રંગ અવધૂત | શ્રી રંગ અવધૂત મહારાજ | Rang Avadhoot Maharaj in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ભારત એ સંતો અને મહંતોની ભુમિ છે. આવા જ એક સંત જેમનું નામ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ આદરપૂર્વક લેવાય છે, એ સંત શ્રી રંગ અવધૂત મહારાજનો આજે જીવન પરિચય (rang avadhoot maharaj biography in Gujarati) મેળવીએ. 

ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીની શરૂઆતમાં ભારતનાં જેટલા સંતો છે એમાંના મોટા ભાગના તેમનાં વિદ્યાર્થી અને યુવાવસ્થામાં દેશની સ્વતંત્રતાની ચળવળમાં જોડાયેલા હતા. એ નામોમાં શ્રી રંગ અવધૂત મહારાજનું નામ મૌખરે છે. 

શ્રી રંગ અવધૂત મહારાજ નું જીવનચરિત્ર (Rang Avadhoot Maharaj in Gujarati)

નામપાંડુરંગ વિઠ્ઠલ વળામે
જન્મ તારીખ21 નવેમ્બર 1898
જન્મ સ્થળગુજરાતના ગોધરા
પિતાજીનું નામવિઠ્ઠલ પંત
માતા નું નામકાશીબેન
વ્યવસાયસંત, કવિ, સ્વાતંત્રય સેનાની, શિક્ષક,સમાજસેવક
આંદોલનઅસહકારની ચળવળ
મૃત્યુ તારીખ તથા સ્થળ 19 નવેમ્બર 1968
મૃત્યુનું સ્થળહરદ્વારમાં ગંગા તટે
અંતિમ સંસ્કારનારેશ્વર

શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ:-

શ્રી રંગ અવધૂત મહારાજનો  જન્મ 21 નવેમ્બર 1898, કારતક સુદ નોમનાં રોજ ગુજરાતના ગોધરા મુકામે થયો હતો. જન્મ સમયે તેમનું નામ પાંડુરંગ વિઠ્ઠલ વળામે હતું. તેમનાં પિતાનું નામ વિઠ્ઠલ પંત અને માતાનું નામ કાશીબેન હતું.તેઓ હિંદુ ધર્મના  દત્તપંથ (દત્તાત્રેયની ગુરૂચરિત્ર પરંપરા)ના સંત કવિ હતા. તેમને ગુજરાતમાં દત્ત પંથના વિસ્તરણનો શ્રેય આપવામાં આવે છે. તેમના અનુયાયીઓ તેમને ‘બાપજી’ તરીકે બોલાવે છે.

Must Read : સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ

તેઓ બાળપણથી જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. તેમણે મેટ્રિક પછી અસહકારની ચળવળમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો. થોડો સમય તેમણે શિક્ષક તરીકે સેવા આપી અને તેઓ સામાજીક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય હતા. ઈ સ. 1923માં તેમણે નોકરી છોડી દીધી અને સંન્યાસી જીવન સ્વીકાર્યું. તેઓ નર્મદા નદીના  કાંઠે  નારેશ્વર ખાતે સ્થાયી થયા. વાસુદેવાનંદ સરસ્વતી તેમના આધ્યાત્મિક ગુરૂ હતા.

દત્તાત્રેયનો અવતાર:-

તેમના અનુયાયીઓ તેમની પૂજા દત્તાત્રેયના અવતાર તરીકે કરે છે. ગુજરાતમાં દત્તાત્રેયના દત્ત પંથનો ફેલાવો કરવામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો. તેમનો આશ્રમ નારેશ્વર ખાતે આવેલો છે.

બાળપણમાં લોકોને મરતાં અને મૃતદેહોને બળતા જોઈ તેમણે એમનાં પિતાને પ્રશ્ન પૂછ્યો, “તમે આ લોકોને બાળી દો છો તે એમને દાઝતું નહીં હોય?” આ સાંભળી એ બાળકનાં પિતાએ એને રામ નામનો જપ કરવા કહ્યું. ત્યારથી પાંડુરંગને પ્રભુ લગની લાગી ગઈ અને તેઓ પરંપરાગત અભ્યાસ કરવા લાગ્યા. 

આઝાદીની લડતમાં ભાગ:-

એ દરમિયાન સ્વતંત્રતા ચળવળનો પણ એમને રંગ લાગ્યો. તેઓ ગાંધીજીને મળ્યા અને એમને પણ આઝાદી મેળવવાનું ઝનૂન ચડ્યું. તેમણે પણ આઝાદીની લડતમાં ઝુકાવ્યું. ગાંધીજીના કહેવાથી તેઓ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ માટે દાખલ થયા. તે છતાં પણ તેમનું મન તો રામનામમાં જ લાગેલું રહેતું. ગુરુ ચરિત્રની પોથીનું વાંચન તો એમનું એમનાં કડક નિયમો સાથે ચાલુ જ હતું. તેમણે પોતાની રીતે આસન, ધ્યાન, યોગ, પ્રાણાયામ બધું ચાલુ જ રાખ્યું હતું. આ બધું તેઓ સવારે ખૂબ વહેલા ઊઠી કરતા હતા, આથી ઘણાં લોકોને એમની આ પ્રવૃત્તિઓની ખબર જ ન્હોતી પડતી. અંદરથી તો તેઓ અધ્યાત્મને માર્ગે જ ચાલતા હતા. 

Must Read : ગાંધીજીના જીવન પ્રસંગો

માતા પાસે સંન્યાસની આજ્ઞા:-

તેઓ ક્યાંક ફરવા પણ જતા કે કોઈક જગ્યાએ જતા તો ત્યાં પણ તેઓ એકાંત શોધી લેતા. આ એકાંત સ્થળે શોધીને તેઓ પોતાની સાધના શરુ કરી દેતા. તેમનો નાનો ભાઈને નોકરી મળી જતાં તેમણે પોતાની માતા પાસે સંસાર છોડી સંન્યાસ લેવાની પરવાનગી માંગી. માતાને આ બાબતે સમજાવવા માટે એમણે કહ્યું હતું કે જો તેઓ લગ્ન કરશે તો માત્ર એક જ વહુ તેમની માતાને પગે લાગશે, પરંતુ જો સંન્યાસ લઈને લોક કલ્યાણનાં કાર્યો કરશે તો ઘણી બધી વહુઓ તેમને પગે લાગશે. આખરે તેમની માતાએ તેમને આશિર્વાદ સાથે પરવાનગી આપી દીધી. 

દત્તબાવનીનું સર્જન:-

તેમણે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં મોટે ભાગે આધ્યાત્મિકતા અને દત્તાત્રેય ભક્તિ પર સર્જન કર્યું હતું. તેમણે દત્ત બાવનીનું સર્જન કર્યું હતું, જે ૫૨ (બાવન) કડી ધરાવતી દત્તાત્રેયની કવિતા છે અને ગુજરાતમાં લોકપ્રિય છે. પોતાનાં ભક્તની પત્નીની પીડા સહન ન થતાં તેમણે દત્તબાવની રચી હતી. તેમણે  અવધૂતી  આનંદમાં  ભજનોનો સંગ્રહ રચ્યો હતો. તેમનાં અન્ય સર્જનોમાં શ્રી ગુરુ લીલામૃત, રંગતરંગ, રંગહૃદયમ, શ્રી ગુરૂમૂર્તિ ચરિત્ર, પત્ર મંજુશા, દત્ત નામસ્મરણ, વગેરેનો સમાવેશ થાય છે.

શ્રી રંગ અવધૂત મહારાજે માનવ કલ્યાણ માટે આપેલ અવતરણો:

  • પરસ્પર દેવો ભવઃ
  • શ્વાસે શ્વાસે દત્તનામ સંકીર્તન
  • સત્યમેવ પરમ તપ

 શ્રી રંગ અવધૂત મહારાજનો વિશે ગુજરાતની જૂની પેઢી તો ઘણું બધું જાણે જ છે, પરંતુ જરુર છે નવી પેઢીને તેમને જાણવાની.

જૂની પેઢી આ મહામાનવ પ્રત્યે ઘણો આદર અને અહોભાવ ધરાવે છે. ‘પરસ્પર દેવો ભવ’નું સૂત્ર આપી તેમણે પોતાની એક સંત તરીકેની ઊંચાઈ સ્થાપિત કરી છે. ‘પરસ્પર દેવો ભવ’ એટલે તમારી સાથે જોડાયેલી પ્રત્યેક વ્યક્તિ કે જીવ દેવ છે એમ સમજવું. આમ સમજવાથી આપોઆપ જ અન્ય પ્રત્યે માન ઉપજશે અને કોઈ પણ પ્રકારનાં ઝગડા કે મનદુઃખ જેવા પ્રસંગો ઉભા થશે નહીં. 

માતાનું શૈલ સ્મારક:-

અધ્યાત્મના માર્ગે ચાલી નીકળેલા શ્રી રંગ અવધૂત મહારાજે નારેશ્વરમાં માતૃ સ્મૃતિનું સ્મારક રચ્યું છે. આ શૈલ સ્મારકની દર વર્ષે માતાજીની જન્મતિથી વખતે પરિક્રમા કાર્યક્રમ રખાય છે. ભક્તો ઉત્સાહભેર ભક્તિભાવથી આ પરિક્રમામાં ભાગ લે છે.

મૃત્યુ:-

બધે ભ્રમણ કરતા કરતા તેઓ કપડવંજ પહોંચ્યા અને ત્યાં બોલ્યા કે બસ આ આપણું છેલ્લું પરિભ્રમણ. સાચે જ તે તેમનું અંતિમ સ્થાનક બની ગયું. ત્યાંથી તેઓ હરિદ્વાર પોતાનાં આશ્રમમાં ગયા હતા. 19 નવેમ્બર 1968 (કારતક વદ અમાસ)ના રોજ હરદ્વારમાં ગંગા તટે તેમનું અવસાન થયું હતું. તેમનો મૃતદેહ નારેશ્વર લાવવામાં આવ્યો હતો અને બે દિવસ બાદ 21 નવેમ્બરના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં  આવ્યા હતા. તેમની જ ઈચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર નારેશ્વર ખાતે થાય.

Must Read : ગુરુ તેગ બહાદુરનું જીવનચરિત્ર

દત્તબાવની:-

માલા કમંડલુ લસે કર નીચલામાં ડમરુ ત્રિશૂળ વચલા કરમાં બિરાજે,
ઊંચા દ્રિહસ્તકમલે શુભ શંખચક્ર એવા નમું વિધિહરીશસ્વરૂપદત્ત||
જય યોગીશ્વર દત્ત દયાળ ! તું જ એક જગમાં પ્રતિપાળ,
અત્રી અનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગકારણ નિશ્ચિત.
બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર,
અંતર્યામી સત્ત ચિત્ત સુખ, બહાર સદગુરૂ દ્વિભુજ સુમુખ.
ઝોળી અન્નપૂર્ણા કર માંહ્ય, શાંતિ કમંડલ કર સોહાય,
ક્યાંક ચતુર્ભુજ ષડભુજ સાર, અનંતબાહુ તું નિર્ધાર.
આવ્યો શરણે બાળ અજાણ, ઊઠ દિગંબર ચાલ્યા પ્રાણ!
સુણી અર્જુન કેરો સાદ, રીઝયો પૂર્ણ તું સાક્ષાત,
દીધી રિદ્ધિ સિદ્ધી અપાર, અંતે મુક્તિ મહાપદ સાર.
કીધો આજે કેમ વિલંબ ? તુજ વિણ મુજને ના આલંબ !
વિષ્ણુશર્મા દ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાધમાં દેખી પ્રેમ,
જંભ દૈત્ય થી ત્રાસ્યા દેવ, કીધી મ્હેર ત્યાં તતખેવ,
વિસ્તરી માયા દિતિસુત, ઇન્દ્ર કરે હણાવ્યો તૂર્ત.
એવી લીલા કંઈ કંઈ સર્વ, કીધી વર્ણવે કો તે સર્વ.
દોડી આવ્યો સુતને કામ, કીધો એને તેં નિષ્કામ,
બોધ્યા યદુ ને પરશુરામ, સાધ્યદેવ પ્રહલાદ અકામ.
એવી તારી કૃપા અગાધ ! કેમ સૂણે ના મારો સાદ?
દોડ અંત, ના દેખ અનંત ! મા કર અધવચ શિશુનો અંત!!
જોઈ દ્વિજ સ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિઃસંદેહ.
સ્મૃતીર્ગામી કલિતાર કૃપાળ ! તાર્યો ધોબી છેક ગમાર.
પેટપીડાથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર.
કરે કેમ ના મારી વહાર? જો આણી ગમ એક જ વાર!!
શુષ્ક કાષ્ઠ ને આણ્યાં પત્ર ! થયો કેમ ઉદાસીન અત્ર ?
જર્જર વંધ્યા કેરાં સ્વપ્ન, કર્યાં સફળ તેં સુતના કૃત્ય,
કરી દુર બ્રાહ્મણનો કોઢ, કીધા પુરણ એના કોડ,
વંધ્યા ભેંશ દૂઝવી દેવ, હર્યું દારિદ્રય તેં તતખેવ.
ઝાલર ખાઈ રીઝ્યો એમ, દીધો સુવર્ણઘટ સપ્રેમ.
બ્રાહ્મણ સ્ત્રી નો મૃત ભરથાર, કીધો સજીવન તેં નિર્ધાર.
પિશાચ-પીડા કીધી દૂર, વિપ્ર પુત્ર ઉઠાડ્યો શૂર.
હરિ વિપ્ર મદ અંત્યજ હાથ, રક્ષ્યો ભક્ત ત્રિવિક્રમ તાત.
નિમેષ માત્રે તંતુક એક, પહોંચાડ્યો શ્રી શૈલે દેખ !
એકી સાથે આઠ સ્વરૂપ, ધરી દેવ બહુરૂપ અરૂપ.
સંતોષ્યા નિજ ભક્ત સુજાત, આપી પરચાઓ સાક્ષાત.
યવનરાજ ની ટાળી પીડ, જાતપાતની તને ન ચીડ,
રામકૃષ્ણ રૂપે તેં એમ, કીધી લીલાઓ કંઈ તેમ,
તાર્યાં પત્થર ગણિકા વ્યાધ ! પશુપંખી પણ તુજને સાધ !!
અધમ ઓધારણ તારું નામ, ગાતાં સરે ન શાં શાં કામ?
આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, ટળે સ્મરણ માત્રથી સર્વ !
મૂઠ ચોટ ના લાગે જાણ, પામે નર સ્મરણે નિર્માણ,
ડાકણ શાકણ ભેંસાસુર, ભૂત પિશાચો જંદ અસુર.
નાસે મૂટ્ઠી દઈને તૂર્ત, દત્ત ધૂન સાંભળતા મૂર્ત.
કરી ધૂપ ગાએ જે એમ, દત્તબાવની આ સપ્રેમ,
સુધારે તેના બંને લોક, રહે ન તેને કયાંયે શોક !
દાસી સિદ્ધિ તેની થાય, દુઃખ દારિદ્રય તેના જાય.
બાવન ગુરુવાર નિત નેમ, કરે પાઠ બાવન સપ્રેમ.
યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડે યમ.
અનેક રૂપે એ જ અભંગ, ભજતા નડે ન માયા રંગ !
સહસ્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છેક !!
વંદુ તુજને વારંવાર, વેદ શ્વાસ તારા નિર્ધાર !
થાકે વર્ણવતા જ્યાં શેષ, કોણ રાંક હું બહુકૃત વેષ?
અનુભવ તૃપ્તિ નો ઉદગાર, સુણી હશે તે ખાશે માર !
તપસી તત્વમસિ એ દેવ, બોલો જય જય શ્રીગુરુદેવ !

||શ્રી અવઘુતચિતન શ્રી ગુરુદેવ દત્ત ||

આ મહાન સંતને કોટિ કોટિ વંદન.🙏

 લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

આ ૫ણ વાંચો:-

  1. ભુપેન્દ્ર પટેલનું જીવનચરિત્ર
  2. લાલા લાજપતરાય નું જીવનચરિત્ર
  3. ભગતસિંહ નું જીવન ચરિત્ર
  4. સરદાર વલ્લભભાઇ ૫ટેલ નું જીવનચરિત્ર

હું આશા રાખું છું કે તમને અમારો શ્રી રંગ અવધૂત મહારાજ નું જીવચરિત્ર (rang avadhoot maharaj in gujarati) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. આ લેખ વિદ્યાર્થી મિત્રોને શ્રી રંગ અવધૂત મહારાજ વિશે નિબંધ લખવામાં ૫ણ મદદરૂપ થશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment