેવો અ૫રાઘ કર્યો. કહેવાય છે કે,
‘કોઈના રસ્તામાં ફુલ ન પાથરી શકો તો કંઈ નહીં
પરંતુ કાંટા તો ન જ પાથરવા જોઈએ’
પોતાના ધન કે શક્તિનો દુરુપયોગ ન કરવો જોઈએ. તેનું અભિમાન કે ઘમંડ પણ ન કરવું જોઈએ. મનુષ્યને એ શોભાયમાન નથી.
समय बड़ा बलवान है, मनुज नहीं बलवान। काबे अर्जुन लूटिया, वही धनुष वे ही बाण।
મહાભારતમાં અર્જુનને તેના ‘ગાંડીવ’ ધનુષ્ય અને ધનુવિધા પર અભિમાન હતું. પરંતુ તેને કાબા નામની જાતિના સામાન્ય લોકોએ હરાવી દીધો હતો.આપણે એક સામાન્ય માનવી છીએ એ ક્યારેય ન ભૂલવું જોઈએ. મનુષ્ય તેના ગુણોને કારણે મનુષ્ય કહેવાય છે નહિતર માનવી અને પશુ વચ્ચે કોઈ અંતર ન રહી જવા પામે. એવું નથી કે પૃથ્વી ઉપર માનવતા સાવ મરી પરવારી છે ઘણા એવા લોકો છે જે કળિયુગમાં પણ માનવતાને મહેકાવી રહ્યા છે.
‘જગત તો ઘણું વિરાટ છે, પરંતુ મારું મન એક નાનકડા વર્તુળમાં વસે છે – ગુરુ રવીન્દ્રનાથ ટાગોર
આ જ કારણ છે કે બનતા તો હું હિમાલય બનું, પરંતુ પહેલાં હું સાચો માનવ બનું. કોઈ પૂછે જો મને કે મને શું થવું ગમે ? તો હું કહું છું સાચા હૃદયથી કે……
‘ હું માનવી છું મને માનવ થવું ગમે’
લેખક : ચૌઘરી હિરેનકુમાર શંકરભાઇ, શિક્ષક, પ્રા.શા.ડુંગરપુર તા.વ્યારા જિ.તાપી
આ ૫ણ વાંચો:-
- વર્ષાઋતુ નિબંધ
- પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ
- જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
- ઓનલાઇન શિક્ષણ ના ફાયદા અને ગેરફાયદા
- ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ
હું આશા રાખું છું કે તમને અમારો મને શું થવું ગમે નિબંધ (mane su thavu game essay in gujarati) લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.