વસ્તી વધારો નિબંધ ગુજરાતી | Vasti Vadharo Nibandh in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

વસ્તી વધારો નિબંધ ગુજરાતી- વસ્તી વધારો એ લગભગ દરેક માનવીય સમસ્યાઅદની જનની ગણાય છે. વસ્તી વધારાના કારણે સર્જાતી સમસ્યાઓમાં મુખ્યત્વે અનાજની અછત, પર્યાવરણીય સમસ્યાઓ, બેરોજગારી, ગરીબી અને નિમ્ન જીવન ધોરણ, ફુગાવો, આરોગ્ય સમસ્યા, ઉચ્ચ સરેરાશ ઉત્પાદન ખર્ચ સાથે મર્યાદીત ઉત્પાદનનો સમાવેશ થાય છે. તો ચાલો આજે આપણે વસ્તી વધારો નિબંધ ગુજરાતી (vasti vadharo nibandh in gujarati) વિષય પર નિબંધ લેખન કરીએ.

વસ્તી વધારો નિબંધ ગુજરાતી (Vasti Vadharo Nibandh in Gujarati)

વસ્તી વધારો વિષય પર નિબંધ લેખન કરતાં પહેલાં વસ્તી વધારો એટલે શું? તેના વિશે થોડીક માહિતી મેળવીએ.

વસ્તી વધારો એટલે શું?

વસ્તી વધારો એ જે તે વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યામાં અમુક નિયત સમયગાળામાં થયેલ વધારો સુચવે છે. જે સામાન્ય રીતે વસ્તીગીચતાના આંક આધારે ગણવામાં આવે છે. એક ચોરસ કીલોમીટર વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યાને જે તે વિસ્તારની વસ્તી ગીચતા કહેવામાં આવે છે. ભારતમાં વસ્તિગીચાતા દર ચો. કિમીએ 324 છે.

પ્રસ્તાવના:

 આજના સમયમાં વસ્તી વધારો , ગરીબી , બેકારી , પ્રદૂષણ જેવી અનેક સમસ્યાઓ સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ  બની ગઈ છે. આ બધી જ સમસ્યાઓનું મૂળ જોઈએ તો વસ્તીવધારો જ ગણી શકાય .વસ્તીવધારો એક સ્વૈચ્છિક સમસ્યા છે .  દિવસે દિવસે વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં વસ્તીવધારાનો દર ખૂબ જ ઝડપી છે. જેના લીધે દેશ અનેક સમસ્યાઓનો ભોગ બની રહ્યું છે , જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આજે આપણે વસ્તીવધારો અને એના લીધે ઉદ્દભવતી સમસ્યાઓ અને વસ્તીનિયંત્રણ અંગે વિગતે સમજીશું. 

વસ્તી વધારો એક વૈશ્વિક સમસ્યા :

છેલ્લા પચાસ વર્ષના સમયગાળામાં વિશ્વની વસ્તી બમણી થઈ ગઈ છે. વિશ્વના દર સેકન્ડે ચાર નવાં બાળકો જન્મે છે. આ પ્રમાણે જોવા જઈએ તો એક દિવસમાં વિશ્વની વસ્તીમાં બે લાખ કરતાં પણ વધુ લોકોનો ઉમેરો થાય છે . વિશ્વની જનસંખ્યામાં સતત થઈ રહેલા આ વધારો આપણી કલ્પના કરતાં અનેકગણો વધારે છે. યુનાઈટેડ નેશન્સન સેન્સસ બ્યુરો દ્વારા પ્રકાશિત એક પેપરના આંકડા પ્રમાણે ફેબ્રુઆરી 2006માં વિશ્વની વસ્તી 6.5 અબજના આંકડાને વટાવી ગઈ હતી. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડે 12 ઓક્ટોબર 1999ના દિવસને વિશ્વની વસ્તી 6 અબજના આંકડાને સ્પર્શી જવાના દિવસ તરીકે નક્કી કર્યો હતો .

વિશ્વ વસ્તીના આંકડાઓ પ્રમાણે વધુ વસ્તી ધરાવતા દેશોમાં ચીન વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ત્યારબાદ અનુક્રમે ભારત , યુ.એસ. , ઈન્ડોનેશિયા , બ્રાઝિલ , પાકિસ્તાન , નાઈજીરિયા ,બાંગ્લાદેશ , રશિયા અને મેક્સિકો વધુ વસ્તી ધરાવતા દેશો છે. એક અંદાજ પ્રમાણે ભારત 2025 સુધીમાં ચીનને પાછળ ધકેલી  વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે.

Must Read: ભ્રષ્ટાચાર નિબંધ

ભારતમાં વસ્તી વધારાની સમસ્યા :

વિશ્વમાં વસ્તીના મામલે ચીન પછી ભારત બીજા નંબરે છે. વિસ્તારની દૃષ્ટિએ જોવા જઈએ તો ભારત ચીનની સરખામણીમાં ઓછો વિસ્તાર ધરાવે છે . તેમજ ભારતની આર્થિક સ્થિતિ અને અન્ય પાસા નબળાં હોવાથી ભારત માટે વસ્તી વધારો ગંભીર સમસ્યા બની ગઈ છે. દુનિયામાં દર 6 વ્યક્તિએ એક વ્યક્તિ ભારતમાં વસે છે , આ સંખ્યા પ્રમાણે જોવા જઈએ તો વિશ્વની વસ્તીના 17.85 ટકા વસ્તી ભારતમાં વસે છે. ભારતની વસ્તી વધીને 134 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. જે વિશ્વના વધુ વિસ્તાર ધરાવતા દેશોની વસ્તીના પ્રમાણમાં ખૂબ જ વધારે છે.

 એક અંદાજ પ્રમાણે ભારત વસ્તીના મામલે 2025 સુધીમાં ચીનને પાછળ ધકેલી દેશે. વસ્તીવધારા બાબતે પ્રગતિ કરવી એ ગર્વ લેવાની નહીં પણ અધિગતીની નિશાની છે આ બાબતે દેશના નાગરિકોએ ગંભીરતા લેવી જોઈએ. ભારતમાં દર એક મિનિટ 51 બાળકો નવાં ઉમેરાય છે. દેશની વસ્તીમાં 50 ટકા લોકો 25 વર્ષ કરતાં ઓછી ઉમરનાં છે.  35 વર્ષથી ઓછી ઉંમરની વસ્તી જોવા જઈએ તો દેશની 65 ટકા વસ્તી આવી જાય છે. આ દૃષ્ટિએ જોવા જઈએ તો ભારત યુવાનોનો દેશ ગણી શકાય. ભારતના અમુક રાજ્યોની વસ્તી વિશ્વના ઘણા દેશોની સરખામણીમાં આગળ છે. ઉત્તરપ્રદેશની વસ્તી બ્રાઝિલની કુલ વસ્તી બરાબર છે, બિહાર રાજ્યની વસ્તી જર્મની દેશ કરતાં વધુ છે, તો મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી મેક્સિકો દેશની વસ્તી જેટલી છે. 

Must Read: પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ

વસ્તી વધારાના કારણો :

વસ્તી વધારો એક સ્વૈચ્છિક સમસ્યા છે. છેલ્લા 50 વરસોમાં વિશ્વની વસ્તી સતત વધી રહી છે, જે પાછળ ઘણાં બધાં કારણો જવાબદાર છે. ભારતમાં કુટુંબ નિયોજન અંગે ચોક્કસ નિયમો ના હોવાથી વિશ્વની સરખામણીએ ભારતમાં વસ્તી ચિંતાજનક રીતે વધી રહી છે. પુરુષ પ્રધાન કુટુંબ વ્યવસ્થાના લીધે જ્યાં સુધી પુત્ર જન્મની લાલચમાં પરિવારમાં છ થી સાત પુત્રીઓ જન્મતી હોય છે.  શિક્ષણના અભાવે કુટુંબ નિયોજનના સાધનો અને ઉપાયો અંગે પૂરતું જ્ઞાન ના હોવાથી પણ બે કરતાં વધુ બાળકો હોય છે.

વસ્તી નિયંત્રણ માટે માત્ર સ્ત્રીઓને જ ધ્યાનમાં લેવાય છે , પુરુષ નસબંધીને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. કેરળ , લક્ષદ્વીપ અને મિઝોરમ રાજ્યોમાં શિક્ષણનું પ્રમાણ વધારે છે એવાં રાજયો દેશમાં વસ્તીવધારામાં પાછળ છે, પણ જે રાજ્યોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે ત્યાં વસ્તીવધારો વધુ છે.જે દેશમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું છે, લોકો જાગ્રત છે ત્યાં વસતીવધારો નિયંત્રણમાં છે. જ્યારે વિકાસશીલ કે અલ્પવિકસિત દેશોમાં શિક્ષણ અને આરોગ્યની સેવાઓ નિમ્ન સ્તરની છે. 

 ઔધોગિકીકરણ બાદ વસ્તીમાં ખૂબ જ વધારો થતો જોવા મળ્યો છે. આરોગ્યની વધતી જતી સુવિધાઓના કારણે દેશમાં મૃત્ર્યુ દરમાં ઘટાડો થયો છે. બાળમૃત્યુ દરના ઘટતા પ્રમાણને લીધે બાળકોની સંખ્યામાં વધારો થયો છે. આરોગ્યની સુવિધાના લીધે જન્મદરની સરખામણીમાં મૃત્યુદરમાં ઘટાડો થયો છે જે પણ વસ્તીવધારો થવા માટે જવાબદાર છે.સ્વતંત્રતા પહેલાં જ્યાં સરેરાશ આયુષ્ય અંદાજિત ૩૧ વર્ષ હતું તે આઝાદીનાં ૫૦ વર્ષ બાદ વધીને ૬૨ વર્ષ થઈ ગયું હતું. આવાં અનેક કારણોને લીધે ભારતમાં વસતી વધી છે.

Must Read: સમાજનું નવનિર્માણ અને તરુણો નિબંધ

વસ્તી વધારા ની સમસ્યા :

 વસ્તીવધારાના લીધે  કોઈ પણ દેશની આર્થિક પરિસ્થિતિ પર અસર થાય છે. સાથે સાથે દેશમાં અન્ય સમસ્યાઓ ઉદ્ભવે છે. સતત વધતી જતી વસ્તીના લીધે દેશમાં ગરીબી , બેકારી , ભૂખમરો જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે.  

વધતી જતી વસ્તીના રહેઠાણ માટે ખેતી લાયક જમીનનો ઉપયોગ નવી વસાહતો ઉભી કરવામાં થાય છે , જેના લીધે અનાજનું ઉત્પાદન ઘટે છે ,તો બીજી તરફ લોકોનું પ્રમાણ વધવાથી અનાજની માંગ વધે છે. જેના લીધે ભૂખમરો અને ભાવવધારો જેવી સમસ્યાઓ સર્જાય છે. નવા વસવાટો ઊભા કરવા માટે જંગલોનો નાશ થઈ રહ્યો છે જેના લીધે પર્યાવરણને નુકશાન થાય છે , તેમજ જંગલી પ્રાણીઓનો નાશ થાય છે. શહેરોમાં વધતી જતી વસ્તીના લીધે ઝુંપડપટ્ટી અને ગંદકી જેવી સમસ્યાઓ સર્જાય છે.

લોકોની જરૂરિયાત અને માંગ વધતા ચીજવસ્તુઓની માંગ પૂરી કરવા નવા ઉદ્યોગોની સ્થાપના કરવી પડે છે , જેના લીધે હવાનું પ્રદુષણ ફેલાય છે. દેશમાં વસ્તીનું પ્રમાણ બમણું થયું છે સામે પીવાલાયક પાણીનો જથ્થો ઓછો થતો જાય છે જેના લીધે ભવિષ્યમાં પીવાલાયક પાણીનો જથ્થો પણ ખૂબ ઓછો થવાની સંભાવના છે.  આમ વધતી જતી વસ્તીના લીધે પર્યાવરણને ખૂબ જ નુકશાન થઈ રહ્યું છે . દિવસે દિવસે હવા , પાણી અને જમીનનું પ્રદુષણ વધતું જાય છે. 

 વસ્તીવધારાને લીધે દેશના વિકાસ પર પણ સુધી અસર થાય છે. વિકાસશીલ દેશોમાં વસ્તીવધારાનો દર વધુ જોવા મળે છે જે દેશના વિકાસને અવરોધે છે. દેશના વિકાસ પાછળ થતો ખર્ચ વસ્તી વધારા રૂપી રાક્ષસ ભરખી જાય છે . વધુ લોકો માટે શિક્ષણ , આરોગ્ય અને રહેઠાણની વ્યવસ્થા પાછળ ખર્ચ વધી જાય છે. વધુ લોકોને રોજગારી પૂરી પાડવી શક્ય ના હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે. જેના લીધે ચોરી , લૂંટફાટ જેવી સમસ્યાઓ પણ સર્જાય છે. દેશના સંરક્ષણ અને વિકાસ પાછળ થતા ખર્ચમાં કાપ મૂકવો પડે છે. 

Must Read: હાય રે ! મોંઘવારી નિબંધ 

વસ્તી નિયંત્રણ ના ઉપાયો :

 વિશ્વના બધા જ દેશો વસ્તીવધારો અટકાવવા પ્રયત્નશીલ છે. ચીન જેવા સામ્યવાદી દેશોએ તો એક થી વધુ બાળકો પર પ્રતિબંધ મૂક્યો છે. આઝાદી પછી જવાહરલાલ નેહરુની સરકારે વસ્તીનિયંત્રણ માટે પ્રયાસો શરૂ કર્યા હતા. હવે વસ્તી વધશે તો આપણી પાસે ખાવા માટે અનાજ અને પહેરવા માટે કપડાં નહિ હોય એ ચિંતાએ સરકારે સાઈઠના દસકામાં વસ્તીવધારો અટકાવવા પ્રયાસો શરૂ કર્યા અને સરકારે અપીલ કરવાનું શરૂ કર્યું ” વચ્ચે દો હી અચ્છે .” સરકારની અપીલનો લોકો તરફથી ખાસ પ્રતિસાદ મળ્યો નહિ .

1971માં ભારતની વસ્તી વધીને 56 કરોડ થઈ જતાં સરકારે ” હમ દો, હમારે દો” નો વિચાર મૂકી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. જનતાએ તોય ધ્યાન ન આપ્યું તો સંજય ગાંધીએ ઇમર્જન્સી દરમિયાન લોકોને ઘરેથી પકડી-પકડીને નસબંધીનો આરંભ કર્યો, જેનો ખૂબ વિરોધ થયો. જનતાએ જવાબ આપ્યો ઇંદિરા ગાંધીને ચૂંટણીમાં હરાવીને. આ પછી વસ્તીવધારો કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યા નથી.

આજના સમયમાં પ્રાથમિક શિક્ષણથી જ વસ્તીનિયંત્રણ  અને જાતીય જાગૃતતા લાવવા માટેનું શિક્ષણ બાળકોને આપવમાં આવે છે. સરકાર તરફથી લોકોમાં જાગૃતતા લાવવા પૂરા પ્રયાસો કરવામાં આવે છે. લોકોને નાના કુટુંબના ફાયદા અને મોટા કુટુંબના ગેરફાયદાઓ વિજ્ઞાપનની મદદથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. છતાં પણ જ્યાં શિક્ષણનું પ્રમાણ નહિવત છે તેવા વિસ્તારોમાં વસ્તી વધારાનો દર વધુ જોવા મળે છે.

ઉપસંહાર :

વસ્તી વધારો એ ખરેખર વિશ્વ માટે ચિંતાજનક સમસ્યા છે , જે લોકજાગૃતિ થી જ નિયંત્રણમાં આવી શકે એમ છે. બાળક ભગવાનની દેન છે એવી વિચારસરણીવાળા લોકોને આ અંગે પૂરતું જ્ઞાન આપવાની જરૂર છે. સરકાર તરફથી તથા યોગ્ય ઉપાયો સાથે આપણે પણ આ અંગે લોકજાગૃતિ માટે પૂરતા પ્રયાસ કરીશું તો ચોક્કસ દેશ અને વિશ્વને વસ્તીવધારાના દૂષણમાંથી ઉગારી શકીશું. 

લેખક : જગદીશ જેપુ , શિક્ષક , ધનાણા પ્રાથમિક શાળા , Instagram Id : jagdish.jepu.33 , Pratilipi ID : જગદીશ જેપુ “જીવન”

આ ૫ણ વાંચો:-

  1. વિનાશક વાવાઝોડું નિબંધ
  2. પ્લાસ્ટિક મિત્ર કે શત્રુ નિબંધ
  3. અનાવૃષ્ટિ નિબંધ
  4. અતિવૃષ્ટિ નિબંધ
  5. સમયનું મહત્વ નિબંધ 

હુ આશા રાખુ છું કે તમને અમારો વસ્તી વધારો નિબંધ (Vasti Vadharo Nibandh in Gujarati pdf)  લેખ ખુબ જ ગમ્યો હશે.  આ લેખ તમને ભારતમાં વસ્તી વધારો – અભિશાપ કે આર્શીર્વાદ, વસ્તી વધારો સ્વૈછિક સમસ્યા વિગેરે વિષય ૫ર નિબંધ લેખન માટે ૫ણ ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment