રાષ્ટ્રીય ગણિત દિવસ | શ્રીનિવાસ રામાનુજ નું જીવનચરિત્ર

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

શ્રીનિવાસ રામાનુજની યાદમાં ઈ. સ. 2012થી દર વર્ષે 22 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસ મનાવવામાં આવે છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ તેમની જન્મજયંતિ ખૂબ ધામધૂમથી વિવિધ સ્પર્ધાઓ રાખી ઉજવવામાં આવે છે. કોણ હતા શ્રીનિવાસ રામાનુજ અને શા માટે તેમની યાદમાં રાષ્ટ્રીય ગણિત દિવસ મનાવવામાં આવે છે ચાલો વિગતવાર માહિતી મેળવીએ. 

જન્મ:-

શ્રીનિવાસ અયંગર રામાનુજને તેમના જીવનની ઉપલબ્ધીઓને સમ્માન આપવા માટે 22 ડિસેમ્બરે તેમની જન્મજયંતી પર રાષ્ટ્રીય ગણિત દિવસ જાહેર કરવામાં આવ્યો છે. ઈ. સ.1887ના 22 ડિસેમ્બરનાં રોજ ભારતીય મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ અયંગર રામાનુજનો જન્મ કોયંબતૂરના ઈરોડ ગામમાં થયો હતો. તેમની ગણના આધુનિક કાળના દેશદુનિયાના મહાન ગણિતજ્ઞ તરીકે થાય છે. તેમના નામમાં ક્યાંક રામાનુજ તો ક્યાંક રામાનુજન લખાયું છે.

ઈ. સ. 1887ની 22મી ડિસેમ્બરે રામાનુજનનો જન્મ તમિળનાડુના ઈરોડમાં એમની નાનીને ઘરે થયો. રામાનુજનના પિતાનું નામ શ્રીનિવાસ અયંગર હતું. તેમની માતાનું નામ કોમલતામ્મલ હતું. પિતા કુંભકોણમમાં સામાન્ય એકાઉંટન્ટ હતા અને સાથે કપડાંનો વેપાર પણ કરતા. માતા પણ મંદિરમાં ભજનો ગાય અને મહિનામાં થોડુંઘણું કમાઈ લે. રામાનુજનના પિતા ગરીબોમાં​ ​પણ​ ​ગરીબ​ ​હતા. 

Must Read : આર્યભટ્ટ વિશે માહિતી

રાષ્ટ્રીય ગણિત દિવસની ઘોષણા:-

ઈ. સ. 2012માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે 26 ફેબ્રુઆરી 2012ના રોજ મદ્રાસ યુનિવર્સિટીમાં શ્રીનિવાસ રામાનુજના જન્મની 125મી વર્ષગાંઠના ઉદ્ધાટન સમારોહ દરમિયાન આજનાં દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

તેમણે પોતાના જીવનકાળમાં ગણિત વિશ્લેષણ અને સંખ્યા સિદ્ધાંતના ક્ષેત્રોમાં વિસ્તૃત યોગદાન આપ્યું હતું. બાળપણથી જ તેઓને ગણિતમાં રૂચિ હતી અને એવું પણ કહેવાય છે કે માત્ર 12 વર્ષની ઉંમરમાં તેમણે ત્રિકોણમિતિમાં મહારત હાંસલ કરી લીધી હતી અને અન્ય કોઈની મદદ વિના પ્રમેયને પણ વિકસિત કર્યો હતો. 

તેમનું પ્રારંભિક શિક્ષણ કુંભકોણમની પ્રાથમિક શાળામાં થયું. ઈ. સ. 1898માં તેમણે શહેરની હાઈસ્કુલમાં એડમિશન મેળવ્યું. અહીં તેમને ગણિત વિષયનું એક પુસ્તક વાંચવા મળ્યું. જેનાથી તેઓ એટલા પ્રભાવિત થયા કે ગણિત તેમનો મનપસંદ વિષય બની ગયો. તેમણે મદ્રાસ યૂનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ઈ. સ.1911માં ઈન્ડિયન મેથેમેટિકલ સોસાયટીની જર્નલમાં તેમનો 17 પાનાનો એક પેપર પ્રકાશિત થયો જે બર્નૂલી નંબરો પર આધારિત હતો.

આર્થિક સ્થિતિ:-

બાદમાં ઘરની આર્થિક સ્થિતી અને જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઈ. સ.1912માં તેમણે મદ્રાસ પોર્ટ ટ્રસ્ટમાં ક્લાર્ક તરીકે નોકરી શરૂ કરી જ્યાં તેમની ગણિતના કૌશલ્યનો ભરપુર ઉપયોગ કર્યો. એક અંગ્રેજ સહકર્મીએ રામાનુજને ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર જી. એચ. હાર્ડી પાસે ગણિત ભણવા મોકલ્યો. પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆતના કેટલાંક મહિનાઓ પહેલા જ રામાનુજનું ટ્રિનિટી કોલેજમાં એડમિશન થઈ ગયું હતું. હાર્ડીએ રામાનુજને પહેલા મદ્રાસ યૂનિવર્સિટીમાં અને બાદમાં કેંબ્રિજમાં સ્કોલરશીપ અપાવવામાં મદદ કરી હતી.

Must Read : કલ્પના ચાવલા નું જીવનચરિત્ર

ઈંગ્લેન્ડમાં અભ્યાસ:-

ઈ. સ. 1916 માં તેઓએ ગણિતમાં બી.એસસી.ની ડિગ્રી મેળવી. ઈ. સ. 1917 માં તેમને લંડન મેથેમેટિકલ સોસાયટી માટે પસંદ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેઓ વિશ્વ વિખ્યાત બની ગયા. રામાનુજને કોઈ મદદ વિના હજારો રિઝલ્ટ સૂત્રો કે સમીકરણોનાં સ્વરૂપે સંકલિત કર્યા. જેમાં ઘણા મૌલિક હતા જેમ કે રામાનુજન પ્રાઈમ, રામાનુજન થીટા ફંક્શન, વિભાજન સૂત્ર અને મોક થીટા ફંક્શન વગેરે. તેઓએ ડાઈવરજેન્ટ સિરીઝ પર પોતાનો સિદ્ધાંત પણ આપ્યો. એ સિવાય તેઓએ Riemann series, the elliptic integrals, hypergeometric series અને જેટા ફંન્કશનના કાર્યાત્મક સમીકરણો પર કામ કર્યું. તેમના દ્વારા રજુ કરાયેલ વિશિષ્ટ નંબર 1729 નંબર હાર્ડી – રામાનુજન નંબરના રૂપે પણ પ્રચલિત છે.

વીસમી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ એવા રામાનુજ નાનપણથી જ તેઓ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબામાં નાખી દેતા હતા. મુખ્યતઃ તેઓ ગણિત જાતે જ શિખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સિટી ગયા નહોતા. તેમને બાળપણથી જ ગણિત વિષય પ્રત્યે લગાવ હતો. તેઓનો મોટાભાગનો સમય ગણિત ભણવા અને તેનો અભ્યાસ કરવામાં વીતતો જેના કારણે તેને અન્ય વિષયમાં ઓછા માર્ક આવતા.

રામાનુજનની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવી રામાનુજનને પ્રસિદ્ધ કરવામાં અંગ્રેજ પ્રોફેસર ગોડફ્રી હાર્ડીનો મોટો હાથ હતો. તેમણે ટૂંકા જીવનગાળા દરમ્યાન લગભગ 3900 જેટલાં ગણિતનાં પરિણામો શોધ્યાં હતા. અત્યંત ધાર્મિક રામાનુજને કહ્યું હતું, “ગણિતનું જે સમીકરણ ઈશ્વરના વિચારને ન દર્શાવતુ હોય, તે સમીકરણ મારા માટે નિરર્થક છે.”

એમણે કરેલ શોધો:-

ઈ. સ. 1903માં 12 વર્ષની ઉંંમરે રામાનુજને એમનાથી મોટા એક છોકરા પાસેથી સિડની લક્સ્ટન લોની (Sidney Luxton ​Loney – ​1860 – 1939)નું ત્રિકોણમિતિ વિશેનું પુસ્તક વાંચવા લીધું. આ પુસ્તક એમને એટલું બધું ગમી ગયું કે તેમણે એને ગોખી નાંખ્યું. ત્યારબાદ એમની ગણિતજ્ઞ બનવાની સફરની શરૂઆત થઈ. તે પછી 15 વર્ષની ઉંમરે એમણે કૉલેજની લાઇબ્રેરીમાંથી જ્યૉર્જ શૂબ્રિજ કાર (George Shoobridge ​Carr – 1837 થી 1914)નું પુસ્તક વાંચવા લીધું.

Must Read : અબ્દુલ કલામ નું જીવનચરિત્ર

આ પુસ્તકમાં લગભગ 6000 પ્રમેયો છે, પરંતુ એ બરાબર ખુલાસાવાર સમજાવેલાં ન હતાં. રામાનુજન પર આ પુસ્તકનો બહુ પ્રભાવ પડ્યો અને એ પુસ્તક એમની સ્ટાઈલ માટે આદર્શરૂપ બની રહ્યું. રામાનુજન પણ કોઈ પ્રૉબ્લેમનો ઉકેલ શોધતા હોય તો છેવટે એનું પરિણામ લખી દેતા. બહુ ખુલાસો કરીને સમજાવવા જેટલા કાગળો પણ એમની પાસે નહોતા અને સમય પણ નહોતો. આથી તેઓ પિતાની દુકાનમાં પડેલાં પસ્તીનાં કાગળો પર પોતાનુ ગણિત કરતા. એ તો એમ જ માનતા કે આટલું લખવાથી જાણકાર તો સમજી જ જશે.

ગણિતના અભ્યાસના પુસ્તકો મેળવીને ઘરે અભ્યાસ કરતા ને પોતાની બુદ્ધિપ્રતિભાથી તેઓ ગણિતના પ્રશ્નોના ઉત્તર નવી નવી તરકીબથી કરતા હતા. દશકાઓથી સાબિત નહીં થયેલા ગણિતના કેટલાક અતિ કઠિન પ્રશ્નો સરળ રીતે તેમણે સાબિત કરી આપ્યા. એમની સ્મરણ શક્તિ અનન્ય હતી. સંખ્યાઓને યાદ રાખવી એમના માટે રમતવાત હતી. એમનામાં એક અદ્વિતીય મૌલિકતા તથા વિચિત્ર પ્રતિભા હતી. પ્રો.જી.એચ. હાર્ડીએ ગણિતના સંશોધન માટે સગવડ કરી આપી.

તેમના વિશે પ્રો.હાર્ડીએ લખ્યું છે કે, ‘રામાનુજન નિ:સંદેહ આધુનિક સમયના સર્વશ્રેષ્ઠ ભારતીય ગણિતજ્ઞ છે. તેમની કાર્યપદ્ધતિ સર્વથા નવીન અને વિલક્ષણ છે’. ઈંગ્લેન્ડમાં રહ્યા તે સમયમાં વિશ્વભરની અનેક સંસ્થાઓએ તેમનું વારંવાર ભવ્ય સન્માન કર્યું હતું. કોઈ ભારતીય ગણિતજ્ઞ વિદ્વાનનું આટલું સન્માન કદી થયું ન હતું. ઉપરાંત કેમ્બ્રિજ યુનિવર્સીટીનાં ગણિત વિભાગનાં પ્રાંગણમાં શ્રીનિવાસ રામાનુજનનું પૂતળું પણ મૂકવામાં આવ્યું છે.

આત્મકથા આધારિત પુસ્તક અને ફિલ્મ:-

ઈ. સ. 1918માં રામાનુજનને એલિપ્ટિક ફંક્શન્સ અને સંખ્યાઓના સિદ્ધાંત પર પોતાની શોધ માટે રોયલ સોસાયટીના ફેલો પસંદ કરવામાં આવ્યા. રોયલ સોસાયટીના આખા ઈતિહાસમાં રામાનુજન જેટલી ઓછી ઉંમરમાં કોઈ સભ્ય હજુ સુધી નોંધાયા નથી. આ વર્ષે ઓક્ટોબરમાં તેઓ ટ્રિનિટી કોલેજના ફેલો બનનાર પ્રથમ ભારતીય બન્યા હતા. ત્યારબાદ રામાનુજન ઈ. સ. 1919માં ભારત પરત ફર્યા. 32 વર્ષની ઉંમરે 26 એપ્રિલ 1920 માં તેઓએ કુંભકોણમમાં અંતિમ શ્વાસ લીધા.

શ્રીનિવાસ રામાનુજનની જીવનની આત્મકથા ” ધ મેનુ હુ ન્યુ ઈન્ફિનિટી ” ઈ. સ.1991 માં પ્રકાશિત થઇ હતી. ઈ. સ.2015માં તેનાં પર આધારિત ફિલ્મ The Man Who Knew Infinity રિલીઝ થઈ હતી. રામાનુજનના બનાવેલા એવા અનેક પ્રમેય છે જે આજના સમયમાં પણ કોયડા સમાન છે.

મૃત્યુ:-

રામાનુજન માંદગીથી કંટાળ્યા હતા અને ભારત પાછા આવવા માગતા હતા પણ એ પહેલા વિશ્વયુદ્ધના દિવસો હતા એટલે લંડન છોડી ન શક્યા. છેવટે 27મી ફેબ્રુઆરી 1919નાં એ લંડનથી રવાના થયા, ભારત આવતાં એમને પસંદ આવે એવું વાતાવરણ મળ્યું અને ખાવાની તકલીફ પણ ન રહી, પણ એમની તબીયત વધારે લથડી. અહીં પણ એ ગણિતમાં જ ખૂંપેલા રહ્યા. અહીં એમણે q-series પર કામ કર્યું પણ તેની બહુ મોડેથી ખબર પડી. એમની એ નોટબુક અચાનક જ મળી અને એનું સંકલન અલગ Lost Notebookને નામે કરવામાં આવ્યું છે.

Must Read : ચંદ્રશેખર આઝાદ નું જીવનચરિત્ર

એમનાં સંશોધનો પર વિસ્તાર કરીને પાંચ ભાગ બન્યા તેના ઉપરાંત આ ગ્રંથ પણ છે. એમના જીવનનો અંતિમ મહિનો કષ્ટમય રહ્યો. એમણે બહુ પીડા ભોગવી અને 26મી ઍપ્રિલ 1920નાં રોજ ગણિતનો જીવ આ દુનિયા છોડી ગયો. તેમણે પોતાના જીવનકાળમાં ગણિતના વિશ્લેષણ અને સંખ્યા સિદ્ધાંતના ક્ષેત્રમાં વિસ્તૃત યોગદાન આપ્યું હતું.

રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી:-

આખાય ભારત દેશમાં 22 ડિસેમ્બરના રોજ ગણિત વિષયને લગતી વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. ક્યાંક વક્તૃત્વ સ્પર્ધા, ક્યાંક પોસ્ટર સ્પર્ધા તો ક્યાંક શ્રીનિવાસ રામાનુજનાં જીવન પર આધારિત નાટકો ભજવાય છે.

રામાનુજ વિશે કેટલીક રોચક બાબતો:-

  • તેમણે રજુ કરેલ રહસ્યમય ડેથબેડ થિયરી તેમનાં મૃત્યુનાં સો વર્ષ બાદ સાચી પડી છે. જેનો ઉપયોગ બ્લેક હોલની થિયરી સમજવા માટે કરવામાં આવ્યો છે.
  • રામાસ્વામીએ એમના ગણિતશાસ્ત્રથી પ્રભાવિત થઈને એમને માસિક 25 રૂપિયાની શિષ્યવૃત્તિ આપી હતી.
  • ઈ. સ. 1913માં તેમણે વગર ડીગ્રીએ મદ્રાસ યુનિવર્સીટીમાંથી કેટલાંક શિક્ષકોની મદદથી રૂપિયા 75ની શિષ્યવૃત્તિ મેળવી હતી. 
  • તેમણે ઘણાં બધાં નીતિસૂત્રો કલાર્કની નોકરી કરતા કરતા શોધ્યા હતાં. 
  • લંડનથી ભારત પરત આવ્યા બાદ તેમણે પોતે શોધેલા સૂત્રો એક રજીસ્ટરમાં લખી રાખ્યા હતા. આ રજીસ્ટર આજે પણ ગણિતના શિક્ષકોને/સંશોધકોને મદદરૂપ થાય છે.
  • અણુ થિયરીનાં મૂળ સંશોધક પણ તેઓ જ હતા. આ થીયરીની મદદથી જ આઈન્સ્ટાઈને પોતાની થિયરી રજુ કરી હતી એવું મનાય છે.
  • માત્ર નવ વર્ષની ઉંમરે તેમણે કર્કવૃત અને વિષુવવૃત્તનાં રેખાંશ માપી લીધાં હતાં.
  • સતત ગણિત માટે જ વિચારતાં રહેવાની તેમની આદતને લીધે તેમને બે વાર યુનિવર્સીટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
  • એમૉરી યુનિવર્સીટીનાં ગણિતશાસ્ત્રી કેન ઓનોનાં જણાવ્યા મુજબ જો શ્રીનિવાસ રામાનુજ હજુ થોડાં વર્ષો વધુ જીવ્યા હોત તો બ્લેક હોલનો કોયડો ચોક્ક્સ ઉકેલાઈ ગયો હોત.
  • એક વાર કેમ્બ્રિજનાં એક પ્રોફેસરે તેમની કસોટી કરવા એક પ્રશ્ન પૂછ્યો હતો. તેનો જવાબ આપવા તેમણે ભારતથી તેમને પત્ર લખ્યો હતો. જવાબમાં તેમણે એ કોયડો ઉકેલવા માટે 120 જેટલાં સૂત્રો મોકલ્યાં હતાં. આ જોઈને આખી યુનિવર્સીટીનાં ગણિતજ્ઞ અચરજ પામ્યા હતા.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

આ ૫ણ વાંચો:-

  1. કબીર સાહેબનું જીવન ચરિત્ર
  2. સંત તુકારામનું જીવનચરિત્ર
  3. દુર્વાસા ઋષિ નું જીવનચરિત્ર
  4. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ

હું આશા રાખું છું કે તમને અમારો રાષ્ટ્રીય ગણિત દિવસ (શ્રીનિવાસ રામાનુજ નું જીવનચરિત્ર) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment