મિત્રતાની મીઠાશ નિબંધ | મારો પ્રિય મિત્ર નિબંધ

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

‘મિત્રતાની મીઠાશ’ એ શબ્દ સાંભળતા જ મને એક ખૂબ સુંદર પંકિતઓ યાદ આવે છે. ”ફકત જીંદગીની એકમાત્ર ચાસણી એટલે મિત્રતાની લાગણી”.  ”મિત્ર એટલે અવ્યકત લાગણીનો રોજ ઉજવાતો મહોત્સવ”. તો ચાલો મિત્રો આજે આ૫ણે મિત્રતાની મીઠાશ (mitrata ni mithas essay in gujarati)અથવા મારો પ્રિય મિત્ર (maro priya mitra nibandh gujarati) એ વિષય ૫ર નિબંધ લેખન કરીએ.

મિત્રતાની મીઠાશ નિબંધ (Mitrata ni mithas essay in Gujarati)

‘મિત્રતાની મીઠાશ’ એવું શિર્ષક વાંચતાની સાથે ‘એનો’ ચહેરો નજર સમક્ષ નાચી ઉઠે છે. ‘એની’ યાદ આવે ને હોઠ પર સ્મિત રેલાઈ જાય છે, ‘એની’ વાત કરીએ ત્યારે ભલેને આપણે આધેડ વયના કેમ ન હોય! પણ એક ગજબની સ્ફૂર્તિનો અહેસાસ થાય છે, ‘એને’ મળવા માટે આપણે વેળા-કવેળાએ પણ તત્પર હોઈએ છે! આ ‘એ’ એટલે જ તો આપણો મિત્ર, ભાઈબંધ, દોસ્તાર, ભેરુ, ગોઠિયો, લંગોટીયો યાર કે હિતચિંતક કેટકેટલાં  નામ એના તો…… તો આવી ગઈ ને મીઠાશ તમારા ચહેરા પર!

આપણું શીર્ષક ભલે ‘મિત્રતાની મીઠાશ’ હોય પણ એક સાચો મિત્ર કડવા લીમડા જેવો હોય છે. લીમડો સ્વાદે કડવો લાગે પણ અસ્સલ ગુણકારી હોય છે, તેમ સાચો મિત્ર પણ આપણને નાની-નાની વાતમાં રોક ટોક કરતો, ક્યારેક વડીલ બની સલાહ આપતો, ક્યારેક માતાની મમતાનો અહેસાસ કરાવતો તો ક્યારેક હકથી બે થપ્પડ મારી દઈને પણ આપણને સાચી વાત સમજાવે છે, ત્યારે એ કડવો જરૂર લાગે છે. પરંતુ સમય જતાં ગુણકારી બની રહે છે. અને આજના આ આધુનિક યુગમાં જ્યારે પોતાના જ વ્યક્તિ વિશ્વાસઘાત કરી બેસે છે ત્યારે દરેક પરિસ્થિતિમાં આપણને કોઈ સાચવી લે છે તો એ મિત્ર જ છે. મિત્ર એટલે તો,

”નામ વગરનો એક નાતો,
પણ સૌના હૈયે સમાતો”

Must Read : પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ

‘મિત્રતા’ વિશે કહેવું હોય તો શબ્દો પણ ઓછા પડે! આતો એક અવિસ્મરણીય અને અવર્ણનીય સંબંધ છે, કે જયાં તમે હાથ ફેલાવો ને એ હૈયું આપી દે!  કે જયાં તમે ખોબો ભરીને દુઃખ ઠાલવો તો એ સામે કોથળો ભરીને સુખ ઠાલવી જાય! કે જ્યાં તમે એક શબ્દ પણ ન બોલો ને એ તમારી આખી વાતને સમજી જાય! કે જ્યાં તમે તમારાથી જ રિસાઈને, થાકીને, હારીને કે તૂટી જાવ ત્યારે તમારા ખભે હાથ મૂકીને તમને શોધવામાં જે તમારી જ મદદ કરેને એ ‘મિત્ર’

mitrata ni mithas essay in gujarati

એવું ક્યાંક વાંચ્યું હતું કે ઈશ્વર જેને આપણી સાથે લોહીના સંબંધ જોડવાનું ભૂલી ગયા હોયને; ત્યારે એવી વ્યક્તિને ‘મિત્ર’ ના નાતે આપણા જીવનમાં સ્થાન આપીને પોતાની ભૂલને સુધારી લે છે. તમે જ વિચારોને કે, બધા જ લોકો એક સામાન્ય ઢબે જીવન તો જીવતા જ હોય છે પરંતુ આ જીવનને ‘અસામાન્ય’ ઘટનાઓ, પ્રસંગો, યાદોથી છલકાવી દે છે ‘મિત્ર’ મિત્ર વિશે વાત કરવી હોય ને તો સમય ઘટે પણ વાત ન ખૂંટે. એની વાતને કોઈ વ્યાખ્યા કે ઉદાહરણ રૂપે ન વર્ણવી શકાય ! ‘મિત્ર’ વિશે બધું જ આમા૫, અખૂટ કે અધધ……. જ હોય.

‘મિત્ર’ એટલે એક એવો સંબંધ કે જેની પાસે વણમાંગ્યો બધો જ ‘હક’ હોય ! જેમ કે, આપણી ઇચ્છા હોય કે ના હોય એ ફોન કર્યા વગર પણ આપણે ત્યાં ટપકી જ પડે ! જો એ સમયે પિતાજી ઘરે હોય તો એકદમ ડાઇ-ડાઇ વાત કરનારો સીઘો-સરળ ‘સજજન’ બની રહે. માં આગળ ચાળી-ચુગલી કરીને લાડકો બની જાય. આપણા મોટા ભાઈ-બહેન સમક્ષ એક ‘આદર્શ’ વિદ્યાર્થી બની રહે.

અને એ જ મિત્ર જ્યારે એકાંતમાં મળે ત્યારે…… વાતે-વાતે ગાળો બોલતો, હેતભર્યા ધબ્બા મારતો, ”અરે ! આ ટી-શર્ટ તો મસ્ત છે !” – એમ કહીને વગર પૂછયે જ આપણી ટી-શર્ટ પહેરીને બીજા સામે વટ મારતો, કોલેજમાં લેક્ચર બંક કરીને અંગ્રેજી ફિલ્મ જોવા લઈ જતો, પાનના ગલ્લે કે હોટલમાં પૈસા આપતી વેળાએ, ”ઓહ! આજે તો વૉલેટ જ ભૂલી ગયો છું !” – એવું કહીને મિત્રના પૈસે મજા કરતો, ચાની લારીએ આખી નહીં પણ કટિંગ ચાની ચૂસકી લેતો, પરીક્ષા સમયે ગેરમાર્ગે દોરતો, અને આપણે બીમાર પડીએને હોસ્પિટલમાં હોઈએ તો આપણી તબિયત કરતાંય કઇ નર્સ સારી છે? – એની કાળજી રાખતો ‘ખાસ મિત્ર’ દરેકના જીવનનું અભિન્ન અંગ સમાન હોય છે.

Must Read : માનવ અને પશુની મૈત્રી નિબંધ

આપણી નાની મોટી દરેક ટેવ-કુટેવથી વાકેફ જ નહીં પણ આપણા કોઈ ગફલાં કે ગતકડાંનો રાઝદાર કે સાક્ષી જે ગણો તે આ ‘મિત્ર’ જ હોય છે. અને જ્યારે કોઈ કપરી પરિસ્થિતિ આવી પડેને ત્યારે પાનના ગલ્લે પૈસા ન કઢનારો એ મિત્ર પોતાનો જીવ પણ કાઢી આપવાની જીગરવાળો હોય છે. મુશ્કેલીના સમયમાં આપણને કહે છે કે, હું છું ને યાર ! તારી સાથે, તું શું કામ ટેન્શન લે છે? બધું જ સારું થઈ જશે !” – બસ, આવા બે બોલ પણ આપણા તમામ દુઃખ દર્દને દૂર કરી દે છે. મિત્ર દ્વારા બોલાયેલા હુંફનાં આ વાક્યોમાં બધા જ કષ્ટને છુમંતર કરી દેવાની અદભુત ટેકનીક હોય છે. માટે જ તો કહ્યું છે કે,

”લાગણીના વ્યવહારમાં ખેલ ના કરાય,
કારણ કે સાચા મિત્રનાં ક્યાંય સેલ ના ભરાય.”

જ્યારે આપણે ‘મિત્ર’ વિશે વાત કરીએ ત્યારે ‘યારાના’ ફિલ્મના ગીતની આ પંક્તિ —-યાદ આવી જ જાય છે.

મેરી જિંદગી સવારી, મુજકો ગલે લગાકે
બેઠા દિયા ફલક પે, મુજે ખાક સે ઉઠા કે
યારા તેરી યારી કો, મૈને તો ખુદા માના
યાદ કરેગી દૂનીયા, તેરા મેરા અફસાના……..

અને દુનિયાના કોઈપણ ખૂણે રહેતાં આપણા એ ‘જીગરી’ ને યાદ કરીને આંખોમાં ભીનાશ છવાઈ જ જાય છે. લોકો એમ કહે છે કે, ”એક શ્રેષ્ઠ પુસ્તક સો સારા મિત્ર બરાબર છે.” પરંતુ હું તો કહીશ કે, ”એક સાચો મિત્ર આખા પુસ્તકાલય બરાબર છે.”

એવું જરૂરી નથી કે, મિત્રતા બે સમાન સ્વભાવ, જાતિ, ધર્મ કે ગુણ ધરાવતી વ્યક્તિ વચ્ચે જ થાય ! મૈત્રી તો એક જ એવું બંધન છે કે જે ઊંચ-નીચ, નાત-જાત, ધર્મ, સ્ટેટસ કે સ્ત્રી-પુરુષના ભેદભાવના વાડાને વટી જઇને પણ લાગણીની સુવાસ ફેલાવે છે. હા, ક્યારેક એવું બને છે કે, કોઈ નાની અમથી વાતમાં, કોઇ ગેરસમજને લીધે કે ક્યાંક અહંને કારણે આપણે સાચો મિત્ર ગુમાવી દઇએ છીએ. તો મિત્રો, આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખવું.

mitrata ni mithas essay in gujarati
maro priya mitra nibandh gujarati

ક્યારેય કોઈ મતભેદ થાય તો સહેજ ખમી જવું, થોડું સહી લેવું અને અહંને બાજુએ મૂકી દઈને પણ ‘મિત્રતા’ ની ગરિમા જાળવી લેવી. કારણ કે દરેક સ્થાને કૃષ્ણ-સુદામાની જેમ મદદ ન કરે પણ કૃષ્ણ-અર્જુનની જેમ યોગ્ય ઉપદેશ આપીને આપણા પથદર્શક બનતાં ‘મિત્રો’ પણ કંઈ કમ તો નથી જ ! આવા સાચા મિત્રો વગરની જિંદગી એટલે ખાંડ વગરની ચા પીવા જવું છે !

મારા તમામ મિત્રોને યાદ કરીને અંતે એટલું જ કહીશ કે,

” શું હોત મારી હસ્તી
જો જીવનમાં ન હોત તમારી દોસ્તી…..”

લેખક:- પંડ્યા અમીષા રાજેશકુમાર, પ્રાથમિક શાળા નવી વસાહત વ્યારા તા.વ્યારા જિ.તાપી.

મારો પ્રિય મિત્ર નિબંધ 10 વાકયોમાં (maro priya mitra nibandh gujarati)

  • મારા ઘરે અને શાળામાં અનેક મિત્રો છે.
  • રમેશ મારો પ્રિય મિત્ર છે
  • તે મારી ૫ડોશમાં જ રહે છે.
  • અમે બંને સરખી ઉંમરના છીએ.
  • અમે બંને એક જ શાળામાં અને એક જ ઘોરણમાં અભ્યાસ કરીએ છીએ.
  • અમે બંને સાથે જ વાનમાં બેસી સ્કૂલે જઈએ છીએ.
  • શાળાએથી ઘરે આવ્યા પછી સાંજે અમે અમારી શેરીમાં સાથે રમીએ છીએ.
  • રમેશ એક હોશીયાર અને બુદ્ધિશાળી વિદ્યાર્થી છે.
  • તે અભ્યાસમાં ખૂબ જ હોશીયાર હોવાથી વર્ગમાં તેના ઘણા મિત્રો ૫ણ છે.
  • અમે રજાના દિવસે ૫ણ સાથે જ રમીએ છીએ. મારી અને રમેશની મિત્રતા અત્યંત ગાઢ છે.

આ ૫ણ વાંચો:-

  1. મોસમનો પહેલો વરસાદ
  2. વસંત નો વૈભવ નિબંધ
  3. પર્યાવરણ નું મહત્વ નિબંધ
  4. કુદરતના હાસ્ય અને તાંડવ નિબંધ
  5. એક નદીની આત્મકથા નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો મિત્રતાની મીઠાશ નિબંધ (maro priya mitra nibandh gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આ લેખ આ૫ને મૈત્રીની મહેક નિબંધ, મારો પ્રિય મિત્ર નિબંધ તથા સાચો મિત્ર નિબંધ લેખન માટે ૫ણ ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “મિત્રતાની મીઠાશ નિબંધ | મારો પ્રિય મિત્ર નિબંધ”

  1. Thanks for the essay tommorow is my exam and our techer said like મૌલિકતા વાપરીને લખજો so this one is very helpful for me to write an essay of 5-6 pages. It exactly got me idea what to write, again thank you so much it is really helpful!

Leave a Comment