Advertisements

શિયાળાની સવાર નિબંધ | essay on winter morning in gujarati

Advertisements

દરેક ઋતુની સવાર આમ તો આહલાદક જ હોય છે. ૫રંતુ શિયાળાની સવાર એટલે કે હેમંતના ૫રોઢની મજા જ કંઇક અલગ છેે.શિયાળાની સવાર ની નયનરમ્યતા, શીતળતા અને સ્વાભાવિક્તા બીજી ઋતુ કરતાં કંઈ કેટલીય રીતે જુદી ૫ડે છે. તો ચાલો આજે આ૫ણે શિયાળાની સવાર નિબંધ લેખન કરીએ.

શિયાળાની સવાર નિબંધના મુદ્દા:-

૧. પ્રસ્તાવના ૨. પ્રાકૃતિક સૌંદર્ય ૩. ગામડાનું વાતાવરણ ૪. શહેરનું વાતાવરણ  ૫. ઉપસંહાર

   “આવી ગઈ શિયાળાની સવાર,

                      પ્રકૃતિ ની કરામત થવા લાગશે,

   ધૂંધળું આકાશ ને ઠંડો ઠંડો પવન વાસે,

                      સૂરજનો તડકો પણ પ્યારો લાગશે,

                      મારી નીંદર મને વ્હાલી લાગશે “……

સવારની કડકડતી ઠંડીમાં આખું ઘર ધ્રુજતું હોય, રસ્તાઓ ટાંટિયા વાળી સુતા હોય, વૃક્ષો ઠંડીથી બચવા સુસવાટા મારતા હોય, કુતરા તેમજ ગલુડિયા એકબીજાને ગોઠવાઈને સુતા હોય, તેમજ સવાર થવા છતાં પણ વાતાવરણમાં ઘટ્ટ અંધારું છવાયેલું હોય તો સમજવું કે એ ચોક્કસ “શિયાળા ની સવાર” હોય.

શિયાળાની સવાર એટલે સૂસવાટા મારતા પવન ને ઠંડી હવાની વચ્ચે આગમન થતાં સૂરજના કિરણોનું હૂંફાળું સ્મિત. શિયાળાની રાતનો છેલ્લો પ્રહર એટલે જાણે કે કાતિલ ઠંડીનો પ્રહર. ચારેકોર કાતિલ ઠંડી ફેલાયેલી હોય છે, આખું વાતાવરણ જાણે એક વિશાળ શિતઘરમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગતું હોય છે. વાતાવરણમાં એટલી તો શાંતિ હોય છે કે પવનના સૂસવાટા પણ ચોખ્ખા સાંભળવા મળે છે.

Must Read : ઉનાળાની બપોર નિબંધ 

આવા ઠંડા પ્રહરમાં ઊંઘ પણ ઘસ ઘસાટ આવતી હોય અને ફુલગુલાબી વાતાવરણમાં ગોદડામાંથી બહાર નીકળવાનું મન પણ ન થતું હોય ત્યારે વાતાવરણના ધુમ્મસને ચીરી જ્યારે પૂર્વની ક્ષિતિજે અદભુત સોનેરી રંગ સાથે સૂર્યના કોમળ કિરણો પૃથ્વી પર પથરાતા હોય ત્યારે સમગ્ર પ્રકૃતિ પર જાણે સ્મિત રેલાઇ ગયું હોય તેવું લાગે છે. આકાશ મેઘધનુષી રંગોથી રંગાઇ જાય છે અને વાતાવરણમાં ઉષ્મા નો નવો સંચાર થાય છે. આખી રાત કડકડતી ઠંડીમાં ઉઠવાતા રહેલા વૃક્ષો સુરજના કોમળ કિરણો પડતાની સાથે જ જાણે ફરીથી ચેતનવંતા થઈ જાય છે.

            “જ્યારે સૂર્યદેવ પણ સવારે વહેલા ઉઠવામાં આળસ કરવા લાગે, ત્યારે સમજી લેવું કે શિયાળાની સવાર આવી ગઈ છે”.

શિયાળાની સવાર થતાંની સાથે જ વાતાવરણમાં રહેલો ધુમ્મસ નીચે ઉતરે અને જ્યારે તેને સૂરજના તડકાનો સ્પર્શ થાય છે, ત્યારે તે ઝાકળ બૂંદ બની ફૂલો અને પાંદડાઓની સપાટી પર લહેરાય છે. આ ફૂલો અને પાંદડા ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે ત્યારે તે ઝાકળના બૂંદ મોતી બનીને ચમકી ઉઠતા હોય છે. સવારના આહલાદક વાતાવરણમાં ફૂલો ડોલતા હોય, વૃક્ષો ના પાન નો અવાજ આવતો હોય, પક્ષીઓ કલરવ કરતા હોય ત્યારે એવું લાગે જાણે આખી પ્રકૃતિ ઠંડી ની કેદમાંથી મુક્ત થઈ ગઈ હોય અને એક ઉષ્માભર્યું વાતાવરણ સર્જાયું હોય. શિયાળાની સવાર માં પ્રકૃતિ પણ મન મૂકીને ખીલેલી હોય છે, પછી ભલે પશુ હોય, પક્ષી હોય કે વનસ્પતિ હોય. તેનામાં એક અલગ પ્રકારની જ ઉર્જાનો સંચય થતો હોય છે, અને એક નવી સ્ફૂર્તિ સાથે બધા જ પોતાના નવા દિવસની શરૂઆત કરતા હોય છે.

Must Read : મારી શાળા નિબંધ

શિયાળાની રમણીય સવાર દરેક વ્યક્તિ માટે પછી એ ગામડાનો હોય કે શહેરનો, તેના માટે સ્ફૂર્તિદાયક અને ઉત્સાહ વર્ધક હોય છે. ગામડામાં વહેલી સવારમાં લોકો ઉઠી અને પોતાની દિનચર્યામાં લાગી જતા હોય છે. ગામડા ની સ્ત્રીઓ ગાય ભેંસ દોવા જાય, મહિયારીઓ મહી મથવા લાગે, ઘણા ઘરોમાં વલોણા નો અવાજ ગાજી ઊઠે તો કેટલીક શેરીઓમાં દૂધ વેચવા નીકળેલી રબારણનો પોકાર સંભળાવા લાગે. વૃદ્ધો અને મોટેરાઓ ઘરની આગળ અથવા તો શેરીના નાકે સરસ મજાના તાપણા કરી તેની આસપાસ ગોઠવાઇ જતા હોય છે. કેટલાક ગામોમાં પ્રભાતફેરી નીકળતી હોય છે, તો કેટલાક ગામમાં મંદિરમાંથી પ્રાર્થનાના સુર રેલાતા હોય છે.

ગામડાનું વાતાવરણ હોય અને તેમાં પણ શિયાળા ની સવાર હોય એટલે પૂછવું જ શું ? શિયાળો આવે અને સાથે અવનવી વાનગીઓનો ખજાનો લાવે. શિયાળામાં અલગ-અલગ પ્રકારના પાક બનવા લાગે. શિયાળામાં સવાર સવારમાં લોકો મેથીપાક, ગુંદર પાક, અડદિયા, સુંઠ ના લાડુ તેમજ કચરિયા જેવી અલગ અલગ વાનગીઓ પણ ખાતા હોય છે. ગામડામાં શિયાળાની સવારમાં ગોવાળિયાઓ ગાયો ચરાવવા માટે જતા હોય છે, ત્યારે તેમની પાછળ ચાલી આવતી ગાયોના કોટડે બાંધેલી ઘંટડીઓના અવાજથી વાતાવરણ  સુમધુર બની જતું હોય છે.

શહેરના શિયાળાની સવાર અને તેનું વાતાવરણ ગામડાના શિયાળાની સવાર કરતા થોડીક અલગ હોય છે, થોડીક જુદી હોય છે. જ્યાં ગામડામાં શિયાળામાં પ્રકૃતિ સાથે સમય વિતાવવામાં આવે છે, ત્યાં શહેરમાં જીમ તેમજ કસરતના સાધનો સાથે સમય વિતાવવામાં આવે છે. શહેરમાં લોકો શિયાળામાં સવારે કસરત કરવાનું વધારે પસંદ કરે છે. શિયાળામાં અમુક લોકો સવારે ખુલ્લા રસ્તા પર ચાલવાનું તેમજ દોડવાનું પણ પસંદ કરે છે. આમ શહેરના લોકોની સવાર એ પ્રકૃતિને માણવાને બદલે કાં તો કસરત કરવામાં વ્યતીત થાય છે, અથવા તો અમુક સૂર્યવંશી લોકોને તો આવી સવારના દર્શન જ દુર્લભ હોય છે. અમુક શહેરોમાં તો પરિસ્થિતિ એવી છે કે, શિયાળાની સવાર ધુમ્મસથી ભરેલી છે કે પછી કારખાના ધુમાડાથી, તે જ નક્કી કરવું મુશ્કેલ થઇ જતું હોય છે. શહેરમાં મોટેભાગે મિલો તેમજ કારખાનાના ધુમાડાથી વાતાવરણ પ્રદૂષિત રહેતું હોય છે. જેના કારણે ત્યાંના લોકો શુદ્ધ હવા અને પ્રાકૃતિક સૌંદર્યથી વંચિત રહી જતા હોય છે.

Must Read : મારા સપનાનું ભારત નિબંધ

મોટાભાગના શૈક્ષણિક પ્રવાસો તેમજ એક દિવસીય પિકનિક પણ શિયાળામાં જ યોજવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ પ્રવાસના આયોજન માટે પણ શિયાળાની ઋતુ પસંદ કરે છે. શિયાળામાં અવનવા શાકભાજી મળતા હોવાથી મોટાભાગે ગુજરાતી પરિવારમાં ઉંધીયુ પણ શિયાળાની ઋતુમાં જ બનાવવામાં આવે છે. નાના બાળકો તેમજ મોટાઓને ભાવતી પ્રિય એવી જલેબી પણ શિયાળામાં સવાર સવારમાં ખાવાનો એક અનોખો આનંદ હોય છે.

આમ એકંદરે જોઈએ તો “શિયાળાની સવાર” એ દરેક વ્યક્તિ માટે નવી ઊર્જા, નવો જુસ્સો અને એક ઉષ્માભર્યું વાતાવરણ લઈને આવે છે. આવી ખુશનુમા સવાર થી આપણો આખો દિવસ ખુબ જ ખુશીથી અને કોઈપણ જાતના માનસિક પરિતાપ વગર પસાર થતો હોય છે, તેથી જ મને શિયાળાની સવાર ખૂબ ગમે છે.

લેખક : “નિષ્પક્ષ”   ( પુષ્પક ગોસ્વામી ) ઈન્સ્ટાગ્રામ : nishpaksh3109

આ ૫ણ વાંચો:- 

  1. 101 ગુજરાતી નિબંધ
  2. માતૃભાષામાં શિક્ષણ નિબંધ
  3. મારા શૈશવના સંસ્મરણો નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો શિયાળાની સવાર નિબંધ (essay on winter morning in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Leave a Comment

%d bloggers like this: