મારા સપનાનું ભારત નિબંધ | Essay on India of My Dreams in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

“ભારત” શબ્દ સાંભળતા જ હૈયું ગદગદ થઈ જાય, છાતી ફૂલવા લાગે અને આપણને ભારતમાં જન્મ મળ્યો તે બદલ ગર્વ થઈ આવે છે. તો ચાલો આજે મારા સપનાનું ભારત વિષય ૫ર નિબંધ લેખન કરીએ.

મારા સપનાનું ભારત નિબંધ

જ્યારે જ્યારે પણ આપણા ભારતવર્ષ વિશે વિચારું ને ત્યારે ત્યારે મનમાં એક જ ગીત રણકવા લાગે, ” जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा ” આટલો સમૃદ્ધ છે આપણો દેશ. વિવિધ ભાષા, વિવિધ રહેણી કરણી અને વિવિધ સંસ્કૃતિઓનો સુભગ સમન્વય અહીંયા જોવા મળે છે. ભારતમાં ધાર્મિક તેમજ સાંસ્કૃતિક વિવિધતાનું એક કારણ અહીંયાના લોકોની વિચારધારા પણ છે, અને તે એટલે – “અતિથિ દેવો ભવઃ”.  આપણે બહારથી આવેલી વ્યક્તિને દેવ સમાન સમજી તેનું સ્વાગત કરીએ છીએ, તેનું સન્માન કરીએ છીએ. પરંતુ જો આ જ અતિથિ આપણી સંસ્કૃતિ, આપણી ધરોહરનું સન્માન ન કરી શકે અથવા તેનું અપમાન કરે તો આપણા દેશ પાસે પરશુરામ જેવા અવતારો પણ છે, જેમણે સાત સાત વખત પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી હતી.

 ભારતના ઋષિઓની વાત હોય કે પછી ત્યાં જન્મ લેનાર સામાન્ય માણસની, દરેક માટે ભારત દેશ વૈવિધ્યસભર રહ્યો છે. એટલે સુધી કે ભગવાનને પણ જન્મ લેવા માટે ભારત દેશ જ પસંદ આવ્યો. દશાવતાર ના દશ અવતારોની વાત કરો કે સપ્તર્ષિ ની વાત લઈ લો, શું તેઓ બીજા દેશમાં જન્મ નહોતા લઈ શકતા ? તો પછી ભારત જ શું કામ ? ભારત દેશ ઋષીઓનો દેશ છે, અવતારોની ભૂમિ છે. રામ અહીં રમ્યા છે, કૃષ્ણ એ પણ અહીંયા જ લીલા કરી છે. એટલે જ આવા દેશમાં આપણો જન્મ થવો એ ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે.

અને એટલે જ કહેવાય છે કે, “ભારતે જન્મ દુર્લભમ્”. ભારતમાં જન્મ મળવો તે પણ દુર્લભ છે, અને જો આવા દુર્લભ ભારતમાં આપણે જન્મ્યા છીએ, ભગવાને આપણને એ લાયક સમજ્યા છે, કે આપણે આવા દેશમાં જન્મ લઈ શકીએ, તો તે દેશ, તે સંસ્કૃતિ પ્રત્યે આપણી જવાબદારી પણ એટલી જ વધી જાય છે. આ જવાબદારી પ્રત્યે આપણે ક્યારેય વિચાર કર્યો ? આપણને ક્યારેય એમ થયું કે આપણી જવાબદારી ફક્ત આપણા પરિવાર પૂરતી જ છે ? આપણાં દેશ માટે આપણી કોઈ જ જવાબદારી નહી ? શું આપણે ક્યારેય ભારતવર્ષ માટે કોઈ સપનું જોયું ? શું આપણે ક્યારેય “આપણાં સપનાનું ભારત” વિચાર્યું ? જો આપણે જ આપણી ધરોહર નહીં સાચવીએ, આપણે જ આપણી સંસ્કૃતિ પ્રત્યે સજાગ નહીં રહીએ, તો કોણ સાચવશે તેને ? કોણ કરશે તેનું જતન ? 

Must Read : મારી શાળા નિબંધ

 અત્યારે આપણે જોઈએ તો આપણાં દેશમાં કુરિવાજો, દુષણો, જાતિવાદ, ગરીબી, કુપોષણ, આતંકવાદ, રાજકીય લડાઈ ઝગડા અને તેમાં થતું ભારતનું અધઃપતન. આ બધા જ આપણા ભારતના સળગતા પ્રશ્નો છે, જેનું નિરાકરણ લાવવું ખૂબ જ જરૂરી છે. જ્યાં સ્ત્રીને માં જગદંબા કે માં શક્તિ નો દરજ્જો આપવામાં આવતો હતો, તે દેશમાં આજે સ્ત્રી કેટલી સુરક્ષિત છે, તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. ઋષિઓની જન્મભૂમિ પર કેટલા દુષણો ફાટી નીકળ્યા છે, અને કેટલા કાવાદાવા થાય છે, તે આપણને સૌને ખબર જ છે. તો શું ખરેખર આ જ છે આપણા સપનાનું ભારત ? આવા જ ભારતની કલ્પના આપણે કરી હતી ? ક્યારેય નહીં…..

આવા ભારત માટે જવાબદાર કોણ તે વિચારવાનો સમય હવે નથી રહ્યો. તેના માટે જવાબદાર કોઈ પણ વ્યક્તિ હોઇ શકે. હું અને તમે પણ તેના માટે જવાબદાર હોઈશું જ. કોઈક થોડા અંશે તો કોઈક વધારે, પરંતુ આપણા દેશની આ દશા થવા પાછળ આપણે સૌ જવાબદાર છીએ. તો હવે તેને સુધારવાની જવાબદારી પણ આપણી જ છે. હવે આપણે દરેકે આપણા સપનાનું ભારત વિચારવું પડશે, અને ભારતને તેવું બનાવવા માટેના પ્રયત્નો પણ કરવા પડશે. મેં તો મારા સપનાનું ભારત વિચાર્યું છે, અને તે જ હું આપની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું.

 મારા સપનાનું ભારત કુરિવાજોને મુક્ત હશે. ત્યાં ક્યારેય કોઈ બાળકીને દૂધ પિતી નહીં કરવામાં આવે, કે ક્યારેય કોઈ બાળ વિવાહને પ્રાધાન્ય નહીં આપવામાં આવે. મારા ભારતમાં ક્યારેય ત્રણ તલાક બોલવા પર કોઈ સ્ત્રીનો હક નહીં છીનવાય. મારા સપનાના ભારતમાં ક્યારેય બળાત્કાર માટે ખાલી સ્ત્રીને જ જવાબદાર ગણવામાં નહી આવે. મારા સપનાના ભારતમાં “સ્ત્રી સશક્તિકરણ” એ એક મજબૂત વિચાર હશે જેના પર ચોક્કસ અમલ કરવામાં આવશે.

 મારા સપનાના ભારતમાં રાજકીય લે-ભાગુઓને કોઈ સ્થાન નહીં હોય. જે રાષ્ટ્ર માટે અને રાષ્ટ્રના હિત માટે વિચારશે તેના જ હાથમાં સત્તા સોંપવામાં આવશે. તેના માટે રાષ્ટ્રનો વિકાસ અને પ્રજાની સુખાકારી એ જ મુખ્ય મુદ્દો હશે. ભારતની ધરોહર અને તેની સંસ્કૃતિનું જતન તેના માટે સર્વોપરી હશે. મારા સપનાનાં ભારતમાં પ્રજાએ ક્યારેય સત્તામાં બેઠેલી વ્યક્તિ પાસે આજીજી નહીં કરવી પડે. દરેકને પોતાનો હક મળશે, તેમજ હકનું પણ મળશે.

Must Read : મારા શૈશવના સંસ્મરણો નિબંધ

મારા સપનાનાં ભારતમાં ક્યારેય હિન્દુ મુસ્લિમ કે શીખોના નામ પર કોમી રમખાણો નહીં થાય. ક્યારેય ભારતને ધર્મના નામે જુદા કરવાનું કે તેના ભાગલા કરવામાં નહીં આવે. મારા સપનાનાં ભારતમાં દરેક ધર્મનો વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ ધર્મ પાળી શકશે, પરંતુ તેની સાથે સાથે તેણે બીજાના ધર્મની મર્યાદા પણ જાળવવી પડશે. પોતાનો ધર્મ જ ચડિયાતો છે, ને બીજાનો ઉતરતો, તે વાત ક્યારેય નહીં હોય. દરેક વ્યક્તિ બીજાના ધર્મનું પણ તેટલું જ સન્માન કરશે, જેટલું પોતાના ધર્મનું કરે છે. આવું કરવામાં આવશે તો જ ભારત ખરા અર્થમાં “બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર” સાબિત થઈ શકશે.

 આવનારા વર્ષમાં ભારત નૈતિક મૂલ્યોની દૃષ્ટિએ તેમજ માર્ગદર્શનની દૃષ્ટિએ સર્વોચ્ચ સ્થાન પર હશે. જ્યારે જ્યારે પણ વિશ્વ પર મુશ્કેલીઓ આવી છે, ત્યારે ત્યારે ભારતે વિશ્વનું માર્ગદર્શન કર્યું છે, અને આગળ પણ કરતું રહેશે. વિશ્વના તત્વચિંતક જ્યારે પણ મૂંઝાયા છે, ત્યારે ભારતના મહાપુરુષોએ માર્ગદર્શન કર્યું છે, અને તે પ્રથા વર્ષોથી ચાલતી આવી છે, અને આવનારા ૧૦૦૦ વર્ષો સુધી ચાલશે.

 મારા સપનાનાં ભારતમાં યુવાનને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવશે, પછી એ રાષ્ટ્ર ચલાવવાની વાત જ કેમ ના હોય. ઉંમરલાયકનો અનુભવ અને યુવાનનું જોશ, બંને સાથે મળી અને એકબીજા સાથે તાલમેલ સાધી કામ કરે, એવું વાતાવરણ દરેક સરકારી ક્ષેત્રમાં ઉભું કરવામાં આવશે. મારા સપનાનાં ભારતમાં યુવાનોને સાચી દિશામાં વાળી અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. યુવાનોને પૂરતું શિક્ષણ મળી રહે અને ત્યારબાદ તેને અનુરૂપ નોકરી ધંધો કે વેપાર મળી રહે અને રોજગારીની નવી તકો ઉભી થાય એવા પ્રયત્નો કરવામાં આવશે.

Must Read : માતૃભાષા નું મહત્વ નિબંધ

 કુપોષણ અને ગરીબી જેવા સળગતા પ્રશ્નોને દૂર કરવા માટે સરકારની વિવિધ યોજનાઓને અમલમાં મૂકવામાં આવશે, અને તેનું ચુસ્તપણે પાલન થાય તેમજ છેવાડાના વ્યક્તિ સુધી આ યોજનાઓનો લાભ પહોંચે તે માટે સઘન પ્રયત્નો કરવામાં આવશે. કહેવાય છે ને કે “આજનું બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે”, એટલે જ ભારતમાં એક પણ બાળક કુપોષિત ન રહી જાય તે અગ્રીમ સ્તરે જોવામાં આવશે.

 આ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ હરણફાળ ભરવામાં આવશે. ભારતની આંતરિક સુરક્ષા તેમજ બાહ્ય જોખમોનો તાગ મેળવી તેના પર પણ કામ કરવામાં આવશે. આપણાં સીમા પર ફરજ બજાવતા સૈનિકોને શક્ય તેટલી મદદ તેમજ તેમની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવશે, અને કદાચ દુર્ભાગ્યપૂર્ણ વશ તેમને કંઈ થઈ જાય, તો આખી જિંદગી તેમના પરિવારનું ભરણ પોષણ થઈ રહે તેવી વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવશે.

 આમ જો દરેક વ્યક્તિ પોતાના/મારા સપનાનું ભારત વિચારશે, અને તે દિશામાં પોતાનું યોગદાન આપશે, તો એ સમય દૂર નથી કે આપણે ફરીથી “વિશ્વગુરુ” બની જઈશું અને અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાઓને પણ માર્ગદર્શન આપીશું. એકંદરે જોવા જઈએ તો દરેકની આંખમાં એક સ્વચ્છ અને સમૃદ્ધ ભારતનું સ્વપ્ન હોવું જોઈએ અને દરેકના હ્રદયમાં “મારા સપનાનું ભારત”…… જય હિંદ, જય ભારત……

લેખક– શ્રી પુષ્પકકુમાર ગોસ્વામી “નિષ્પક્ષ” , Insta ID : nishpaksh3109

તમારા સપનાનું ભારત કેવું હોવું જોઈએ?

મારા સપનાનું ભારત એ ભારત છે જે બધાને સમાન રોજગારની તકો પ્રદાન કરે છે. જેથી આપણે બધા આપણા દેશના વિકાસ અને ઉત્થાન માટે કામ કરીએ. જાતિવાદ એ બીજો મોટો મુદ્દો છે જેના પર કામ કરવાની જરૂર છે. મારા સપનાનું ભારત એક એવું સ્થાન હશે જ્યાં જાતિ, સંપ્રદાય કે ધર્મના આધારે લોકો સાથે ભેદભાવ નહીં થાય.મારા સ૫નાનું ભારત એ સોનાની ચીડીયા હશે જે તેની મુળ ઓળખ રહી છે.

મારા સપનાનું ભારત કેવુ હશે ?

નિબંધ આખો વાંચ્યા ૫છી તમને એ અવશ્ય ખ્યાલ આવી જશે કે મારા સ૫નાનું ભારત કેવુ હશે.

આ ૫ણ વાંચો:- 

  1. પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ
  2. રાષ્ટ્રીય એકતા દિવસ
  3. વસંત પંચમી નિબંધ
  4. મિત્રતાની મીઠાશ નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો મારા સપનાનું ભારત નિબંધ (Essay on India of My Dreams in Gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “મારા સપનાનું ભારત નિબંધ | Essay on India of My Dreams in Gujarati”

Leave a Comment