Advertisements

મા તે મા બીજા બધા વગડાના વા નિબંધ | મા વિશે નો નિબંધ

Advertisements

” મા” ની મમતા વિશે અનેક કવિઓએ કોમળ હદયથી લખ્યુ છે. માતૃત્વ પ્રેમ વિશે ગુજરાતી ભાષામાં એક જાણીતી કહેવત છે. ”મા તે મા બીજા બધા વગડાના વા” તો ચાલો મિત્રો આજે આ૫ણે મા તે મા બીજા બધા વગડાના વા વિશે ગુજરાતી નિબંધ લેખન કરીએ.

મા તે મા બીજા બધા વગડાના વા નિબંધ-(૧)

લેખક:- પીનાબેન ૫ટેલ, શિક્ષક, આદર્શ કન્યા શાળા સોનગઢ તા.સોનગઢ જિ.તાપી

”જનનીની જોડ સખી નહી જડે રે લોલ” એમ કવિ બોટાદકરે પોતાની કવિતામાં માતૃપ્રેમ નો મહિમા મુક્તકંઠે ગયો છે.

”મા” શબ્દોમાં જ એટલી મીઠાશ છે કે એનો અનુભવ કોઇ પણ વ્યક્તિ એ નાનું બાળક હોય કે મોટું સૌ કોઈ તેનો અનુભવ કરી શકે છે.

”માં એ મા છે” તેના મનમાં પોતાનું બાળક જેવું હોય તેવું ભલે વિકલાંગ હોય કે બીજી કોઇપણ ખોડખાંપણવાળું હોય એ બાળક તેના માટે દુનિયાનું શ્રેષ્ઠ બાળક હોય છે. માતાના પોતાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ અને સંસ્કાર આપવા પ્રયત્ન કરે છે. બાળક માતાના ઉદરમાં હોય ત્યારથી માંડીને સમજતું થાય ત્યાં સુધી કેટલીય મુશ્કેલીઓ, કસ્ટીનો સામનો હસતા હસતા કરે છે. પોતાના બાળક તથા પરિવાર માટે કંઈ પણ કરી જવા માટે તૈયાર રહે છે. પોતે બીમાર હોય અથવા કોઇ પણ વિકટ પરિસ્થિતિ હોય તે બાળક પર કે પોતાના પરિવાર પર તેનો અણસાર પણ આવવા દેતી નથી.

અનન્વય અલંકાર માં કહીએ તો ”વાત્સલ્યની મૂર્તિ એટલે માં” માતા જેવું વાત્સલ્યનું ઝરણું જગતમાં ક્યાંય મળે એમ નથી. માતા કોઈની પણ હોય તે ફક્ત મનુષ્યની નહીં પરંતુ પશુ-પંખી, જાનવરોમાં પણ એ માતૃત્વના દર્શન આપણે જોઈ શકીએ છીએ. ઘણી જગ્યાએ આપણે જોયું હશે કે જાનવર પોતાના બાળકને જન્મ આપ્યા બાદ જીભથી ચોખ્ખું કરે છે, સાચવે છે. પોતાના શિશુ પર આવનાર કોઇ પણ ઘાતને પોતે સહન કરે છે પરંતુ બાળક સાચવે છે.

દરેક વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ મોટાભાગે તેની માતા જ હોય છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન દરેક જગ્યાએ ન પહોંચી શકે આથી જ તેમણે માતાનું સર્જન કર્યું હશે. દરેક મનુષ્યનું જીવન માતા થી શરૂ થાય છે અને તેમાં જ આખું વિશ્વ સમાય જાય છે.

”માતા એટલે ત્યાગની મૂર્તિ” માતા પોતાના બાળક માટે પોતાની બધી જ ઇચ્છાઓ નું બલિદાન આપતા અચકાતી નથી. બાળકને પોતાના પરિવારજનો માંથી સૌથી વધુ પ્રેમનો અનુભવ થતો હોય તો તે પોતાની માતા તરફથી હોય છે. ”માતાએ બાળકનું સર્વસ્વ છે અને બાળક એ માતાનું વિશ્વ છે”.


મા તે મા બીજા બધા વગડાના વા નિબંધ – (૨)

લેખક:- ચૌઘરી દર્શનાકુમારી દિનેશભાઇ, શિક્ષક, પ્રાથમિક શાળા, ઘાટ, તા.વ્યારા જિ.તાપી.

માતા, મા, જનની, મમ્મી, અમ્મા એ શબ્દો ‘મા’ માટે આપણે સાંભળીએ છીએ. માતા એ ઈશ્વરનો ખુબ જ અદભૂત સર્જન છે. આ સૃષ્ટિનું સર્જન કર્યા બાદ જ્યારે બધી જગ્યાએ ન પહોંચી શકે ત્યારે ભગવાને ‘મા’ નું સર્જન કર્યું. કવિ બોટાદકરની પંક્તિ યાદ આવે છે.

”મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ

એથી મીઠી તે મોરી માત રે

જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ”

આ પંક્તિમાં કવિ ‘મા’ ને મઘથી પણ મીઠી ગણાવે છે. ”આખું જગત એક તરફ અને ‘મા’ ની મમતા એક તરફ.” કહેવાયુ છે ને કે- ”ધરતીનો છેડો ઘર અને ઘર નો છેડો ‘મા’.” આપણે આખી દુનિયા ફરીને આવ્યા બાદ સાચી શાંતિ તો ‘મા’ ના ખોળામાં જ મળે છે. એટલે જ તો કહેવાયું છે ને –

‘ગોળ વિના મોળો કંસાર, માત વિના સુનો સંસાર’

”સ્નેહ અને મમતા ના રસ થી ભરેલું વટવૃક્ષ એટલે મા.” માતૃપ્રેમ શબ્દ જ એ સંપૂર્ણ લાગણીથી ભરાયેલો છે. આપણે પુરા જગત ની સરખામણી ‘મા’ સાથે કરીએ તો એ થઈ જાય પણ ‘મા’ ની સરખામણી જગતમાં કોઈ સાથે કરવી શક્ય નથી.

માતા પોતાના જીવને જોખમમાં મુકી કેટલી પીડા સહન કરી પોતાના બાળકને જન્મ આપે છે. અને પોતાના બાળકનો ઉછેર કરે છે. ‘મા’એ ખાલી જન્મ આપીને પોતાના સંતાનોની જવાબદારીમાંથી મુક્ત થતી નથી, પરંતુ એના બાળપણથી લઈને બાળક મોટું થાય ત્યાં સુધી એની જવાબદારી નિભાવે છે. કદાચ ‘મા’ પોતે અભણ હોઈ શકે પરંતુ એ પોતાના સંતાનને દુનિયાના સારા અને સર્વશ્રેષ્ઠ મનુષ્ય બનાવવા માટે મોંઘામાં મોંઘુ શિક્ષણ આપી સારા અને સાચા સંસ્કારોનું સિંચન કરે છે. તેથી જ તો કહેવાય છે ને –

”એક માતા સો શિક્ષકની ગરજ સારે છે”

માતા બાળકને જન્મ આપે અને કષ્ટ વેઠી બાળકનો ઉછેર કરે છે અને બાળકની કાળજી રાખે છે. જ્યારે બાળક નાનું હોય ત્યારે બાળક પથારી ભીની કરે છે, તો માતા પોતે ભીનામાં સૂઈ જાય અને બાળકને સુકામાં સુવડાવે આવે છે. ‘મા’ ની મમતાને આપણે શબ્દોમાં વર્ણવી ખૂબ જ મુશ્કેલ છે. ‘મા’ એ તો ભગવાનનું સ્વરૂપ છે. આપણે ‘મા’ ના આશીર્વાદ લઈને ઘરેથી નીકળીએ તો દુનિયાની કોઈ પણ તાકાત તમને હરાવી શકતી નથી. તેથી જ તો એક પંક્તિ છે.

”વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ 

માડીનો મેઘ બારે માસ રે…..’

વરસાદ વરસ્યો હોય તો એ અમુક ઋતુમાં કે થોડા સમય માટે હોય પરંતુ ‘મા’ નો પ્રેમ તો બારેમાસ અને હર હંમેશાની માટે આપણી સાથે જ રહેતો હોય છે .એક ‘મા’ ના વાત્સલ્ય આગળ તો આખી દુનિયા નો વૈભવ પણ ટૂંકો લાગે. તમે એક વાર વિચાર કરજો કે જેમણે બાળપણમાં માતા ને ગુમાવી હશે અને જે બાળકની માતા હોય તો તે બાળકના ચહેરાની ચમક જ કંઈક અલગ હોય છે.

”મા એટલે પ્રેમનું અવિરત ઝરણું.”

બહારથી કમજોર દેખાતી સ્ત્રીને ભગવાને એટલી મજબૂત બનાવી છે કે જરૂર પડે ત્યારે એ એના મા-બાપનો દિકરો અને પોતાના સંતાન માટે બાપ પણ બની જાય છે.

‘મા’ એ આપણી મનુષ્યની જ નહીં પરંતુ આ સૃષ્ટિ પર બધા જ પ્રાણી, પશુ, પક્ષી બધા જ પોત પોતાના સંતાનોને અજોડ પ્રેમ કરે છે. આપણે એક પશુની વાત કરીએ તો એક ગાય એનું વાછરડું ઘડીભર પણ ન દેખાય તો એ કેવી બેબાકળી બની જાય છે. એવું પક્ષી પોતાના ઈંડા માટે છે. જો આટલો પ્રેમ પશુ-પક્ષીઓમાં હોય તો આપણે તો મનુષ્ય છીએ. ઈશ્વરનું સાચુ સ્વરૂપ જો ક્યાંય હોય તો ‘મા’ ની આંખોમાં છે. એક જ પ્રસિદ્ધ પંક્તિ છે.—

”પૈસાથી બધું જ મળે છે, તો હું બધું જ આપી દઉં, શું મને મારી મા મળે ખરી?”

તેથી જ તો કહેવાયુ છે ને કે ‘મા’ની મમતા ના તોલે કોઈ આવી શકતું નથી. એક પંક્તિ છે

”ગંગાના નીર તો વધે ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે”

ગંગાનાં નીર તો વધે અને કોઈક દિવસ ઘટે પણ માતાનો પ્રેમ બાળક પ્રત્યે વધતો કે ઘટતો નથી. બારેમાસ સરખો જ વહેતો હોય છે.

કહેવાયુ છે ને કે આ દુનિયામાં ‘મા’ નો પ્રેમ અજોડ હોય છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે પ્રેમ આંધળો હોય છે. માતાનું પણ એવું જ છે. કેમકે એક બાળકની માતા અને બાળક જ્યારે પેટમાં હોય છે ત્યારથી જ એને કોઈ પણ સ્વાર્થ વગર પ્રેમ કરે છે. માતાને ભલે એક બાળક હોય કે પછી સાત બાળકો હોય તે બધાને સરખો પ્રેમ આપે છે. હુંફ આપે છે. કોઈ ગરીબ ઘરની માતા હોય કે પછી શ્રીમંત ઘરની, કે પછી પોતાનું બાળક દેખાવે કાળો હોય કે ગોરો, દેખાવે બહુ સુંદર હોય કે કોઈ શારીરિક રીતે ક્ષતિ વાળો હોય ૫રંતુ એક માતા પોતાના દરેક સંતાનોને જીવ થી પણ વધારે પ્રેમ કરે છે. તેથી જ એક કહેવત છે ને કે–

”છોરૂ કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય”

ખરેખર માતાનો મહિમા અજોડ છે. ‘મા’ ના પ્રેમની તોલે કોઈ આવી શકતું નથી. સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગનાના પ્રેમથી ચડિયાતો લેખ્યો છે. તેથી જ તો કહેવાયું છે કે ”મા તે મા બીજા બધા વગડાના વા.”

આ ૫ણ વાંચો:-

  1. માતૃપ્રેમ નિબંધ
  2. બેટી બચાવો બેટી પઢાવો નિબંધ
  3. નારી તું નારાયણી નિબંધ
  4. માતૃભાષા નું મહત્વ નિબંધ
  5. પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો મા તે મા બીજા બધા વગડાના વા નિબંધ  આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

Leave a Comment

%d bloggers like this: