પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ | paryavaran suraksha essay in gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

૫ર્યાવરણ પ્રદુષણને ડામવા અને ૫ર્યાવરણની સુરક્ષા માટે જાગૃકતા ફેલાવવાના હેતુથી પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ (paryavaran suraksha essay in gujarati) લેખન કરીશું.

પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ (paryavaran suraksha essay in gujarati) ના મુદ્દા:-

૧. પ્રસ્તાવના ૨. પર્યાવરણના મૂળભૂત તત્વો ૩. પર્યાવરણનું મલીનીકરણ ૪. ૫ મી જુનનું મહત્વ

૫. ભારત અને સ્વચ્છતા અભિયાન  ૬. ઉપસંહાર

paryavaran suraksha essay in gujarati

“ઓક્સિજન ખૂબ જ કીમતી હોવા છતાં પણ સાવ મફતમાં આપણને આપે છે એ ઝાડ…. છતાં પણ એ ઝાડને કાપતા માણસ ક્યાં ખચકાય છે, અને જિંદગીના અંતિમ સમયે તેજ ઓક્સિજન વહેચાતો લેતા માણસ ક્યાં શરમાય છે.” આજે આપણે વાત કરવાની છે પર્યાવરણ વિશે અને તેના સંરક્ષણ વિશે.  હવા, પાણી અને જમીન તેમજ આપણી આસપાસ રહેલું વાતાવરણ એ પર્યાવરણના મૂળભૂત ઘટકો છે. જો હવા, પાણી તેમજ જમીન સ્વચ્છ હશે તો જ આપણું પર્યાવરણ સ્વચ્છ રહેશે. આ ત્રણેય ઘટકોને જોડતી કડી એટલે વૃક્ષો. મનુષ્યના જીવન માટે જરૂરી એવા ઘટકો હવા પાણી તેમજ ખોરાક આપણને વૃક્ષો થકી જ મળી રહે છે વૃક્ષ જ હવાને ચોખ્ખી રાખવાનું કામ કરે છે. જમીનનું પાણી દ્વારા થતું ધોવાણ અટકાવવાનું કામ પણ વૃક્ષો જ કરે છે. વરસાદને ખેંચી લાવવાનું તેમજ તેને વરસાવવાનું કામ પણ વૃક્ષો જ કરે છે.

આમ વૃક્ષ એ પર્યાવરણનું એક અભિન્ન અંગ છે. તેથી વૃક્ષનું સંરક્ષણ એ જ પર્યાવરણનું સંરક્ષણ કહેવાય. એક વૃક્ષની વેલ્યુ આપણે કેટલી આંકી શકીએ ? એક સામાન્ય વૃક્ષ એક વર્ષમાં 20 કિલો ધૂળ શોષે છે. એક વૃક્ષ દર વર્ષે આશરે 700 કિલો ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. એક વૃક્ષ દર વર્ષે ૨૦ ટન કાર્બન ડાયોક્સાઇડ શોષે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વૃક્ષની નીચે સરેરાશ ચાર ડિગ્રી સુધી તાપમાન નીચું હોય છે. 80 કિલો પારો, લિથિયમ, લેડ વગેરે ઝેરી ધાતુના મિશ્રણને શોષવાની ક્ષમતા એક વૃક્ષ માં રહેલી છે. વર્ષે આશરે એક લાખ ચોરસ મીટર દૂષિત હવાને ફિલ્ટર કરે છે. એક વૃક્ષ જો ઘરની આસપાસ હોય તો તે acoustic વોલની જેમ કામ કરે છે, એટલે કે ધ્વનિ તેમજ ઘોંઘાટ શોષી લે છે. 

Must Read : પર્યાવરણ બચાવો નિબંધ

આપણે ઉપર જણાવ્યું તેમ એક વૃક્ષ પર્યાવરણના સંરક્ષણ માં કેટલો ઉપયોગી થઇ શકે છે એની માહિતી મેળવી તેથી જો પર્યાવરણનું સંરક્ષણ કરવું હોય તો શક્ય તેટલા વધુ ને વધુ વૃક્ષ વાવવા જોઇએ. પહેલાના સમયમાં જંગલો હતા, જેમાં વન્ય સૃષ્ટિ તેમજ જીવ સૃષ્ટિ વસવાટ કરતા હતા. જંગલો જીવ સૃષ્ટિનું રક્ષણ કરતા અને જીવ સૃષ્ટિ જંગલોનું. આમ પરસ્પર એકબીજાના સંરક્ષણથી જીવન ખુબ જ સરળતાથી પસાર થતું હતું. પરંતુ મનુષ્ય વિકાસના નામે ધીરે ધીરે જંગલોનો નાશ કરતો ગયો. આપણી નૈસર્ગિક સંપત્તિમાં હસ્તક્ષેપ કર્યો અને સંતુલન વિખરાઈ ગયું. જેના પરિણામ સ્વરૂપે કુદરતી હોનારતો થવા લાગી. પહેલાના સમયમાં જંગલો હતા, જેના કારણે વરસાદ આવતો અને ધરતી હરિયાળી રહેતી. પરંતુ મનુષ્યએ વિકાસના નામે જંગલોનો નાશ કરવાનું શરૂ કર્યું, અને ત્યાં ઊભા થયા કોંક્રિટના જંગલો. આ કોંક્રિટના જંગલો વચ્ચે મનુષ્ય રહેવા તો લાગ્યો, પરંતુ દિનપ્રતિદિન વૃક્ષોનું પ્રમાણ ઘટવા લાગ્યું. જેના કારણે વરસાદ ઓછો થતો ગયો અને પરિણામે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ.         

“ઈંટોની દીવાલ વચ્ચે ઊભું હું તરુ,

         કોંક્રિટ ના કુંડામાં હવે જીવું કે મરું ???”         

મનુષ્ય હજુ પણ વધારે વિકાસશીલ બન્યો જેના પરિણામ સ્વરૂપે ઔદ્યોગિક વસાહતો સ્થપાઇ. ઉદ્યોગો ધમધમતા થયા, મનુષ્યની સુખાકારીમાં વધારો થયો. પરંતુ હવા તેમ જ પાણી બંને મલિન થયા. વાયુ પ્રદૂષણ વધવાના કારણે વાતાવરણમાં રહેલા ઓઝોન વાયુનું સ્તર દિવસેને દિવસે ઘટવા લાગ્યું. જેના કારણે ઓઝોન વાયુના સ્તરમાં ગાબડું પડી ગયું અને પૃથ્વી પરનું વાતાવરણ તેમજ તેનું તાપમાન દિવસેને દિવસે વધવા લાગ્યા. આ જ પ્રક્રિયાને આપણે “ગ્રીન હાઉસ અસર” કહીએ છીએ. તાપમાન સતત વધવાના કારણે હિમાલયનો બરફ ધીરે ધીરે પીગળવા લાગ્યો. જેના કારણે નદીઓમાં પુર આવ્યા અને ઉત્તરાખંડ જેવી હોનારત સર્જાઈ. ઔદ્યોગિક એકમો જેમ જેમ વધતા ગયા તેમ તેમ હવાનું પ્રદૂષણ દિવસેને દિવસે વધતું ગયું. કેમિકલ બનાવતી ફેક્ટરીઓ પણ વધતી ગઈ. ક્યારેક કોઇ કેમિકલ બનાવતી ફેક્ટરીમાં લીકેજના કારણે કોઈ દુર્ઘટના થાય અને અસંખ્ય લોકો મરી જાય તો ? તેવી જ એક દુર્ઘટના એટલે કે “ભોપાલ ગેસ દુર્ઘટના” જે પર્યાવરણના હસ્તક્ષેપના ભોગે ઔદ્યોગિક વિકાસનું મોટામાં મોટું ઉદાહરણ છે.

Must Read : પર્યાવરણ એટલે શું

 ધીરે-ધીરે જંગલો કપાતા ગયા અને ઔદ્યોગિક એકમો સ્થપાતા ગયા. જેના પરિણામ સ્વરૂપે જમીન ઓછી પડવા લાગી. જેના કારણે ઔદ્યોગિક એકમોને રહેણાંક વસાહતની આસપાસ જગ્યા આપવી પડી. રહેણાંક વિસ્તારની આસપાસ ઔદ્યોગિક એકમો હોવાના કારણે લોકોને દૂષિત હવા તો મળતી જ હતી, પરંતુ રાત્રે નદી અને કેનાલમાં છોડવામાં આવતા દૂષિત પાણીના કારણે પણ તેની આસપાસ રહેતા વિસ્તારોના લોકોને ચામડીને લગતા રોગો થવા લાગ્યા. પીવાનું શુદ્ધ પાણી મળવાને બદલે કેમિકલયુક્ત પાણી મળવા લાગ્યું, જેથી કરીને હાડકાંના રોગોની સમસ્યાઓ પણ થવા લાગી. આમ ઔદ્યોગિક સુખાકારી ભોગવવાની લાલચમાં મનુષ્યએ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું. પરિણામ સ્વરૂપે પર્યાવરણનું સંતુલન ખોરવાયું, અને અંતે મનુષ્યનું જીવન જોખમાયું. 

જે બગાડ્યું છે આપણે, તેને સરખું કરવાની જવાબદારી પણ આપણી જ છે. આ વાત અંતે મનુષ્યને સમજાઈ ખરા. જેના ભાગ સ્વરૂપે ૧૯૭૨માં પાંચમી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામું પણ બહાર પાડ્યું જેના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તારીખ 5મી જૂનનો દિવસ “વિશ્વ પર્યાવરણ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તારીખ ૫મી જૂને “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.

Must Read : પર્યાવરણ નું મહત્વ નિબંધ

આ તો થઈ વૈશ્વિક સ્તરની વાત. પરંતુ ભારત જેવા વિકાસશીલ દેશમાં એક સામાન્ય નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? પર્યાવરણના સંરક્ષણમાં આપણે કેવી રીતે સહભાગી થઇ શકીએ, તેના માટે ભારતના પ્રધાનમંત્રી દ્વારા ચલાવવામાં આવતું સૌથી મોટું અભિયાન એટલે કે “સ્વચ્છતા અભિયાન”. જે પર્યાવરણના સંરક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. પર્યાવરણના સંરક્ષણમાં વ્યક્તિગત રીતે જોવા જઇએ તો મારો ફાળો કેટલો ? હું બીજું કંઇ ના કરી શકું, પરંતુ ત્રણ વાતો તો ચોક્કસથી કરીશ.         

૧. બિનજરૂરી પાણીનો વ્યય નહીં કરું 

૨. ભવિષ્યની સુરક્ષા માટે વૃક્ષોનું જતન કરીશ

૩. શક્ય હોય તેટલો ઇકો ફ્રેન્ડલી બનવાનો પ્રયત્ન કરીશ  

હવે આ ત્રણેય વાતોને વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ.

૧. બિનજરૂરી પાણીનો વ્યય નહીં કરું : ઘરનું આંગણું જોવા માટે જરૂર કરતાં વધારે પડતા પાણીનો ઉપયોગ નહીં કરું. ફુલછોડમાં તેમજ બગીચામાં આડેધડ પાણી છાંટવાને બદલે ટપક સિંચાઈ કે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીશ. ઘરના અન્ય કામ કરતી વખતે જરૂર ન હોય તે બધા જ પાણીના નળ વ્યવસ્થિત બંધ છે કે નહીં તેનું ધ્યાન રાખીશ. શાકભાજીના કચરાને આડો અવળો ફેંકવા ને બદલે એક જગ્યાએ એકઠો કરી તેનો કુદરતી ખાતર બનાવી અને જમીનની ફળદ્રુપતા વધારવા નો પ્રયત્ન કરીશ.

૨. ભવિષ્યની સુરક્ષા માટે વૃક્ષોનું જતન કરીશ : ઘર કે ઓફિસ ની આસપાસ ખાલી પડેલી જગ્યામાં વૃક્ષો અવશ્ય ઉછેરીશ. જો ઘરની આસપાસ જગ્યા ઓછી હોય તો કિચન ગાર્ડન પણ વિકસાવીશ. મારા રહેઠાણ વિસ્તારની આસપાસ ગેરકાયદેસર રીતે વૃક્ષોનું છેદન થતું હોય તો તેને અટકાવવાનો પ્રયત્ન કરીશ તેમ જ સંબંધિત વિભાગને તેની જાણ કરીશ. જો અનિવાર્ય સંજોગોમાં વૃક્ષો કાપવા જ પડે તો સામે તેટલા જ વૃક્ષો અથવા તેનાથી વધારે વૃક્ષો વાવવાનો પ્રયત્ન કરીશ.

Must Read : વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ

૩. શક્ય હોય તેટલો ઇકોફ્રેન્ડલી બનવાનો પ્રયત્ન કરીશ : ખુલ્લો કચરો બાળી ને હવા પ્રદૂષણ કરવાને બદલે તેનું જૈવિક ખાતર બનાવી જમીનની ફળદ્રુપતા વધારવા નો પ્રયત્ન કરીશ. શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકની બેગ ના બદલે કાગળની બેગનો વપરાશ કરીશ. જમીનને કૃત્રિમ ખાતરના નુકસાનથી બચાવવા માટે ખેડૂતોમાં ઓર્ગેનિક ખેતી વિશે સમજણ પેદા થાય તેવા પ્રયત્નો કરીશ. જરૂર ન હોય તેવા સમયે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બંધ રાખી વીજળીનો વ્યય થતો બચાવીશ. ખાસ પ્રસંગોએ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરી વધુ વૃક્ષો વાવવાનો પ્રયત્ન કરીશ. ભેટસોગાદ તરીકે આપવામાં આવતી પાશ્ચાત્ય સંસ્કૃતિની વિવિધ વસ્તુઓ ને ત્યજી, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વિવિધ પ્રકારના ફૂલછોડને ભેટસોગાદ તરીકે આપવાની પ્રથાનો સ્વીકાર કરીશ.

માણસ અને વૃક્ષ વચ્ચે એક કરાર થયો છે, કે જ્યાં સુધી જીવશે, એકમેકને રાખશે.

 જો વૃક્ષ મરશે, તો માનવી એને કાપશે…. 

જો માનવી મરશે, તો વૃક્ષ એને બાળશે….

આમ અંતે એટલું જ કહીશ કે હું પર્યાવરણના સંરક્ષણ માં શક્ય તેટલો મારો ફાળો આપીશ અને બીજાને તે અંગે માહિતગાર કરી તે વ્યક્તિ પણ પર્યાવરણના સંરક્ષણ માં પોતાનો ફાળો આપે તેવા પ્રયત્ન કરાવીશ.

લેખક- “નિષ્પક્ષ”  (પુષ્પક ગોસ્વામી)  ઈન્સ્ટાગ્રામ : nishpaksh3109 

હું આશા રાખું છું કે તમને અમારો પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ (paryavaran suraksha essay in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment