Advertisements

વિનાશક વાવાઝોડું નિબંધ | વાવાઝોડા વિશે નિબંધ

હમણાં જ થોડાક સમય ૫હેલાં ગુજરાત ૫ર ત્રાટકેલા વાયુ નામના વિનાશક વાવાઝોડુંએ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારમાં પારાવાર નુકસાન કર્યુ છે. તો ચાલો આજે આ૫ણે વિનાશક વાવાઝોડું વિષય ૫ર નિબંધ લેખન કરીએ.

વિનાશક વાવાઝોડું નિબંધ

લેખક:- પરમાર વિપુલ ઝેડ. તખ્ખલુસ-બેતાજ, પ્રાથમિક શાળા ઘાટ, તા.વ્યારા જિ.તાપી

”વાવાઝોડું” આ શબ્દ પોતે જ ઘણું બધું સમજાવી જાય છે. ચાર અક્ષરોના આ શબ્દનો અર્થ ક્યારેક અતિ વિશાળ તો ક્યારેક અતિ ભયંકર બની જતો હોય છે અને તેમાં પણ પાછું વિનાશક વાવાઝોડું.

”ક્યાંક બંધાય ને ક્યાંક ઉપડે વાવાઝોડું;

છાપાઓના મથાળે નજરે ચડે વાવાઝોડું.

છે વાત દરિયાની ખાડીમાં તોફાન જાગ્યાની;

વગર વાંકે સૌની સાથે લડે વાવાઝોડું.

જરા સાચવીને રહેજો આવા માહોલમાં;

પૂછ્યા વગર જ ટપકી પડે વાવાઝોડું.

મનના મોજાને માંડ શાંત પાડ્યા’તા હતા ‘બેતાજ’;

ત્યાં વળી સુતેલા આ જીવને છંછેડે વાવાઝોડું.

——– બેતાજ (સ્વરચિત)

અચાનક ક્યાંકથી ઉડતી ખબરો આવે કે દરિયામાં તોફાન જાગ્યું છે, ને આજનો આ યુગ ટેકનોલોજીથી ભરપૂર એટલે પળવારમાં આવી ખબરો ઠેર ઠેર ફેલાઈ જાય. આવી ખબરોથી માણસના મનમાં ચિંતાનાં વાદળ બંધાવા લાગે છે. ને એક નવું જ તોફાન વ્યક્તિના મનમાં જાગે છે. અસંખ્ય પ્રકારની ચિંતાઓ પળવારમાં પરેશાન કરી મૂકે છે. કોઈને પોતાના ખેતરમાં વિકલી રહેલા પાકની ચિંતા, તો કોઈને વળી પોતાના કાચા પાકા મકાનની ચિંતા, કોઈને પોતાના નાના બાળકોની ચિંતા, તો કોઈને પોતાના માલઢોરની ચિંતા.

કયાં? અને કેટલી હદે ત્રાટકશે વાવાઝોડું? પવનની ઝડપ કેટલી હશે? કેટલો ટાઈમ રહેશે વાવાઝોડું? અને સાથે સાથે વરસાદની સવારી પણ આવશે કે? આપણું કેટલું નુકસાન થશે? વાવાઝોડુંની પહેલા ચિંતાઓનું એક આગોતરૂ વાવાઝોડું લોકોના મનમાં આવી ચડે છે.ને સ્વાભાવિક છે ડર પણ લાગે જ. મનમાં અસંખ્ય અટકળો બાંધતો એ કાળામાથાનો માનવી એક અનોખી વેદના સાથે માત્ર કુદરતને તાકી રહે છે. આ તો વાત થઈ વાવાઝોડા પહેલાની પણ જ્યારે ખરેખર વાવાઝોડું આવે ત્યારે?……

કાચી દીવાલ પરના નળિયાં ઉડી ગયા;

સ૫નાઓ સાચવેલાં ફળિયાં ઉડી ગયા.

અમે અવાક બનીને બેસી રહ્યા ‘બેતાજ’;

લાગણી બાંધેલાં બધાય ફળિયા ઉડી ગયા.

અચાનક પવન રાજાની ગતિ વધવા લાગે છે. ચોતરફ સઘળું ઉડવા લાગે છે. લીલાછમ ઉભેલા એ ઝાડવામાંથી સૂસવાટા કરતો પવન ઝાડને વીંઘીને બીજી બાજુ નીકળી જાય છે. વયોવૃદ્ઘ વૃક્ષને જાણે જાપટ મારતો પવન સોસરવો આરપાર થઈ જાય છે. ને કોઇ ઝાડ જો પવન જોડે બાથ ભીડે તો એ ઝાડવાને પણ ભોયભેગું કરી નાખે છે. ખેતરોનો સઘળો પાક નાશ પામવા લાગે છે. પોતાના છોકરાની માફક ઉછરીને મોટા કરેલા પાકને જતો કેમ કરીને જોઈ શકાય. જગતનો તાત પણ કશું જ બોલ્યા વિના ચૂપચાપ શૂન્યવત બનીને બધું જ જોયા કરે છે. લાચાર બનેલો માણસ પણ કુદરતના પ્રકોપને વેઠવા મજબૂર બની જાય છે.

લીલાછમ લહેરાતી જુવાર હોય કે લીલા કાચ જેવા કળાતા બાજરીના ઠુંડા હોય, એ પણ જમીનદોસ્ત થઈ જાય છે. ને પછી કદાચ ધરતી માતાને પુછતા હશે કે પહેલાં તો સ્નેહથી સંચીને અમને આટલા મોટા કર્યા, ને હવે પળવારમાં પીંખી નાખવાના? કદાચ એ ક્ષણે ખુદ ધરતીમાતા પણ પોતાના આંસુઓને પી જઈને મૂકબધિર હોવાનું નાટક કરતા હશે.

કંઈ કેટલાય ઝાડવાના પીળા થઈ રહેલા વયોવૃઘ્ઘ પાંદડાઓ મોતને ભેટે છે. ફૂટુ ફુટુ થઇ રહેલી કુંમણી કું૫ળો વિનાશકારી વાયરના હાથે વેરવિખેર થઈ જાય છે. રંગબેરંગી ફૂલોમાં છુપાયેલી અસંખ્ય ખુશ્બુઓ જાણે પળવારમાં પલાયન કરી જાય છે. ઝાડવાની ડાળીએ બંધાયેલા માળામાં ઘણાય પક્ષીઓના ટહુકાઓ એમના એમ જ ગળામાં અટવાઈ જાય છે. જમીનદોસ્ત થઈ ગયેલી એ ડાળખીઓ પણ કુદરતને અસંખ્ય ફરિયાદો કરતી ભાંગી પડે છે. માણસ, પશુ, પક્ષી, જીવજંતુ વનસ્પતિ, વેલા સમગ્ર જીવસૃષ્ટિ ત્રાહિમામ્ પોકારી ઉઠે છે.

વિનાશક વાવાઝોડું નિબંધ

એક તરફ તોફાની પવન ને બીજી બાજુ અનરાધાર વરસાદ, શરીર તો શરીર પણ માણસના મનને પણ પલાળી નાખે છે. એક તરફ દરિયાના મોજાનું અગમ્ય અટહાસ્ય તો બીજી બાજુ કેટલીક ગાડીતુર બનેલી નદીઓમાં ઘોડાપૂર. શું સાચવવું અને શું જવા દેવું. માલમિલકત તો ઠીક ખુદનો જીવ બચાવવો પણ ભારે થઈ પડે એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. ભયંકર વાવાઝોડાથી ડરીને વીજળી પણ ચાલી જાય એટલે થઈ જાય અંદરપાટ. કેટલાય ગામડાઓ સંપર્ક વિહોણા બની જતા હોય છે. કુદરતના પ્રકોપ સામે વળી કોનુ ચાલે? હોય અસંખ્ય ફરિયાદો પણ કરવી કોને? જેણે આ સ્થિતિનો સામનો કર્યો હોય એ જ જાણતું હોય છે હાલત કેવી થાય છે.

જીવન તો જાણે જુગાર જેવું બની જાય છે. ને કદાચ આ વખતે દરેક જીવના અંતઃકરણમાંથી એક જ અવાજ આવતો હશે કે…

ખેલ મોતનો

કરો ખમૈયા વાલા

                               રક્ષા કાજ રે——    ( હાઇકુ – બેફામ)

બધાની પાસે કંઈ પાકા મકાન તો હોતા નથી. ક્યાંક માટીથી ચણેલી નળિયાની છત તો ક્યાંક કાગળ બાંધેલી ઝુ૫ડાની છત. ગમે તેવી હોય પણ એ છત પોતાની હોય છે. ને છત તળે જીવતો હોય છે એક પરિવાર. અસંખ્ય સપનાઓનું ભારો સંતાડયો હોય છે છત હેઠે. જ્યારે પ્રકૃતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે કોરાકટ સપનાઓનો માલિક માણસ નોધારો બની જાય છે. ૫વનના સકંજામાં આવીને ઉડતા એ નળીયાની સાથે માણસની ખુશીઓનું પોટલું પણ ઉડી જાય છે. છત છીનવાઈ જાય છે, સપનાઓ છીનવાઈ જાય છે, અને બાકી વધે છે બેબસને નિરાધાર માણસ.

કાચાપોચા મકાનમાં ક્યાંક ખીચડી, કયાંક અનાજ ને વળી કયાંક અથાણા સંઘરીને રાખ્યા હોય છે. ઘડીભરમાં તો બધું ખેદાનમેદાન ને પાયમાલ થઈ જાય છે. ઘરમાં ક્યાંય ચૂલો સળગે એટલી જમીન પણ કોરી રહેતી નથી. અબાલ, વૃઘ્ઘ સર્વે ભૂખ્યા થઈને ટળવળે છે. ખીલે બાંધેલા મૂંગા પશુઓ પણ આમતેમ તરફડતા હોય છે.

સપનાઓનો મહેલ વિખાય છે. ભવિષ્યની વ્યવસ્થાઓ વિખાય છે. ને વિંખાય છે વાવેલી ખુશીઓના ખજાના… વિનાશ…. વિનાશ…. ને વિનાશ….. સર્વત્ર બસ વિનાશને હૃદયના ધબકારા ધડક ધડક ધડક…

ખરેખર જ્યારે મોતનું આ તાંડવ ચાલતું હોય ત્યારે જીવ તાળવે ચોંટી જાય છે. યમરાજ જાણે સામે જ અટહાસ્ય કરતા હોય એમ લાગવા માંડે છે. કે આ ક્ષણે સર્વેની માત્ર એક જ પ્રાર્થના હોય છે કે ”પ્રભુ બચાવી લો”.

ધીમે ધીમે જ્યારે પવનની ઝડપ ઓછી થવા લાગે છે. વરસાદ જાણે વિસામો કરવા લાગે છે. ત્યારે થોડોક હાસારો અનુભવાય છે. એક ભયંકર તોફાન જાણે ધીમે ધીમે પોતાનું સામ્રાજ્ય સંકેલતુ હોય તેઓ અનુભવ થાય છે. માણસના મનમાં આવતા વિનાશક વિચારોની ગતિ પણ ધીમે-ધીમે મંદ પડવા લાગે છે. દરેક જીવ પોતે બચી જવા માટે મનોમન કદાચ ઈશ્વરનો આભાર માનવા લાગે છે. આ તો વાત થઇ વાવાઝોડાની, વાવાઝોડું ગયા પછીની સ્થિતિ પણ કરૂણ હોય છે.

કોના ભરોસે ને હવે ક્યાં જઈશું?

નથી અન્નનો દાણો હવે શું કરીશું?

હતા સાંભળનારા તે ચાલ્યા ગયા

વાત હૈયાની બધી હવે કોને કહીશું?

ભરખી ગયો આ કાળ સ્વજનોને ”બેતાજ”

એકલા અટુલા હવે કેમ કરી જીવશુ ?

— બેતાજ (સ્વરચિત)

ઉપરની કેટલીક પંક્તિઓ એ વાવાઝોડાની વિદાય પછીની કરુણતા દર્શાવે છે. માણસ વાવાઝોડાના ગયા પછી આમતેમ ફાંફા મારવા લાગે છે. ઘર કે ઝૂંપડાની છત તો રહીં નથી. બેઘર બનેલો માણસ જે કાંઈ તૂટેલુ ફૂટેલુ બચ્યું હોય તે વીણવા લાગે છે. ઊડી ગયેલા છાપરાની આરપાર દેખાતું આખુય આભ જાણે એકમાત્ર છત જેવું ભાસે છે.

માત્ર નિર્જીવ વસ્તુઓ જ નાશ થાય એવું થોડું છે. કોઈની પત્ની તો કોઇનો પતિ, કોઈનો ભાઈ તો કોઇની બહેન, કે કોઈના સંતાનો તો કોઈના માવતર વાવાઝોડાની સાથે ચાલી ગયા હોય. આ સ્થિતિ એટલી ભયાનક અને ક્રૂર હોય છે કે એનું વર્ણન પણ કદાચ ન કરી શકાય.

પોતાના સ્વજનોને ગુમાવ્યાનું જે દુઃખ થાય છે એને કેમ કરીને કાગળ પર ઉતારુંવું? એ વખતની મનોવૃત્તિને એ વખતની લાગણીઓનો ઉતાર ચઢાવ કેમ કરીને માપવો? આવા મોતના ખેલમાં જેણે પોતાના ખોયા હોય એ જ જાણે ખરેખર હાલત શું થાય છે? એક તરફ કાંકરે કાંકરે પાળ બાંધીને જેવું તેવુ મકાન ઊભું કર્યું હોય એ ભાંગીને ભુક્કો થઈ જાય. ને બીજી તરફ ઘરનું કોઈ સ્વજન ગેરહાજર થઈ જાય.

આ સ્થિતિની કલ્પના માત્રથી આપણી આંખ ભીની થઈ જાય. તો જેની ઉપર વીતી હશે એની હાલત કેવી હશે? કોઈનો સથવાર ગયા પછી માણસ કદાચ ફરિયાદ કરવા માંગે તો પણ કોને કરે ફરિયાદ? જીવનરૂપી રથ જાણે પઈડા વિહોણો બની જાય છે. નથી એનો કોઈ સારથી હોતો કે નથી કોઇ અશ્વ હોતા. 

આવી દયનીય સ્થિતિમાં માણસને જીવન જાણે કડવું ઝેર લાગવા માંડે છે. ને એકલા પડી ગયેલા કોઈ જીવને તો જાણે જિંદગી બોજરૂ૫ લાગવા માંડે છે. આવી પરિસ્થિતિમાં જ ફરી કોઈના થકી હિંમત અને હકારાત્મક વિચારોની વાવણી થાય તો બચેલો માણસ વળી નવા જીવનની વાટે ફરીથી યાત્રા શરૂ કરી શકે છે.

અંતે એટલું જ કહીશ કે વાવાઝોડું કોઈ પણ કુદરતી હોનારત અસંખ્ય છત ને છત નીચેની લાગણીઓને દુભાવી જતી હોય છે. આપણે સૌ પરમપિતા પરમાત્મા ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવી હોનારતથી સૌનું રક્ષણ કરે.

આ ૫ણ વાંચો:-

  1. ધરતીકંપ એક કુદરતી આફત
  2. કોરોના ની ત્રીજી લહેર નિબંધ
  3. પર્યાવરણ નું મહત્વ નિબંધ
  4. કુદરતના હાસ્ય અને તાંડવ નિબંધ
  5. એક નદીની આત્મકથા નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો વિનાશક વાવાઝોડું નિબંધ (vavajodu nibandh in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

Leave a Comment