કાળી ચૌદશનું મહત્વ | નરક ચૌદશ | Kali Chaudas nu Mahatva Gujarati 2023

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આપણે દિવાળીમાં આવતાં તહેવારો વિશે માહિતી મેળવીએ.

દિવાળીના તહેવારોની શરૂઆત કેટલાંક પ્રાંતમાં એકાદશીથી થાય છે તો કેટલાંક પ્રાંતમાં ધનતેરસથી. દિવાળીના તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કાળી ચૌદશ. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદસ પણ કહે છે.

આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા. આથી નરક ચતુર્દસી પણ કહેવાય છે. કાળી ચૌદશ એ મેલી વિદ્યાનાં સાધકોનો ખાસ દિવસ છે. તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે, અને તેમની વિદ્યાશક્તિ વધુ મજબૂત થાય છે.

કાળી ચૌદશનાં બીજા નામો:- રૂપચૌદસ, રૂપચતુર્થી, નરકચૌદસ, નરકચતુર્થી.

મા દુર્ગાનાં બે સ્વરૂપો છે – એક સૌમ્ય, ધીર અને ગંભીર જ્યારે બીજું રૌદ્ર. મહાકાળી એ રૌદ્ર સ્વરૂપ છે. કાળી ચૌદસની દિવસે રાત્રે માતાજીની ઉપાસના કરવામાં આવે છે. દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટભાવોને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે. આજના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે, ગલીના નાકે વડા મૂકીને કકળાટ દૂર કરવાની વિધિ કરે છે. જેની પાછળ એવું કહેવાય છે કે પરિવારમાં જે કંકાસ કે કલેહ વ્યાપી ગયો હોય તે દૂર થાય અને કુટુંબમાં શાંતિ થાય. કેટલાંક લોકો જૂનાં માટલા અને ઝાડુ પણ ચાર રસ્તા પર મૂકી આવે છે.

કાળી ચૌદશ સાથે આમ તો અનેક માન્યતા જોડાયેલી છે. આજના દિવસે રાત્રે ઉપાસનાનું અનેરૂ મહત્વ છે. કાળી ચૌદશનાં દિવસે સાંજે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે. જેને નાની દીવાળી પણ કહે છે. આ પૂજા કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે. 

એક પૌરાણિક કથા છે કે નરકાસુર નામના રાક્ષસે સોળ હજાર જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી. તેમને મુક્ત કરાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ પણ આ દિવસે જ કર્યો હતો. આ વધ તેમણે પોતાની પત્ની સત્યભામા સાથે મળીને કર્યો હતો. જેને લઈને આ દિવસને નરકા ચતુર્દસી કે નરક ચતુર્દસી કહે છે. આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતાં. એટલે જ ભગવાન શ્રીકૃષ્ણની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે કાળી ચૌદસનાં દિવસે સૂર્યોદય પહેલાં પ્રત્યુષ કાળમાં સ્નાન કરો તો યમલોકના દર્શન કરવા પડતા નથી. 

આ કામ કરવાથી બચો

કાળી ચૌદશના દિવસે કેટલાક કામો કરવાથી બચવું જોઈએ નહીં તો આખું વર્ષ ઘરમાં દરિદ્રતાનો વાસ રહે છે એમ કહેવાય છે. 

  1. નરક ચતુર્દશીના દિવસે જે લોકોના પિતા જીવતા હોય તેમણે ભૂલેચૂકે યમદેવને તલ તર્પણ ન કરવા. આનું કારણ એ છે કે તર્પણ વિધી વખતે પિંડમાં તલનો ઉપયોગ થાય છે. આથી આજનાં દિવસે આમ કરવાથી પરિવાર પર સંકટ ઊભું થાય છે. 
  2. આજના દિવસે જીવ હત્યા કરવી જોઈએ નહીં. કારણ કે આ દિવસે યમરાજની પૂજા થાય છે આથી જીવ હત્યાથી પાપ લાગે. 
  3. આજના દિવસે અન્નનું અપમાન ન કરવું. અન્નના અપમાનથી હંમેશા અન્ન માટે તરસતા રહેવું પડશે. 
  4. કાળી ચૌદસનાં દિવસે તેલનું દાન ન કરવું. આમ કરવાથી લક્ષ્મી ટકતી નથી. 
  5. કાળી ચૌદસનાં દિવસે ક્યારેય મોડા સૂઈને ઉઠવું નહીં. આમ કરવાથી ભાગ્ય હંમેશા માટે સૂતું રહે છે. 
  6. કાળી ચૌદસનાં દિવસે ઝઘડો કરવો જોઈએ નહીં. આમ કરવાથી હંમેશા નકારાત્મકતાનું વાતાવરણ રહે છે. 
  7. આજના દિવસે ભૂલેચૂકે માંસાહારી ભોજન ન કરવું. માંસાહારી ભોજન કરવાથી નરકની યાતના ભોગવવી પડે છે. 
  8. કાળી ચૌદશે દારૂનું સેવન ન કરવું. દારૂ એ તામસી પ્રકૃતિનો ગણાય છે. 
  9. આજના દિવસે ઝાડૂને પગ ન મારવો અને ઝાડુને ક્યાંય ઊભું પણ ન રાખવું. ઝાડુને પગ મારવાથી કે ઊભું રાખવાથી ધનનો ખર્ચ વધે છે. 
  10. દક્ષિણ દિશા એ યમરાજની દિશા કહેવાય છે. આથી કાળી ચૌદસનાં દિવસે ઘરનાં દક્ષિણ ખૂણાને જરાય ગંદો રાખવો જોઈએ નહીં. તેનાથી યમરાજ નારાજ થાય તેમ કહેવાય છે. 

કાળી ચૌદશનું મહત્વ:-

હિંદુ સંસ્કતિનો કોઈ એક તહેવાર દેશનાં અલગ-અલગ ખૂણે અલગ અલગ રીતરિવાજ અને પરંપરા પ્રમાણે ઉજવાય છે. આ પ્રજા “વિવિધતામાં એકતા”નો ભાવ દર્શાવતી પ્રજા છે. દિપાવલીના દિવસોમાં આવતો આવો જ એક તહેવાર એટલે આસો વદ ચૌદસનો દિવસ ઉર્ફે – કાળી ચૌદશ. જેને “નાની દિવાળી” તરીકે પણ ઓળખવામાં આવે છે. દિપ પ્રાગટ્ય અને રોશનીની ઉજવણીનો આ એક દિવસ!

મહાકાળી પૂજા અને મંત્ર તંત્ર સાધના:-

આજના દિવસે આદ્યશક્તિ સ્વરૂપ ભગવતી મહાકાળીનું પૂજન થાય છે. આજના દિવસે મહાકાલીની પૂજા-અર્ચના  થાય છે. આમ, આજના દિવસને ભગવતી મહાકાલીના ઉત્સવના રૂપમાં પણ ઉજવવામાં આવે છે.

આજે કાંસાના વાસણની નીચે દિપ રાખી મેશ પાડવામાં આવે છે અને લોકો આંખે તે કાજળ આંજે છે. ગાલે ટીલું કરે છે. એવું કહેવાય છે કે આમ કરવાથી ખરાબ નજર નથી લાગતી. 

હનુમાનજીની આરાધના:-

આજે હનુમાનજીના નૈવેદ્ય થાય છે. ઘરેઘરે આ માટેની રસોઈ બને છે. મુખ્યત્વે અડદના વડાં અને ચુરમાના લાડુ. સાંજે હનુમાનજીનાં મંદિરમાં આ ભોગ ચડાવાય છે. આજે સૌરાષ્ટ્રનાં તો લગભગ પ્રત્યેક ગામમાં આજનાં દિવસનું મુખ્ય મહત્વ તો આ જ છે. ગામઠી ભાષામાં આજનાં દિવસને “સત્તર ડોશી” પણ કહેવાય છે.

યમરાજની આરાધના:-

ધનતેરસની જેમ આજના દિવસે પણ યમરાજની પૂજા થાય છે. સંધ્યાકાળે યમદિપ પ્રગટાવાય છે, અને પ્રાર્થના કરાય છે. જેથી અકાળે યમરાજનું આગમન થતું નથી અને તેમની કૃપા આપણા પર સદાય બની રહે છે. માટે આજે યમપૂજાનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલ છે.

રૂપ ચૌદશ:-

આજનાં દિવસને રૂપ ચૌદશ તરીકે ઓળખાય છે. કારણ કે આજે વહેલાં સ્નાન કરવાનું ખૂબ મહત્ત્વ છે. પદ્મપુરાણ અને ભવિષ્યપુરાણમાં આનું વર્ણન છે. વહેલાં ઊઠીને સ્નાન કરીને શરીરે તલના તેલની માલિશ પણ કરાય છે.

બલી સામ્રાજ્ય:-

વામન અવતાર દરમિયાન ભગવાન વિષ્ણુએ ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળીનાં દિવસોમાં ત્રણ દિવસમાં ત્રણ ડગલાં જમીન રાજા બલિ પાસેથી માંગી હતી, જે બલિએ આપી દીધાં બાદ ભગવાને વરદાન આપેલું કે, આ ત્રણ દિવસો પૃથ્વી પર બલિ રાજાનું રાજ્ય રહેશે. દરેક ઘરે દિપક પ્રગટશે અને ઉત્સવ થશે. આમ,આપણા પર અત્યારે મહારાજ બલિનું રાજ્ય છે અને આપણે તેના પ્રજાજનો છીએ એ આપણે ના ભૂલવું જોઈએ.

વળી, એક અન્ય લોકવાયકા પ્રમાણે આજે બ્રાહ્મણો અને નિર્ધનોને વિવિધ પ્રકારનું દાન આપવાની પણ પ્રથા છે. દરેકે જરૂરી અને અત્યંત અસહાય વ્યક્તિને આજે બનતી મદદ કરવી જોઈએ. એમ કરવાથી વિવિધ દેવતાની કૃપા ક્ષણભરમાં મળે છે, એવું પ્રાચીન ગ્રંથોમાં બહુ જ વિશ્વાસપૂર્વક કહેવાયું છે.

ચૌદસ ભલે કાળી છે, પરંતુ એ ધનતેરસ અને દીપાવલી જેવા પ્રકાશના પર્વનો સંગ કરીને પોતાનું મહાત્મ્ય વધારી શકી છે. આ બાબત ધ્યાનમાં રાખીને આપણે પણ આપણા વિચારો, વાણી અને વ્યવહારની ખામીઓ સુધારીને મનનો આ અંધકાર આવનારા પ્રકાશમાં ન ઓગાળી શકીએ? સારા મિત્રો, સારા સંબંધો, સારું વાંચન આ બધા જ આપણી આસપાસની ધનતેરસ અને દીપાવલી જેવા છે, જેના સંગે આપણે આપણા નકારાત્મક વિચારોની કાળી ચૌદશને દીપાવલીના અજવાસની હકારાત્મકતામાં ફેરવી શકીએ છીએ.

આપણાં સૌના વિચારોમાં ક્યાંકને ક્યાંક છૂપાયેલી નકારાત્મકતાની ચૌદસ આથમે અને હકારાત્મકતાના દીવડા ઝગમગે એવી જ કામના કરીએ.

અંતે, અનેક પ્રથાઓની ભરપૂર અને એમાં જ વૈવિધ્યમાન એવાં કાળી ચૌદશના દિવસની સૌને શુભકામનાઓ.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

આ ૫ણ વાંચો:- 

  1. કાળી ચૌદસની પૂજા
  2. જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
  3. ધનતેરસનું મહત્વ
  4. નવરાત્રી નું મહત્વ
  5. વસંત પંચમી નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો કાળી ચૌદશનું મહત્વ (kali chaudas nu mahatva gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. આ લેખમાં આ૫ણે કાળી ચૌદશ નો ઇતિહાસ, ધાર્મિક મહત્વ, કાળી ચૌદશની પૂજા વિધિ વિશે માહિતી મેળવી. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment