રણછોડ પગીનું જીવનચરિત્ર | Ranchhod Pagi History in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

હાલમાં જ રજુ થયેલી હિન્દી ફિલ્મ ‘ભુજ – ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ (Bhuj – The Pride Of India) ખરેખર તો ‘પ્રાઈડ ઓફ ગુજરાત’ તરીકે ઓળખાતા રણછોડ પગી એટલે રણછોડદાસ રબારીની પરાક્રમગાથા છે. રણછોડ રબારીએ રણપ્રદેશમાં પડતાં પગલાંની ભાષા ઉકેલવાની પોતાની કોઠાસૂઝ વડે અનેક વખત ભારતીય સૈન્યને મદદ કરી હતી. પગીની કરામતને લીધે વારંવાર મળતી હારથી અકળાયેલા પાકિસ્તાને તેમના માથા માટે ૫૦ હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

રણછોડ પગીનું જીવનચરિત્ર (Ranchhod Pagi History in Gujarati)

નામરણછોડદાસ રબારી
હુલામણું નામરણછોડદાસ પગી
જન્મ તારીખઆશરે 1901
જન્મ સ્થળપેથાપુર – ગઢડો (હાલ પાકિસ્તાન)
પિતાજીનું નામસવાભાઇ
માતા નું નામનાથીબા
૫ત્નીનું નામસગનાબેન
બાળકોના નામમાદેવભાઇ તથા લક્ષ્મણભાઇ બે પુત્રો તથા બે પુત્રીઓ
મૃત્યુ તારીખ તથા સ્થળ17 જાન્યુઆરી 2013 (લીંબાળા)
પુરુસ્કાર/એવોર્ડસંગ્રામ મેડલ, પોલીસ મેડલ અને સમર સેવા સ્ટાર પુરસ્કારો

રણછોડ પગી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વતની હતા. તેમનો જન્મ પાકિસ્તાનના થરપાકરમાં આવેલા અક નાનકડાં ગામ પેથાપુર ગઢડોમાં થયો હતો. તેમના માતાનું નામ નાથીબા તથા પિતાનું નામ સવાભાઇ હતુ. તેમણે નાની ઉમંરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીઘી હતી. તેમનો ઉછેર માતા નાથીમાએ કર્યો હતો. પાકીસ્તાનમાં તેમનું કટુંબ ખૂબ જ સુખી સંપન્ન હતુ. રણછોડ ૫ગી પાસે પાકિસ્તાનમાં પોતાના ગામમાં ૩૦૦ એકર જમીન અને ૩૦૦થી વઘુ ૫શુઓ(ગાય,ઘેટાં-બકરાં અને ઉટ) હતા. ૨૦ થી ૨૫ માણસો તેમના ઘરે નોકરી કરતા હતા. જેમાંથી ઘણા લોકોના વારસો હાલ થરાદના શીવનગર ગામે વસવાટ કરે છે.

સ.ને. ૧૯૪૭માં જયારે ભારત પાકિસ્તાનના ભાગલા ૫ડયા ત્યારે તેઓ પાકિસ્તાનના સિઘ પ્રાંતમાં રહેતા હતા. ૫રંતુ પાકિસ્તાની સૈનિકો દ્વારા ત્યાં તેમના ૫ર ત્રાસ ગુજારવામાં આવતો હોવાથી કંટાળીને એક દિવસ તેમણે ચાર(૪) પાકિસ્તાન પોલિસ કર્મીઓને બાંઘીને કોઠીમાં પુરી ૫રિવાર તથા ૫શુઓ સાથે ભારત તરફ ૫ર્યાણ કર્યુ. ઇ.સ. ૧૯૫૦ તેઓ ગુજરાતમાં રાઘાનેસડા ગામે આવી વસ્યા. ત્યારબાદ તેમના મોસાળ લીંબાળા ગામે કાયમી વસવાટ સ્થાપ્યો.

એમ કહેવાય છે કે ભાગલા ૫ડયાંના શરૂઆતના વર્ષોમાં ભારત-પાકિસ્તાન અવર-જવર કરવી સહેલી હતી. એટલે તો ભાગલા ૫ડયા ૫છી ૫ણ ઘણાં વર્ષો સુઘી પાકિસ્તાનમાંથી લોકો ત્રાસીને ભારતમાં આવતા હતા. આવા ઘણા લોકો ગુજરાતના થરાદ-વાવ પંથક તથા કચ્છમાં કાયમી વસવાટ કર્યો છે. ઈ. સ. 1965 અને ઈ. સ. 1971નાં ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકીસ્તાન સૈન્યના છક્કા છોડાવી રણછોડ પગીએ ભારતીય સૈન્યને જબરદસ્ત મદદ કરી હતી.

આ વિસ્તારમાં રણછોડ પગી એટલે એક એવો ભોમિયો હતા કે જે માત્ર વ્યક્તિના પગલા પારખીને કહી શકતા હતા કે કેટલા વ્યક્તિઓ હશે અને કેટલું વજન લઈ ગયા હશે. આ વ્યક્તિ એવા વ્યક્તિ હતા કે જે કચ્છ-બનાસકાંઠાનાં અંતરિયાળ ગામમાં જ્યાં તમે દૂર દૂર સુધી નજર કરો તો કાંઈ જ ન દેખાય તેવા ગામે વસવાટ કરતા હતા.

રણછોડ રબારીએ પગલાંઓ પારખવાની અનોખી કળા આપબળે હાંસલ કરી હતી. તેઓ પોતે તો ગાય ઉછેરનું કામ કરતા હતા. રણમાં ખોવાયેલા ઢોરને શોધવા માટે પગેરા ઓળખવાની આ કળા આગળ જતાં તેમને ભારતીય સૈન્યના ભોમિયા બનાવવામાં નિમિત્ત બની હતી. ઈ.સ. 1965 માં પાકિસ્તાને કચ્છનાં કેટલાંક વિસ્તાર પર કબજો જમાવી દીધો હતો, ત્યારે પ્રતિકાર કરવા પહોંચેલા ભારતીય સૈન્યને દિશા મળતી ન હતી. એ વખતે રણછોડ પગીએ રણના ટૂંકા છતાં સલામત રસ્તે ભારતીય સૈન્યને સરહદ સુધી પહોંચાડ્યું હતું. આ દરમિયાન તેમણે પગેરાંઓ પારખીને દુર્ગમ સ્થાને છૂપાયેલા 1200 જેટલાં પાકિસ્તાની સૈનિકોને પકડાવી દીધા હતા. આ ઘટના પછી રણછોડ પગી ભારતીય સૈન્યના માનીતા બની ગયા હતા.

સ.ને.૧૯૬૨માં 58 વર્ષની ઉંમરે બનાસકાંઠાના  પોલીસ અધ્યક્ષ વનરાજસિંહે તેમની સુઇગામ થાણામાં પગી તરીકે નિમણૂક કરી હતી. આ વ્યક્તિ પગીનાં કામમાં એટલા બધા પારંગત હતા કે જે માત્ર ઊંટના પગના નિશાન જોઇને કહી શકતા હતા કે તેનાં પર કેટલા લોકો સવાર હશે.

તેઓ મનુષ્યના પગના નિશાન જોઇને તેઓ વજનથી લઈને ઉમર સુધીનો અંદાજ લગાવી શકતા હતા. આ નિશાન કેટલા સમય પહેલા પડ્યા હશે તેમજ તેના પરથી તેઓ આ વ્યક્તિઓ કેટલે પહોંચ્યા હશે તેની ચોક્કસ માહિતી આપી શકતા હતા.

ઈસ. 1971 ના યુદ્ધમાં પાકિસ્તાનનાં ભારે તોપમારા વચ્ચે ભારતીય સૈન્યને શસ્ત્ર સરંજામ અને રાશન વગેરે પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારે સેનાપતિ સામ માણેકશાએ રણછોડ પગીની મદદ માંગી હતી. રણના જાણકાર રણછોડ પગીએ પાલીનગર ચેકપોસ્ટ નજીક અડિંગો જમાવીને રણ પ્રદેશનાં ટૂંકા રસ્તાઓ દ્વારા ભારતીય સૈન્યની સપ્લાય લાઈન બનાવી આપી હતી.ભારતીય સૈન્યની પ૦ કિ.મી. દુરની બીજી છાવણીમાંથી રણછોડ પગીએ ઊંટ ઉપર દારૂગોળાનો જથ્થો લાવીને સૈન્યને પહોંચાડ્યો હતો. રણછોડભાઈએ સમયસર દારુગોળો પહોંચાડતાં ભારતીય હવાઇદળના ફાઇટર વિમાનોએ ધોરા અને ભાલવાના થાણા કબજે કરી લીધા હતા.જો કે, રણછોડભાઈ રબારી સમયસર ઊંટ ઉપર દારૂગોળો પહોંચાડવા જતાં પોતે ઘવાયા હતા. રણછોડ પગી પર માણેકશાનો ભરોસો એટલો બધો હતો કે તેઓ તેમને વન મેન આર્મી એટ ડેઝર્ટ ફ્રન્ટ(રણ વિસ્તારમાં એક માણસનું સૈન્ય) તરીકે ઓળખાવતા હતા.

ઈ. સ. 1971નાં યુદ્ધમાં પાકિસ્તાનના પરાજય પછી સેનાપતિ સામ માણેકશાએ દિલ્હી ખાતે ભવ્ય વિજયની પાર્ટીનું આયોજન કર્યું ત્યારે રણછોડ પગીને પણ આમંત્રિત કર્યા હતા. ત્યારે રણછોડ પગી પોતાની સાથે રોટલો, સૂકું લાલ મરચું અને ડુંગળી લઈને ગયા હતા.

ત્યાં જતી વખતે સામ માણેકશાએ તેમને લેવા હેલિકોપ્ટર મોકલ્યું હતું. પરંતુ તેમાં ચઢતી વખતે તેમની ખાવાનાની પોટલી નીચે જ રહી ગઈ હતી, જે લેવા માટે ફરીથી હેલિકોપ્ટર નીચે ઉતારવામાં આવ્યું હતું.

લશ્કરી અધિકારીઓએ કહ્યું કે ‘પગી, ત્યાં તો પાર્ટીમાં અનેક વાનગીઓ હશે. તમે આ બધું કેમ સાથે લો છો?’ પગીએ જવાબમાં કહ્યું કે, ‘મને આ ખોરાક જ ફાવે છે’ અને ખરેખર સૌના આશ્ચર્ય વચ્ચે, પાર્ટીની સ્વાદિષ્ટ વાનગીઓ છોડીને પગી સાથે લાવેલું પોટલું છોડીને રોટલો, મરચું અને ડુંગળી ખાવા બેસી ગયા હતા. એ જોઈને માણેકશાએ પણ રણછોડ પગીના ઘરના રોટલો-ડુંગળી ખાધા હતા.

રણ વિસ્તારમાં રહેતાં પશુપાલકો પોતાના ખોવાયેલા ઢોરઢાંખરને શોધવા માટે પગલાંઓના આધારે દિશા નક્કી કરતાં હોય છે. રણછોડ પગી નાનપણથી પગેરા પારખવામાં કાબેલ બની ગયા હતા. રણની ધૂળમાં પડેલાં પગલાંની ઊંડાઈના આધારે તેઓ પગલાનો સમય પણ કહી શકતાં હતા. ભારતીય સૈન્યના અધિકારીઓને આ કળા સમજાવતી વખતે તેમણે કેટલાંક પગલાંઓ પારખીને સમજાવ્યું હતું કે અહીં ત્રણ પ્રકારના પગલાં છે. મોટાં પગલાં પુરુષના છે. એ જરા વધારે ઊંડા છે અને જમણી તરફ ઝુકેલા છે. મતલબ કે તેણે માથા પર કશુંક વજન ઊંચકેલું છે. સાથે એક બાળક અને સ્ત્રી પણ છે. સ્ત્રીના પગલાં જમણે – ડાબે સહેજ ત્રાંસા પડે છે માટે તે ગર્ભવતી હોવી જોઈએ. અધિકારીઓએ નજીકના કસ્બામાં તપાસ કરી તો ખરેખર એક પશુપાલક પરિવાર ગર્ભવતી સ્ત્રી સાથે ત્યાંથી પસાર થયો હતો.

મૃત્યુ:-

ઈસ. 1901 માં જન્મેલા રણછોડ પગીએ 112 વર્ષનું લાંબું આયુષ્ય ભોગવીને વર્ષ 2013 માં વિદાય લીધી હતી. ભારતીય સૈન્યએ સન્માનના પ્રતીક સ્વરુપે આપેલ કોટ અને મેડલ તેઓ સન્માનપૂર્વક સાચવતા હતા. તેમણે કરેલ આટલા મહાન કાર્ય માટે એમને સહેજ પણ અભિમાન નહોતું. તેમનાં પુત્રો અને પૌત્રો પણ પોલીસદળ ઉપરાંત ભારતીય સૈન્યમાં સેવાઓ આપી રહ્યા છે.

સન્માન:-

ભારતના સીમા સુરક્ષા બળે એટલે કે (બીએસએફ) તેમની એક ચોકીનું નામ ‘રણછોડદાસ’ આપ્યું છે. તેમની એક પ્રતિમા પણ ત્યાં મૂકવામાં આવી છે. તેમને પોલીસ અને સીમા સુરક્ષા દળ બંને દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને સંગ્રામ મેડલ, પોલીસ મેડલ અને સમર સેવા સ્ટાર પુરસ્કારો એનાયત કરાયા હતા. ઈ. સ. 2007માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પાલનપુર ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના સમારોહમાં તેમનું સન્માન કરાયું હતું.

તેઓ ૧૮ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ૧૧૨ વર્ષની વયે અવસાન પામ્યા હતા..રણછોડભાઈ ૫ગી રબારીની અંતિમ ઈચ્છા હતી કે તેમની અંતિમક્રિયા વખતે તેમના સબમાં માથા ઉપર પોતાની પાઘડી રહે, અને તેમનો અંતિમસંસ્કાર પોતાના ખેતરમાં જ કરવામાં આવે. તેથી તેમના અંતિમસંસ્કાર તેમની ઈચ્છા મુજબ કરવામાં આવેલ હતો.

વંદન છે આવા વિર સપુત છે જે આર્મી જવાન ન હોવા છતાં એક શુરવીર સૈનિકની જેમ ભારતમાતાની રક્ષા કાજે સમગ્ર જીવન રણભુમીમાં વિતાવ્યુ.

લેખક:- શ્રીમતી સ્નેહલ જાની સહ લેખકwebsite owner

માહિતી સ્ત્રોત– વિષ્ણુ ૫ગી, માવસર પોલીસ સ્ટેશન(રણછોડ ૫ગીના પૌત્ર )

આ ૫ણ વાંચો:-

 1. ગાંધીજીના જીવન પ્રસંગો
 2. લાલા લાજપતરાય નું જીવનચરિત્ર
 3. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ
 4. ભગતસિંહ નું જીવન ચરિત્ર
 5. સરદાર વલ્લભભાઇ ૫ટેલ નું જીવનચરિત્ર

હું આશા રાખું છું કે તમને અમારો રણછોડ પગીનું જીવનચરિત્ર વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

2 thoughts on “રણછોડ પગીનું જીવનચરિત્ર | Ranchhod Pagi History in Gujarati”

 1. MS. SNEHAL JANI,
  I place my appreciation on your articles. It is not only informative but inspiring also.
  With best regards,
  Hemang Vyas
  Mumbai

 2. I place my appreciation on your article . It’s inspiring for me and I think it is also informative and inspiring for all.
  With best regards ,
  Payal Ranva
  Rajkot

Leave a Comment