Advertisements

વિશ્વ સંસ્કૃત દિવસ |સંસ્કૃત ભાષાનું મહત્વ

મિત્રો, આપણે રક્ષાબંધન તો દર વર્ષે શ્રાવણી પૂનમે ઉજવીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આજનો દિવસ ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ તરીકે ઓળખાય છે. જાણીએ આ દિવસનો મહિમા અને સંસ્કૃત ભાષા વિશે.

વિશ્વ સંસ્કૃત દિવસ તથા સંસ્કૃત ભાષાનું મહત્વ

વિશ્વની સૌથી પ્રાચીન અને દરેક ભાષાની જનની એવી સંસ્કૃત ભાષાની ઉત્પત્તિ આશરે 3500 વર્ષ પહેલાં થઈ હોવાનું મનાય છે. રામાયણ, મહાભારત, વેદો, ઉપનિષદો અને અન્ય ધાર્મિક ગ્રંથો આ જ ભાષામાં લખાયેલ છે.

પ્રાચીન સમયમાં ભારતમાં શિક્ષણ સત્ર શ્રાવણી પૂર્ણિમાથી જ શરુ થતું હતું. આથી ઈ. સ. 1969માં તત્કાલિન શિક્ષણ મંત્રી શ્રી વી. કે. વરદરાજા અને કાશ્મીરનાં રાજા કરણસિંહનાં પ્રયત્નોથી શ્રાવણી પૂર્ણિમાને ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૂચિત થયેલી 22 ભાષાઓમાં સંસ્કૃતનો સમાવેશ થાય છે. ઉપરાંત, દેવભૂમિ તરીકે ઓળખાતા ઉત્તરાખંડ રાજ્યની એ મુખ્ય રાજ્ય ભાષા છે.

દુનિયાનું સૌથી મોટું શબ્દભંડોળ સંસ્કૃત ભાષામાં છે. 102 અબજ 78 કરોડ 50 લાખ શબ્દોનો ઉપયોગ અત્યાર સુધીમાં આ ભાષામાં થઈ ગયો છે. સંસ્કૃત ભાષાની ખાસિયતને કારણે તેનાં પ્રત્યે સહજ જ આદરભાવ ઉત્પન્ન થાય છે. સંસ્કૃતમાં ઘણાં બધાં શબ્દો એવાં છે જેનાં આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલાં સમાનાર્થી શબ્દો છે.

હાથી શબ્દ માટે સંસ્કૃતમાં 100 જેટલાં સમાનાર્થી શબ્દો છે.
પાણી શબ્દ માટે સંસ્કૃતમાં 70થી વધુ સમાનાર્થી શબ્દો છે.
પ્રેમ શબ્દ માટે સંસ્કૃતમાં 99 જેટલાં સમાનાર્થી શબ્દો છે.
જવું ક્રિયાપદ માટે સંસ્કૃતમાં 122 જેટલાં સમાનાર્થી શબ્દો છે.

આથી પણ વધારે નવાઈ પામવાની બાબત એ છે કે આ દરેક સમાનાર્થી શબ્દ ચોક્ક્સ સમયે, ચોક્ક્સ વાક્ય રચનામાં જ વપરાય છે. એને ગમે ત્યારે વાપરી શકાતો નથી.

સંસ્કૃત ઉચ્ચારણ અને લિપિ

સંસ્કૃત ભારતની ઘણી લિપિઓમાં લખાતી આવી છે, પરંતુ મૂળભુત રૂપે તે દેવનાગરી લિપિ સાથે જોડાયેલી ભાષા છે. દેવનાગરી લિપિ મૂળ તો સંસ્કૃત માટે જ બની છે, એટલે એમાં દરેક ચિન્હ માટે એક અને માત્ર એક જ ધ્વનિ છે. દેવનાગરીમાં ૧૨ સ્વર અને ૩૪ વ્યંજન છે. દેવનાગરીમાંથી રોમન લિપિમાં ભાષાંતર કરવા માટે બે પદ્ધતિઓ પ્રચલિત છે: IAST અને ITRANS. શૂન્ય, એક કે અધિક વ્યંજનો અને એક સ્વર મળીને એક અક્ષર બને છે.

વ્યાકરણ

સંસ્કૃત વ્યાકરણ આધુનિક ભાષાઓ બોલનાર લોકો માટે થોડું અઘરૂ છે. ગુજરાતી અને હિંદી જેવી ભારતીય ભાષાઓ બોલનાર લોકો માટે સંસ્કૃત વ્યાકરણ મુશ્કેલ હોવાં છતાં સંસ્કૃત બોલવું એમના માટે અઘરૂં નથી કારણ કે આ ભાષાઓનાં ઘણાં ખરા શબ્દો શુદ્ધ સંસ્કૃતના જ છે અથવા સંસ્કૃત શબ્દોનાં અપભ્રંશ છે. સંસ્કૃતમાં સંજ્ઞા, સર્વનામ, વિશેષણ અને ક્રિયાના વિવિધ પ્રકારના શબ્દરૂપો બનાવવામાં આવે છે, જે વ્યાકરણિક અર્થ પ્રદાન કરે છે. મોટા ભાગે શબ્દરૂપો મૂળશબ્દના અંતમાં પ્રત્યય લગાવીને બને છે. એટલે એમ કહી શકાય કે સંસ્કૃત એક બહિર્મુખી-અન્ત-શ્લિષ્ટયોગાત્મક ભાષા છે.

સંસ્કૃત ભારતની એક શાસ્ત્રીય ભાષા છે, જે દુનિયાની સૌથી જુની ભાષાઓમાંની એક છે. સંસ્કૃતનું ભારતીય-યુરોપીય ભાષાસમૂહની ભારતીય-ઈરાનીયન શાખાની ભારતીય-આર્ય ઉપશાખામાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એ આદિમ-ભારતીય-યુરોપીય ભાષાને ઘણી મળતી આવે છે. આધુનિક ભારતીય ભાષાઓ જેમકે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, કાશ્મીરી, ઉડિયા, બંગાળી, મરાઠી, સિંધી, પંજાબી, નેપાળી વગેરે આમાંથી જ ઉત્પન્ન થઈ છે. આ બધી ભાષાઓમાં યુરોપીય વણજારાઓની રોમન ભાષાનો પણ સમાવેશ થાય છે. હિન્દુ ધર્મના લગભગ બધા જ ધર્મગ્રંથો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. આજે પણ હિન્દુ ધર્મમાં મોટાભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃતમાં જ થાય છે.

 • સંસ્કૃત संस्कृतम् સંસ્કૃતમ્
 • sanskṛtam શબ્દ દેવનાગરીમાં લખ્યો છે.
 • ઉચ્ચારણ[sə̃skr̩t̪əm]
 • પ્રદેશ:- ભારત ઈ.સ. પૂર્વે 2000 – ઈ.સ. 600 (વેદિક સંસ્કૃત), પછી તેના વડે મધ્ય ઈન્ડો-આર્યન ભાષાઓનો ઉદ્ભવ થયો.
 • સંસ્કૃતિની ભાષા તરીકે પ્રચલિત (શાસ્ત્રીય સંસ્કૃત):-
  ભારત: ૧૪,૩૪૬ નોંધાયેલ 2001
  નેપાળ: 1669
 • ભાષા કુળ:- ઈન્ડો – યુરોપિયન, ઈન્ડો – ઈરાનિયન, ઈન્ડો-આર્યન
 • પ્રારંભિક સ્વરૂપ:- વેદિક સંસ્કૃત
 • લખાણ પદ્ધતિ:- દેવનાગરી
  ઉપરાંત અનેક બ્રાહ્મી લિપિઓમાં લખાય છે.

આવી મહાન એવી આ સંસ્કૃત ભાષા માટે ઋગ્વેદમાં જણાવ્યા મુજબ સંસ્કૃત ભાષા કહે છે કે,

“હું સંસ્કૃતવાણી સમગ્ર રાષ્ટ્રની છું. રાષ્ટ્રને સમૃદ્ધ કરી શકું છું. હું વિદ્યાનો ભંડાર છું, અને જેનું સન્માન કરવામાં આવે છે એમાં હું પ્રથમ સ્થાને છું.”

લેખક:- શ્રીમતી સ્નેહલ જાની, શિક્ષક, વી. એન. ગોધાણી ઈંગ્લીશ સ્કૂલ, કતારગામ, સુરત 4

આ ૫ણ વાંચો:-

 1. રક્ષાબંધન વિશે
 2. જન્માષ્ટમી વિશે માહિતી
 3. પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ
 4. વસંત પંચમી નિબંધ
 5. મિત્રતાની મીઠાશ નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો વિશ્વ સંસ્કૃત દિવસ (world sanskrit day)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

1 thought on “વિશ્વ સંસ્કૃત દિવસ |સંસ્કૃત ભાષાનું મહત્વ”

Leave a Comment