નીલ મોહન YouTube ના નવા CEO: નીલ મોહન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં સ્નાતક છે. તેઓ 2008માં ગૂગલમાં જોડાયા હતા અને 2015માં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર બન્યા હતા.
ભારતીય-અમેરિકન નાગરિક નીલ મોહન ગૂગલની વીડિયો સર્વિસ પ્રોવાઈડર કંપની યુટ્યુબના આગામી સીઈઓ હશે. તેઓ સુસાન વોજસિકીનું સ્થાન લેશે, જેઓ નવ વર્ષના કાર્યકાળ બાદ રાજીનામું આપી રહ્યા છે. સુસાન વોજસિકીએ 25 વર્ષ સુધી ગૂગલની સેવા આપી છે.
નીલ મોહન ભારતીય-અમેરિકન એક્ઝિક્યુટિવ્સની ક્લબમાં જોડાશે જેઓ વિશ્વની કેટલીક મોટી ટેક જાયન્ટ્સમાં ટોચના હોદ્દા ધરાવે છે. નીલ મોહન હવે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, એડોબના સીઈઓ શાંતનુ નારાયણ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ સહિત યુએસ વૈશ્વિક જાયન્ટ્સના ભારતીય મૂળના CEOની ટોચની યાદીમાં જોડાશે. ઈન્દ્રા નૂયીએ 2018 માં પદ છોડતા પહેલા 12 વર્ષ સુધી પેપ્સિકોના સીઈઓ તરીકે પણ સેવા આપી હતી.
નીલ મોહને માઇક્રોસોફ્ટ સાથે પણ કામ કર્યું છે. તેઓ જીનોમિક્સ અને બાયોટેકનોલોજી કંપની 23andMeના સ્ટીચ ફિક્સના બોર્ડમાં પણ રહી ચૂક્યા છે. તેમણે લગભગ છ વર્ષ સુધી ડબલ ક્લિકમાં પણ સેવા આપી છે. આ કંપનીને ગૂગલે 2007માં હસ્તગત કરી હતી. ત્યારબાદ મોહને લગભગ આઠ વર્ષ સુધી ગૂગલની વિડિયો એડવર્ટાઇઝિંગ વિંગમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી.