તરણેતરનો મેળો | Tarnetar fair information in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

તરણેતરનો મેળો(Tarnetar no Melo): મેળાનું નામ પડતાં જ નાનાં મોટાં સૌનાં મન થનગનવા માંડે છે. યુવા હૈયાઓ તો હિલોળે ચડે છે. મેળો એટલે માત્ર મનોરંજન જ નહીં પરંતુ જે તે વિસ્તારની લોક સંસ્કૃતિને ઉજાગર કરનાર પરિબળ. આપણાં ભારત દેશમાં અનેક મેળાઓ યોજાય છે. દરેકની પોતાની આગવી વિશેષતા છે. 

ભારતમાં આવેલ રાજ્ય ગુજરાતમાં આવો જ એક મેળો ભરાય છે જે ‘ભાતીગળનાં મેળા’ તરીકે પણ પ્રખ્યાત એવો તરણેતરનો મેળો છે. તરણેતરનો મેળો એટલે જ્યાં માનવી એની જાતે જ આવે અને જાતે જ જાય – મેળો એટલે મિલન. સંતો, સ્વજનો, સ્નેહીઓ અને સાથીઓનો સંગ. સૌ હળેમળે, આનંદ માણે અને છેલ્લે દિવસે ‘ફરી મળીશું’ કહીને છૂટા પડે. 

આ મંદિરને પુરાતત્વ વિભાગ તરફથી રક્ષિત સ્થળ જાહેર કરવામાં આવ્યું છે.

તરણેતરનાં મેળાની પરંપરા:-

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામથી આઠ કિલોમીટર દૂર તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમ ત્રણ દિવસ આ મેળો ભરાય છે. 200 વરસથી ચાલી આવતી પાંચાળના સંતોએ ઊભી કરેલી આ પરંપરા છે. સંતોએ પવિત્ર તીર્થસ્થાનોને માનવસમાજ સાથે સાંકળી સંસ્કારની જે સરવાણી વહાવી છે તેનું જ ફ્ળ તરણેતરનો મેળો છે.

તરણેતરનો મેળો

તરણેતરનો મેળો ભાદરવા મહિનાની સુદ પક્ષની ચોથ, પાંચમ અને છઠ તિથિના દિવસોમાં ભરાય છે. આ ત્રણેય દિવસો આ મેળામાં દરેક ઉંમરનાં લોકો ઉમટે છે અને એને માણે છે.

Must Read : જાંબુઘોડા અભયારણ્ય

આ મેળામાં ભરવાડ યુવક-યુવતીઓ ‘હુંડા’ નુત્ય કરે છે. તો કોળી સ્ત્રીઓ ‘તાળી રાસ’ રમે છે.

મેળાનો ઈતિહાસ:-

મેળાની શરૂઆત પાછળ સાધુ સંતો જવાબદાર છે. આ ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. બસો વર્ષ પહેલાં તરણેતર ગામની આજુબાજુનાં ગામડાંઓમાંથી લોકો સાધુ, સંતો, ભક્તો અને સેવકોની સાથે ગાડાંમાં સરસામાન ગોઠવી, ઘોડા માથે કે પગપાળા તરણેતર તરફ પ્રયાણ કરતા. આખી રાત બધાં ભેગાં મળીને ભજન અને સંગીતમાં મગ્ન થઈ જતાં. સવાર ક્યારે થઈ જતી એની ખબર જ નહીં પડતી.

સવાર પડતાં સંઘ પાછો તૈયારી કરી આગળ પ્રવાસ કરતો. આમ , ગામેગામ મુકામ કરતાં સૌ ચોથના દિવસે થાનગઢની આ જગ્યામાં આવી પહોંચતાં. અહીં ધજા ચડતી . પછી સૌ  તરણેતર પહોંચતાં. તરણેતર મહાદેવના મંદિર પર બાવન ગજની ધજા ફરકે પછી મેળો વિધિવત શરૂ થઈ જતો. આજે પણ શ્રી પાળિયાદ મહંતસાહેબના હાથે જ ધ્વજારોહણવિધિ સંપન્ન થાય છે.

તરણેતરનો મેળો
તરણેતરનો મેળો

અહીં તમને જોવા મળશે બે કાંઠે વહેતાં નદીનાળા, ખળખળ વહેતાં નયનરમ્ય ઝરણાં – વરસાદની હાજરી પુરાવતાં હોય એવાં લાગશે. વરસાદને કારણે પાણીથી છલોછલ ભરેલાં તળાવો, ઠેર ઠેર ઊગી નીકળેલાં બાવળ, બોરડી અને ખાખરો, આંખોને ઠંડક અને ગરમીમાં રાહત આપતાં વડ, લીમડો, પીપળો તમારું મન મોહી લેશે. અહીંની માટીની સુગંધ મન મોહી લે છે. ટેકરીઓ અને ખડકોમાંથી પસાર થતી પગદંડી સીધી લઈ જાય છે મેળામાં!

Must Read : કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ

મંદિરનો ધાર્મિક ઈતિહાસ:-

માન્યતા 1:-

ધાર્મિક માન્યતા અનુસાર રતિએ ભગવાન શંકરની બાર વર્ષ સુધી આરાધના કરી અને શંકર ભગવાનના વરદાન સ્વરૂપે ભસ્મ થઈ ગયેલ કામદેવને પતિ તરીકે પાછા મેળવ્યા. તેમનાં મિલનની આ ભૂમિ હોવાથી શિવજીનું આ ત્રિનેત્રેશ્વર મંદિર રતિએ બનાવ્યું હોવાની લોકવાયકા છે. આથી જ અહીં કામનો વિકાર જોવા મળતો નથી. આથી ઊલટું, કામનો વિહાર જોવા મળશે.

માન્યતા 2:-

આ મંદિર દસમી સદીમાં બંધાયેલું છે. આ મંદિરની શૈલી ગુર્જર પ્રતિહાર શૈલી છે. કનોજ તેમજ આજુબાજુ વસતા લોકોએ સ્થળાંતર કરી આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો. તેમણે આ પ્રદેશને પાંચાલ નામ આપ્યું અને તેમણે આ મંદિર બાંધ્યુ. અહીં દ્રૌપદીનો સ્વયંવર રચાયો હતો અને અત્યારે જ્યાં તુલસીક્યારો છે ત્યાં અર્જુને મત્સ્યવેધ કર્યો હતો.

અયોધ્યાના સૂર્યવંશી રાજવી યુવનાશ્વના પુત્ર માંધાતાએ આ મંદિર બંધાવ્યું છે. ઈ. સ. 1902માં લખતરના રાજવી કરણસિંહજીએ તેમની પુત્રી સુંદરબા સ્મરણાર્થે 50000 રૂપિયાનો ખર્ચ કરીને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

માન્યતા 3:-

શિવજીની પૂજા કરતી વખતે એક હજાર કમળને બદલે 999 કમળ જ નીકળતાં બ્રહ્માજીએ પોતાની એક આંખ શિવજીને ચડાવી હતી.

માન્યતા 4:-

કણ્વઋષિને અહીં મહાદેવે વરદાન આપ્યું હતું કે આ કુંડમાં સ્નાન કરી મારી પૂજા કરી જે પિંડદાન આપશે તેમના પિતૃ મોક્ષગતિને પામશે.

Must Read : આંબાપાણી ઈકો ટુરીઝમ

મેળાની આધુનિકતા:-

અન્ય બાબતોની જેમ તરણેતરના મેળાને પણ આધુનિકતાનો રંગ લાગેલો દેખાય છે. આધુનિક ચકડોળ  અને ખાણીપીણીના સ્ટોલ દેખાશે. સાથે સાથે જુની પરંપરાઓ – રાવટીઓ, ડાયરાઓનો અદ્દભુત સમન્વય પણ માણવા મળશે.

હાલમાં મેળામાં ગ્રામ્ય કક્ષાનો ઓલિમ્પિક યોજાય છે, જેમાં અર્વાચીન રમતોની સાથે ગાડાદોડ, ધોડાદોડ,ઊંટોની સ્પર્ધાઓ, લાડુ ખાવાની, માટલાદોડ જેવી અનેક રમતો યોજાય છે, જે મેળાનુ અનેરુ આકર્ષણ છે.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment