Advertisements

વિશ્વ ચકલી દિવસ | world sparrow day in gujarati

આજે વિશ્વ ચકલી દિવસ છે. દુનિયાભરમાં લુપ્ત થઈ રહેલી ચકલીઓ અને અન્ય પક્ષીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વર્ષ 2010થી દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે. દર વર્ષે આ દિવસની થીમ અલગ અલગ હોય છે. ગયા વર્ષની થીમ હતી,”I love sparrow.” આ વર્ષની થીમ હજુ જાહેર કરવામાં આવી નથી.

વિશ્વ ચકલી દિવસ અથવા ચકલી વિશે નિબંધ

જેમ જેમ શહેરીકરણ વધતું ગયું અને ગામડાંઓ ઘટતાં ગયાં તેમ તેમ કોંક્રિટનાં જંગલો વધતા ગયા. આને પરિણામે ચકલીઓ જે ઘરનાં છાપરા પર, નળીયાની બખોલમાં કે ઘરમાં લટકાવેલ ફોટો ફ્રેમ પાછળ જે માળો બાંધતી હતી એ બંધ થઈ ગયું. હવે તો શહેરોમાંથી ચકલીઓ લગભગ અદ્રશ્ય થઈ ગઈ છે. જો આમ જ ચાલતું રહેશે તો ભવિષ્યમાં બાળકો ચકલીને માત્ર પુસ્તકમાં એક પ્રકરણ સ્વરૂપે જ જાણી શકશે.

ચકલીનાં અસ્તિત્વને બચાવવા માટે ઘરમાં એક નાનું કૃત્રિમ ચકલીઘર બનાવીએ કે જેથી ચકલીઓ ત્યાં આવે, ઈંડા મૂકે અને એનાં બીજા બચ્ચા થાય. ચકલીની વસ્તી વધારવા આટલું તો આપણે કરી જ શકીએ છીએ. આ ઉપરાંત, ઘરની છત પર કે અન્ય જગ્યાઓએ પક્ષીઓને ચણ નાખીએ તેમજ પાણીની વ્યવસ્થા કરીએ.

ચકલી જે માણસોના કારણે જ અત્યારે આ લુપ્ત થતી જાતિઓની યાદીમાં આવી ગઈ છે. પંખીનું મહત્ત્વ સમજીને તેની જાળવણી કરવી જોઈએ. 

ઘર ચકલી ડોમેસ્ટિકસ કેટેગરીમાં આવતું એક પક્ષી છે. ચકલી યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે. આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં માણસ ગયો, ત્યાં આ પક્ષીએ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો, આફ્રિકાનાં કેટલાંક સ્થાનો, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાનાં ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું.

Must Read : મોર વિશે નિબંધ

શહેરી ઈલાકાઓમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે, તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે. આમાંથી હાઉસ સ્પૈરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગૌરૈયા કહેવામાં આવે છે.

વિશ્વ ચકલી દિવસ
વિશ્વ ચકલી દિવસ

આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજના સમયમાં ચકલી વિશ્વમાં સૌથી અધિક પ્રમાણમાં જોવા મળતાં પક્ષીઓમાંથી એક પક્ષી છે. લોકો જ્યાં પણ ઘર બનાવે છે ત્યાં ચકલી પોતાનો માળો બાંધે છે.

પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની સંખ્યા ઘટી રહી છે. આધુનિક સ્થાપત્યની બહુમાળી ઈમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી.

સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે કરિયાણાવાળાની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. આ ઉપરાંત મોબાઈલ ટાવરોમાંથી નિકળતા તરંગો પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે

ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે. જે ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. ખોરાક અને માળાની જગ્યા શોધવા માટે ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે. તેના કારણે માનવ વસ્તી સાથે હળીભળી ગયેલી ચકલી આપણને હવે રહેણાંક વિસ્તારોમાં ખાસ જોવા મળતી નથી. જો ચકલીને બચાવવાના પ્રયત્નો કરવામાં ન આવે તો આવનારી પેઢી ચકલીને માત્ર ફોટામાં અને ગુગલ પર જ શોધી અને જોઈ શકશે. ચકલીની ચીં ચીં પાછી લાવવા પક્ષીપ્રેમીઓ મેદાને પડ્યા છે. 

ચકલીના સ્વભાવની કેટલીક ખાસિયતો:-

સાંજના સમયે રાતવાસો કરતા પહેલાં દુરથી સાંભળી શકાતી ખાસ પ્રકારની ચિચિયારી કરી વાતાવરણ ગજવી મૂકતી ચકલીમાં નર અને માદા દેખાવમાં અલગ પડે છે.

નરમાં પીઠના ઉપરના ભાગે વધારે બ્રાઉન રંગ હોય છે. દાઢી અને છાતી પર કાળું ધાબુ તેમજ કાળી પહોળી ચટ્ટી ચાંચથી ઓડ સુધી લંબાયેલ છે. નર ખૂબ જ કજીયાખોર અને ઝગડું હોય છે. નર અરીસામાં પોતાનાં પ્રતિબિંબને હરિફ નર સમજીને ચાંચ મારે છે.

ચકલા ઝગડો કરવામાં મશગુલ હોય ત્યારે સહેલાઇથી હાથથી પકડી શકાય છે. અનેક ચકલી બિલાડી અને શિકારી પક્ષીનો ભોગ બનતી હોય છે. 

તે વારંવાર સંવનન કરતા જોવા મળે છે.

મોટા ભાગે માદા ચકલી નરને સંવનન કરવા આકર્ષિત કરતી હોય છે. ખૂબ જ બચ્ચા પેદા કરતું પક્ષી છે. 

સમગ્ર વર્ષ દરમિયાન માળો સામાન્ય રીતે દિવાલ કે ઝાડના કાણામાં બનાવે છે. જ્યારે કોઈ ઘર કે રહેઠાણ મળે ત્યારે કોઇપણ ખૂણે માળો બનાવવા માટે ઘાસના તાંતણા અને મુલાયમ પીછા ભેગા કરે છે. માળામાં ઘાસ લટકતું જોવા મળે છે. માળામાં ઘાસનો ઢગલો કરી વચ્ચે મુલાયમ પીંછા પાથરે છે. જેમાં 4 થી 6 ઇંડા મૂકે છે, જે સફેદ અને લંબગોળ હોય છે. લગભગ 18 દિવસ પછી બચ્ચા ઇંડામાંથી બહાર નીકળે છે. માળો દુર કરવામાં આવે તો ફરી વધારે જોશથી બનાવે છે. 

પક્ષીવિદોના જણાવ્યા પ્રમાણે ચકલીઓની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો થયો છે. રોયલ સોસાયટી ઓફ પ્રોટેક્શન ઓફ બર્ડ્સે ભારતના જુદા જુદા ભાગોમાં સર્વે કરીને ચકલીને રેડ લિસ્ટમાં મૂકી છે. 

ચકલીને માત્ર વિશ્વ ચકલી દિવસના જ યાદ કરાય છે. પરંતુ કેટલાક પક્ષી પ્રેમીઓ ચકલીને  બચાવવા માટે અવનવા પ્રયત્નો કરે છે.

વિશ્વ ચકલી દિવસ
વિશ્વ ચકલી દિવસ

શહેરની વધતી જતી વસ્તી અને પ્રદુષણનાં કારણે પક્ષીઓ વિસરાઈ રહ્યા છે. તેવી જ રીતે ચકલી ની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પક્ષીપ્રેમીઓ માટે આ ચિંતાનો વિષય છે. પક્ષીઓને બચાવવા અથાગ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે .

પક્ષીઓનું ઘર હોય છે વૃક્ષ પરના માળા. પરંતુ વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. જેથી નાના મોટા પક્ષીઓને માળા બાંધવા માટે જગ્યા મળતી નથી જેને કારણે ચકલીઓ ધીમે ધીમે વિસરાતી જાય છે. 

ચકલીપ્રેમી અને પક્ષીવિદોની જહેમતથી લોકોમાં જાગૃતિ આવી છે. પોતાનાં ઘર અને મંદિરમાં ચકલીના માળા લગાવી ચકલીઓની રખેવાળી શરુ કરાઈ છે. જેના કારણે આજે શહેરના મોટાભાગના વિસ્તારમાં ચકલીઓ આવતી થઇ છે.

એક સમય હતો કે જયારે જુનવાણી મકાનો હતા જેમાં નળિયા કે પીઢયા હતા અને મકાનોની બાંધણીના કારણે ચકલીઓને પોતાના માળા માટે જગ્યા મળી રહેતી હતી. પરંતુ આજે સિમેન્ટનાં મકાનોને કારણે ચકલીઓને વસવાટ કરવો મુશ્કેલ બની ગયો છે. જેથી ચકલીઓ શહેરથી દૂર રહેવાનું પસંદ કરે છે .

પોરબંદર પક્ષી નગર તરીકે ખ્યાતિ પામ્યું છે. વર્ષ દરમિયાન વિદેશી પક્ષીઓ પણ વિચરવા આવે છે. તેની સામે આપણી ભારતીય ચકલીઓની સંખ્યામા ઘટાડો ચિંતાજનક છે.

ચકલીઓ ભલે વિસરાઇ રહી હોય, પરંતુ ચકલીને બચાવવા માટે થઇ રહેલા આ પ્રયાસ સરાહનીય છે.જો આ પ્રયાસમાં સૌ કોઇ જોડાઇ તો ચકલીની ચીચી ફરી એકવખત એવી જ સાંભળવા મળશે જે પહેલાના સમયમાં સાંભળવા મળતી હતી.

20 માર્ચ ઍટલે વિશ્વ ચકલી દિવસ. આધુનિકરણ અને શહેરીકરણને કારણે ચકલીઓ લુપ્ત થતી જાય છે ત્યારે અમદાવાદમાં એક એવી વ્યક્તિ છે જે લુપ્ત થતી ચકલીની સંખ્યામાં વધારો થાય તેવી પ્રવૃત્તિ કરે છે.

એક સમય હતો જ્યારે ઘરના આંગણામાં ચીચી કરતી ચકલી જોવા મળતી.

Must Read : પોપટ વિશે નિબંધ

જોકે હવે તેના દર્શન દુર્લભ થઈ ગયા છે.ચકલી જાતે માળો બનાવતી નથી કોઈ બખોલ કે ખુણામાં ઘાસના તણખલા વચ્ચે રહે છે.

વિશ્વ ચકલી દિવસ
વિશ્વ ચકલી દિવસ

આધુનિક સમયમાં ઘરમાં આ પ્રકારની જગ્યાના રહેતા તેમજ ગ્રીનરી ઘટતા દાણા, પાણી ન મળતા ચકલીઓની સંખ્યા પર અસર થઈ છે.

અમદાવાદમાં શ્યામલ વિસ્તારમાં રહેતા જગતભાઇ કીનખાબવાળા ઈ. સ. 2008થી ચકલી બચાવો અભિયાન ચલાવી રહ્યા છે અને તેઓને આ પ્રયાસોમાં  સફળતા પણ મળી છે.

જગતભાઇ માળા વિતરણ કરે છે અને માળા બનાવાના વર્કશોપ પણ કરે છે. ઈ. સ. 2011થી અત્યારસુધીમાં તેઓએ 57 હજાર કરતા વધુ માળાનું વિતરણ કર્યુ છે. તેમના આ ઉમદા કાર્યની નોંધ લઇને તેનો ઉલ્લેખ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબે મન કી બાત કાર્યક્મમાં પણ કર્યો હતો

મેનેજમેન્ટ કન્સલ્ટિંગનું કાર્ય કરતા કિનખાબવાળાએ વર્ષ 2008માં લંડન દ્વારા ચકલીઓ ઘટી રહી હોવા અંગેનો અહેવાલ પ્રગટ કરાયો. ત્યારથી તેઓએ ચકલીઓને બચાવવાની કામગીરી શરૂ કરી.

જગતભાઇનું માનીએ તો અમદાવાદમાં ચંડોળ, આસ્ટોડિયા, બોપલ, પ્રહલાદનગર, સેટેલાઇટ જેવા વિસ્તારમા ચકલીઓની સંખ્યા વધી છે. આમ તો ચકલીએ માઇગ્રેટરી પક્ષી નથી. પરંતુ  BNHSના સર્વે પ્રમાણે રાજસ્થાનના ભરતપુરની ચકલી કઝાકીસ્તાન ગઇ હતી.

ચકલીની કેટલીક બાબતો પર નજર કરીએ તો વિશ્વમાં કુલ 169 પ્રકારની ચકલીઓ છે જેમાંથી ભારતમાં 62 પ્રકારની ચકલીઓ જોવા મળે છે

એક ચકલી રોજ ચારથી પાંચ ગ્રામ દાણા ખાય છે અને ચાર ચમચી પાણી પીવે છે. તેનુ વજન 25થી 30 ગ્રામ હોય છે. તેની લંબાઇ 22 સેમી છે. ચકલી 15 દિવસમાં ઉડતા શીખી જાય છે

ફેબ્રુઆરીથી જુનની વચ્ચે તે પ્રજનન કરે છે. ચકો મેટીંગ માટે ચકીને અવાજ કરીને બોલાવે છે પણ ધ્વનિ પ્રદુષણને કારણે ચકી તે અવાજને સાંભળી શકતી નથી.

એવી ઘણી વસ્તુઓ છે જે બદલાતા સમયમા દુર્લભ બનતી જાય છે. જેમા નાનકડા પક્ષી ચકલીનો  સમાવેશ થાય છે. એ સમય બહુ દુર નથી જ્યારે આવનાર પેઢીને ચકલી અંગે માહિતી આપવી હશે તો પ્રાણી સંગ્રહાલય કે પક્ષીની તસ્વીરનો સહારો લેવો પડશે. આ પક્ષીના લુપ્ત થવા માટે  બીજુ કોઇ નહી પણ આપણે પોતે જવાબદાર છીએ.જો હજી પણ જાગૂત નહી થઇએ તો બીજા પક્ષીઓની પણ આવી જ સ્થિતિ થશે. 

Must Read : પશુ પ્રેમ નિબંધ

ચકલી એટલે નાના બાળકોનું મન ગમતું પક્ષી. ચકલી એટલે બાળપણની યાદો તાજી કરતું પક્ષી. ભારત દેશને પણ સોને કી ચીડિયા ની ઉપમા આપવામાં આવે છે. એજ ચકલી હવે કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઇ છે.

જંગલ કપાતા ગયા અને આંગણાનું આ પક્ષી પણ ખોવાતું ગયું છે. .ત્યારે આ ચકલીને લુપ્ત થતી બચાવવા માટે ચકલીને બચાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચકલીઓના માળાનું વિતરણ કરી રહી છે

થોડા વર્ષો પહેલા જ ઘરમાં ચકલીની ચી ચી સુમધુર સંગીત રેલાવતી હતી. પરંતુ કોન્ક્રીટના જંગલમાં શહેરોની સાથે હવે ગામડાઓમાંથી પણ ચકલીઓ ધીરેધીરે લુપ્ત થતી જાય છે.

આથી આવનારી પેઢી માત્ર ફોટામાં જ નહીં ચકલીને જોઇને નહીં, પરંતુ ઘરમાં જ ચકલીની ચીચી સાંભળે તેવા પ્રયાસના ભાગ રૂપે આ માળાનું વિતરણ કરાઇ રહ્યુ છે.

ત્યારે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ (world sparrow day)ની ઉજવણી કરીને એક દિવસ માટે ચકલીની જાળવણી કરવા કરતા જો આખુંયે વર્ષ આ નાના પક્ષીની કાળજી લેવાય તો આ લુપ્ત થતા જીવેને બચાવી શકાશે.

આવનારી પેઢીને માત્ર સંપત્તિ અને સંસ્કારનો જ વારસો ન આપતાં વન્યજીવો અને કુદરતી સૌંદર્ય પણ આપવાનો પ્રયત્ન કરીએ.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

હું આશા રાખું છું કે તમને અમારો વિશ્વ ચકલી દિવસ (world sparrow day in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Leave a Comment