World Mother Language Day 2023 | કેમ ઉજવવામાં આવે વિશ્વ માતૃભાષા દિવસ જાણો શું છે ઇતિહાસ

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ કે ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા તેમજ લોકોમાં માતૃભાષા વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે આ વિશ્વ માતૃભાષા દિવસનો ઈતિહાસ શું છે? અને યુનેસ્કો દ્વારા શા માટે આ જ દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે કેમ જાહેર કરવામાં આવ્યો? જો તમે નથી જાણતા તો ચાલો આજે આપણે જાણીએ વિશ્વ માતૃભાષા દિવસનો ઇતિહાસ, મહત્વ, નિબંધ વિશે વિસ્તૃત માહિતી.

વિશ્વ માતૃભાષા દિવસનો ઇતિહાસ (History of World Mother Language Day in Gujarati)

સને. ૧૯૫૨ની વાત છે, જયારે ૨૧ ફેબ્રુઆરીના રોજ ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કેટલાક સામાજિક કાર્યકરોએ તેમની માતૃભાષાના અસ્તિત્વ માટે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જોત જોતામાં આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બની ગયુ અને તેમાં તત્કાલીન ૫ૂૂૂર્વ પાકિસ્તાન(હાલ બાંગલાદેશ) સરકારની પોલીસે દેખાવકારો પર ગોળીબાર શરૂ કર્યો. આ ઘટનામાં 16 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા.

આખા વિશ્વમાં માતૃભાષા માટે થયેલુ આ સૌપ્રથમ આંદોલન હતુ, જેમાં લોકોએ માતૃભાષા માટે પોતાના જીવની આહુતિ આપી હતી. જેથી 1999માં યુનેસ્કો (યુનાઈટેડ નેશન) એ આ માતૃભાષા ચળવળમાં શહીદ થયેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. જેથી ૨૧ ફેબ્રુઆરી ૧૯૯૯ના રોજ સૌપ્રથમવાર વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસની ઉજવણીનો વિચાર કેનેડામાં રહેતા બાંગ્લાદેશી રફીકુલ ઈસ્લામે આપ્યો હતો. તેથી જ એમ કહી શકાય કે બાંગ્લા ભાષા બોલનારાઓને તેમની માતૃભાષા પ્રત્યેના પ્રેમને કારણે આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે.

દર વર્ષે આ દિવસની અલગ થીમ હોય છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2022 ની થીમ “બહુભાષી શિક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ: પડકારો અને તકો” હતી. 2022-2032ના દાયકાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્વદેશી ભાષાઓના આંતરરાષ્ટ્રીય દાયકા તરીકે ઉજવવામાં આવશે.

યુનેસ્કોના મત મુજબ વિશ્વમાં 6000 ભાષાઓ બોલાય છે. ભારતની વાત કરીએ તો 1961ની વસ્તી ગણતરી મુજબ અહીં 1652 ભાષાઓ બોલાય છે. તેમાંથી 42.2 કરોડ લોકોની માતૃભાષા હિન્દી છે. ભારતમાં આવી 29 ભાષાઓ છે, તેમને બોલતા લોકોની સંખ્યા 10 લાખથી વધુ છે. ભારતમાં એવી સાત ભાષાઓ બોલાય છે, જેમના બોલનારાઓની સંખ્યા એક લાખથી વધુ છે. ભારતમાં એવી 122 ભાષાઓ છે, જેમના બોલનારાઓની સંખ્યા 10 હજારથી વધુ છે.

બાળપણમાં જે ભાષા સાથે આપણો સૌપ્રથમ પરિચય થાય છે, જે ભાષાકીય વાતાવરણમાં આપણે જીવીએ છીએ અને ઉછરીએ છીએ, તે ભાષાને માતૃભાષા કહેવાય છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં બોલાતી 6000 ભાષાઓમાંથી લગભગ 2680 ભાષાઓ (43 ટકા) લુપ્ત થઈ રહી છે. ભાષા લુપ્ત થવાની ગતિ એટલી ઝડપી છે કે દર મહિને લગભગ બે ભાષાઓ અદૃશ્ય(લુપ્ત) થઈ જાય છે, જેના કારણે પ્રાદેશિક સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસો નષ્ટ થવાની કગાર પર છે.

આજનો યુગ ઇન્ટરનેટ આધારિત ડિજિટલ યુગ છે જેથી ડિજિટલ ક્રાંતિમાં પાછળ રહેલી નાની ભાષાઓ આ ક્રાંતિમાં ટકી શકવા સક્ષમ નથી. ડિજિટલ પ્લેટફોર્મમાં સો કરતાં ઓછી ભાષાઓનો ઉપયોગ થાય છે. હાલમાં દરેક વ્યકીત ડીજીટલ પ્લેલેટફોર્મ ઉપયોગ કરતો થયો છે. તમે વિચાર કરો કે જો ભવિષ્ય તમામ પ્રકારના કામો ડીજીટલી બની જશે અને બીજી ભાષાઓ ડીજીટલી બની નહી શકે તો એ ભાષાના અસ્તિત્વનું શું થશે.

વૈશ્વિક સ્તરે, નાના દેશોની માતૃભાષાઓ વિવિધ પ્રદેશોમાં પ્રચલિત છે. વર્લ્ડ ડેટા ઇન્ફો અનુસાર, ભારતની સત્તાવાર ભાષા હોવા ઉપરાંત, હિન્દી સાત દેશોમાં માતૃભાષા તરીકે અગ્રણી સ્થાન ધરાવે છે. તેમાં ફિજી, ન્યુઝીલેન્ડ, જમૈકા, સિંગાપોર, ત્રિનિદાદ ટોબેગો, મોરેશિયસ વગેરે અગ્રણી છે. ભારતમાં ‘બાર ગાઉએ બોલી બલદાય એ કહેવત ભાષકીય વિવિધતાની ઓળખ આપે છે. પાપુઆ ન્યુ ગિની જેવા વિસ્તારો ઉચ્ચ ભાષાકીય વિવિધતાના ઉદાહરણો છે. 3.9 મિલિયનની વસ્તી દ્વારા લગભગ 832 ભાષાઓ બોલાય છે. આ ભાષાઓ 40 થી 50 વિવિધ ભાષા પરિવારોની છે. વિશ્વના લગભગ 60 ટકા લોકો માત્ર 30 મુખ્ય ભાષાઓ બોલે છે.

ભારતનો બહુભાષી ઇતિહાસ પણ ખતરામાં છે.

ભારત જેવા વિશાળ બહુભાષી દેશમાં 19,569 ભાષાઓ અથવા બોલીઓ માતૃભાષા તરીકે બોલાય છે. 121 કરોડની વસ્તી સાથે 121 ભાષાઓ છે જે 10,000 કે તેથી વધુ લોકો બોલે છે.

બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ 22 ભાષાઓ ભારતના 93.71 ટકા લોકોની માતૃભાષા છે. ભારતમાં 90 ટકા ભાષાઓ બોલનારની સંખ્યા એક લાખથી ઓછી છે. 1365 માતૃભાષાઓમાંથી મોટાભાગની પ્રાદેશિક ભાષાઓ છે. ભારત પ્રાચીન સમયથી બહુભાષી દેશ છે પરંતુ આ સંસ્કૃતિ પણ હવે જોખમમાં છે. ભારતમાં 430 મિલિયન હિન્દી ભાષી લોકોમાંથી માત્ર 12 ટકા લોકો દ્વિભાષી છે, જ્યારે 97 મિલિયન બંગાળી ભાષી લોકોમાંથી 18 ટકા લોકો દ્વિભાષી છે.

દેશમાં રાષ્ટ્રવાદના નામે લડી રહેલા વર્ગને જાણીને નવાઈ લાગશે કે સંસ્કૃત માત્ર 14 હજાર લોકોની માતૃભાષા છે. જો આપણે હજુ પણ વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા ડિજિટલ ક્રાંતિ લાવવાનો પ્રયાસ નહીં કરીએ તો કદાચ 22 અનુસૂચિત ભાષાઓ પણ ટકી શકશે નહીં.

આ ભારતની કમનસીબી એ છે કે આપણા લોકો તેમની માતૃભાષામાં વાત કરતા શરમાવ અનુભવે છે. જો કોઈ તેમની માતૃભાષામાં વાત કરે તો તેને અભણ-ગવાર ગણવામાં આવે છે, તેમની આવડતને ઓછી આંકવામાં આવે છે. અંગ્રેજી માનસિકતાએ ભાષાને સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડી દીધી છે. જો આપણે આપણી માતૃભાષાઓને પ્રોત્સાહન નહીં આપીએ તો ભાષાકીય વિવિધતા પોતાની મેળે ખતમ થઈ જશે.

માતૃભાષાને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

વિશ્વના કોઈ પણ દેશમાં પ્રાથમિક શિક્ષણ વિદેશી ભાષામાં આપવામાં આવતું નથી. વિશ્વના પરિપ્રેક્ષ્યમાં, લગભગ તમામ અદ્યતન અને વિકસિત દેશોમાં, શિક્ષણ, સંશોધન કાર્ય, શાસન અને વહીવટની ભાષા ત્યાંની માતૃભાષા હોય છે અને આપણા દેશમાં પણ આવી ભાવનાને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. જેથી કરીને તમામ કાર્ય આપણી માતૃભાષામાં થાય. ભારતના મહાન પુરુષો, વિનોબા ભાવે, મહાત્મા ગાંધી, પં. મદન મોહન માલવિયા, ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ જેવા શિક્ષણવિદો નો પણ આવો જ વિચાર હતો.

ભારતીય બંધારણના ઘડવૈયાઓની એવી ઈચ્છા હતી કે આઝાદી પછી ભારતનું શાસન આપણી પોતાની માતૃભાષાઓમાં ચાલે જેથી સામાન્ય જનતા શાસન સાથે જોડાયેલી રહે અને સમાજમાં સૌહાર્દ સ્થાપિત થાય અને દરેક વ્યક્તિ પ્રગતિ કરી શકે. એમાં કોઈ શંકા નથી કે ભારત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. પરંતુ એ વાત પણ સાચી છે કે આ પ્રગતિનો લાભ દેશની સામાન્ય જનતા સુધી સંપૂર્ણ રીતે પહોંચી રહ્યો નથી.

આના કારણો પર નજર કરીએ તો ખબર પડે છે કે આજ સુધી આપણે લોકો સુધી શાસનને તેમની માતૃભાષામાં લઈ જવામાં સફળ થયા નથી. આ એક મુખ્ય કારણ છે. જ્યાં સુધી આ કામ ઝડપી નહીં થાય ત્યાં સુધી કોઈ પણ ક્ષેત્રમાં દેશની સૌથી મોટી ઉપલબ્ધિ અને પ્રગતિનું કોઈ મૂલ્ય રહેશે નહીં.

આંતરરાષ્ટ્રીય નકશા પર અંગ્રેજીના પ્રભાવને નકારી શકાય તેમ નથી. પરંતુ આજે હિન્દી પણ વૈશ્વિક દોડમાં પાછળ નથી. તે માત્ર બોલચાલની ભાષા નથી, પરંતુ સામાન્ય કામથી લઈને ઈન્ટરનેટ સુધીના ક્ષેત્રમાં તેનો ખૂબ જ સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે.

ભૂતકાળમાં થયેલા અભ્યાસો અહીં દર્શાવે છે કે આપણી પોતાની ભાષા દ્વારા શિક્ષણ લેવાથી મનોવિજ્ઞાન અને વિચારોમાં સર્જનાત્મકતા આવે છે અને અઘરા વિષયો પણ સરળતાથી સમજી શકાય છે. મધ્યપ્રદેશ સરકારે જાન્યુઆરી 2022માં રાજ્યમાં મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ હિન્દી માધ્યમથી કરાવવાનો પણ નિર્ણય લીધો છે જે ખરેખર આવકાર્ય છે.

ગુજરાતી ભાષાને પ્રાધન્ય આપવા ગુજરા સરકાર દ્વારા પણ મેડિકલ ફેકલ્ટિમાં પણ તમામ વિષયો ગુજરાતી અભ્યાસક્રમમાં બનાવવા અને આવતા વર્ષથી ગુજરાતી ભાષામાં મેડિકલ અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે જે ખરેખર ગૌરવપુર્ણ છે. રાજ્યના વિવિધ તકનીકી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. 

ડૉ. અબ્દુલ કલામ સાહેબે એકવાર કહેલું કે, જે દિવસે આપણે મેડિકલ, ઇજનેરી સહિત તમામ ક્ષેત્રોનું શિક્ષણ માતૃભાષામાં જ આપીશું ત્યારે આપણે જાપાન અને ચીન જેવી વૈજ્ઞાનિક ક્રાંતિ કરીશું. હવે એ દિવસો દુર નથી એ જાણીને હૈયુ હેતથી ખીલી ઉઠે છે.

રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કરતાં કહેલું કે માતૃભાષા તો માતાનું ધાવણ છે, ને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે – મજબૂત બનાવે છે. 

આ વર્ષે આપણો દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, આ સપનાને સાકાર કરવામાં અન્ય ઘટકોની સાથે હિન્દી અને અન્ય માતૃભાષાઓએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારતમાં ઘણી ભાષાઓ છે, તેથી દેશમાં એકરૂપતા લાવવા માટે, સમગ્ર દેશમાં એક જ ભાષાનો ઉપયોગ થવો જોઈએ.

માતૃભાષા માનવીના સંંસ્કારોની વાહક છે. માતૃભાષા વિના કોઈ પણ દેશની સંસ્કૃતિની કલ્પના કરવી અર્થહીન છે. માતૃભાષા આપણને રાષ્ટ્રીયતા સાથે જોડે છે અને દેશભક્તિની લાગણી પ્રેરિત કરે છે. માતૃભાષા એ આત્માનો અવાજ છે જે દેશને લોકોને એક દોરામાં માળાના મણકાની જેમ પરોવે છે. માતાના ખોળામાં ખીલેલી ભાષા બાળકના માનસિક વિકાસ માટે પ્રથમ શબ્દોને સંચાર આપે છે. માતૃભાષા જ માનવને વિચાર અને વર્તન અંગેના અનૌપચારિક શિક્ષણ અને સમજણ આપે છે. તેથી જ બાળકનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ થાય એ વધુ ઉચિત રહેશે. (ખાસ વાંચો – માતૃભાષામાં શિક્ષણ નિબંધ)

માતૃભાષા વિશે સુવિચાર, શાયરી, કહેવતો

મા, માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ વિકલ્પ નથી.

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગૂજરાતી.- ઉમાશંકર જોશી

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત- અરદેશર ખબરદાર

“જગતની પહેલી ભાષા કઈ હતી તે હું જાણતો નથી, પણ જ્યારે જગતનો અંત થશે તે સમયે જે ભાષાઓ જીવતી હશે, તેમાંથી એક ગુજરાતી હશે.”- મનસુખલાલ મારડિયા

પૃથ્વીનાં ગાલ પર લખાયેલા ગુલાબી ગીત સમી મારી માતૃભાષા.

“મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી
પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.”-કવિ નર્મદ

સંસ્કૃત છે ધર્મની ભાષા , અંગ્રેજી વેપારે વપરાય.
હિન્દી તો છે રાષ્ટ્રભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય.- ગોવિંદ કાકા ​

હુ આશા રાખુ છું કે તમને અમારો વિશ્વ માતૃભાષા દિવસ (Matrubhasha Divas Gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ ખાસ કરીને વિઘાર્થીમિત્રોને માતૃભાષા નું મહત્વ ઉ૫રાંત વિશ્વ માતૃભાષા દિવસ, ગુજરાતી માતૃભાષા દિવસ (matrubhasha divas gujarati) અથવા તો ભણતર નુ માધ્યમ તો ગુજરાતી જ વિશે નિબંઘ લેખન માટે ખુબ જ ઉ૫યોગી નિવડશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment