રાણકી વાવ | ઇતિહાસ,  પ્રકાર, માહિતી | Rani ki vav history in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક રાણકી વાવનો ઇતિહાસ, પ્રકાર, કોણે બંધાવી હતી, ક્યાં આવેલી છે, કેટલા માળની છે તેની કલા કોતરણી વિગેરે વિશે વિસ્તૃત માહિતી આ૫ણે આ લેખમાં મેળવીશુ. રાણકી વાવ અથવા રાણી કી વાવ(રાણીની વાવ) આ૫ણા જ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં મૂખ્ય મથક ૫ાટણ શહેરમાં આવેલી છે. આ એક એવી ઐતિહાસિક વાવ છે જેને જોવા માટે દેશ-વિદેશના હજારો પર્યટકો ઉમટી ૫ડે છે.

રાણકી વાવનો ઇતિહાસ :-

રાજા મહારાજાના સમયમાં કોઇ ખાસ અવસર કે વ્યકિતની યાદ માટે મહેલો, તળાવો, કુવા કે વાવ બંઘાવવાના કેટલાય ઐતિહાસિક દાખલાઓ તમે સાંભળ્યા હશે. આ રાણકી વાવનો ઇતિહાસ ૫ણ કંઇક એવો જ છે. અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ રાજા ભીમદેવ પહેલાની યાદમાં ૫ાટણી પ્રજા માટે સુખાકારી અને પાણીની વ્યવસ્થા માટે બંધાવી હતી. રાણી ઉદયમતી જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગાર ના પુત્રી હતી.

સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી પરંતુ, ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષોની મહેનત બાદ છેક 1980માં વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.

રાણકી વાવનો સ્થા૫ત્ય પ્રકાર અને કલાકોતરણી :-

રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઉંડી છે. રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. તે સાત માળ જેટલી ઊંડી જયા પ્રકારની વાવ છે. અહીં સાત ઝરુખાઓમાં આઠસોથી પણ વધુ સુશોભિત શિલ્પો છે. મુખ્ય વિષયવસ્તુ ભગવાન વિષ્ણુના બુદ્ધ સહિતના દશ અવતારો (દશાવતાર) છે. આ વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે  સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.

શિવ, પાર્વતી, વિષ્ણુ, રામ, સૂર્ય, માતા દુર્ગા, ચામુંડા, મહાલક્ષ્મી, કુબેર આદિની મનોહર પ્રતિમાઓ અને અપ્સરાઓ, યોગિનીઓના શિલ્પમાંથી પ્રગટતું અનુપમ દેહલાલિત્ય સભર આ રાણકી વાવ જોવા માટે દર વર્ષે દેશ વિદેશથી લાખો પ્રવાસો ઉમટી ૫ડે છે. પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરેલા જોવા મળે છે એમના વિશે એવું કહેવાય છે, અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે.

અહીંયા એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર તરફ જતાં ૩૦ કિલોમીટર લાંબાં એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે. જેના વિશે એવુ કહેવાય છે કે આ માર્ગ યુદ્ધમાં અથવા કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હશે.

રાણકી વાવનું શિલ્પ-સ્થાપત્ય અને તેના ઐતિહાસિક મહત્વને ઘ્યાનમાં રાખીને વર્ષ 2014માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી હતી. જે આ૫ણા માટે ગૌરવ લેવા જેવી વાત છે.

રાણકી વાવ વિશે વિશેષ માહિતી:-

  • એવુ કહેવામાં આવે છે કે લગભગ 40 વર્ષ સુધી ચાલેલ બાંધકામ બાદ અદ્ભૂત શિલ્પ સ્થાપત્યોથી મઢેલી રાણકી વાવનું નિર્માણ થયુ હતુ.
  • આ વાવમાં અનુપમ કોતરણી ધરાવતા 340 સ્તંભો (થાંભલા) આવેલા છે.
  • વિષ્ણુના દસ અવતારો આલેખતું ઉત્તમ શિલ્પકામ આ વાવની ખાસિયાત છે.
  • ઇતિહાસમાં નોંધાયેલું છે કે, સોલંકી રાજાઓએ અણહિલવાડ રાજ્યમાં સાત હજાર જેટલી વાવો તેમજ પાંચ હજાર જેટલાં તળાવોનું નિર્માણ કરાવ્યું હતું. તેમાં રાણીની વાવ રાજઘરાનાના ઉપયોગની મિલકત હતી.
  •  આ વાવ મારુ-ગુર્જર શૈલીનું જીવંત ઉદાહરણ છે.
  • સનાતન ધર્મમાં તરસ્યાને પાણી પીવડાવવાને સૌથી પવિત્ર કામ જણાવવામાં આવે છે. આ જ કારણે આપણા રાજા-મહારાજાઓ લોકો માટે વાવનું નિર્માણ કરાવતા હતા.
  • આ વાવની દીવાલો પર અંકિત કરવામાં આવેલી ધાર્મિક તસવીરો અને કોતરણી દર્શાવે છે કે તે સમયે આપણા સમાજમાં ધર્મ અને કળા પ્રત્યે કેટલું સમર્પણ હતું. 
  •  રાણકી વાવ આર્ટ અને આર્કિટેક્ચરનું ઉત્તમ ઉદાહરણ છે. આ વાવ ગુજરાતના વૈભવશાળી ઈતિહાસની ઝાંખી કરાવે છે.
  • ભારતીય રિઝર્વ બેંકે વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા ૧૦૦ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે.
  • ભારે વરસાદ અને સખત ઉનાળામાં આ સ્થળની મુલાકાત લેવાનું ટાળવુ જોઇએ. શિયાળો એ રાણકી વાવની મુલાકાત માટે શ્રેષ્ઠ સમય ગણાય છે.

રાણકી વાવ કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા:- પાટણ થી સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. જે આશરે 125 કી.મી. દુર આવેલ છે. અમદાવાદ ઘણી  ફ્લાઇટો દ્ગારા ગુજરાત અને દેશના મોટા શહેરો સાથે જોડાયેલ છે.

ટ્રેન દ્વારા :- પાટણ ભારતીય રેલ્વેના પશ્ચીમ રેલ્વે નેટવર્ક પર આવેલ છે. ૫ાટણ શહેર દેશના અન્ય ભાગો સાથે ઘણી ટ્રેનો દ્વારા જોડાયેલુ છે. અમદાવાદ થી પાટણ વચ્ચે દૈનિક એક્ષ્પ્રેસ અને લોકલ ટ્રેનો ચાલે છે. જેથી તમે ટ્ર્રેન મારફત ૫ણ આ સ્થળની મુલાકાત લઇ શકો છો.

રોડ દ્વારા:- પાટણ દેશના તમામ અન્ય ભાગો સાથે રોડ નેટવર્કથી જોડાયેલુ છે. જેથી તમને કોઇ ૫ણ સ્થળેથી ૫ાટણ આવવા માટે બસો કે ટ્રારાવેલ્સ સરળતાથી મળી જશે.

રાણકી વાવ ક્યાં આવેલી છે?

રાણકી વાવ અથવા રાણીની વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં મૂખ્ય મથક ૫ાટણ શહેરમાં આવેલી છે.

રાણીની વાવ કોણે બંધાવી હતી?

અણહિલવાડ પાટણના સોલંકી વંશના ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિની યાદમાં રાણકી વાવ બંધાવી હતી.

રાણકી વાવ કેટલા માળની છે?

રાણકી વાવ ૭ માળની બનેલી છે. જે 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઉંડી છે.

અન્ય જોવાલાય સ્થળો:-

હું આશા રાખું છું કે તમને રાણકી વાવનો ઇતિહાસ,  પ્રકાર, માહિતી (Rani ki vav history in Gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા તો કેટલાય પ્રવાસન સ્થળો વિશેની માહિતી અમારા બ્લોગ પર પ્રકાશિત કરેલ છે. જે અવશ્ય વાંચશો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment