Advertisements

રક્ષાબંધન વિશે | રક્ષાબંધનનો ઇતિહાસ, ધાર્મિક મહત્વ

Advertisements

રક્ષાબંધનનો તહેવાર એ હિંદુઓના પવિત્ર તહેવારોમાંનો એક છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. આથી જ એને શ્રાવણી પૂર્ણિમા પણ કહે છે. વળી મુંબઈ અને કોંકણ જેવા પ્રદેશોમાં આ દિવસે દરિયાકાંઠાનાં હિંદુ માછીમારો દ્વારા ચોખા, ફૂલ અને નાળિયેરથી દરિયાની પૂજા કરે છે. આથી આ દિવસનેનાળિયેરી પૂર્ણિમા પણ કહે છે. આ દરિયાપૂજન વિધી દરમિયાન માછીમાર બહેનો પોતાનાં માછીમાર ભાઈઓના હાથે રાખડી બાંધે છે. 

હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈનાં હાથનાં કાંડા પર રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા કરવાનું વચન માંગે છે. આ દિવસે એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે ત્યાં ભાઈ પોતાની પૂરી જિંદગી બેનની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. રાખડીનો બંધાયેલો દોરો ભાઈ બહેનનાં પ્રેમને મજબૂત તાંતણે બાંધે છે.

રક્ષાબંધનનો તહેવાર મનાવવાનું ક્યારથી શરુ થયું એનાં વિશે કોઈ ચોક્ક્સ માહિતી મળતી નથી. આપણાં પુરાણોમાં રક્ષાબંધન સાથે જોડાયેલી અનેક બાબતો જોવા મળે છે. જોઈએ આવી જ કેટલીક બાબતો જેનાં આધારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાની શરૂઆત થઈ હશે એવું માનવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણના કાકી શ્રુતદેવી એ શિશુપાલ નામના એક બાળકને જન્મ આપ્યો હતો. આપણે જાણીએ છીએ તેમ એને ચાર હાથ અને ત્રણ આંખો હતી. તે ખૂબ જ વિચિત્ર દેખાતો હતો. ત્યાં જ ભવિષ્યવાણી થાય છે કે જેના સ્પર્શથી બાળકનો દેખાવ બદલાય તેના દ્વારા જ તેનું મૃત્યુ નિશ્ચિત હશે. એક વખત શ્રીકૃષ્ણ તેમના કાકીના ઘરે આવ્યા હતા. જ્યારે તેમને શિશુપાલને હાથમાં લીધો ત્યારે તે બાળક સુંદર તેમજ તેજસ્વી થઈ ગયું. શ્રુતદેવી આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ પરંતુ તેનું મૃત્યુ શ્રીકૃષ્ણના હાથોથી થશે એ વિચારી તે ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રાર્થના કરી કે તે શિશુપાલની ભૂલો માફ કરે અને તેને શ્રીકૃષ્ણના હાથે સજા ના આપે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને વચન આપ્યું કે તે શિશુપાલની સો ભૂલો માફ કરી આપશે પરંતુ તે જો ૧૦૦ કરતાં વધારે ભૂલો કરશે તો તેને માફ નહીં કરે.

શિશુપાલ મોટો થઈને ચેદી નામનો એક રાજા બને છે. તે એક રાજા હોવાની સાથે ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધી પણ હતો. પરંતુ તે ખૂબ જ ક્રૂર રાજા હતો તેના રાજયના લોકોને ખૂબ જ પીડા તેમજ દુઃખ આપવા લાગ્યો અને વારંવાર ભગવાન શ્રી કૃષ્ણને પડકારવા લાગ્યો. એક વખત તેને ભરી સભામાં ભગવાન શ્રી કૃષ્ણની ટીકા કરી. ત્યારે શિશુપાલે તેની સો ભૂલોની સીમા પર કરી નાંખી. તરત જ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના સુદર્શન ચક્ર દ્વારા તેને તેની સજા આપી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેક્યું ત્યારે તેમની આંગળી પર વાગી ગયું.

ત્યાં હાજર રહેલા લોકો તેમના માટે તે ઘા પર બાંધવા માટે અને ઘા પર લગાડવા માટે કંઈક લેવા ગયા ત્યારે દ્રોપદીએ આજુબાજુ કશું જોયા વિના પોતાની સાડીમાંથી ભગવાન શ્રી કૃષ્ણને પટ્ટી લગાવી આપી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રોપદીને કહ્યું કે, “ધન્યવાદ બહેન! તેં મારા કષ્ટમાં મારો સાથ આપ્યો. હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ. આથી જ જ્યારે કૌરવોએ ભરી સભામાં દ્રોપદીનું ચીરહરણ કર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન દ્રોપદીની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું. આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ હતી એવું મનાય છે. ત્યારથી જ બધી બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વ મનાવે છે.

મહાભારતમાં જ માતા કુંતીએ અભિમન્યુને રક્ષા માટે રાખડી બાંધી હતી. 

અન્ય એક કથાનક મુજબ એક વખત દેવ અને દાનવો વચ્ચે મહાયુદ્ધ થયું. આ યુદ્ધ લગભગ બાર વર્ષ જેટલું ચાલ્યું હતું. તમામ દેવતાઓ થાકી ગયા હતા. ઈન્દ્રદેવે તો લગભગ શરણાગતિ સ્વીકારી જ લીધી હતી. પરંતુ ત્યારે ઈન્દ્રાણીએ ઈન્દ્રને રાખડી બાંધી અને કહ્યું હતું કે આ રક્ષા પોટલી છે એને હાથ પરથી ઉતારવી નહીં. એ જ ઈન્દ્રની રક્ષા કરશે. 

ભગવાન વિષ્ણુએ જ્યારે બલિ રાજાનાં દ્વારપાળ બનવું પડ્યું હતું ત્યારે માતા લક્ષ્મીએ બલિ રાજાને રાખડી બાંધી ભાઈ બનાવ્યા અને ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા. બલિરાજાનાં કહેવા મુજબ આ એમનાં જીવનનો સૌથી ધન્ય પ્રસંગ હતો. 

આમ, પુરાણો મુજબ રાખડી એટલે કે રક્ષા બાંધવી એ બંધાવનાર વ્યક્તિમાં સાહસ અને વીરતાનો ભાવ પેદા કરવા માટે છે. રક્ષા બાંધનાર એ વ્યક્તિ પર ભરોસો કરે છે કે અ મારી રક્ષા કરશે અને તેથી બંધાવનાર વ્યક્તિમાં સાહસની ભાવના આપોઆપ જ પેદા થઈ જાય છે.

મોગલ યુગ જ્યારે ચાલતો હતો ત્યારે મોગલ બાદશાહ હુમાયુએ રાણી કર્મવતીને બહેન બનાવી હતી. રાણી કર્મવતીએ હુમાયુને રાખડી બાંધી પોતાનું રક્ષણ કરવાની બાંહેધરી લીધી હતી.

રક્ષાબંધન વિશે

રક્ષાબંધનનાં દિવસે બહેન ભાઈના માથે તિલક કરી જમણા હાથે રાખડી બાંધી આખી જિંદગી પોતાની રક્ષા કરવાનું વચન લે છે અને ભાઈનું મીઠાઈ ખવડાવી મોં મીઠું કરે છે.

રક્ષાબંધનનાં દિવસે માત્ર ભાઈ બહેન જ એકબીજાને રાખડી બાંધી શકે એવું નથી. બ્રાહ્મણો પણ પોતાનાં યજમાનોને રક્ષા પોટલી બાંધે છે, જે મોટા ભાગે ઘઉં, જુવાર, તલ, જવ અને ચોખાનાં દાણાનો ઉપયોગ કરી બનાવવામાં આવી હોય છે. 

ઉપરાંત, આ દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે ચગે. જૂની જનોઈ ઉતારી તેની જગ્યાએ નવી જનોઈ ધારણ કરે છે. શાસ્ત્રો અનુસાર જનોઈ એને ધારણ કરનારની રક્ષા કરે છે. સાથે સાથે એને ધારણ કરનારને નમ્ર બનાવે છે. જનોઈ અંગેનાં નિયમો જે બ્રાહ્મણો પાળે છે તેની રક્ષા જનોઈ કરે જ છે. જનોઈ એ ત્રણ ત્રણનાં જૂથમાં ગુંથેલા નવ તાંતણા હોવાથી ‘ત્રિસૂત્રી’ પણ કહેવાય છે, જે ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદનું પ્રતિક છે. 

સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માન વધે અને તેમનું રક્ષણ થાય એ આ તહેવારનો મુખ્ય હેતુ છે. આપણાં શાસ્ત્રોનું માનીએ તો પોતાની પત્ની સિવાયની તમામ સ્ત્રીઓ બહેન સમાન ગણવી. 

એટલે જ તો કહેવાયું છે ને કે જ્યાં સ્ત્રીઓ પૂજાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે.

રક્ષાબંધનમાં વપરાતી સામગ્રીની પાછળ રહેલો મર્મ:-

ચોખા:- 

ચોખા એટલે અક્ષત. અક્ષત એટલે અધૂરું નહીં હોય એવું, એટલે કે પૂર્ણ. આથી જ રક્ષાબંધનની વિધી અધૂરી ન રહી જાય તે માટે કંકુનું તિલક કર્યા પછી તેનાં પર ચોખા ચોંટાડવામાં આવે છે. 

શ્રીફળ:-

શ્રી એટલે મા લક્ષ્મી. આથી જ ભાઈ બહેનનાં જીવનમાં લક્ષ્મી અને સમૃદ્ધિ આવે તે માટે થાળીમાં શ્રીફળ રાખવું જરૂરી છે.

રાખડી:-

જમણા હાથનાં કાંડા પર આવેલી નસ ઉપર દબાણ થવાથી સ્વાસ્થ્યને લગતી તકલીફો દૂર થાય છે. આથી જ રાખડી ત્યાં બાંધવામાં આવે છે. 

મીઠાઈ:- 

સંબંધોમાં કડવાટ ન આવે અને સદાય મીઠાશ રહે તે માટે મીઠાઈ ખવડાવી એકબીજાનું મોં મીઠું કરાવાય છે. દરેક શુભ પ્રસંગોમાં મીઠાઈ રાખવાનો હેતુ પણ આ જ છે. 

દીવો/આરતી:-

દીવો પ્રગટાવતાં જ તેની આસપાસ રહેલી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે. આથી જ રાખડી બાંધતી વખતે પહેલાં દીવો પ્રગટાવવામાં આવે છે અને ત્યારબાદ છેલ્લે બહેન ભાઈની આરતી ઉતારે છે, એવા મનોભાવ સાથે કે ભાઈના જીવનમાં ક્યારેય નકારાત્મકતા નહીં પ્રવેશે.

આ૫ સર્વેને રક્ષાબંધનની શુભકામનાઓ🌹 હેપી રક્ષાબંધન 🌹 રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા

લેખક:- શ્રીમતી સ્નેહલ જાની, શિક્ષક, વી. એન. ગોધાણી ઈંગ્લીશ સ્કૂલ, કતારગામ, સુરત 4

આ ૫ણ વાંચો:-

  1. જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
  2. પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ
  3. વસંત પંચમી નિબંધ
  4. મિત્રતાની મીઠાશ નિબંધ
  5. ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો રક્ષાબંધન વિશે (raksha bandhan nu mahatva in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. આ લેખમાં આ૫ણે રક્ષાબંધનનો ઇતિહાસ, ધાર્મિક મહત્વ, રક્ષાબંધનમાં વપરાતી સામગ્રીની પાછળ રહેલો મર્મ વિશે માહિતી મેળવી. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

Leave a Comment

%d bloggers like this: