મારા શૈશવના સંસ્મરણો નિબંધ | Maru Balpan Gujarati Nibandh

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આજનો આ૫ણો વિષય છે-મારા શૈશવના સંસ્મરણો. શૈશવ એટલે કે બાળપણ. આ શબ્દ જ એવો છે, કે જેને સાંભળતાની સાથે જ આપણે આપણાં એ દિવસોમાં પાછા જતાં રહીએ છીએ. મને નથી લાગતું કે કોઈ વ્યક્તિ એવી હશે, જેને પોતાનું બાળપણ યાદ નહીં હોય. બધાના સંસ્મરણો સારા જ હોય તે જરૂરી નથી, પરિસ્થિતિ પ્રમાણે તેમાં ફેરફાર થવો સ્વાભાવિક છે, પરંતુ દરેકને પોતાનું બાળપણ યાદ રહી જાય તે વાત ચોક્કસ છે. અત્યારે તમને આ લેખ વાંચતા વાંચતા પણ તમારું બાળપણ યાદ આવી જ ગયું હશે ! તો ચાલો આજે આ૫ણે શૈશવના સંસ્મરણોને નિબંધ સ્વરૂપે વાગોળીએ.

મારા શૈશવના સંસ્મરણો નિબંધ (Mara Saisav na Sansmarano Essay in Gujarati)

“દોસ્તો, કબાટમાંથી પાંચ પૈસાનો 
            જૂનો સિક્કો મળ્યો,

મારા ખોવાયેલા બચપણનો 
              જાણે એક કિસ્સો મળ્યો…”

આમ તો મારા બાળપણના ઘણા કિસ્સાઓ એવા છે, જે સમયની સાથે સ્મૃતિમાંથી વિસરી ગયા છે, પરંતુ કેટલાક કિસ્સાઓએ આજે પણ અડ્ડો જમાવી રાખ્યો છે. તે સમયે અમે બાળક હતા, અણસમજુ હતા, મસ્તીખોર ખૂબ હતા, પરંતુ સૌના લાડકવાયા હતા. માતાની મમતા અને પિતાનો પ્રેમ સતત અમારા પર વરસતા રહેતા હતા. દાદા દાદી તો જાણે એટલા ખુશ હતા કે તેને શબ્દોમાં વર્ણવવું લગભગ અશક્ય છે. રૂપિયાનું વ્યાજ કોને વ્હાલું ન હોય, તેમ અમે પણ દાદા માટે રૂપિયાનું વ્યાજ સમાન હતાં. હવે તમે જ વિચાર કરો કે કેટલો વ્હાલ કરતા હશે અમને. 

જન્મના શરૂઆતના વર્ષો કંઈ જ યાદ નથી, પરંતુ હું ૪ વર્ષનો થયો ત્યાર બાદના સ્મરણો આજે પણ સ્મૃતિપટ પર એવા ને એવા જ રમે છે. ભૂખ કે તરસની તો ખબર જ ન હતી, તે વાતનું ધ્યાન મમ્મીએ રાખવાનું હતું. ખવડાવવા માટે જમવાની ડીશ લઈને મારી પાછળ પાછળ ફર્યા કરે અને હું આખું ઘર ખરાબ કરું, તો પણ તે વાતનો ગુસ્સો કરવાને બદલે મેં ખાઈ લીધું તે વાતની ખુશી વધારે હોય.

ભાઈબંધો સાથે રમવાનું અને રમતાં રમતાં મસ્તી પણ કરવાની. ક્યારેક તો ઝગડો પણ થઈ જાય અને એકબીજાનું રમકડું લેવા માટે મારામારી પણ કરતાં. બીજા જોડે હોય અને આપણી પાસે ન હોય તેવી વસ્તુ જો જોઈતી હોય તો આપણી પાસે હોય અને સામેવાળા પાસે ન હોય તેવી વસ્તુ આપવી પડે. આ વિનીમયપ્રથા એ સમયે અમે શીખ્યા હતાં, અને તેના માટે એક રમકડું તો એવું રાખવું જ પડે, જે બીજા કોઈ પાસે ન હોય.

એકબીજા સાથે રમવું, ઝઘડવું, છુટ્ટા પડવું અને થોડી વારમાં જાણે કંઈ બન્યું જ નથી તે રીતે ભેગા થઈ જવું. બાળપણની આ જ તો નિખાલસતા હતી, જે મોટા થયા પછી અને વ્યવહારુ સમજ આવ્યા પછી જતી રહી છે. ખબર નહિ કે એ સમય ક્યારે પાછો આવશે કે જ્યારે એક દડો લાવવા માટે ૧૦ જણા ભેગા થતા હતા. અને આજે દડો તો બધા લાવી શકે છે, પરંતુ ભેગા નથી થઈ શકતા. આ જ તફાવત છે, બાળપણ અને તેના પછીની જિંદગીનો.      

Must Read : મારા સપનાનું ભારત નિબંધ

“નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા,
            પણ હવે સમજાયું કે…..
      અધૂરા સપના અને અધૂરી લાગણીઓ કરતાં, 
      અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા….”

મને આજે પણ યાદ છે, કે જ્યારે દિવાળી વેકેશન આવે ત્યારે મામાના ઘરે ફરવા જવાનું હોય. આપણે રહ્યા નાના, એટલે આપણને ખાસ કોઈ ક્યાંય લઈ જાય નહિ. દરેક બાબતમાં દરેક વ્યક્તિ એમ જ કહે, કે તું નાનો છે. એટલે એમ થઈ જતું કે ક્યારે આ બાળપણ પૂરું થાય અને જલ્દી જલ્દી મોટા થઈ જઈએ ? મારા મામા અને ફોઈના દીકરાઓ કે જે મારાથી મોટા છે, તેમને પોતાની રીતે ફરવા જતા જોઇને મને પણ એમ થતું કે હું પણ ક્યારે આ બધાની જેમ એકલો ફરવા જઈ શકીશ ? ત્યારે ઝટપટ મોટા થવાની ઉતાવળ હતી.

ત્યારે ક્યાં ખબર હતી કે સમય જે વહી ગયો, તે ફરી નહિ આવે. અત્યારનો સમય જ એવો છે કે તમે ગમે તેટલા સપનાની પાછળ ભાગશો, પરંતુ ક્યાંક તો કોઈ સપના અધૂરા રહી જ જવાનાં. ક્યાંક કોઈની લાગણીને ઠેસ પહોંચી જ હશે, ને કોઈનું મન જાણે અજાણે પણ દુભાયું હશે. અને જિંદગીમાં આ બધાને સાથે લઈને ચાલવું અને એ પણ કોઈને મનદુઃખ ન થાય એ રીતે, એના કરતાં તો બાળપણ સારું હતું. ભલે રમકડાં તૂટેલા હતાં, પરંતુ દિલ નહોતા તૂટેલા.

Must Read :  બાળ૫ણ શાયરી 

આજે પણ જ્યારે કોઈ સ્કૂલમાં નાના બાળકને પ્રથમ દિવસે શાળાએ જતાં જોઉં ત્યારે મને પણ મારો સ્કૂલનો પ્રથમ દિવસ યાદ આવી જાય. ક્યારેય ૧૦ મિનિટથી વધારે એક જગ્યાએ ટકીને બેઠા ન હોઈએ, અને સ્કૂલમાં ૪ કલાક બેસવાનું. અને એ પણ ઘરનું કોઈ સભ્ય ન હોય તેવી જગ્યાએ. ચાર દીવાલોમાં કેદ થઈ જવાનું. આસપાસમાં બધા જ વ્યક્તિ નવા, કોઈને ઓળખતા ન હોઈએ. મમ્મીની આંગળી છોડવાનું મન ન થતું હોય, અને ટીચર મમ્મીને રૂમમાં આવવા ના દે. એટલી વિકટ પરિસ્થિતિ થઈ જતી, કે જેને શબ્દોમાં ન વર્ણવી શકાય, તેનો બસ અનુભવ જ થાય. ત્યારે ભણવામાં મન લાગે તેના માટે એકમાત્ર લાલચ અપાતી ઇનામની. કે પ્રથમ નંબર આવશે તો તને ઈનામ મળશે. આજે પણ જ્યારે નાના ભૂલકાઓને ઈનામ લેવા માટે ઊભા થતા જોઉં ત્યારે મને પણ મારો સ્કુલનો સમય યાદ આવી જાય.

અત્યારે તો નીતનવી ટ્રોફી આવી ગઈ છે, પરંતુ અમે જ્યારે નાના હતા ત્યારે એટલું બજેટ નહોતું સ્કુલ પાસે. એટલે કોઈ દાતા હોય જે ગ્લાસ, કે ડીશ, કે થાળી એવું બધું પ્રોત્સાહન રૂપે આપતા હતા. પરંતુ તે ગ્લાસ લેવા માટે જવાનો ઉત્સાહ પણ અનેરો હતો, કેમ કે આપણું નામ જ્યારે માઈકમાં બોલાય, અને આપણાં નામ પાછળ જે તાળીઓનો ગડગડાટ થાય ને, તેનાથી જ દિલ ગદગદ થઇ જતું. મારી જોડે આજે પણ એવો થાળી, ડીશ અને ગ્લાસનો સેટ છે, જે મને ઇનામમાં મળ્યો હતો અને આજે પણ હું તેમાં જ જમવાનું પસંદ કરું છું.

Must Read : મારી શાળા નિબંધ

“બાળપણમાં બધાં મિત્રો પાસે ઘડિયાળ નહોતી, પણ બધાં પાસે સમય હતો,
આજે બધા પાસે બ્રાન્ડેડ ઘડિયાળ છે, પરંતુ કોઈની પાસે સમય નથી….”

ખરેખર આજે આપણે બધાએ આ વાત સ્વીકારવી રહી, કે બાળપણમાં આપણી પાસે સમય જ સમય હતો. જેમ જેમ મોટા થતાં ગયા, તેમ તેમ સમય ઓછો મળતો ગયો, અને અત્યારે એવા મુકામ પર છીએ કે, બધું જ છે, છતાં પણ દિલમાં ક્યાંક ખાલીપો લાગે છે. નથી રહ્યું તો એ નિખાલસ બાળપણ, માત્ર રહયા છે મારા શૈશવના સંસ્મરણો, બાળ૫ણની યાદો. 

નાનપણમાં દિવાળી વેકેશનમાં ભર બપોરે બહાર ફરવા જવું હોય તો ચપ્પલ પણ પહેરવા ન રહેતા, કે કદાચ કોઈ જાગી જાય અને બહાર જવાની ના પાડી દે તો. ત્યારે ખુલ્લા પગે આખું ગામ ખૂંદી વળતા, પરંતુ તડકાનો કે ગરમીનો જરા પણ એહસાસ થતો નહીં, અને અત્યારે ? અત્યારે તો એ.સી. કારમાં પણ બપોરે બહાર નીકળવામાં તકલીફ થતી હોય છે. તેના માટે કોઈએ ખૂબ સરસ કહ્યું છે કે,

“બાળપણમાં ભર બપોરે આખા ગામમાં ઉઘાડા પગે આંટો મારી આવતાં…. 
જ્યારથી આ ડીગ્રીઓ સમજમાં આવી છે, પગ બળવા લાગ્યા છે…..”

ખરેખર બાળપણ ખૂબ જ સારું હતું. જો મને ફરીથી બાળક બનવાનું કહે, તો હું એક ક્ષણનો પણ વિચાર કાર્ય વગર બાળક બનવા તૈયાર થઈ જાઉં. બાળપણની મસ્તી જ ન્યારી હતી. કોઈ નિયમ નહીં, કોઈ રોકટોક નહીં. કોઈને કોઈ વાતની શરમ નહીં, અને કોઈને કોઈ વાતનો અણગમો નહીં. બધા પોતપોતાની મસ્તીમાં મસ્ત હોય અને ખુશીથી પોતાનું બાળપણ જીવતા હોય. અંતમાં એટલું જ કહીશ કે બાળપણ એટલે સારું હતું કેમ કે, 

” बचपन में जहां चाहा हंस लेते थे, जहां चाहा रो लेते थे….
    पर अब, 
 मुस्कान को तमीज चाहिए, और आंसुओ को तन्हाई…”

લેખક :-   “નિષ્પક્ષ” પુષ્પક ગોસ્વામી, Insta ID : nishpaksh3109

આ ૫ણ વાંચો:- 

  1. પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ
  2. રાષ્ટ્રીય એકતા દિવસ
  3. વસંત પંચમી નિબંધ
  4. મિત્રતાની મીઠાશ નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો મારા શૈશવના સંસ્મરણો નિબંધ (Maru balpan Gujarati nibandh)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. આ લેખ આપને બાળપણ ની યાદો નિબંધ, બાળપણ નો અનુભવ, મારૂ બાળપણ નિબંધ લેખન માટે પણ ઉપયોગી બનશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

બાળપણ ના સ્મરણોx
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “મારા શૈશવના સંસ્મરણો નિબંધ | Maru Balpan Gujarati Nibandh”

Leave a Comment